શોલે અને તેનો ઓરીજીનલ રિવ્યુ આજના રિવ્યુકારોને ઉઘાડા પાડે છે

1
775

ગઈકાલે જાણીતા અને અતિશય લોકપ્રિય કલાકાર અનુપમ ખેરે પોતાની ટ્વીટમાં જેને હું કાયમ ભારતીય સિનેમાની ‘મહાભારતીય’ ફિલ્મ ગણું છું એવી ફિલ્મ શોલે નો રિવ્યુ પબ્લીશ કર્યો હતો. શોલેને મહાભારત સાથે સાંકળવાનું એક જ કારણ છે કે જેમ એવું કહેવાય છે કે જે મહાભારતમાં નથી એ ક્યાંય નથી, એમ હિન્દી ફિલ્મોના જે પણ જરૂરી તત્વો શોલેમાં છે એ કદાચ જ તમને અન્ય કોઈ બોલિવુડ ફિલ્મમાં એકસાથે જોવા મળે. પરંતુ, અનુપમ ખેરે જે રિવ્યુ આપણી સમક્ષ પેશ કર્યો છે તેના રિવ્યુકારને શોલે કતઈ પસંદ નથી આવી અને તેણે પોતાના રિવ્યુમાં તેને એક એવરેજ ફિલ્મ ગણાવી છે.

જોકે આ પ્રકારનો રિવ્યુ લખીને આ ‘અનામી’ રિવ્યુકારે એ સાબિત પણ કરી આપ્યું છે કે શોલે રિલીઝ થયાના લગભગ 42 વર્ષ બાદ આજે પણ આપણા રિવ્યુકારો એ જ ઢબે આપણી ફિલ્મોને ઉતારી પાડવા માટે ઉત્સાહિત હોય છે જેટલા 1975માં હતા. શોલેના રિવ્યુની શરૂઆતમાં જ તેના લેખકશ્રી આજના કોઈપણ મંજેલા રિવ્યુકારની માફક લખે છે કે ફિલ્મ ¾ સમય સુધી આપણને જકડી રાખે છે પણ બાદમાં તેની પક્કડ ઢીલી થઇ જાય છે. ડિટ્ટો!! આજે કોઇપણ રિવ્યુ લખનાર વ્યક્તિ લખતો હોય છે કે, “ફિલ્મ ફર્સ્ટ હાફમાં તો ખૂબ સરસ છે પરંતુ સેકન્ડ હાફમાં…” અને ત્યારબાદ એ શું લખે છે એ તો તમે જાણો જ છો.

બાદમાં આ અનામી રિવ્યુકાર એમ પણ લખે છે કે સિપ્પી સાહેબે આટલા મોટા સ્ટાર્સને ખાલી હિંસા કરતા દેખાડવા જ ભેગા કર્યા? લ્યો કરો વાત! આ સાહેબને શોલેમાં હિંસા સિવાય બીજું કશું જ દેખાયું નહીં, કમાલ છે ને? આજે પણ જે લોકો રિવ્યુ લખતા હોય છે તે પણ આખી ફિલ્મને ઉતારી પાડવા માટે તેમાંથી એક તત્વ પકડીને આવી કોઈ એક લીટી લખી લેતા હોય છે. પછી આગળ નૈતિકતાની પણ વાત આ મહાશય કરે છે. ‘આપણી ફિલ્મો’ એમ કહીને તેઓ લખે છે કે સલીમ-જાવેદની વાર્તાઓમાં કાયમ કાયદાનો  ભંગ કરનાર જ કાયદાની રક્ષા કરતા બતાવવામાં આવે છે. ટૂંકમાં કહીએ તો “સમાજ પર ઇસકા ક્યા અસર પડેગા?” અરે ભાઈ સમાજ પર અસર પાડવા માટે અન્ય સિનેમા પણ છે જ, મનોરંજનને માત્ર મનોરંજન જ રહેવા દો. આપણે ત્યાં પણ ફક્ત મનોરંજન માટે બનાવેલી ફિલ્મ એવી ‘ગોલમાલ અગેઇન’ માં મેસેજ શોધનારા અને સિનેમેટિક વેલ્યુ ઘુસેડનારા રિવ્યુકારો હતા જ ને? વળી, હોલિવુડની ફિલ્મો જોઇને મોટા થયેલા આપણા અમુક રિવ્યુકરો બોલિવુડની ફિલ્મોમાં પણ હોલિવુડ શોધીને જ્યારે નિરાશ થાય છે ત્યારે આ ‘”આપણી ફિલ્મો” વાળો ટોણો આજે પણ મારે જ છેને?

