આજથી સો વર્ષ પહેલાનો જમાનો કેવો હશે? શું સ્ત્રીઓની પરિસ્થિતિ જેવી આપણે માનીએ છીએ એવી જ હતી? શું સ્ત્રીઓને પોતાના અવતાર પર ગર્વ હતો ખરો? સુનીલ અંજારિયા આપણને એક ઘરની આજના જમાનાની યુવાન વહુની મદદથી લગભગ સો વર્ષ પાછળની ટાઈમ ટ્રાવેલ કરાવીને ઉપરોક્ત સવાલનો જવાબ આપવાની કોશિશ આ લઘુકથા દ્વારા કરી રહ્યા છે.
==::==
સાસુજીએ હળવેથી કહ્યું:” અરે ઘેલી, આ સીડી પકડ. હું માળિયું સાફ કરી લઉ. આપણા બેયની લગભગ સરખી હાઈટ છે પણ મારો ભાર તું યુવાન ઊંચકી શકે, તારો હું.. જોખમ.”
સાસુની હું લાડકી હતી. મને ઘેલી, ચકકર થી માંડી સુષ્મા સ્વરાજ, જગદંબા, કાંઈ પણ સંબોધન કરતાં.
દિવાળી નજીક આવતી હોઈ અમે ઘર સાફ કરતાં હતાં. હું એક ઉચ્ચ હોદ્દો શોભાવતી શિક્ષિત MBA યુવતી છું. મેં આજે રજા લીધેલી. સાસુ સિનિયર સીટીઝન થવાને આરે છે અને મને ઘરકામમાં ખૂબ મદદ કરે છે.
મેં સીડી પકડી. સાસુજીએ માળીએ થી ધૂળ ખંખેરી એક જૂની કદાચ મારા પતિના જન્મ પહેલાની લોખંડની “ટ્રંક” કાઢી, એમાંની ચીજો ઠીકઠાક કરી, લૂછી, મુકી. એમાં તો સાસુ પરણીને આવ્યાં ત્યારનો રામણ દીવડો,એમની ને મારી અમે બેય પરણીને આવેલાં ત્યારની અમારા પતિઓ સાથે બાંધેલી છેડાછેડી , ચૂંદડીઓ, એક બોક્સ માં જુનાં વાસણો ને એવું હતું.
“આ બધાનું એક પ્રાઇવેટ મ્યુઝિયમ કરવું જોઈએ. ગુજરાતી સ્ત્રીઓ એક સદીથી આજ સુધી.” મેં કહ્યું. સાસુજીનો લગ્ન વખતનો જ્યોર્જેટ સાડીમાં ફોટો હતો. બહુ સુંદર લાગતાં હતાં। મેં વખાણ કર્યાં। સાસુજી કહે કે “તે આજકાલની વહુઓ કરતાં સાસુઓ નજર નાખવી ગમે એવી વધુ હોય છે.”
એ તો વ્યવસ્થિત દેખાવાનું ભાન થયું એટલે.બાકી મારી સાસુ ને એની સાસુ પણ સારાં જ લાગતાં। કોઈ પ્રસંગે મારી જાણે કે સૌંદર્ય સ્પર્ધા થતી. મારી સાસુ, ને ખાસ તો એની પણ સાસુ એકદમ રૂપાળાં હતાં।”
“તમને ક્યાંથી ખબર, તમે એને જોયાં છે?” મેં પૂછ્યું.
સાસુ કહે “એમના સસરાની, જેઠની લાજ કાઢતી લાંબા ચોટલાનો અંબોડો બાંધતી, ઘુમટામાં મોં ઢાંકતી મારી સાસુ તો જોઈ છે. એનો વહાલ, ગુસ્સો, હુકમો બધું જોયુ છે. એમની સાસુનો પણ ફોટો છે. જોઉં, આપણા આ પ્રાઇવેટ મ્યુઝિયમમાં મળે તો.”

સાસુજીએ બેગમાંથી એક નાનીબેગ ઉતારી. કેટલાક 60 કે 70 વર્ષ જુના ફોટા કાઢ્યા. એકદમ એમની આંખો ચમકી. કહે “લે આ તારી પરદાદી સાસુ.”
