બેડમિન્ટનનો તો મહાકાળ બનીને આવ્યો છે આ કોરોના…

0
549

કોવીડ-19 મહામારીને કારણે દુનિયાભરમાં અસર પડી છે. ધીમે ધીમે બધું સાવચેતીપૂર્વક થાળે પડતું જાય છે અને તેમાંથી સ્પોર્ટ્સ જગત પણ બાકી નથી. બાયો બબલમાં પ્રેક્ષકો વગર ફૂટબોલની શરૂઆત થઈ. ત્યારબાદ ધીમે ધીમે આંતરરાષ્ટ્રીય મેન્સ ક્રિકેટ તેમજ ટેનિસની ટુર્નામેન્ટનું પણ સલામતીપૂર્વક સફળ આયોજન થઇ શક્યું.

આ સિવાય પ્રાઇવેટ ટી-20 લીગ પણ આ જ નિયમો અનુસાર શરુ થઇ ચુકી છે. સ્વાભાવિક છે કે ફૂટબોલ અને ક્રિકેટના બ્રોડકાસ્ટિંગ રાઇટ્સ, એડ્વર્ટાઇઝિંગ રાઇટ્સ એટલા મોટા હોય છે કે જો આયોજન ન કરવામાં આવે તો રમતની ઈકોનોમીમાં મોટો ખાડો પડે જેની માઠી અસર તેની સાથે સંકળાયેલા તમામ લોકો ઉપર પડે.

આ સમાચારો વચ્ચે એક ખરાબ સમાચાર પણ આવ્યા. ડેનમાર્કમાં રમાનાર બેડમિન્ટનના પ્રખ્યાત થોમસ ઉબરકપનું આયોજન કેન્સલ કરવામાં આવ્યું છે. ડેનમાર્કમાં અત્યાર સુધી 28000ની આસપાસ કેસ આવ્યા છે અને તેનો મૃત્યુઆંક આશરે 650 છે. આ સંજોગોમાં ડેન્માર્કે બાયો બબલની વિભાવના હેઠળ આયોજનનો પ્રસ્તાવ મુક્યો હતો પરંતુ ઓસ્ટ્રેલિયા, દક્ષિણ કોરિયા, થાઈલેન્ડ અને ઇન્ડોનેશિયાએ પોતાની ટીમ મોકલવા માટે ના પાડતા સમગ્ર ટુર્નામેન્ટ કેન્સલ કરવામાં આવી છે.

ઈન્ડોનેશિયા તો 13 વાર થોમસ ઉબર કપ ચેમ્પિયન બની ચૂક્યું છે. બેડમિન્ટન એસોશિયેશન ઓફ ઇન્ડોનેશિયાની પ્રેસ રિલીઝ મુજબ તેમના ખેલાડીઓ આ કપરા કાળમાં મુસાફરી કરીને વિદેશ જવા નહોતા ઇચ્છતા અને તે ઉપરાંત તેઓએ બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશનને મહત્વનો સવાલ પૂછ્યો હતો કે શું બી.ડબ્લ્યુ.એફ કોઈ ગેરંટી આપવા તૈયાર છે કે ટુર્નામેંન્ટ દરમિયાન કોઈ પણ ખેલાડી કે સપોર્ટ સ્ટાફને કોવિડ-19નું સંક્રમણ નહિ થાય.

સ્વાભાવિક છે કે આવી ગેરંટી તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનીઝેશન પણ આપવા તૈયાર થયું નથી. આયોજકો અમેરિકાની નેશનલ બાસ્કેટબોલ લીગના પગલે પગલે 4 નેગેટિવ ટેસ્ટ કરાવવાના હિમાયતી હતા. તે ઉપરાંત તેઓ દ્વારા વિદેશી ખેલાડીઓ માટે 7-14 દિવસનો ક્વોરેન્ટાઇન પિરિયડ નક્કી કરવામાં આવ્યો હતો. બેડમિન્ટન મૂળે તો ઇન્ડોર રમત છે અને તેમાં અંદાજિત 500 પ્રેક્ષકો માટે ખેલાડીઓથી દૂર એક ચોક્કસ સ્ટેન્ડ ખોલવામાં આવે તેનું પ્લાનિંગ પણ કરવામાં આવેલું જેનો વિરોધ મોટાભાગના દેશો એ કરેલો. તેઓની દલીલ હતી કે પ્રેક્ષકો ભલે ખેલાડીઓથી દૂર રહે પરંતુ ઇન્ડોર સ્ટેડિયમની એરકંડિશનિંગ સિસ્ટમ હાજર રહેલા તમામ લોકોના સ્વાસ્થ્ય માટે મુશ્કેલી ઉભી કરી શકે.

