કપલે આપી એકબીજાને એવી ચેલેન્જ કે વાંચીને જશો તમે ચોંકી!!

0
717

એકબીજાને ચેલેન્જ આપ આપ કરતા કપલોએ ખાસ વાંચવા જેવું.

બન્યું એવું કે શરૂઆતમાં જ અમે કહી દઈએ છે કે આ લેખમાં ચોંકવા જેવું કશું છે નહિ પરંતુ આ તો તમે લેખ ઓપન કરીને આખો વાંચો એટલે લીંકનાં ટાઈટલમાં ચોકાવવા પડે એટલે લખ્યું છે.

આજકાલ કપલ ચેલેન્જની બોલબાલા છે. દરેકે દરેક કપલ મેરેજ એનિવર્સરી વખતે આપણે લાઈક કરી ચુકેલા ફોટા કપલ ચેલેન્જનાં હેશટેગ હેઠળ ફરી પાછા ફેસબુક ઉપર પોસ્ટ કરે છે અને આપણે ફરજિયાત લવલી કપલ, નાઈસ પીક, મેડ ફોર ઈચ અધર લખવા જવું પડે છે. જેમ કંકોત્રી આવે તો ચાંલ્લો કરાવવા જવું પડે એમ કોઇપણ કપલ આવા ફોટા મુકે તો સામાજિક રીત-રિવાજો મુજબ આવી કોમેન્ટ કરીને લવ રીએકટ કરવું અનિવાર્ય છે.

ખરેખર કપલ ચેલેન્જનાં એક પણ ફોટામાં કંઈપણ ચેલેન્જ જેવું હોતું નથી અમે તમને સમજાવીશું કે હસબન્ડ અને વાઈફે એકબીજાને ખરેખર કેવી ચેલેન્જ આપવી જોઈએ તો ખરેખર કપલ ચેલેન્જ ગણાય.

વાઈફ દ્વારા આપવાની થતી ચેલેન્જ:

૧. રોજ નવી વાનગીઓ ની ફરમાઈશ કરતા સાસુથી પણ જાય એવા પતિઓને નવી વાનગી બનાવી ને સમગ્ર પરિવારને જમાડવાની યથાયોગ્ય ચેલેન્જ આપી શકાય આપના પતિ રસોઈયા ન હોવા જોઈએ.*શરતો લાગુ.

૨. રોજ ‘ચા ઉભરાઈ ગઈ જો તો ખરા’ એવું કહેતા પતિઓને સવારે ઉઠીને પાણી ગાળવાનું,ભરવાનું,ચા ઉભરાઈ ન જાય એનું ધ્યાન રાખવાનું, છાપા લેવાના, દૂધ લેવાનું, બાળકોને ઓનલાઈન સ્કુલ ચાલુ થાય એ પહેલા ઉઠાડીને ઓનલાઈન લોગઇન કરી આપવાની નાનકડી ચેલેન્જ આપી શકાય.

૩. ‘રોટલી કાચી રહી જાય છે’ જેવી નાની નાની તકરારો કરતા પતિઓને લોટ બાંધવાની, રોટલી ગોળ વણવાની, શેકવાની ચેલેન્જ આપી શકાય. ચેલેન્જનાં નામે પતિઓ આવું કરતા થાય એટલે ધીમે રહીને રસોઈની જવાબદારી પતિઓ નાં ખભે શિફ્ટ કરી શકાય છે.

૪. પતિને ‘મહેંદી મૂકી આપો’ ચેલેન્જમાં પતિ દ્વારા જ મુકેલી મહેંદીમાંથી પોતાના પતિને પોતાનું નામ શોધવાની ચેલેન્જ આપી શકાય.

૫. કુકરની સીટી ગણવાની ચેલેન્જ,ઈસ્ત્રીનાં કપડા પોતાના ખાનામાં જાતે ગોઠવવાની ચેલેન્જ, પોતાના બાઈક સાથે સાથે પત્નીનાં એક્ટીવા ઉપર પણ કપડું મારવાની ચેલેન્જ આવા ઘણા બધા કામ ચેલેન્જનાં નામે પતિઓ પાસેથી કરાવી શકાય છે.

૬. નાહ્યા પછી બહાર નીકળ્યા પછી ભીનો ટુવાલ બેડ ઉપર નહિ નાખવાની ચેલેન્જ,પોતાના મોજા જાતે શોધવાની ચેલેન્જ, વોશિગ મશીનમાં કપડા નાખતા પહેલા એના ખિસ્સા જાતે ચેક કરી લેવાની ચેલેન્જ.