શોલેના આ અનામી રિવ્યુકાર આગળ તો જબરી વાત લઇ આવે છે. એમણે શોલેનો પેલો શરૂઆતનો ફેમસ ટ્રેન ચેસિંગ સીનને જ બકવાસ ગણાવી દીધો છે. આ સીનથી તો શોલે ટેમ્પો જમાવવામાં સફળ થાય છે ત્યારે આ મહાશય પોતાની ઉપરોક્ત દલીલને સાચી સાબિત કરવા એટલી હદ સુધી કહી દે છે કે શોલેમાં સંજીવ કુમારને ખરેખર તો પોલીસ ઓફિસર બતાવવાની જ જરૂર ન હતી, લ્યો બોલો! ટ્રેઈન સિક્વન્સમાં રિવ્યુકારને એક બાબત એ ખૂંચે છે કે કાયદાનો રક્ષક અને કાયદાને તોડનારા બંને ભેગા મળીને ડાકુઓનો સામનો કેવી રીતે કરી શકે? ટૂંકમાં જ્યાં લોજીક ન હોય અથવાતો મનોરંજનાર્થે જ્યાં લોજીકની બિલકુલ જરૂર પણ ન હોય ત્યાં પણ લોજીકને ધરાર ઘુસાડવાનો પ્રયાસ કરવો બિલકુલ આજે કેટલાક રિવ્યુકારો કોશિશ કરે છે એમજ સ્તો!

અચ્છા, આગળ આ રિવ્યુકાર ધર્મેન્દ્ર અને હેમા માલિનીની પણ ટીકા કરે છે. તેઓ ધર્મેન્દ્રને ફિલ્મમાં ‘મૂર્ખ’ દેખાડવામાં આવ્યો છે એમ કહે છે, જ્યારે આપણને બધાને ખબર છે કે ધર્મેન્દ્ર આ ફિલ્મમાં એક હળવા ટોન ધરાવતા પાત્રને ભજવે છે બાકી શોલેમાં જ્યારે જ્યારે એ ગરમ થાય છે ત્યારે એમાં ઓરીજીનલ ધરમ જ દેખાય છે. હેમા માલિની વિષે આ મહાશય કહે છે કે તે બિલકુલ ગ્રામીણ કન્યા જેવી લગતી નથી, પણ હા તેઓ હેમા માલિની પર દયા કરતા તેઓ એટલું જરૂરથી કહે છે કે તે પોતાના રોલમાં ઓતપ્રોત જરૂર થઇ ગઈ છે! મંડળ આપલા આભારી આહે હોંકે! આજે પણ એમ જ છે ને કે અમુક અદાકારની ભૂમિકાને કોઈ જુદા જ એન્ગલથી પોતાના રિવ્યુમાં નેગેટીવલી લખવો જેથી વ્યક્તિને એ અદાકાર ગમતો હોય એને ફિલ્મ જોવાની ઈચ્છા જ ન થાય.

 

