ગુજરાતનું ગૌરવ એવી ફોરેન્સિક યુનિવર્સીટી હવે સમગ્ર ભારતનું ગૌરવ બનશે!

0
375

દેશના યુવાધનને જોતાં સરકાર દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે નવા અને જરૂરી ફેરફારો અમલમાં લાવવામાં આવ્યા છે. ચોમાસું સત્ર શરૂ થતાં સંસદમાં અનેક બહુમૂલ્ય પ્રશ્નો પર ચર્ચાઓ અને ખરડાઓ પસાર થઈ રહ્યા છે. તેવામાં ગયા સોમવારે, લોકસભામાં ગુજરાતવાસીઓ માટે ખૂબ જ ગર્વના અને વિદ્યાર્થીઓ માટે એક સોનેરી તક સમાન ફેરફારો સાથેનું બિલ પસાર થયું છે.

વિશ્વની સૌ પ્રથમ તથા ફક્ત ફોરેન્સિક વિભાગ અને તપાસ વિજ્ઞાનને સમર્પિત ‘ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી’ (GFSU) એ ગાંધીનગર ખાતે આવેલી એક રાજ્ય યુનિવર્સિટી હતી, જે હવે ‘નેશનલ ફોરેન્સિક સાઇન્સ યુનિવર્સિટી’ બનશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી, જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે, દીર્ઘ દ્રષ્ટિ પૂર્વક રાજ્યમાં ફોરેન્સિક સાયન્સનો વ્યાપ વધે તે માટે થઈને ગાંધીનગર, સેક્ટર-9 ખાતે ‘ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી’ ની 30 સપ્ટેમ્બર, 2008ના રોજ ગુજરાત વિધાનસભામાં પસાર કરવામાં આવેલા કાયદા-17 દ્વારા સ્થાપના કરી હતી.

ગુજરાત માટે ગર્વના સમાચાર છે કે, ‘ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી’ને ઇન્સ્ટિટ્યુટ ઑફ નેશનલ ઇમ્પોર્ટન્સનો દરજ્જો અપાયો છે. અને તેનું કેન્દ્રીય વડું મથક ગાંધીનગર ખાતે જ રહેશે.

આ સાથે સાથે, ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2009માં ગાંધીનગરના લાવડ ગામ ખાતે સ્થાપિત કરેલી ભારતની પ્રથમ આંતરિક સુરક્ષા સંસ્થા, ‘રક્ષા શક્તિ યુનિવર્સિટી’ને પણ હવે ઇન્સ્ટિટ્યુટ ઑફ નેશનલ ઇમ્પોર્ટન્સનો દરજ્જો અપાયો છે.

આ યુનિવર્સિટી પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હસ્તે શરુ કરવામાં આવી હતી, જે હવે કેન્દ્ર સરકાર હસ્તક કામ કરશે અને તેનું પણ નામ બદલીને હવે ‘રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી’ કરવામાં આવશે.

આ જરૂરી ફેરફારોને લઈને બનેલા બિલને માર્ચ મહિનાના અંતિમ સેશન દરમ્યાન મૂકવામાં આવ્યું હતું.

ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડી દ્વારા સોમવારે આ બિલને લઈને ફરી દરખાસ્ત કરવામાં આવી હતી અને કોઈપણ ચર્ચા વિના બિલ પાસ થયું હતું.

રાષ્ટ્રીય દરજ્જા બાદ GFSU માં વિવિધ કેન્દ્રીય સંસ્થા, કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો અને વિદેશી સંસ્થાઓ પાસેથી રિસર્ચ અને કન્સલ્ટન્સિંગ પ્રોજેક્ટ મેળવવામાં પણ સરળતા રહેશે.

તથા કેન્દ્ર સરકાર તરફથી આ યુનિવર્સિટીને 100 ટકા ગ્રાન્ટ પણ ફાળવવામાં આવશે.

ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કેન્દ્ર સરકારના આ મહત્વના નિર્ણય માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તથા ગુજરાતનાં વર્તમાન મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીનો આભાર વ્યક્ત કરતા કર્યો હતો.

મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ યુનિવર્સિટીના કામોને તેમજ તેના મહત્વને ધ્યાનમાં લેતા જણાવ્યું હતું કે,

આ યુનિવર્સિટી દેશ અને દુનિયા માટે મહત્વની પૂરવાર થશે. આજનાં ડિજિટલ યુગના સમય-ગાળામાં ફોરેન્સિક સાયન્સ જેવા વિષય અંગેની નેશનલ ઈમ્પોર્ટન્સ ધરાવતી સંસ્થા આપણા રાજ્યમાં છે. જેનું મુખ્ય કાર્યક્ષેત્ર શિક્ષણની સાથે પ્રિવેન્શન ઓફ ક્રાઈમ, ઝડપી ક્રાઈમ ઇન્વેસ્ટીગેશન અને જસ્ટીસ ડિલિવરી સિસ્ટમને મજબૂત બનાવવા અંગેનાં રીસર્ચ અને ટ્રેનિંગનું છે. રાજ્ય સરકારની આ ક્ષેત્રે વિકાસ કરવાની પ્રતિબધ્ધતાના કારણે આ કેન્દ્રિય યુનિવર્સિટીનો દરજ્જો પ્રાપ્ત થયો છે. જેના પરિણામે દેશ-વિદેશના આ ક્ષેત્રે સંકળાયેલા લોકોને સીધો લાભ મળશે.

મંત્રીશ્રીના કહેવા પ્રમાણે, માત્ર 10 વર્ષના ટૂંકા સમયગાળામાં આ સંસ્થાએ દેશ-વિદેશનાં 10,000થી વધુ પોલીસ ઓફિસર્સ, ફોરેન્સિક સાયન્સનાં એક્સપર્ટસ, જ્યુડીશરીનાં સભ્યોને ગુન્હા સંશોધન અને સિક્યુરીટીને લગતા વિવિધ વિષયોમાં તાલીમ આપી છે.

GSFU એ 58 દેશ સાથે MOU કર્યા છે. જે અંતર્ગત તાલીમ ઉપરાંત ફોરેન્સિક લેબોરેટરી સ્થાપવામાં પણ આ યુનિવર્સિટી દ્વારા મદદ કરવામાં આવી રહી છે.

એ જ રીતે દેશના વિવિધ રાજ્યો ઉપરાંત બાંગ્લાદેશ મ્યાનમાર, માલદિવ, ઝિમ્બાબ્વે, રવાન્ડા, યુગાન્ડા, ત્રિનીદાદ અને ટોબેગો જેવા દેશમાં ઓફ-શોર કેમ્પસ સ્થાપવાની અનેક દરખાસ્તો પણ આ યુનિવર્સિટી પાસે આવે છે.

આ યુનિવર્સિટી દ્વારા હવે દેશમાં ઑફ-કેમ્પસ સેન્ટર તથા વિદેશમાં ઓફ-શોર કેમ્પસની સ્થાપના કરી શકાશે. જેનાથી ફોરેન્સિક સાયન્સનાં શિક્ષણ, રિસર્ચ, ટ્રેનિંગ અને કન્સલ્ટન્સીનો વ્યાપ દેશ અને દુનિયામાં વધારવા માટે  ગુજરાત સ્થિત આ શૈક્ષણિક સંસ્થા પાયારૂપ બનશે.

ગુજરાત સ્થિત આ શૈક્ષણિક સંસ્થા ફોરેન્સિક સાયન્સનાં વિષયમાં દેશભરની એકમાત્ર એવી પ્રમુખ સંસ્થા તરીકે સુકાન સંભાળશે.

આ બને યુનિવર્સિટી અંતર્ગત વિદ્યાર્થીઓને આપવામાં કોર્સ વિષેની સંપૂર્ણ વિગતવાર માહિતી નીચે આપેલી વેબસાઇટ લિન્ક પર મળી રહેશે.

ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (GFSU) વેબસાઇટ: https://www.gfsu.edu.in/

રક્ષા શક્તિ યુનિવર્સિટી (RSU) વેબસાઇટ: https://rsu.ac.in/many-courses/

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here