IPL 2020 | M 7 | CSKને આ શું થઇ ગયું છે?

0
362

છેલ્લી બે મેચોથી ચેન્નાઈ સુપર કિંગ્સ અત્યંત ખરાબ રીતે પોતાને મળેલા ટાર્ગેટનો નિષ્ફળતાથી પીછો કરી રહ્યું છે. આ જોઇને લાગતું નથી કે આ જ ટીમ એક સમયે ભલભલાને હંફાવી દેતી હતી!

ગઈકાલની આ મેચ જોતાં જોતાં સતત ધરમસાલામાં ચેન્નાઈ સુપર કિંગ્સ એટલેકે CSK અને કિંગ્સ ઈલેવન પંજાબની એટલેકે KXIPની એક મેચ યાદ આવી રહી હતી. આ મેચમાં CSK અને ખાસ કરીને તેના કપ્તાન મહેન્દ્ર સિંગ ધોનીએ જે રીતે ટાર્ગેટ ચેઝ કરી બતાવ્યો હતો તે કદાચ IPLના ઇતિહાસમાં અભૂતપૂર્વ રહેશે.

આ મેચ યાદ આવી જવાનું કારણ એક જ છે કે પહેલા રાજસ્થાન રોયલ્સ સામે અને ગઈકાલે દિલ્હી કેપિટલ્સ એટલેકે DC સામે CSKએ રનનો પીછો કરવાનું તો છોડો પરંતુ તેમ કરવાનો વિચાર પણ કર્યો હોય એવું લાગ્યું નથી. આમ કરવા પાછળ કોઈ ખાસ રણનીતિ હોય કે પછી એ જે-તે રણનીતિનું અમલીકરણ કરવું CSK માટે શક્ય ન હોય એ બંનેમાંથી કોઇપણ કારણ ભલે હોય પરંતુ CSK જેવી ચેમ્પિયન ટીમને તે શોભતું તો જરાય નથી. ભલે તમારી ટીમમાં પહેલા જેવા ખેલાડીઓ કે તેમનું બળ ન રહ્યું હોય પરંતુ એટલીસ્ટ કેસરિયાં કરવાનો પ્રયાસ કરો એટલી આશા તો CSKના અને IPLના ફેન્સ રાખી જ શકે!

જો મુરલી વિજય અને શેન વોટ્સન તમને સારી શરૂઆત ન આપી શકતા હોય તો પછી તેમના રિપ્લેસમેન્ટનો વિચાર કરવાનો સમય હવે આવી ગયો છે. જો મહેન્દ્ર સિંગ ધોની ખરેખર ટીમને પ્લે ઓફ્સ સુધી લઇ જવા માંગતા હોય તો થોડા બોલ્ડ થઈને તેમણે જાતે ઓપનીંગ કરવાની જરૂર છે. ધોનીએ હવે કશું જ ગુમાવવાનું નથી સિવાયકે એક ચેમ્પિયન ટીમને છાજતો દેખાવ કરી બતાવવાનું પછી ભલે તે ટીમ લડતી લડતી વીરગતી પામે.

મેચ પત્યા બાદ CSKના કોચ સ્ટિફન ફ્લેમિંગે કહ્યું હતું કે તેમની ટીમ અંબાટી રાયુડુ અને સુરેશ રૈનાની સેવાઓ મિસ કરી રહી છે. પરંતુ ખરેખર તો રનચેઝ કેમ કરવો એની કોઈ ખાસ રણનીતિનો અભાવ CSKને નડી રહ્યો છે. RR સામે તો 210+નો સ્કોર એચીવ કરવાનો હતો પરંતુ આ મેચમાં તો 170+ પણ ચેઝ ન કરી શક્યા અને મેચ 44 રન જેટલા વિશાળ માર્જીનથી હારી ગયા. આવનારી કેટલીક મેચોમાં CSK જો ટોસ જીતે તો બોલિંગ લેવાની જીદ કરતાં પહેલા બેટિંગ કરવાની કોશિશ કરીને પણ રિધમમાં પરત આવી શકે છે.

CSK માટે જો વિચાર કરવાનો સમય છે તો DC માટે સંતોષ માણવાનો. પહેલી મેચ હારના જડબામાંથી ખેંચીને લાવ્યા તો બીજી મેચ આરામથી જીતી ગયા. હવે શ્રેયસ ઐયર અને રિકી પોન્ટિંગે આ સરસ શરૂઆત અમુક વિઘ્નો બાદ પાટા પરથી કેમ ન ઉતરી જાય તેનું જ ધ્યાન રાખવાનું છે. ટીમના લગભગ તમામ બેટ્સમેનો ફોર્મમાં છે ઉપરાંત બોલર્સ ખાસ કરીને કાગિસો રબાડા અદભુત બોલિંગ કરી રહ્યો છે. આવનારી મેચોમાં કેટલીક અઘરી તો કેટલીક પરાજયની ક્ષણો પણ સામે આવશેજ. પરંતુ આ જ મજબૂત મનોબળ જો ટકાવી રાખશે તો કદાચ DC પ્લે ઓફ્સ જ નહીં તેનાથી પણ ઘણું આગળ અને ઊંચું વિચારી શકે છે.

મિની સ્કોરકાર્ડ

IPL 2020 | M 7 | CSK vs DC

દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, દુબઈ

ટોસ: ચેન્નાઈ સુપર કિંગ્સ (બોલિંગ)

દિલ્હી કેપિટલ્સ 175/3 (20) રન રેટ: 8.75

પૃથ્વી શૉ 64 (43) | પિયુષ ચાવલા 2/33 (4)

ઋષભ પંત 37 (25) | સેમ કરન 1/27 (4)

ચેન્નાઈ સુપર કિંગ્સ 131/7 (20) રન રેટ: 6.55

ફાફ દુ પ્લેસી 43 (35) | કાગિસો રબાડા 3/26 (4)

કેદાર જાધવ 26 (21) | એનરીક નોર્કિયા 2/21 (4)

પરિણામ: દિલ્હી કેપિટલ્સનો 44 રને વિજય

મેન ઓફ ધ મેચ: પૃથ્વી શૉ (દિલ્હી કેપિટલ્સ)

અમ્પાયરો: રિચર્ડ ઇલિંગવર્થ અને કે એન અનંતપદ્મનાભન | કે શ્રીનિવાસન (થર્ડ અમ્પાયર)

મેચ રેફરી: વેન્ગાલીલ નારાયણ કુટ્ટી

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here