સહુથી વધારે હસવું આ રિવ્યુ વાંચીને ત્યારે આવ્યું જ્યારે શ્રીમાન રિવ્યુકારે અમજદ ખાન ઉર્ફે ગબ્બર સિંહ વિષે ‘બે શબ્દો’ કહ્યા છે. હા ખરેખર બે શબ્દો જ કહ્યા છે. તેઓ લખે છે કે “અમજદ ખાનને જોઇને ડાકુને જોતા જ જેવો ભય લાગવો જોઈએ તે બિલકુલ નથી લાગતો. આ જાડો વ્યક્તિ દોડી શકતો નથી કે ફાઈટ પણ કરી શકતો નથી બસ પોતાના સાથીદારોને હુકમ જ કરતો રહેતો હોય છે!” (અરે ઓ સાંભા, બરોબર?) તે સમયના બાળકોને પૂછજો કે ગબ્બરને જોઇને એમની ચડ્ડીમાં ભીનાશ એમણે અનુભવી હતી કે નહીં? અરે મોટેરાઓમાં પણ ગબ્બર સિંહે ભય ફેલાવી દીધો હતો અને આમને ગબ્બરમાં કોઈ ક્વોલીટી દેખાતી જ નથી? ભારતીય સિનેમામાં ગબ્બર પછી આ 42 વર્ષ જેટલા લાંબા સમયગાળામાં કદાચ શાકાલ અને મોગેમ્બોને જોઇને જ લોકોને ડર લાગ્યો હતો એટલું એપિક પરફોર્મન્સ હતું અમજદ ખાનનું અને તેઓ અવસાન પામ્યા ત્યાંસુધી તેઓ ગબ્બર તરીકે જ વધુ ઓળખાયા હતા.

આગળ પંચમે ગાયેલું અતિશય પ્રસિદ્ધ એવા “મહેબૂબા મહેબૂબા” માટે આ રિવ્યુકાર લખે છે કે અત્યંત ખરાબ સ્વરમાં આ ગીત ગવાયું છે અને એના પર જલાલ આગાએ વાહિયાત ડાન્સ કર્યો છે. એક વાત કોઇપણ પંચમ ફેન કબૂલ કરશે કે શોલે એ આર ડી બર્મનનું શ્રેષ્ઠ આલ્બમ ન હતું, પણ હા તેમાં મહેબુબા સોંગ જ ટોપ પર મૂકી શકાય તેવું હતું. ખૈર, જેવી રિવ્યુકાર મહાશયની મરજી, આપણે તો બીજું શું કહી શકીએ હેને? ફિલ્મમાં નાના રોલ્સ ભજવનાર અસરાની અને જગદીપ અંગે કહે છે કે આ બંને ફિલ્મમાં તેઓ ન હોત તો પણ ચાલત. જ્યારે એ કે હંગલના પાત્રને માત્ર હિન્દુ-મુસ્લિમ એકતા દર્શાવવા માટે જ ઉભું કરાયું છે.

અરે મારા ભાઈ, શોલેનું એકેએક પાત્ર અમર થઇ ગયું છે, પછી તે ફિલ્મમાં માત્ર ગણતરીના ડાયલોગ બોલનાર રામલાલ એટલેકે સત્યેન કપ્પુ પણ કેમ ન હોય? જ્યારે અસરાની અને જગદીપે જીવનભર જેલર અને સૂરમા ભોપાલીની છાયામાં જીવવું પડ્યું છે એ પણ હકીકત છે. જ્યાંસુધી એ કે હંગલના ઈમામ સાહેબના પાત્રની વાત છે તો એમનો એક સંવાદ તો ફિલ્મને આખી જૂદી દિશા બતાવે છે અને એ ડાયલોગ એ હતો કે “આજ ઉસસે પૂછૂંગા કી ઇસ ગાંવ પર શહીદ હોને કે લિયે મુજે દો-ચાર ઔર બેટે ક્યૂં નહીં દિયે?” પણ ના આપણે તો રિવ્યુ લખવા નહીં પરંતુ ફિલ્મની ખોટ કાઢવા જ બેઠા છીએને? આજે પણ આ હકીકતમાં ક્યાં કોઈ ફેર પડ્યો છે?

અચ્છા, આ મહાશય તો સચિનને મારી નાખવાના સીનનો પણ વિરોધ કરતા કહે છે કે તેની પણ ફિલ્મમાં કોઈજ જરૂર ન હતી, બલ્કે આ જ સીન પછી તો પેલો ફેમસ ડાયલોગ જન્મ લે છે કે, “ગબ્બર સિંહ તુમ અગર એક મારોગે તો હમ ચાર મારેંગે!” આ જ ડાયલોગથી ઓડિયન્સમાં બેઠેલી એકેએક વ્યક્તિના રૂંવાડા ઉભા થઇ જાય છે. વળી સચિનને મારી નાખવાના સીનનું ડાયરેક્શન પણ કેવું અદ્ભુત છે, જ્યારે ગબ્બર એના હાથ પર રહેલા એક મચ્છરને મસળી નાખે છે!