૭. ઘરમાં વઘાર ઉડ્યો હોય ત્યારે બુમાબુમ કરવાની જગ્યાએ ઉભા થઈને બારી બારણા ખોલી નાખવાની ચેલેન્જ, રાત્રે એ.સીનું રીમોટ જાતે શોધી લેવાની ચેલેન્જ. તાર ઉપરથી સુકાયેલા કપડા ખેંચતી વખતે તાર કે કપડામાં ભરાયેલી પીનો તૂટે નહિ એ રીતે કપડા તાર ઉપરથી ઉતારવાની ચેલેન્જ. શુઝ,બેલ્ટ,પાકીટ ઘરે આવ્યા પછી ઠેકાણે મૂકી દેવાની ચેલેન્જ

૮. કામવાળા વાસણ ઘસવા આવે એ પહેલા જમી લેવાની ચેલેન્જ ગમે તેવી ક્રિકેટ મેચ ચાલતી હોય કે શેરબજાર ચાલતું હોય પણ પત્ની માંગે ત્યારે ચુપચાપ ટીવી નો રીમોટ હેન્ડઓવર કરી દેવાની ચેલેન્જ.

પતિઓ દ્વારા અપાતી ચેલેન્જ

૧. આઈ.પી.એલ મેચ ચાલતી હોય ત્યાં સુધી ચુપચાપ કોઇપણ જાતનું કામ સૂચવ્યા વગર કે કોઈ પણ પ્રશ્ન કર્યા વગર કોઇપણ જાતનું ધ્યાન ભંગ કર્યા વગર પતિને મેચ જોવા દેવાની ચેલેન્જ.

૨. પતિએ જે રૂપિયા જે કામ માટે આપ્યા હોય એ કામ પત્યા પછી એના ચોખ્ખા હિસાબ સાથે પતિને રૂપિયા પરત કરવાની ચેલેન્જ.

૩. જે વસ્તુના શોપીગ માટે ગયા હોઈએ એ જ વસ્તુ ખરીદવાની ચેલેન્જ. કોઇપણ જાતનું ઈમોશનલ બ્લેક મેલીગ કર્યા સિવાય કે પાણીપૂરી ખાધા સિવાય ચુપચાપ કોઇપણ જાતના ઝઘડા વગર શોપિંગ કરીને પરત ફરવાની ચેલેન્જ.

૪. લો મારા ફલાણા સગા નો ફોન છે તમારી જોડે વાત કરવી છે એમ કહીને અચાનક જ આપી દેવાતા ફોન પતિ વાત કર્યા વગર કાપી નાખે તોય હસતા રહેવાની ચેલેન્જ, પતિને સાસરિયાનાં કોઇપણ ફંકશનમાં ફરજીયાત નહિ લઇ જવાની ચેલેન્જ.

૫. હું કેવી લાગુ છું? જેવા પ્રશ્નો પૂછ્યા વગર ચુપચાપ દસ મીનીટમાં તૈયાર થઈને બહાર જવાની ચેલેન્જ.

૬. જમવામાં શું બનાવું ? તમે કહો એ બનાવું એવું કહી કહીને છેલ્લે ખીચડી શાક બનાવ્યા વગર ખરેખર પતિ કહે એ જ બનાવવાની ચેલેન્જ.

૭.પતિ બોલતો હોય ત્યારે કદાચ બોલી શકતો હોય તો એને બોલવા દેવો અને ચુપચાપ, શાંતિથી પતિની આખી વાત સાંભળવી તેમજ પતિની વાત પતે નહિ ત્યાં સુધી વચમાં કોઇપણ જાતની ટીકા ટિપ્પણી નહિ કરવાની એક અનોખી ચેલેન્જ પણ પત્નીને આપી શકાય.

૮. પતિ કાર ચલાવતો હોય ત્યારે કોઇપણ રોડ વિષયક સમજણ જ્ઞાન આપ્યા સિવાય ચુપ ચાપ કાર ચલાવવા દેવાની ચેલેન્જ,શાકભાજી ખરીદતા પતિને નથી આવડતું એવું સતત ફિલ કરાવ્યા સિવાય પતિને સંપૂર્ણ મુક્તિ આપીને શાકભાજી ખરીદવા દેવાની ચેલેન્જ,પતિને પોતાના કપડા જાતે સિલેક્ટ કરી ને પહેરવા દેવાની ચેલેન્જ.

આવી ને આવી એકબીજાને ચેલેન્જ આપતા આપતા જિંદગીની દરેક ચેલન્જ સાથે મળીને પાર કરીને જીવનમાં આગળ વધતા રહે એજ સુખી દાંપત્યજીવન છે તો આપ પણ હસતા રમતા રહો અને વાંચતા રહો echappu.

લી – લઘર વઘર અમદાવાદી

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here