મારા સસરાને જૂની વસ્તુઓ એન્ટિક તરીકે સાચવવાનો શોખ હતો. આવી વસ્તુઓ માળીએ રાખતાં. સાસુએ એક માથે ઓઢેલી, મોટો ચાંદલો કરેલી, આંખો માં કાજળ આંજેલી સુંદર સ્ત્રીનો બ્લેક એન્ડ વ્હાઈટ પીળો પડી ગયેલો ફોટો કાઢ્યો. સ્ત્રી હસું કે ના હસું એ દ્વિધામાં લાગી. હસે તો ફૂલડાં ઝરે એવી ચોક્કસ લાગે પણ જાહેરમાં હસવાની એને કદાચ છૂટ નહીં હોય.
મેં ધારી ધારીને એની સામે જોયું. એમણે મારી આંખમાં આંખ મિલાવી. માય ગોડ! હું બે ધબકારા ચુકી ગઈ. એ ખરેખર મારી સામે જોઈ સ્મિત આપતી હતી. એનો પાલવ સહેજ ખસ્યો જાણે મને આવકારવા ધરતી હોય એવું લાગ્યું. હા. એ ખરેખર મારી સાથે વાત કરવા માંગતી હતી. મેં ઊંડો શ્વાસ લઈ, ડર છોડી એમની સાથે વાતનો દોર સાધ્યો.
“પાય લાગું સાસુમા.” મેં કહ્યું.
“જીવતી રહે દીકરી. ફુલજે, ફળજે. પણ મેં સાંભળ્યું તેં મને સાસુમા કહ્યું. તું વહુ છે કે આપણા કુળની દીકરી?” ઉંડેથી રણકતો અવાજ આવ્યો.
“વહુ. તમારા પૌત્રના દિકરાની પત્ની.”
“રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. આ પહેરવેશ શુ છે બેટા, આ મેં ફોટામાં જોયેલા વિલાયતી ભાયડાઓ જેવું શુ પહેર્યું છે? “
“બા, એને જીંન્સ અને ટી શર્ટ કહેવાય. ઘરમાં કામ કરવામાં ફ્રી રહેવાય.”
“હે, ફ્રી એટલે શું?”
“મુક્ત. કામકાજ માં અડચણ ના પડે એવું”
“બળ્યો આપણો આ સ્ત્રીનો અવતાર. આપણે ચૂલા જ ફૂંકવાનાને? કામ એટલે ચાર દીવાલો વચ્ચે સતત કામ. શ્વાસથી પણ ઝડપથી બધું આટોપવાનું. પોખાઈને બારણાં માં પગ મૂકીએ ત્યાંથી ઠાઠડીમાં વીંટાઈ બહાર નિકળીએ ત્યાં સુધી કામ સિવાય કશું કરીએ છીએ?”
“બા, ઘરનું કામ તો ખરું જ. તે ઉપરાંત હું તો એક કચેરીમાં ઊંચા હોદ્દા પર છું. મારા હાથ નીચે ત્રણસો સ્ત્રી પુરુષો કામ કરે છે”.
“આ નવું. આપણે બૈરાં બહાર કામ કરવા જઈએ. તો આપણા .. કુળના ભાયડાઓ શું કરે છે?”
“બા, બધાં જ કામ કરીએ. આ 2018 ની સાલ છે. સાથે કમાઈએ, સાથે ખાઈએ. હા, આપણા .. કુળમાં બધાં સાથે જ , સંપથી રહીએ છીએ. બીજે તો કોઈ મા બાપને ઘેર મહેમાનની જેમ જવું હોય તો જાય. પડી પણ ના હોય. મને તો તમારી પૌત્રવધુ , મારી સાસુની ખૂબ હેલ્પ છે.”
“બેટા, પૌત્રવધુ અને હેલ્પ એટલે શું?”
“પૌત્રવધુ એટલે દીકરાના દીકરાની વહુ. હેલ્પ એટલે મદદ. અંગ્રેજી શબ્દ છે.”
