તમને ખબર છે સ્કુલમાં તમારું સેટિંગ કેમ ના પડ્યું? આ રહ્યા તેના કારણો

1
571
Photo Courtesy: india.com

Priya Prakash Varrier ની હવે ઓળખાણ આપવાની જરૂર રહેતી નથી કેમકે અત્યારે એ કેટલીએ એન્જલ પ્રિયાઓનું ફેસબુક ડી.પી છે. પણ અહી આપણે વાત કરીશું Priya Prakash Varrier ની સ્કુલની. જે સ્કુલમાં એને ભણતી બતાવામાં આવે છે એ સ્કુલમાં મ્યુઝિક કોન્સર્ટ હોય છે જેમાં એ છોકરાને આંખ મારે છે. બીજા એક વિડીયોમાં એ ચાલુ કલાસે છોકરાને ફ્લાઈગ કિસની ગન વડે ઘાયલ કરતી દર્શાવામાં આવે છે . હવે સવાલ અહી એવો છે કે આપણે 1990નાં દાયકાનું જે સ્કુલીંગ જોયું હતું એમાં આપણને Priya Prakash Varrier જેવી કોઈ છોકરી કેમ નહતી મળી? કેમ આપણું સેટિંગ એટલે કે મેળ ના પડ્યો ?

કેમકે જો તમે પણ મારી જેમ 1990નાં દાયકામાં સ્કુલીંગ કર્યું હશે તો તમને સમજાશે કે આપણું સ્કુલમાં સેટિંગ કેમ ના પડ્યું. આપણી સ્કુલના વખતે ન તો વોટ્સએપ હતું ના ફેસબુક. કોઈ છોકરો કોઈ છોકરી જોડે વાત કરતો પકડાય તોય એને ટીચર અંગુઠા પકડાવી દેતા હતા આમાં આપણું સેટિંગ કેમનું થાય? અને વળી છોકરાઓ પણ બચારા ગરીબ ગાય જેવા, ચાલુ કલાસે છોકરીની સામું જોવાની જગ્યાએ, પેન્સિલ છોલ્યા કરે અને પેન્સિલનાં છોલને કંપાસમાં ભેગું કરી અને માથામાં તેલ નાખીને આવ્યા હોય એટલે પ્લાસ્ટીકની ફૂટપટ્ટીથી પેન્સિલનું છોલ ચોટાડે, ચાલુ કલાસે છોકરી સામું પણ જુવે તો મોઢું નીચું રાખીને બેન્ચ ઉપર પરિકર થી કાણા પાડે પણ છોકરી સામું તો ના જ જુવે.

બીજો વધારાનો સમય કે ફ્રી લેકચર હોય તો ચોપડીનાં પૂઠા ઉપર આવેલા ગાંધીજીનાં માથે વાળ લગાવે અને મૂછો લગાવે . કોઈ છોકરી આપણી સોસાયટીમાં આપણા જ ક્લાસમાં ભણતી હોય તોય અલગ અલગ સ્કુલે જવાનું અને સોસાયટીમાં પણ સ્કુલ જતી વખતે નીકળતા ધોરણ 12માં પણ મમ્મી પાછળથી બુમ પાડે ‘’અરે રૂમાલ લીધો ને શરદી થઇ છે પછી નાક આવશે તો જોઇશે.‘’ આમાં આપણો સેટિંગ થવાનો કોઈ સ્કોપ બાકી બચતો હોય તોય ના બચે અને આજકાલનાં છોકરાઓ બ્રાન્ડેડ કંપનીઓની સ્કુલ બેગ લઈને સ્કુલે જાય આપણને તો થોડા ધોરણ સુધી તો એલ્યુમિનિયમની પેટી આપવામાં આવતી હતી. હવે એલ્યુમિનિયમની પેટી લઈને સ્કુલે જતા છોકરાનું સેટિંગ ક્યાંથી પડે ?

બીજી બાજુ Priya Prakash Varrier કેવા મસ્ત હેર સ્ટ્રેટનીંગ કરેલા વાળ રાખીને મેકઅપ કરીને સ્કુલમાં બતાવામાં આવે છે જ્યારે આપણી સ્કુલની છોકરીઓ ને બે ચોટલા વાળવા ફરજીયાત હતા. એમાં પણ માથે કાળી કે લીલા કલરની રીબીન નાખેલી હોય અને શનિવારે હનુમાનજીને નહીં ચઢતું હોય એટલું તેલ નાખીને છોકરીઓ ક્લાસમાં આવી હોય અને એમાં પણ ભણવામાં છોકરીઓ હોશિયાર હોય એટલે ડોબા છોકરાઓની સામું પણ નાં જુવે એટલે સેટિંગ નો કોઈ સ્કોપ જ નહતો રહેતો. ફ્રી લેકચરમાં છોકરીઓ ફ્લાઈગ કિસથી ઘાયલ કરવાની જગ્યાએ હોમવર્ક કરતી હોય અથવા નોટનાં છેલ્લા પાને ગુલાબનું ફૂલ દોરતી હોય અને આપણે તો લેકચર પણ કેવા આવતા? સ.ઉ.ઉ.કા (સમાજ ઉપયોગી ઉત્પાદન કાર્ય) સીવણ કામ શીખવાડે એમાં સેટિંગની તો વાત જ ક્યા આવે.

PTનાં લેકચરમાં બહાર રમવા લઇ જાય તોય છોકરાઓને અલગ કબડ્ડી અને છોકરીઓને અલગ ખો-ખો રમાડે. સેટિંગનો કોઈ ચાન્સ જ નહીં . Priya Prakash Varrierની સ્કુલમાં તો મ્યુઝીક કોન્સર્ટ યોજાતો બતાવે. આપણી સ્કુલમાં તો ઉત્સવનાં નામે સ્વાતંત્ર્ય દિન અને ગણતંત્ર દિન અને પર્યાવરણ દિવસ ઉજવાતા હતા અને રોજ પ્રતિજ્ઞા બોલાવે એ અલગ કે “ભારત મારો દેશ છે બધા ભારતીયો મારા ભાઈ બહેન છે.”  આપણે  દેશભક્તિજ  શીખ્યા અને આજકાલનાં છોકરાઓ પ્રેમભક્તિ શીખી ગયા. પાંપણ ઉંચી નીચી કરવા જઈએ તો આપણને તો ક્લાસ ટીચર જ ઉચાંનીચા કરી નાખે અને આજકાલનાં છોકરા/છોકરીઓને આંખ મારતા પણ આવડે છે જયારે આપણી સ્કુલ વખતે ખાલી ટીચરને આપણને ડસ્ટર અને ચોક મારતા આવડતો હતો .

આમ આપણો એટલે કે આ સંસ્થાની જેમ 1990 ના દાયકામાં સ્કુલીંગ કરનારનો સ્કુલમાં સેટિંગ થવાનો કોઈ ચાન્સ જ હતો નહીં એટલે અમારું સેટિંગ ના થઇ શક્યું એનું દુઃખ છે પણ એના જેવું બીજું કોઈ સ્કુલીંગ હતું નહીં એની ખુશી પણ છે .

અજ્ઞાન ગંગા:  એક આંખ બંધ કરીને તમારી સામે જોતી દરેક છોકરી તમને આંખ જ મારતી હોય એવું સમજવું નહિ એના આંખમાં ‘’મસી’’ પણ પડી હોય.

લી – વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી

eછાપું

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here