ભારતીય જનતા પક્ષ છેલ્લા કેટલાય વર્ષોથી સમાન નાગરિક ધારો અને જમ્મુ કાશ્મીરને સ્પેશિયલ સ્ટેટ્સ આપતી બંધારણની 370મી કલમને પોતાના ચૂંટણી ઢંઢેરામાં ઉમેરતો રહ્યો હોવાથી આ બંને દેશમાં અત્યંત ચર્ચિત રહ્યા છે. જમ્મુ અને કાશ્મીર રાજ્યને ખાસ બનાવતી બંધારણની 370મી કલમ વિષે લોકો જાણે છે એટલું આ જ રાજ્ય માટે બનાવેલી એક અન્ય ખાસ કલમ, આર્ટીકલ 35A વિષે લોકોમાં ખાસ જ્ઞાન પણ નથી અને એ અંગે કોઈ ઉત્સાહ પણ નથી.
પરંતુ લગભગ ત્રણ વર્ષ અગાઉએક NGO દ્વારા આ કલમને રદ્દ કરવાની અરજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી ત્યારથી તે લાઇમલાઇટમાં આવી છે અને એ અંગે ચર્ચા પણ શરુ થઇ છે. જો આપને પણ કલમ 35A શું છે એ જાણવાની ઈચ્છા હોય તો આ આર્ટીકલ તમને તેના વિષે સંપૂર્ણ માહિતી સાથે અવગત કરાવશે.
ભારતીય બંધારણની કલમ 35A અને તેનું ભારત તેમજ જમ્મુ અને કાશ્મીર રાજ્ય માટેનું મહત્ત્વ
આર્ટીકલ 35A શું છે?
બંધારણની કલમ 35A જમ્મુ અને કાશ્મીરની વિધાનસભાને એ સત્તા આપે છે કે તે રાજ્યના ‘કાયમી રહેવાસીઓ’ અને તેમના ખાસ હક્ક અને વિશેષાધિકારો નક્કી કરે. આ કલમ 1954ના પ્રેસીડેન્શીયલ ઓર્ડર દ્વારા બંધારણમાં ઉમેરવામાં આવી હતી જેમાં તે સમયની જમ્મુ અને કાશ્મીરની સરકારની સરકારની સંમતી હતી.
આર્ટીકલ 35Aનું જમ્મુ અને કાશ્મીર રાજ્ય માટે શું મહત્ત્વ છે?
- રાજ્યમાં ડોગરા વંશનું શાસન વર્ષ 1927 થી 1932 સુધી રહ્યું હતું અને તે સમયના જમ્મુ અને કાશ્મીરના મહારાજા હરી સિંઘે એક કાયદો બનાવ્યો હતો જેમાં રાજ્યના વિષયો તેમજ તેના અધિકારોની વ્યાખ્યા કરવામાં આવી હતી. આ કાયદો રાજ્યમાં વિસ્થાપિત થનારા લોકો પર પણ લાગુ પડતો હતો. ઓક્ટોબર 1947માં હરી સિંઘે જોડાણખત પર હસ્તાક્ષર કરીને જમ્મુ અને કાશ્મીર રાજ્યનો ભારતમાં વિલય કરાવ્યો હતો.
- જમ્મુ કાશ્મીરના ભારત સાથેના જોડાણ બાદ તે સમયના લોકપ્રિય નેતા શેખ અબ્દુલ્લાએ હરી સિંઘ પાસેથી સત્તાનું હસ્તાંતરણ કર્યું. 1949માં શેખ અબ્દુલ્લાએ ભારત સરકાર સાથે જમ્મુ અને કાશ્મીરના ભારત સાથેના રાજકીય સંબંધો અંગે ચર્ચા કરી અને દેશના બંધારણમાં 370મી કલમ ઉમેરવામાં આવી.
- કલમ 370 જમ્મુ અને કાશ્મીરને ખાસ સ્ટેટ્સ આપે છે જેમાં સંરક્ષણ, વિદેશી મામલાઓ અને સંચાર સિવાય અન્ય બધીજ બાબતે સ્વનિર્ણય કરવાની રાજ્યને છૂટ આપવામાં આવી છે.