“હું હેલ્પ અને પુત્રવધુ બેય નો અર્થ જાણું છું. આ તો કટાક્ષ, એ વખતે ઘુમટામાં છુપાઈ, ઘરમાં ખૂણે ભરાઈ સતત ઊંચે શ્વાસે કામ કરતી મને કોઈ મદદ કરે અને એ પણ સાસુ – એ વિચારી જ શકાતું નહીં. મારી પુરી જિંદગી ઢસરડા કરવામાં જ ગઈ. મારી પેઢીની બધી જ સ્ત્રીઓની। અમે વહુ આવે એટલે એની ઉપર હકુમત ચલાવીએ। હું તો એ પણ નહોતી કરતી। બિચારી ઘોડિયામાંથી નીકળી પાંચીકે રમતી થઇ હોય ત્યાં હાથ પીળા થઇ જાય ને જાય પારકે ઘેર. બહાર કામ કરી શકાય, ખુબ આગળ ભણી શકાય એ કોઈ વિચારતું જ નહીં।”
“તે બા, તમે કઈ સાલમાં આ ઘરમાં આવ્યાં હતાં?”
“ બેટા, 1908 માં. પરણીને આવી ત્યારે હું પંદર વર્ષની હતી. ખાસ્સા સિત્તેર વરસ જીવી. એટલેકે આ ઘરમાં પૂરાં પંચાવન વર્ષ। એ વખતે એટલું ઘણું લાબું જીવ્યું ગણાતું। પચાસ તો બસ થઇ ગયાં। કામ કરતાં, હુકમો ઉઠાવતાં, દોડાદોડી કરતાં, વહુઓને ના છૂટકે હુકમો કરતાં, છોકરાં જણતાં, એનાં છોકરાંને રમાડતાં, ને અડતાલીસ ઉપર જઈએ ત્યાં રાધે કૃષ્ણ ભજવાના, જિંદગી પુરી! સ્ત્રીનો અવતાર પૂરો.
તારો તો સાવ અલગ જાતનો સ્ત્રી અવતાર લાગે છે આશરે એક સદી પછી… પણ બેટા તું.. કોણ?
“બા, તમારા દીકરાના દીકરાના દીકરાની વહુ.”
“ઠીક. સમજી. મારો દીકરો .. 1909 માં, એને ઘેર પારણું બંધાયું 1937 માં, .. નામ. એનો દીકરો.. ને લે, એનું ઘર? ..કાંઈ સમજાતું કે મનાતું નથી. ખુશી છે .. કુળ, જેની હું વહુ હતી, હજી એવું જ હર્યું ભર્યું છે જેવું મેં બનાવવા માગેલુ.”
“હજી આજે પણ… કુળમાં સહુ એમ જ રહે છે. મારી સાસુ એટલેકે તમારા પૌત્રની પત્નીની મને સતત મદદ છે. એટલે તો આ મોટી જવાબદારીની નોકરી અને ઘર સચવાય છે.”
“આ તેં સાસુ મદદ કરે છે કહ્યું, ભલું થાઓ મારી ત્રીજી પેઢીની વહુનું. અમે તો ગભરાતા, ફફડતાં કામ કરતા, અઢાર માણસોના વસ્તારી કુટુંબમાં કામ કરતાં. દોડાદોડી, એક ઘડી પોરો ખાવા મળે નહીં. મેં મારી વહુને રાહત આપેલી. બિચારીએ મેં ભોગવ્યું એવું ના ભોગવવું પડે”.
“અઢાર માણસો એક ઘરમાં? કેવીરીતે મેનેજ, કામ થતું?” હવે મારે સભાન પણે અંગ્રેજી શબ્દો એવોઇડ કરવા જોઈએ. બા ની પેઢી અંગ્રેજો વચ્ચે ઉછરેલી પણ માતૃભાષામાં શબ્દો એમને ગોતવા પડતા નહીં. બા ને તો અંગ્રેજી સમજાતું નહીં હોય.
“બેટા, મેનેજ કરી લેતી. માથે પડે એટલે આવડી જાય. એક્સપિરિયન્સ. આપણાં ફેમિલીમાં મારા સસરા ને છ સન, ચાર ડોટર હતી. એ સહુથી મોટા. નાના બે દિયરનાં પછી મેરેજ થયાં. મારાં પાંચ ચિલ્ડ્રન, દિયરનાં થ્રી. લે જો, મને અંગ્રેજી આવડે છે હોં”? ..
