IPL 2020 | M 6 | RCB કે એલ રાહુલ સામે 23 રને હાર્યું!

0
319

પહેલી મેચમાં હારતાં હારતાં જીતેલું રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ કિંગ્સ ઈલેવન પંજાબ સામે અત્યંત ખરાબ રીતે હારી ગયું એટલુંજ નહીં તેનો આ દેખાવ તેની આવનારી મેચો પર પણ અસર કરી શકે છે.

ગઈકાલની આ  મેચ કે એલ રાહુલની ઐતિહાસિક બેટિંગ માટે તો યાદ રાખવામાં આવશે જ પરંતુ આ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ એટલેકે RCBના અત્યંત કંગાળ દેખાવ માટે પણ એટલી જ યાદ રાખવામાં આવશે. જ્યારે ટીમનો કેપ્ટન ખુદ બે મહત્ત્વના કેચ છોડી દે ત્યારે ટીમના અન્ય સભ્યો પાસેથી સારો દેખાવ કરવાની આશા બિલકુલ ન રખાય.

RCBનો દેખાવ અત્યંત ખરાબ જ ન હતો પરંતુ આ પ્રકારના દેખાવથી ટીમ કેટલી લડાયક છે કે નહીં તેનો ખ્યાલ આવતો હોય છે અને આ પરીક્ષામાં પણ RCB નિષ્ફળ નીવડ્યું છે. એવું નથી કે IPLના ઇતિહાસમાં ક્યારેય 207ની આસપાસનો ટાર્ગેટ સફળતાપુર્વક સિદ્ધ નથી થયો. આ જ RCBએ વર્ષો પહેલા પોતાના હોમ ગ્રાઉન્ડ પર 203 જેટલો ટાર્ગેટ એચીવ કર્યો છે.

જેમ RR અને CSKની મેચના રિવ્યુમાં આપણે વાત કરી હતી કે જો CSK RRના ટાર્ગેટની નજીક પહોંચ્યું હતું તો પણ મેચ જોવાની એટલી મજા ન આવી કારણકે CSKએ રનચેઝ બહુ મોડો શરુ કર્યો હતો. પરંતુ આ મેચમાં તો જાણેકે RCBને આટલા બધા રનની નજીક જવાની ઈચ્છા પણ ન હોય એવું લાગી રહ્યું હતું. કોઇપણ પ્રકારની રણનીતિ અથવાતો જ્યારે એક તરફ વિકેટો પડી રહી હોય ત્યારે એકાદ ઓવર સંભાળીને રમીને પછી આક્રમક થવાની વાત અહીં ક્યાંય દેખાઈ નહીં.

સામે પક્ષે KXIPના કેપ્ટન કે એલ રાહુલે SRHની નિષ્ફળતામાંથી ધડો લેતા યુઝવેન્દ્ર ચાહલની છેલ્લી ઓવર સંભાળીને રમી નાખી હતી તો પણ તેની ટીમને તેણે 200 ઉપરના સ્કોરે પહોંચાડી દીધી હતી. આટલી મેચ્યોરીટી જો આ યુવા ખેલાડી દેખાડી શકતો હોય તો RCBમાં તો કોહલી સહીત ઘણા બધા અનુભવી ખેલાડીઓ છે એ આ પ્રકારની રમત કેમ ન દેખાડી શક્યા?

કે એલ રાહુલને ભલે વિરાટ કોહલીએ બે વખત ડ્રોપ કર્યો હતો પરંતુ તેની સંપૂર્ણ ઇનિંગ કોઇપણ ક્રિકેટ ચાહકને પછી તે KXIPને સપોર્ટ કરતો હોય કે ન કરતો હોય, આનંદ આપવા માટે સક્ષમ હતી. કે એલ રાહુલ અમસ્તો પણ T20નો જ ખેલાડી વધુ માનવામાં આવે છે અને તેની એ ક્ષમતા તેણે ગઈકાલે સાબિત કરી આપી હતી. રાહુલની ધમાકેદાર બેટિંગને કારણે તેના સાથીદારોએ તેને ફક્ત સાથ આપતી બેટિંગ જ કરવાની હતી જે તેમણે કરી દેખાડી.

રાહુલનું ગઈકાલનું ફોર્મ એવું હતું કે સામે ગમે તેવો મહાન બોલર હોત તો પણ તેની સામે ટકી ન શકત. એ આખી મેચ પર એટલી હદે છવાઈ ગયો હતો કે RCB કે એલ રાહુલની ટીમ KXIP સામે નહીં પરંતુ ખુદ રાહુલ સામે હારી ગઈ હતી. આ પ્રકારની ઇનિંગ લાંબા સમય પછી જોવા મળતી હોય છે. આશા છે આ રિવ્યુ વાંચનારા વાચકોમાંથી મોટાભાગનાઓએ ગઈકાલની કે એલ રાહુલની ધમાકેદાર ઇનિંગ જોઈ હશે અને તેને માણી હશે.

મિની સ્કોરકાર્ડ

IPL 2020 | M 6 | KXIP vs RCB

દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, દુબઈ

ટોસ: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (બોલિંગ)

કિંગ્સ ઈલેવન પંજાબ 206/3 (20) રન રેટ: 10.30

લોકેશ રાહુલ 132* (69) | ઉમેશ યાદવ 1/35 (3.0)

મયંક અગરવાલ 26 (20)

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ 109 – ઓલ આઉટ (17.0) રન રેટ: 6.41

વોશિંગ્ટન સુંદર 30 (27) | મુરુગન અશ્વિન 3/21 (3.0)

એબી ડી’વિલીયર્સ 28 (18) | રવિ બિશ્નોઈ 3/32 (4)

પરિણામ: કિંગ્સ ઈલેવન પંજાબનો 97 રને વિજય

મેન ઓફ ધ  મેચ: લોકેશ રાહુલ (કિંગ્સ ઈલેવન પંજાબ)

અમ્પાયરો: પોલ રાઈફલ અને અનિલ ચૌધરી | નીતિન મેનન (થર્ડ અમ્પાયર)

મેચ રેફરી: જવાગલ શ્રીનાથ

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here