- જો કે 1952માં નહેરુ અને અબ્દુલ્લા વચ્ચે દિલ્હીમાં થયેલી એક સંધી અનુસાર એક પ્રેસીડેન્શીયલ ઓર્ડર દ્વારા જમ્મુ અને કાશ્મીરને ઘણીબધી અન્ય જોગવાઈઓ પણ આપવામાં આવી અને આર્ટીકલ 35A ત્યારે ઉમેરવામાં આવ્યો.
- મહારાજા હરી સિંઘે જમ્મુ અને કાશ્મીરના સ્થાનિકો માટે બનાવેલો ખાસ કાયદો જમ્મુ અને કાશ્મીરના 1956માં અમલમાં આવેલા બંધારણમાં ઉમેરવામાં આવ્યો હતો. આ કાયદા અનુસાર તમામ વ્યક્તિઓ જે રાજ્યમાં જ જન્મ્યા હોય અથવાતો 1911 અગાઉ રાજ્યમાં સ્થિત થયા હોય અથવાતો જેમણે રાજ્યમાં ઉપરોક્ત તારીખના દસ વર્ષ કરતા ઓછા સમય સુધીમાં કાયદેસર સ્થાવર મિલ્કત ખરીદી હોય તેવા નાગરિકો. જમ્મુ અને કાશ્મીરમાં આવેલા તમામ વિસ્થાપિતો, જેમાં પાકિસ્તાન સ્થળાંતર કરી ચૂકેલાઓ પણ સામેલ છે તેમને રાજ્યનો વિષય ગણવામાં આવશે. સ્થળાંતર કરી ચૂકેલાઓની બે પેઢી રાજ્યનો વિષય ગણાશે.
- ઉપરોક્ત કાયમી રહેવાસીઓને લગતો કાયદો બિનકાયમી રહેવાસીઓને રાજ્યમાં કાયમી રીતે સ્થાઈ થવાની, સ્થાવર મિલ્કત ખરીદવાની, સરકારી નોકરીઓ મેળવવાની, સ્કોલરશીપ મેળવવાની કે કોઇપણ સરકારી મદદ મેળવવાની મનાઈ કરે છે.
- અમુક સમય બાદ આ કાયદો જમ્મુ અને કાશ્મીરની મહિલાઓ સાથે ભેદભાવ કરતો હોવાની લાગણી બહાર આવવા લાગી હતી. આ પાછળ કારણ એ હતું કે જો રાજ્યની મહિલાઓ રાજ્ય બહારની કોઈ વ્યક્તિ સાથે લગ્ન કરે છે તો તેને ઉપરોક્ત કાયદાના લાભમાંથી ફારેગ કરવામાં આવે છે. ઓક્ટોબર 2002ના એક ઐતિહાસિક ચૂકાદામાં જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટે બિનકાયમી રહેવાસી સાથે લગ્ન કરેલી રાજ્યની રહેવાસી મહિલાઓ ઉપરોક્ત કાયદો કે કલમ હેઠળ પોતાના અધિકારો નહીં ગુમાવે એમ ઠરાવ્યું હતું. જો કે આવી મહિલાઓના સંતાનોને આ અધિકાર વારસામાં નથી મળતો.
આર્ટીકલ 35Aને સુપ્રીમ કોર્ટમાં કેમ પડકારવામાં આવ્યો છે?
વી ધ સિટીઝન્સ નામક એક NGO દ્વારા વર્ષ 2014માં સુપ્રીમ કોર્ટમાં આર્ટીકલ 35Aને એમ કહીને પડકારવામાં આવ્યો હતો કે આ કલમ બંધારણની એક અન્ય કલમ 368 હેઠળ બંધારણીય સુધારા દ્વારા ઉમેરવામાં નહોતો આવ્યો. આ ઉપરાંત આ અંગે સંસદમાં પણ ક્યારેય ચર્ચા થઇ ન હતી તેમ છતાં તેનું તુરંત અમલીકરણ શરુ થઇ ગયું હતું.
આ ઉપરાંત ગયે મહીને બે કાશ્મીરી મહિલાઓએ પણ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે કે આર્ટીકલ 35Aને કારણે તેમને પોતાના બાળકોને પોતાનાથી વંચીત કરી દેવા પડ્યા છે.
eછાપું