”બા એ મારી બાઉન્ડરી”
હું આમેય ડઘાઈ ગયેલી. વડ વડ સાસુને અંગ્રેજીમાં ‘ફાડતી’ જોઈ મારી બોલતી બંધ થઇ ગઈ. વડ વડ સાસુએ મને સધિયારો આપ્યો. “વહુ, અમે અંગ્રેજી ઘરમાં બોલાતું સમજતાં। મને અંગ્રેજી પણ આવડે, ગુજરાતી પણ ને મારી સાસુ, સસરાને એની ત્રણ પેઢી પહેલાં ફારસી પણ આવડતું। મોગલો ને બાદશાહો સાથે પનારો પડતો એટલે। સંસ્કૃત પણ આવડે હોં?”
“બા, તે તમારા જમાનામાં તમે કામ જ કર્યે રાખતાં , તે છતાં જશ ના હતો એમ કહ્યું। તો કેવી હતી તમારી જિંદગી?”
”એમ કર દીકરી, તને 1908માં જ લઇ જાઉ. બધું આ ડોશી લવારો કરી જાય એના કરતાં એ જીવતી સ્ત્રી અવતારની જિંદગી જોઈ લે. આંખ બંધ કર.”
મેં આંખ બંધ કરી. હું ઊંડી ઉતરતી હોય એવું લાગ્યું. ફરી આંખ ખોલી, હું એક ખોરડાંમાં ઉભી હતી. ડેલીબંધ ઘર. આખી બાંયનું બ્લાઉઝ જેવું કૈક અને લાલ કોરવાળી ક્રીમ જેવી સાડી પહેરી એક વીસ વર્ષ આસપાસની સ્ત્રી પથ્થરના બે પૈડાં એક હાથથી ચલાવતી હતી. બાજુમાં નહાવાની ડોલ કાપી અંદર કોલસા સળગતા હતા, ઉપર જ્વાળાઓ પર પિત્તળનું વાસણ બુડબુડ અવાજ કરતું હતું. થોડે દુર એક આડા પથ્થર પર બે ઘડા પડેલા. ત્રણ પાયાની ઘોડીપર ત્રામ્બાનું કોઈ વાસણ નીચે આગ સળગાવેલું પડેલું. બાજુમાં એક નાનું નીચેથી નાગું બાળક એક ગોદડીપર રમતું હતું. પેલી સ્ત્રી બોલી, મેં એ સ્વર ઓળખ્યો.. આ તો વડ વડ સાસુજી.
“આવ બેટા. આ હું છું. આ પત્થરનાં બે પૈડાં ઘંટી છે. એમાં આખા કુટુંબનું અનાજ દળાય, આ બે ઘડા પાણીની હેલ કહેવાય. આડો પથ્થર અને નીચે બે ટેકા, વચ્ચે વાસણ રાખવાના ખાડા પાણિયારું કહેવાય. આ ડોલ જેવું છે એ સગડી. એમાં ઉપર કોલસા નાખી નીચેથી આગ પ્રગટાવાય રસોઈ માટે.
“રોટલાનો લોટ બંધાઈ ગયો. પાંચ માણસોનું નહાવાનું પાણી ગરમ થઇ ગયું. સગડીથી.”
એક પુંઠાના ટુકડાથી સાસુજીએ સગડીને નીચેથી પવન નાખ્યો।” કોલસા સળગતાં વાર લાગે પણ પછી લાબું ચાલે।” સાસુજીએ કહ્યું। મને મારા પાઈપલાઈનના ગેસ નું સ્મરણ થયું।
“હું નસીબદાર છું એટલે સગડી મળી બાકી ચૂલો ફૂંકી ધુમાડામાં આંખો લાલ કરવી પડતી. મારી દેરાણી રસોઈ જુએ છે, સારી છે બીચારી. એનું ધાવણું છોકરું ને મારાં ત્રણ. ચારેયને બે વહુઓ વચ્ચે સાચવતાં કામ કર્યે જવાનાં। સાસુ છે પણ એ ઉઠે પણ નહીં, ઉઠી શકે પણ નહીં. અરે, આપણું શહેરી ઘર છે. બાકી ગામડાંમાં તો સાસુ ને વહુ બન્નેને સાથે નાનાં છોકરાં. ક્યારેક સાસુ વહુની સાથે સુવાવડ પણ થાય.”
“સાંભળો છો કેટલી વાર મારે હાટડીએ જવાનું મોડું થાય છે.” એના પતિએ કહ્યું.