એવું નથી કે આ અનામી રિવ્યુકારે ફિલ્મમાં ફક્ત દોષ જ જોયા છે, થોડા વખાણ પણ કર્યા છે કારણકે એમણે શરૂઆતમાં જ લખ્યું હતું કે પોણી ફિલ્મ સુધી તમારા પગ ચોંટી રહે છે એટલે એને ન્યાય આપવા વખાણ તો કરવા જ પડે ને? તેમણે આખી ફિલ્મમાં મોટેભાગે ચહેરાથી અભિનય કરતા જયા ભાદુરીના વખાણ કરતા કહ્યું છે કે આ પ્રકારની ભૂમિકા તેના સિવાય બીજું કોઈ જ ન ભજવી શકે, સત્ય! બીજું એમણે બે જગ્યાએ સંજીવ કુમારના વખાણ કર્યા છે. જો કે એમણે એ ટિપ્પણી પણ કરી છે કે ફિલ્મમાં સંજીવને ગ્લેમર માટે જ લેવાયા છે બાકી આ ભૂમિકા નાસીર હુસૈને પણ કરી લીધી હોત! ઓહ માય ગોશ… સંજીવ કુમાર જ્યારે લાઈનસર પોતાના પરિવારજનોની લાશ પડી હોય છે અને એક પછી એક એમના પર લાગેલા કફન ઊંચકે છે એ સીનમાં સંજીવ કુમારે કરેલી અદાકારીના તેમણે ખૂબ વખાણ કર્યા છે અને તેની સાથે આપણે સહમત થવું જ પડે!

આ ઉપરાંત એડિટર એમ એસ શિંદે અને સિનેમેટોગ્રાફર દ્વારકા દિવેચાના વખાણ કરવાનું પણ આ રિવ્યુકાર ભૂલ્યા નથી, ઉપકાર એમનો. હવે આવે છે બે અતિશય મહત્ત્વની બાબતો જે આજના રિવ્યુકારો પર બિલકુલ લાગુ પડે છે. એક એમ કે ફિલ્મના કોઈ અતિશય મહત્ત્વના પાત્ર જેના વગર એ ફિલ્મની કલ્પના પણ ન થઇ શકે એનું નામ પણ પોતાના રિવ્યુમાં કોઈ અભેદ કારણોસર ન લખવું અને ફિલ્મના અત્યંત પોપ્યુલર સીનને ખૂબ ખરાબ રીતે ઉતારી પાડવો.

તમે માની શકો છો કે આ રિવ્યુમાં આ અનામી મહાશયે એકવાર પણ ફિલ્મના પાયાના પાત્રોમાંથી એક એવા જય એટલેકે અમિતાભ બચ્ચનનું નામ નથી લખ્યું? યસ યુ રેડ ઈટ રાઈટ! અમિતાભનું નામ તેમણે નથી લખ્યું પણ ફિલ્મમાં આ પાત્રનું મહત્ત્વનું તો છે જ, એટલે એમણે ત્રણ જગ્યાએ તેને આ રીતે લખ્યું છે. પહેલીવાર “Dharam and his co-killer” તેમજ બીજી અને ત્રીજી-વાર “Dharam’s friend” તરીકે અમિતાભ બચ્ચનનો ઉલ્લેખ કર્યો છે. અરે, ફિલ્મમાં માત્ર બે સીનમાં દેખાતા ઇન્સ્પેકટર ઓમ શિવપુરીનો ઉલ્લેખ સુધ્ધાં તેમણે આ રિવ્યુમાં કર્યો છે પણ અમિતાભ નો ‘અ’ પણ એમણે લખ્યો નથી.

લાગે છે કે આ મહાશય શોલે શરુ થયા પછી દસેક મિનીટ બાદ થિયેટરમાં એન્ટર થયા હશે કારણકે શોલેના ટાઈટલ્સમાં ધર્મેન્દ્ર, સંજીવ કુમાર, હેમા માલિની, પછી ચોથું નામ અમિતાભ બચ્ચનનું જ આવે છે. અને શોલે આવ્યા અગાઉ ‘ઝંઝીર’ આવી ગઈ હતી એટલે અમિતાભને કોઇપણ ભારતીય આમ સાવ ઓળખતો નહોય એ શક્ય જ નથી. અત્યારે આ રિવ્યુકાર જો સામે મળે તો આમ કરવા માટે કદાચ તેમને શોલેનો અમિતાભનો જ ડાયલોગ પૂછી શકાય, “કોઈ પૂરાની દુશ્મની?”

