અમેરિકામાં જેની બોલબાલા છે એ White People Food તો આપણા ઘરમાં જ પડ્યું છે

17
576
Photo Courtesy: huffingtonpost.com

White People Food એ કોઈ ગોરી ચામડીની ગુલામી કરવાની વાત નથી. પરંતુ હા એક વાત જરૂરથી માનવી પડે કે જ્યારથી અંગ્રેજોને જોયા ત્યારથી ગોરી વસ્તુઓ અને ગોરાઓની બાબતોનું ભારતીયોને અજબ ઘેલું છે. પદનું ભાન ભૂલી સળગાવાતી ગોરીઓની સિગરેટથી લઇ ગોરી સાકી (મદ્ય પીરસનાર લલના) સુધી, કિયા ગામના ગોરીથી લઇ ગોરી હૈ કલાઈયાં સુધી બસ ઉજળું એટલું સારું. પશ્ચિમી દરેક બાબત સરઆંખો પર, દરેકનું અનુકરણ અને એજ ફેશન, ન કરનાર દેશી બલુન પણ આ ક્ષણે ચન્દ્રકાન્ત બક્ષી યાદ આવે છે એ કહેતા ગોરી સ્ત્રી હમેશાં મને ફિક્કી અને ઉર્જા વગરની લાગે છે અને કાળી સ્ત્રી કરંટવાળી ડાયનેમો જેવી. અમને ગોરાશ ફિક્કી અને ઘઉંવર્ણી કાળાશ ચતુરાઈ અને સ્ફૂર્તિનું પ્રતિક લાગી છે. પણ આજે White People Food નામે પ્રચલિત ગોરી ગોરી વાનગીઓમાંથી ભારતીયો એ શીખવા લાયક બાબતો જોઈશું.

બે દિવસ પહેલા Less Sault and More Herbs Day ઉજવાઈ ગયો; એટલે આહારમાં આ દિવસોમાં મીઠું ઓછું કરી વધુ પડતા કુદરતી મસાલા વાપરવા જેથી આહાર સુપાચ્ય બને. ભારતમાં મસાલા વગરનું ભોજન શક્ય નથી પરંતુ પશ્ચિમી રંગે રંગવાના કોડમાં મસાલા ઓછા અને વિરુદ્ધ આહાર જેવી ક્રીમો, મલાઈ, સોસ વગેરેનું આપણી વાનગીમાં પ્રમાણ વધતું જાય છે એ ચિંતા નો વિષય છે. અશ્વેત અમેરિકનો ખુબ પ્રમાણમાં ચીકન, મીઠું, તેલ આદિ ખાતાં પરિણામ સ્વરૂપ શ્વેત અમેરિકનોની સરખામણીમાં કાળા અમેરિકનોમાં હદયરોગ, ડાયાબીટીસ, મેદોરોગ, બ્લડ પ્રેશરનું પ્રમાણ લગભગ ડબ્બલ રહેતું. અમેરિકામાં મેદની સમસ્યા કિશોરાવસ્થાથી જ વકરી રહી છે. અદોદળા ગોલુપોલું બાળકો છેવટે માથાનો દુઃખાવો બની રહ્યા છે કારણ છે ફેટ વધારનારા જંકફૂડ. જેથી મિશેલ ઓબામાં આની વિરુદ્ધ જુંબેશપણ ચલાવતા હતા. ભારતમાં હવે ઉછરતા છોકરાવમાં મેદનું વધતું જતું પ્રમાણ ચિંતાનો વિષય બન્યો છે.

ડૉ. હાથી જેવા શરીર ધરાવતા છોકરા છોકરીઓ દરેકે ક્લાસ માં પાંચથી સાત તો સામાન્ય રીતે જોવા મળી જાય છે. બુદ્ધિથી લઇ સ્ફૂર્તિ સુધી એની ઘેરી અસરો પડે છે. તો દીકરીઓમાં વહેલું માસિક આવી જવું અને ગર્ભાશય આદિ પણ ચરબીના થરો જામી જવાથી પાછળથી ગર્ભ ધારણ કરવા સુધી મોટી અસરો પડતી જોવા મળે છે. દરેક બાબતમાં સોસ, ક્રીમ, ચીઝ, બટરથી ભરપુર નાસ્તા અને ભોજન, બેઠાડું જીવન, મોબાઈલ ગેમો, કોમ્પ્યુટર આધારિત શિક્ષણ, ઓવર પ્રોટેક્ટ કરતા બોન્સાઈના છોડ ઉછેરતા હોય એવા મમ્મી પપ્પુઓ, મેદાની રમતોનો અભાવ, શારીરિક શિક્ષણના ઘટતા જતા પીરીયડ, પોતાનું કામ પોતે ન કરવું અને ફ્રીજ જેવા મિત્રો એ આ પેઢીને અદોદળી બનાવી દીધી છે.