બેડમિન્ટન શરુ કરવા માટે બી.ડબ્લ્યુ.એફે પોતાની રીતે પગલાં લેવાનું શરુ કર્યું છે. શરૂઆતી અવસ્થામાં અમુક પ્રોસિજરને અનુસરવામાં મુશ્કેલી જરૂર પડશે. જેમકે, તેઓની ગાઇડલાઇન મુજબ એક હોલમાં જો 2થી વધુ રમવા માટેના કોર્ટ હોય તો એક કોર્ટ છોડીને બીજા કોર્ટમાં રમત રમવી. બેડમિન્ટન કોર્ટને રમત શરુ થતા પહેલા ક્લિનીંગ એજન્ટથી સારી રીતે સેનિટાઇઝ કરવા તેમજ ખેલાડીઓની સલામતી માટે જ્યાં સુધી કોર્ટ પર ભેજ હોય ત્યાં સુધી રમત શરુ ન કરી શકાય. વારંવાર સેનિટાઇઝેશન, સામાજિક અંતર તેમજ અન્ય સાવધાનીને કારણે ટુર્નામેન્ટના મૂળ સ્વરૂપ અને તેની લંબાઈમાં આવશ્યક ફેરફાર કરવા બી.ડબ્લ્યુ.એફ.ની તૈયારી છે.

ભારતમાં બેડમિન્ટનને લઈને પરિસ્થિતિ વિષમ થઇ ચુકી છે. પહેલા કોરોના વાયરસ તેમજ છેલ્લા કેટલાક મહિનાઓથી લડાખ તેમજ ગલવાન વેલીમાં ચીન સાથે થયેલ અથડામણને કારણે ભારતે ચીનમાંથી અમુક પ્રકારની ચીજો ઈમ્પોર્ટ કરવાનું બંધ કર્યું છે અને તેમાં બેડમિન્ટનમાં વપરાતા શટલ પણ સામેલ છે. દેશના મોટાભાગના નેશનલ કેમ્પમાં યોનેક્સ શટલ વપરાય છે.  યોનેક્સ મૂળતો જાપાનીઝ કંપની છે પરંતુ તેના શટલનું મેન્યુફેક્ચરિંગ ચીનમાં કરવામાં આવે છે.

ગ્લોબલ લોકડાઉનને કારણે શટલના વેચાણમા ઘટાડો થયો હોવાથી તેણે બેડમિન્ટન એસોશિયેસન ઓફ ઇન્ડિયાને તેમજ અન્ય 15 સ્ટેટ એસોશિયેશનનું ફંડિંગ તેમજ ઇકવીપમેન્ટ સપ્લાય કરવાનું બંધ કરી દીધું છે. ઉદાહરણ તરીકે યોનેક્સ બી.એ.આઈ.ને 22 કરોડનું ફંડ આપે છે તેમજ આશરે 12થી 15 સ્ટેટ બેડમિન્ટન એસોશિયેશનને 7 લાખ રૂપિયાની સહાય કરે છે તેમજ રેકેટ, શટલ તેમજ અન્ય જરૂરી સામગ્રીનો સપ્લાય પણ કરે છે.

અહીં ઉલ્લેખનીય છે કે શટલ પ્રોડક્શનમાં ચીનની વર્ચ્યુઅલ મોનોપોલી છે. વિશ્વભરમાં 90% જેટલા શટલ ચીનમાં બને છે. શટલ બનાવવા માટે વપરાતા ગુઝના પીંછાનું ઉત્પાદન પણ ચીનમાં એજ માત્રામાં કરવામાં આવે છે. ડીલર્સના કહેવા મુજબ છેલ્લું કન્સાઇન્મેન્ટ છેક જૂન મહિનામાં આવ્યું હતું, ત્યારબાદ નવો સ્ટોક આવ્યો નથી. હાલ તો વિવિધ કેમ્પમાં ખેલાડીઓની હાજરી પાંખી છે તેથી શટલનો વપરાશ સામાન્યથી ઓછો છે પરંતુ એક વાર અનલોક 5.0નો પૂર્ણપણે અમલ થશે ત્યારે શટલની માંગ વધશે.

ઓલ ઇંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ વિજેતા તેમજ અર્જુન એવોર્ડ સન્માનિત પી.ગોપીચંદના મત મુજબ જુના શટલથી પ્રેક્ટિસ કરવી યોગ્ય નથી. તે ઉપરાંત હાલની પરિસ્થિતિમાં બે ખેલાડીઓ દ્વારા એક જ શટલને વારંવાર સ્પર્શ કરવો પણ જોખમી બની શકે છે. સ્પોન્સરશિપ તેમજ શટલની ગેરહાજરીમાં ભારતીય બેડમિન્ટન ખેલાડીઓની પરિસ્થિતિ નાજુક બની ચુકી છે. હાલ તો તેનો કોઈ ઉકેલ જણાઈ રહ્યો નથી. આશા રાખીયે કે આ સ્થિતિમાં જલ્દીથી સુધારો આવે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here