IPL 2020 | M 9 | IPLના 12 વર્ષના ઇતિહાસની સહુથી રસપ્રદ મેચ!

0
498

એક સમયમાં વનડે ક્રિકેટમાં 300 ઉપરનો સ્કોર સુરક્ષિત ગણાતો. હવે Twenty20માં 200 ઉપરનો સ્કોર સુરક્ષિત ગણાય છે, પરંતુ રાજસ્થાન રોયલ્સે ગઈકાલે જે રીતે રનચેઝ કર્યો તે ઐતિહાસિક હતો!

આ મેચમાં ભલે કિંગ્સ ઈલેવન પંજાબ એટલેકે KXIP ના મયંક અગરવાલે તેની પ્રથમ IPL સેન્ચુરી મારી જેને જોવાની કોઈને પણ મજા આવી જાય. આ મેચમાં ભલે લોકેશ રાહુલે ભલે અગરવાલને સાથ આપતી તેમ છતાં આક્રમક ઇનિંગ રમી તેના વખાણ કરવાના મન થાય. પરંતુ આજે વાત તો માત્ર રાજસ્થાન રોયલ્સની, સંજુ સેમસનની અને ખાસકરીને રાહુલ તેવટીયાની જ થશે.

રાજસ્થાન રોયલ્સ એટલેકે RR એ તેની પહેલી જ મેચમાં શારજાહના આ મેદાનમાં જ CSKને 217નો ટાર્ગેટ આપ્યો હતો જેનો પીછો કરતા CSK છેક 200 રન સુધી પહોંચ્યું હતું. પરંતુ એ મેચના રિવ્યુમાં આપણે ચર્ચા કરી હતી કે CSK એ જો ચોક્કસ રણનીતિ અપનાવી હોત તો તે જરૂર જીતી શક્યું હોત. પરંતુ CSK જે કાર્ય કરવામાં નિષ્ફળ રહ્યું એ કાર્ય RRએ આ મેચમાં 224 રનનો પહાડ ચડવામાં કરી બતાવ્યું.

શરૂઆતમાં જોસ બટલરની ત્વરિત વિદાય બાદ ત્રીજા નંબરે આવેલા સંજુ સેમસન સાથે વગર ગભરાયે જે રીતે કેપ્ટન સ્ટિવ સ્મિથે આક્રમક બેટિંગ કરી તે તેમની રણનીતિનો પહેલો હિસ્સો હતો. આ રણનીતિ મુજબ પહેલી 10 ઓવર્સમાં જ એટલા બધા રન ખડકી દેવા કે બાકીની 10 ઓવર્સમાં જો ક્યાંક એકાદ-બે વિકેટો ગુમાવવી પણ પડે તો પણ રનચેઝ પાટા પરથી ન ઉતરે.

જો કે થયું તેનું ઉલટું. RR એ સ્મિથ સિવાય કોઈ વધારાની વિકેટ તો ન ગુમાવી પણ તમામના આશ્ચર્ય વચ્ચે રોયલ્સે રોબીન ઉથપ્પા જેવા અનુભવી T20 ખેલાડીની જગ્યાએ રાહુલ તેવટીયાને બેટિંગમાં મોકલ્યો. કોમેન્ટેટર્સ સહીત IPLના તમામ ફેન્સ ત્યારે ઉકળી ઉઠ્યા હતા જ્યારે તેવટીયાના બેટનો સંગમ બોલ સાથે બિલકુલ નહોતો થઇ રહ્યો. એવું લાગી રહ્યું હતું કે RRના કેપ્ટન સ્ટિવ સ્મિથ અને કોચ એન્ડ્ર્યુ મેકડોનાલ્ડ દ્વારા કોઈ બહુ મોટી ભૂલ થઇ છે અને તે ભૂલ RR રનચેઝ બરોબર કરી રહ્યું હતું ત્યારે જ તેને મરણતોલ ઘા કરનારી બની રહેશે.

આટલું ઓછું હોય તેમ તેવટીયાની ધીમી બેટિંગ સંજુ સેમસનની આક્રમકતાને પણ અસર કરી રહી હતી અને એ ચારથી પાંચ ઓવર્સના ગાળામાં સેમસન પણ ધીમો પડી ગયો હતો. હદ તો ત્યારે થઇ જ્યારે સેમસને સિંગલ લેવાનું પણ બંધ કરી દીધું. જે સમયે સેમસન આઉટ થયો ત્યારે એ વાત પાક્કી થઇ ગઈ કે આ ‘મેચ કા મુજરિમ’ તો રાહુલ તેવટીયા જ છે.

પરંતુ, તેવટીયાએ જાણેકે જાતેજ આ મેચની સ્ક્રિપ્ટ લખી હોય એમ શેલ્ડન કોટ્રેલની 18મી ઓવરમાં ધડાધડ પાંચ સિક્સરો મારીને 30 રન લઇ લીધા! એ એક બોલ ચૂકી ગયો નહીં તો IPLના ઇતિહાસમાં એ પહેલી ઓવર હોત જેમાં છ બોલમાં છ સિક્સર્સ વાગી હોત! પછી તો મોહમ્મદ શામીની 19મી ઓવરમાં પણ તેવટીયાના તેવર બદલાયા નહીં અને તેણે એ ઓવરમાં આઉટ થતા અગાઉ 19 રન ઝૂડી નાખ્યા! આટલું બધું થયા બાદ રાજસ્થાન રોયલ્સના બેટ્સમેનોએ એક આખી ઓવરમાં વિજય હાંસલ કરવા માટે માત્ર 2 જ રન કરવાના હતા જે રિયાન પરાગની વિકેટ ગુમાવ્યા બાદ તેમણે કરી લીધા હતા.

આ મેચમાં ઘણા IPL રેકોર્ડ્સ તૂટ્યા હતા પરંતુ તેને સદાય રાહુલ તેવટીયાની ધીમી અને ધમાકેદાર એમ બંને પ્રકારની બેટિંગ માટે સદાય યાદ રહેશે! જ્યારે પણ ઇન્ડિયન પ્રિમિયર લીગનો ઈતિહાસ લખાશે ત્યારે આ મેચ તેની ટોચની ત્રણ મેચોમાં જરૂર સ્થાન પામશે એ નિશ્ચિત છે!

મિની સ્કોરકાર્ડ

IPL 2020 | M 9 | RR vs KXIP

શારજાહ ક્રિકેટ સ્ટેડિયમ, શારજાહ

ટોસ: રાજસ્થાન રોયલ્સ (બોલિંગ)

કિંગ્સ ઈલેવન પંજાબ 223/2 રન રેટ: 11.15

મયંક અગરવાલ 106 (50) | અંકિત રાજપૂત 1/39 (4)

લોકેશ રાહુલ 69 (54) | ટોમ કરન 1/44 (4)

રાજસ્થાન રોયલ્સ 226/6 (19.3) રન રેટ: 11.70

સંજુ સેમસન 85 (42) | રાહુલ તેવટીયા 53 (31) | સ્ટિવ સ્મિથ 50 (27)

મોહમ્મદ શામી 3/53 (4) | જીમી નીશમ 1/40 (4)

પરિણામ: રાજસ્થાન રોયલ્સનો 4 વિકેટે વિજય

મેન ઓફ ધ મેચ: સંજુ સેમસન (રાજસ્થાન રોયલ્સ)

અમ્પાયરો: રિચર્ડ ઇલિંગવર્થ અને કે. શ્રીનિવાસન | સી શમશુદ્દીન (થર્ડ અમ્પાયર)

મેચ રેફરી: વેન્ગાલીલ નારાયણ કુટ્ટી

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here