“બસ. પાટલો માંડું એટલી જ વાર.” સાસુજીએ કહ્યું અને લાકડાનો એક ટુકડો નીચે પાયાવાળો મુક્યો। “આને પાટલો કહેવાય. એની ઉપર બેસીને જ જમાય.”
પુરુષ, લાકડાની ખીંટીએથી માથેથી પાઘડી ઉતારી પહેરી બેઠો। એણે ધોતિયું, ખમીસ પહેર્યા હતાં।
“તારા વડ વડ સસરા. હું મારા બાપની પાંચ દિકરીઓમાં ચોથી. લોકો તો કહે આવડી ભડભાદર દીકરી ઘેર રાખી છે? તો મારા બાપ કહે હા. થોડું વાંચતા લખતા શીખે, ઘર કામ શીખે પછી જ મુરતિયો ગોતું. ને મેં મારું શીખેલું દીપાવ્યું છે. સવારે પાંચ વાગે ઉઠી હું દળવા બેસું, દેરાણી પાણી ભરવા જાય. આ શહેર છે એટલે પંદર મિનિટ ચાલતાં કુવા છે, ગામડે તો કલાક ચાલી વીરડામાં પાણી ભરવાનું. વીરડો એટલે નદીની રેતીમાં ખાડો ખોદી આવતું ખોબો પાણી.
આવી ફટાફટ રસોઈ કરું. આ બમ્બો કહેવાય. એમાં પાણી ગરમ કરી નહાવાય. એ લોકો નહાઈ લે એટલે આ પથ્થરને ચોકડી કહેવાય ત્યાં (એક રમવાના બેટ જેવી ચીજ પર હાથ મુકતા) ધોકો લઇ કપડાં ધોવાનાં, ખાળ સાફ કરવાનો. વચ્ચે હવે દેરાણી છે, એટલે છોકરાંને હિંચકો નાખે બાકી ચાર વરસ પહેલાં હું જ કરતી. સાસુ બિચારીએ બહુ કર્યું. હવે પગ વાળી બેસે. હુકમો કરે. ના કરે તો કૈંક રહી જાય, એણે વધુ દિવાળી જોઈ છે. હું એનું ખોટું નથી લગાડતી.”
“ડોબી, આળસુની પીર થઈ ગઈ છે. આ શાક બળી જશે તો તારા બાપને ખવરાવશું? તારો સસરો મને ધીબી નાખશે.” ’બિચારી સારી સાસુ’ના વચનો એના કાને પડ્યાં. મારી વડસાસુ દોડી, સગડી પર શાક હલાવ્યું.
એક બાળક રોયું. વડસાસુ એ દોડી હિંચકો નાખ્યો, મોટાંને જમવા આપ્યું. એને કહ્યું “બેટા નિશાળનો વખત થઈ જશે. દફતર પાટી પેન લઇ લે.”
બહારથી એક ખોંખારો। આખું માથું અને મો ઢંકાય એવડું વડસાસુએ માંથે ઓઢયુ, એના સસરા ધોતિયું, લાંબો કોટ, પાઘડી પહેરી દાખલ થયા.
“કભારજા, આ ઉકરડા જેવો ઓરડો નથી વાળતી નથી કોઈને કહેતી. બસ બેઠી રહે છે.”- ’સંસ્કારી’ ઘરના વડીલે પુત્રવધુ સાંભળે એમ સાસુને તડકાવી.
સાસુ યુવાનીમાં ખૂબ કામ ઢસડી કમરેથી ઝૂકી ગઈ હતી. ઉમર ચાલીસ જેવી હશે પણ વાર્ધકય શરૂ થઈ ગયેલું. યુવાન વડસાસુ દોડીને કચરો વાળવા લાગી. સસરા એ રૂમ માંથી બહાર ગયા એટલે ત્યાં વાળ્યું.
બાજુમાં “ગધેડીની, એક કામ થતુ નથી રાંડથી. પૈસાના હીસાબમા ભૂલ .. ક્યાં મૂક્યું એ? બુમો સાથ થપાકા નો અવાજ આવ્યો.