White People Food એટલે ગોરા અમેરિકનોનું ટ્રેડીશનલ ફૂડ. એમાં ઘણી બધી બાબતો નો સમાવેશ થાય છે પરંતુ આપણા લાયક અહી ક્રીમ કાઢેલું દૂધ, બાફેલા શાકભાજી,પાચન વધે તેવા સૂપ, તાજા સલાડ-ફળો, સાદી સેન્ડવિચ કે ગ્રીલ સેન્ડવિચ ગણી શકાય. શરીર ચુસ્ત રાખવા અમેરિકનો હલકું અને સારી રીતે પચી જાય એવું ખાતા અને આવા ખોરાક ને કાળા અમેરિકનોએ White People Food નામ આપ્યું. કાળા અમેરિકનોના મતે આવો તાજો ખોરાક રોજેરોજ મળવો દુર્લભ હતો તેથી આવા ખોરાક ને White People Food કહેવામાં આવતું. આપણે સાવ ગાંડા આદિમાનવની જેમ કાચેકાચું ખાવાની હિમાયત કરતા નથી પણ ખોરાકમાં કે નાસ્તામાં આવું હલકું- સુપાચ્ય કૈક હોય તો હોજરીને પણ આરામ મળી રહે સમાજ મેદસ્વી ના બને અને દેશ નું આરોગ જોખમાય નહીં. ટૂંકમાં અમેરિકનોનું હલકું-સુપાચ્ય-તાજું ટ્રેડીશનલ ફૂડ એટલે White People Food. તો આવું આપણું પણ ઘઉંવર્ણું ફૂડ હશે ને? તો એ કયું? આવો જાણીએ…

આપણું પણ ઘઉંવર્ણું ફૂડ વરસોથી આપણી સંસ્કૃતિમાં વણાયેલું છે. તાત્કાલિક બની જાય પાંચથી દસ મિનીટમાં અને ખાવામાં સ્વાદિષ્ટ અને પુરતું પોષણ ધરાવતા આવા ખોરાક ને આજે જાણીએ. ઓટ્સ અને મકાઈના ચેવડામાંથી બહાર આવી કઈક તાજું બાળકોને આપવાનો પ્રયત્ન કરીએ. યાદ રહે આપ ભારતનું ભાવી ઉછેરી રહ્યાં છો તેના પોષણથી માંડી બુદ્ધિ ક્ષમતા ખીલવવાની નૈતિક જવાબદારી તમારી. એ ચુક્યા તો દેશદ્રોહ સમાન જ મોટો અપરાધ છે. તો ચલો જોઈએ ભારતનું કેટલુંક White People Food!

લાગતું વળગતું: તંદુરસ્ત સંતાન પ્રાપ્તિ માટે સેક્સ અને આયુર્વેદ

ઈંસ્ટન્ટ ફૂડનો બાપ- શીરો…

રવો, ઘઉં-મગ-મકાઈ વગેરે કોઇપણના લોટ ને ઘીમાં શેકી પાણી નાંખી ગોળ-ખાંડ નાંખો એટલે શીરો તૈયાર. લપ દઈને ઉતરી જાય ને ચટ દઈને પચી પણ જાય. નાસ્તાથી લઇ મહેમાનગતિ સુધી, અબાલવૃદ્ધ, દરેક ઋતુમાં, દરેક વ્યક્તિ, ગમે ત્યારે ગમે ત્યાં હોય તો શીરો ખાઈ શકે અને પચાવી શકે. એમાં બદામ-પીસ્તા-ચારોળી-એલચી ઉમેરો અને પાણીના બદલે દૂધ નાંખો તો એનું પોષણમુલ્ય પણ વધી જાય. એની સામેના ત્રાજવામાં મેગા અને પાસ્તા ઢીલા પડે. જ્યાં કુતરી વિયાણી થાય ત્યાં ગોળ ઘી ના શીરા-રાબ ખવડાવતા એ સંસ્કૃતિમાં મેગી ને પાસ્તા ઘૂસે તો કુપોષણમુક્તિના પ્રોગ્રામો ચલાવવા પડે એમાં શી નવાઈ??

