રણોત્સવ – કચ્છ નહીં દેખા તો કુછ્છ નહીં દેખા

0
1045

ભારત દેશનાં ગુજરાત રાજ્યનો કચ્છ જીલ્લો ક્ષેત્રફળની દ્રષ્ટીએ સૌથી મોટો જીલ્લો છે જે ૪૫,૬૫૨ ચો.મીનાં ક્ષેત્રફળમાં પથરાયેલો છે અને કાચબા જેવા આકારમાં પથરાયેલો હોવાના કારણે તેનું નામ ‘કચ્છ’ પડ્યું હશે જે છેલ્લા કેટલાક વર્ષોથી પ્રખ્યાત થઈ રહ્યો છે. આમ તો ‘કચ્છડો બારેમાસ’ કહેવત અનુસાર કચ્છ બારેમાસ પ્રવાસીઓ માટે ખુલ્લું જ હોય છે પરંતુ હમણાંથી સહેલાણીઓને એક વધુ કારણ મળ્યું છે કચ્છ માણવાનું અને કચ્છ જાણવાનું અને આ કારણ છે રણોત્સવ.

રણોત્સવ એટલે કે રણમાં થતો ઉત્સવ. કચ્છમાં દુર-દુર સુધી પથરાયેલા મીઠાનાં અગરો શિયાળામાં સુકાઈ જાય છે અને ફેરવાઈ જાય છે સફેદ રણમાં અને આ સફેદ રણ ઉપર રાત્રે જ્યારે ચાંદનીનો અજવાશ ફેલાય છે ત્યારે એક સુંદર દુનિયા રચાય જાય છે. કચ્છમાં આવેલ ધોરડોથી આ રણની શરૂઆત થાય છે અને પછી અફાટ, અમાપ, અસીમ રણ આપણી આંખોમાં વસી જાય છે. મરૂ,મેરુ અને મેરામણનાં આ પ્રદેશની તો વાત કરીએ એટલી ઓછી. રણોત્સવ માટે દેશ-વિદેશથી પ્રવાસીઓ આવે છે અને સફેદ રણને માણે છે. પોતાની સગવડતા પ્રમાણે રોકાય છે. આ ઉપરાંત તેઓ કચ્છની કળા, કસબ અને કારીગરીનાં સંગમથી પણ પ્રભાવિત થાય છે.

રણોત્સવ-2017માં નવેમ્બર મહિનાની પહેલી તારીખથી શરુ થઇને વીસમી ફેબ્રુઆરીએ પૂર્ણ થશે. રણોત્સવમાં જો ચાંદની એટલે કે ‘full moon’ ની મજા માણવી હોય તો 2, 3 અને 4 ડીસેમ્બર 2017 અને 1, 2 અને 3 જાન્યુઆરી 2018ના દિવસોએ જઈ શકાય અને ત્યારે સફેદ રણ પર પથરાતી ચાંદનીને માણી શકાય. રણોત્સવમાં અનેક આકર્ષણો છે જેથી નાના બાળકોથી માંડીને મોટા બધાને મજા આવે. આ આકર્ષણોમાં ઊંટ સવારી, ઊંટ ગાડી, ઘોડા ગાડી, કચ્છી વાનગીઓ તથા દેશ વિદેશની વાનગીઓ પીરસતી ફૂડ કોર્ટ, કચ્છી કળા તરીકે પ્રખ્યાત હાથ વણાટની વસ્તુઓ, અજરખ સ્ટોલ જેવી અનેક કચ્છની પ્રખ્યાત વસ્તુઓ મળે છે. આ ઉપરાંત બાળકો માટે ગેમ ઝોન પણ બનાવેલા હોય છે.

તમને ગમશે: આ વર્ષે પ્રવાસીઓ સાથે ‘ગીર નરેશ’ કેમ સંતાકૂકડી રમી રહ્યા છે?

એડવેન્ચર એક્ટીવીટીના ચાહકો માટે પણ અનેક આકર્ષણો છે. જો કૈક નવો અનુભવ મેળવવો હોય તો ચોક્કસ રણોત્સવમાં જવું જોઈએ. રણોત્સવમાં કચ્છી કળાને દર્શાવતા ભૂંગાઓમાં રાત્રી રોકાણનો લાભ લેવા જેવો છે. આ ઉપરાંત કચ્છનાં સંગીત, માટીકામ, ભરતકામનું પણ અનેરું આકર્ષણ છે. રણોત્સવમાં દરરોજ સાંજે સંગીત તથા નૃત્યનાં ખુબ જ સરસ રંગારંગ કાર્યક્રમોનું પણ આયોજન થાય છે અને તેમાં દેશભરમાંથી કલાકારોને આમંત્રિત કરવામાં આવે છે.

સફેદ રણમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત અચૂક જોવા જવું જોઈએ. અહીં સૂર્યાસ્ત સમયે માનવ મહેરામણ ઉમટી પડે છે. તેથી થોડા વહેલા પહોંચીને સૂર્યાસ્તનું સૌંદર્ય માણવાની સલાહ આપવામાં આવે છે. પ્રવાસીઓને સંપૂર્ણ સગવડતા મળી રહે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે કચ્છના આ રણોત્સવમાં. અત્યાધુનિક ટેન્ટ અને ભૂંગાઓ બનાવવામાં આવે છે જેથી પ્રવાસીઓ પોતાના બજેટ પ્રમાણે તેને બૂક કરાવી શકે. સામાન્ય રીતે ધોરડોમાં આવેલ ટેન્ટ સીટી અને ભૂંગાઓનો ભાવ થોડો વધારે હોઈ અમુક પ્રવાસીઓ ધોરડોથી આગળના ગામમાં અથવા તો ભુજમાં રોકાણ કરવાનું પણ પસંદ કરતા હોય છે. આ ટેન્ટ સીટી અને ભૂંગાઓમાં ખુબ જ સરસ જમવાનું પણ મળી રહે છે આ ઉપરાંત ત્યાં પણ અનેક કાર્યક્રમોનું આયોજન થાય છે.