વડ સાસુ કહે “ધણી એટલે કે એનો પતિ એને મારે છે. ધણી તો મારે જ. મરદ તો જ કહેવાય. આ તો નાની ભૂલ થઈ બાકી એની, બાપડા મરદ પર વીતે તો ક્યાં ઉતારે, અમારી પર. એમ જ મારવાનો એને હક્ક છે. ક્યાંક તો ગડદા પાટુ મારવાં પણ સહજ થઇ પડ્યાં છે.”
સાંજ પડી. વડસાસુએ મને જોતા રહેવા કહયું. થાળીઓ પીરસાઈ. પુરુષો જમ્યા. હવે સ્ત્રીઓ. જમવાનું ખૂટે એમ લાગ્યું તો એની સાસુ કહે આપણે સ્ત્રીઓએ તો ચલાવી લેવું પડે. થોડું થોડું નાસ્તાથી પણ ઓછું ખાઈ લીધું. વડસાસુ કહે વધે તો વાસી અમે બે વહુઓ જ ખાઈ જઈએ. મને થયું આ કેવું, કામ ઢસડવાનું ને પૂરું ખાવાનું નહીં? વડસાસુએ ગાદલાં પાથર્યાં ને પોતે એક ખૂણે ટૂંટિયું વાળી નાનાં બાળકને થાબડતી સુવા જતી હતી ત્યાં સાસુએ બમ પાડી “અરે ક્યાં મરી ગઈ, આ મારા પગ ખૂબ દુખે છે દબાવતી જા.” હજુ એ કરે ત્યાં એના પતિ વડ સસરાજી બોલ્યા, “આટલી રાત થઈ. કાંઈ વાત કરવી હોય તો આવવાનું કે બસ પોઢી જવાનું”
વડસાસુ વળી સૂતી , ઓચિંતી ફડકામાં ઉભી થઇ.એના સસરાને પીવા પાણીનો લોટો ભૂલી ગયેલી જે સસરાના ઢોલિયા એટલે કે એક ખાટલા પાસે મુકવા જતાં એણે પોતાનું આગમન સુચાવતો કોઈક અવાજ કર્યો. સસરાએ ખોંખારો ખાઈ સિગ્નલ આપ્યું એટલે મૂકી. વળી ડેલીની ખડકી બંધ કરવા ગઈ.
વળી કહે કે અમને રાતના લઘુશંકા જાવુ હોય તો પણ પડયા રહેવું પડે. આ તો શહેર છે એટલે આંગણા ના છેડે સંડાસ છે. ગામડામાં તો એ માટે પણ બે કિલોમીટર ચાલવું પડે. આમ ચાલીચાલીને જ મારી સાસુ ને બીજી સ્ત્રીઓને પાંત્રીસ આડત્રીસ થતા તો ઘૂંટણની ઢાંકણી ખરાબ થઈ જાય છે. પિસ્તાલીસ સુધીમાં કમરેથી વળી જાય છે. પણ ત્યાં વહુ આવી ગઈ હોય.
અમે વરોની આવક ટૂંકી જ લાગતી હોય એટલે માંદા પડીએતો પણ હાથવગા ઉપચારો કરીએ. બાકી જો વચ્ચેથી મરી ગયાં તો લોકો ચૂંદડી ઓઢીને સૌભાગ્યવંતા ગયાં કહી વર કોઈ પણ ઉંમરનો હોય, બીજી પરણાવે. એને કોઈક સેવા માટે જોઈએ ને? અમે તો ગયાં તો છૂટ્યાં।
મને કંપારી આવી ગઈ એના માબાપે તેર-ચૌદ વર્ષે કાયમ માટે વળાવેલી એ લાડલીઓની દશા સાંભળીને. અને મૃત્યુ થાય તો પણ સહજતાથી બીજી એની જગ્યા પુરી લે એ સ્વીકારવાની વાતથી.
“અમને દર બે વર્ષે છોકરાં થાતાં. એટલેકે એક છોકરું ધાવવા નું બંધ કરે કે બીજું રહે. એમાં જે સુરખી 16 વર્ષે રહેલી એ 26 વર્ષે તો ખતમ થઈ જાય.”
મેં પૂછી લીધું, “તો તમે પિયર ક્યારે જાઓ?”