છેલ્લે આ રિવ્યુકાર ડીટ્ટો આજના કેટલાક રિવ્યુકારોની જેમ “તુમ્હારા નામ ક્યા હૈ બસંતી” ડાયલોગની મશ્કરી કરતા કહે છે કે “આ જોક સાંભળીને માત્ર વીસ જણા જ હસ્યા, કેટલા લો IQ વાળો જોક કહેવાય!” ફરીથી કહીએ તો આ શોલેના એ મહાન સંવાદોમાંથી એ છે જે આજે પણ એટલેકે 42 વર્ષ પછી પણ એટલો જ પોપ્યુલર છે અને લોકો ઘણીવાર તેનો ઉપયોગ પણ કરતા હોય છે. પણ આપણા રિવ્યુકારો પોતાને વધુ ભણેલા અને જ્ઞાની સમજતા હોય છે અને હાઉસફુલ અને ગોલમાલ સિરીઝને નિર્દોષતાથી માણી શકનારાઓને લો IQ વાળા ગણે છે. પણ તેમની ઈચ્છા વિરુદ્ધ આવી જ ફિલ્મો જે લોકોને પોતાના ટેન્શન બે અઢી કલાક માટે ભુલાવી દે છે તે બોક્સ ઓફિસ પર કરોડો ઉસેટી લે છે જેમ એ સમયે શોલે એ ઉસેટી લીધા હતા.

ભલું થજો એ સમયનું જ્યારે અંગ્રેજી વાંચનાર વર્ગ મનોરંજનને સમજી શકનાર અને માણી શકનાર વર્ગ કરતા માઈક્રો માઈનોરીટીમાં હતો આથી પહેલું અઠવાડિયું નબળું ગયું હોવા છતાં ફિલ્મ માત્ર માઉથ પબ્લીસીટીના જોરે બ્લોક બસ્ટર બની અને જેમ આગળ કહ્યું એમ આજે પણ એ બોલિવુડનું મહાભારત બની રહી છે. શોલેનો ઉપરોક્ત રિવ્યુ વાંચીને આપણે એટલું જ સમજવાનું છે કે રિવ્યુકાર છેવટે તો પોતાના મનની જ વાત કરતો હોય છે જેમાં એના અંગત ગમા-અણગમાની નક્કર સામેલગીરી હોય છે. એનો ટેસ્ટ અને આપણા ટેસ્ટમાં જમીન આસમાનનો ફેર હોય જ તો પછી પૈસા બચી ગયા એમ કહીને ફિલ્મ જોયા વગર એને ક્યારેય નકારી કાઢવી નહીં એ આપણે જો ફિલ્મોના ખરેખરા રસિયા હોઈએ તો સમજવું જરૂરી છે.

આચારસંહિતા

શોલે જ્યારે રિલીઝ થઇ હતી ત્યારે તેને નબળો પ્રતિસાદ મળ્યો હતો તેની આપણને બધાને ખબર છે. ફિલ્મની ટીમે આ અંગે એક સરવે કર્યો એમાં ખબર પડી કે છેલ્લે અમિતાભ મરી જાય છે એ અંત લોકોને ગમ્યો નથી. આથી રમેશ સિપ્પી અને અમિતાભ બચ્ચન અને અન્ય કલાકારો બેંગ્લોર પાસે આવેલી ફિલ્મની સાઈટ પર જઈને નવો અંત શૂટ કરે તેની તૈયારીઓ પણ પૂરી કરી દેવામાં આવી હતી, પણ બીજા જ અઠવાડિયાથી ફિલ્મે ગતિ પકડી અને પછી જે થયું તે પેલું કહેવાય છે ને કે “ઈતિહાસ છે!”

૨૪.૧૧.૨૦૧૭, શુક્રવાર

અમદાવાદ

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here