કચ્છ રણોત્સવ અંગે ધ્યાનમાં લેવા જેવી કેટલીક મહત્ત્વની ટિપ્સ

રણોત્સવ – કેવી રીતે પહોચવું?

ભુજ થી ધોરડોનું અંતર ૮૦ કી.મી છે જે લગભગ ૧.૫ કલાકમાં પસાર કરી શકાય છે. સફેદ રણ પહોચવા માટે સૌથી નજીકનું શહેર ભુજ છે જે ઘણા મોટા શહેરો સાથે તમામ રીતે જોડાયેલું છે. પ્લેન,ટ્રેન કે બસમાં આવવા માટે સૌ પ્રથમ ભુજ આવવું પડે છે જેના માટે કોઈ પણ શહેર થી આ ત્રણેયની ફ્રિકવન્સી મળી રહે છે. ભુજ આવ્યા બાદ ત્યાંથી ટેક્ષી કરીને જઈ શકાય અથવા પ્રાઈવેટ અથવા સ્ટેટ ટ્રાન્સપોર્ટ ની બસ કે જે નિયત સમયે ઉપડતી હોય છે તેના દ્વારા ધોરડો પહોચી શકાય.

રણોત્સવ – ક્યા રહેવું?

સફેદ રણ પાસે રહેવા માટે અનેક વિકલ્પો મળી રહે છે. ઘણા મોટા વિસ્તારમાં પથરાયેલા ટેન્ટ સીટી જેનું બુકિંગ ફક્ત ઓનલાઈન થાય છે. અનેક પ્રકારના ભૂંગાઓ જેમાં આપણને કચ્છની કળા દર્શાવતું માટી કામ જોવા મળે છે. આ ઉપરાંત રિસોર્ટ પણ છે. જે લોકોને વધારે રૂપિયા ખર્ચીને ન રહેવું હોય તે લોકો ભુજ રાત્રી રોકાણ કરીને પણ સફેદ રણ જઈ શકે છે તથા ધોરડોની પહેલા આવતા ગામડાઓમાં પણ આ સમયે નાની નાની હોટેલ જેવું બનાવેલું હોય છે જે સસ્તું હોય છે.

રણોત્સવ – શોપિંગ

શોપિંગ એટલે કે સ્ત્રીઓનો ફેવરીટ સબ્જેક્ટ અને એટલે જ રણોત્સવમાં આ વાતનો ખાસ ખયાલ રાખવામાં આવ્યો છે અને શોપીંગ માટે ઘણા મોટા પ્રમાણમાં સ્ટોલ રાખવામાં આવ્યા છે. અહીં કચ્છની હાથ વણાટની ખુબ જ સરસ વસ્તુઓ મળી રહે છે. આ ઉપરાંત કચ્છની પ્રખ્યાત બાંધણી પણ તમને અહીં જોવા મળેછે. આટલું જ નહીં પરંતુ ભરત કામ કરેલા ચપ્પલમાં અનેક વેરાયટી મળે છે.

રણોત્સવ – આ બાબતો ભૂલાય નહીં

રણોત્સવમાં પોતાનું વાહન લઇને જવું એ સૌથી સારો વિકલ્પ છે કારણ કે ધોરડો પહોચ્યા પછી વાહન વ્યવહારની સગવડતા ખુબ ઓછી છે. રહેવા માટે જેમાં એડવાન્સ બુકિંગ કરાવ્યું હોય તેમની પાસેથી એ ખાસ જાણી લેવું કે ભુજ થી લેવા અને મુકવા માટેની તેમની સ્પેશિયલ બસ હોય છે કે નહીં? શોપિંગથી માંડી ને વાહન વ્યવહારમાં બધે જ બાર્ગેનિંગ ખુબ સારા પ્રમાણમાં થાય છે તેથી તેનો જરૂરથી લાભ લેવો. સફેદ રણથી પાછા ફરતા ભીરંડીયારીનો તાજો જ બનાવેલો, ખુબ જ સ્વાદિષ્ટ દૂધનો માવો અચૂક લેવો. જાન્યુઆરી તથા ફેબ્રુઆરીમાં રણ એકદમ સુકાઈ ગયું હોય છે તેથી એ સમયે આ સ્થળની વધારે મજા આવે છે. બને તો વિકએન્ડમાં ન જવું, કારણકે એ સમયે અહીં ખુબ જ ભીડ હોય છે.

ધોરડોનો સૂર્યોદય જોવો એક લહાવો છે અને ત્યાં જવા માટે સવારે વહેલા 5 થી 5.30 ની આસપાસ કોઈ ટેક્ષી વાળા સાથે આગલી રાત્રે નક્કી કરીને પહોચી જવું. જેમ જેમ સવાર પડતી જશે એમ ભીડ વધતી જશે તેથી વહેલા પહોચી જવું વધારે હિતાવહ રહેશે. એ ન ભૂલાય કે સૂર્યાસ્ત અથવા સૂર્યોદય સમયે અંદર જતી વખતે ઘોડાગાડી અથવા ઊંટગાડી વાળા સાથે બહાર સુધી પાછા જવાનું નક્કી કરી લેવું નહીતર ૨ કિલોમીટર જેટલું ચાલીને બહાર આવવું પડશે.

તો નક્કી કરીને ઉપડી જાવ રણોત્સવમાં અને માણો એકદમ અલગ જ દુનિયા.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here