એમણે કહ્યું, બાપ વળાવે એટલે એના માટે આપણે મરી ગયાં. કોઈ લગ્નમાં કે પ્રસંગે જઈએ પણ દસ છોકરાં હોય તો બે ત્રણ ને લઈ બાકીનાં ઘેર રાખી શકાય એમ હોય તો જ એટલે જ અમે સ્ત્રીઓ કહેતી “બળ્યો આપણો સ્ત્રી અવતાર. અસ્ત્રી અવતાર અમારા વખતની ઝવેરચંદ મેઘાણી ની વાર્તાઓ નો શબ્દ છે.”
“બેટા, મને ખરેખર આનંદ થયો તને અમારા આ લાંબી સાડી, ચણીયા, અમે પોલકાં કહેતાં એ વિચિત્ર બ્લાઉઝ જેવા ડ્રેસ ને બદલે સુંદર, વિલાયતી ભાઈડા છાપ પણ હળવા ડ્રેસ માં જોઈને, પુરુષો પર હકુમત ચલાવતી છતાં ઘર પણ એમ જ ત્વરા થી ચલાવતી મીઠડી નારી જોઈ.”
“મને પણ ભણવાના કોડ હતા, બાપ ને ભણાવવી પણ હતી એટલે જ થોડા અંગ્રેજી શબ્દો તારા વડ સસરાએ શીખવ્યા એ આવડે છે.
નારી આવી પણ હોઈ શકે એ અમે એક સાડી પહેલાની નારીઓએ વિચાર્યું પણ ન હતું।”
“પાય લાગણ બા. હવે હું રજા લઉં. મારે ફડક સાથે ડરતાં કામ નથી કરવાનું પણ કામ તો પૂરું કરવામાં હું માનું છું.તમને મળીને આનંદ થયો. ઘણું જાણવા મળ્યું।”
“તો ચાલ. બેટા કર આંખો બંધ. પાછી લઇ જાઉં તારા.. ક્યાં? 2018માં.”
મેં કહ્યું “બા, પ્રણામ છે તમારી અખૂટ કામ કરવાની ને સહન કરવાની શક્તિને. હવે તો સ્ત્રી હોવું પુરુષ જેટલું જ ગર્વ નું કહેવાય છે. ઉલ્ટું આગળ ભણવામાં સ્ત્રીઓને સમાજ વધુ આગળ કરે છે. હવે સ્ત્રી નો અવતાર બળ્યો નથી કહેવાતો. એ ધારે તો ‘ફળ્યો’ આ સ્ત્રી અવતાર કહી શકે છે. સ્ત્રી બની તો સ્ત્રી, પુરુષ તો પુરુષ.”
બા એ કહ્યું,” અને ગામડાં માં?”
મેં કહ્યું “થોડું ઘણું તમારે હતું એવું પણ સાવ એવું નહીં.”
ઓચિંતું મને. લાગ્યું બા નો પાલવ ફરકયો આંખો હસી. હોઠ પણ ફરકયા.
ત્યાં તો મારી સાસુનો અવાજ આવ્યો “ઓ મારી ઋષિણી, ક્યાં ધ્યાનમાં ઉતરી ગઈ? લે આ ફોટા મેં કોથળીમાં મુકયા છે. બેગમાં મૂકી ઉપર ચડાવ.”
સાસુનો વહાલ ભર્યો હાથ મારા ખભે મુકાયો. મેં કહ્યું “ મેં ટાઈમ ટ્રાવેલ કરી. તમારાં સાસુના સાસુને મળી વાતો કરી આવી. એ તો કહેતા હતાં ‘બળ્યો આ સ્ત્રી અવતાર.”
સાસુ કહે, “સમયની ગતિ. હવે એ જ સાસુજી જે વેઠયું છે એનાં ફળ આ જન્મમાં માણશે.“
આજે તો મને સ્ત્રી હોવામાં સ્ત્રીપણાનો ગર્વ છે. જે અવતાર મળ્યો, સ્ત્રી કે પુરુષ – મનુષ્યનો તો છે? જો મનુષ્યની જેમ રહેવા મળે. તો હું મરતી વખતે કહીશ “ફળ્યો આપણો સ્ત્રી અવતાર”, નહીં કે “બળ્યો આપણો સ્ત્રી અવતાર.”
eછાપું
તમને ગમશે:
‘માછલી મદદે’ અમે શોધ્યાં દ્વાપરયુગમાં વીજળીના પુરાવા…!