મગસ/મગજ – કેડબરી થી સ્વાદિષ્ટ

જે શી ક્રષ્ણ, જે સ્વામીનારાયણ બોલતી પેઢીને મગસની નવાઈ નથી. ચણાના કકરા લોટને ઘીમાં શેકીને એમાં દળેલી ખાંડ ભેળવી લાડુ વાળી દો એટલે મગસ તૈયાર. આંગળી ચાટી જાવ એની ગેરંટી અને કેડબરીઓતો એની આગળ પાણી ભરે. આવી વસ્તુને ચોકલેટ જેવા રેપરમાં વેચી હોય તો કેડબરી રાતા પાણીએ રોવે. એવી જ સુખડી પણ ખરી. ટ્રેન હોય કે વિમાન ગુજરાતી જોડે સુખડી તો નીકળે જ. નરમ પોચી, સ્વાદમાં ઉત્તમ દરેક લોકો ખાઈ શકે.

રાબ- માંદા ને પણ બેઠા કરનાર

લોટ ને ઘી માં શેકી એમાં પાણી નાંખી ને જાડું પ્રવાહી બનાવાય સમજી લો કે શીરા નો સૂપ બનાવીએ એ રાબ. જી હા આ પણ એક ઇન્ડિયન White People Food જ છે. રૂચી મુજબ અને પાચનશક્તિ મુજબ રાબ અનેક લોટ માંથી બને. તેમાં સુંઠ થી લઈને અશ્વગંધા સુધીની ઔષધિઓ નંખાય. શક્તિ ખુબ આપે શરીર સાથે મનનું ટોનિક એટલે રાબ. જીભ મુજબ ટેસ્ટી બનાવી શકાય.

પુડલા…થેપલાં…ઢેબરા…માલપુઆ…

આહા…જીભ આખી કેરાલા કેરાલા થઇ ગઈ…ચોખા કે ચણાના લોટમાં પાણી-મીઠું-મસાલા- શાકભાજી વગેરે

મિક્સ કરીને ખીરું બનાવી ધીમા તાપે પુડલા ઉતારાય. બે મિનીટમાં એક પુડલો તૈયાર થઇ જાય તો આનાથી ઈંસ્ટન્ટ બીજું શું હોઈ શકે? જાત જાતના અથાણા-મુરબ્બા-ચટણી જોડે ખાવ તો સ્વર્ગ અહી જ છે. થેપલા ને ઢેબરા વિષે ગુજરાતીને કહેવું મતલબ સિંધીભાઈ ને ધંધો શીખવાડવો.

અને માલપુવા, ઘઉંના લોટ ને પાણીમાં પલાળી ગોળ કે ખાંડ ભેળવી બનાવેલા ખીરામાંથી ઘીમાં પુડલા બનાવાય એ માલપુઆ. દૂધપાકની સાથે ખાવ તો કુપોષણ સ્વપ્નેય ના આવે. એકવાર આ જગન્નાથનો ભાવીતો ખોરાક છોકરાવને ગરમાગરમ પીરસી તો જોવો. અલગ અલગ આકારમાં અને સહેજ કેસર ની બોર્ડર કરી પીરસીએ તો પેસ્ટ્રી છોકરાવ માટે ગઝની જેવી થઇ જાય.

ઉપમા- શેની ઉપમા આપવી? અનુપમ ઉપમા..

ફાઈવ સ્ટાર હોટલો થી લઇ મધ્યમ વર્ગીય ડાયનીંગ ટેબલ સુધી રવા ની આ વાનગી બાહુબલી જેવી લોકપ્રિય છે પરંતુ એ પણ ભારતીય White People Food છે એ તો કદાચ તમને આજે જ ખબર પડી હશે હેં ને? મૂળ મહારાષ્ટ્રથી દક્ષિણ સુધી ફેલાયેલી આ વાનગી શેકેલા રવામાં જરૂરી મસાલો, શાક, બટેટા, ટામેટા, ડુંગળી, વટાણા, શીંગદાણા, તલ, લીલા મરચાં, લીંબુ, મીઠો લીમડો, કોથમીર, લીલા કોપરાનું છીણ, લીંબુ વગેરે નાંખીને બનાવાય છે.

ચોખા-ઘઉં કે જુવારના લોટમાંથી પણ બનાવાય છે. આવી જ રીતે પાણી ઉકાળી તેમાં વાટેલું જીરું, મીઠું, મરચાં, અજમો નાંખી તેમાં ચોખાનો લોટ બાફી ખીચું બનાવાય છે. તલનું તેલ નાંખી ખીચું ખાવાથી શરીરને જરૂરી તૈલીય તત્વો ઝડપથી મળી રહે છે. હાથ પગ ફાટતા નથી અને મળ સહેલાઇથી ઉતરે છે.

પૌવા-મમરાની ચટપટી

પૌવા કે મમરાને પલાળી નીતરી જાય એટલે મસાલાઓ ભેળવી થોડું સલાડ નું છીણ ઉમેરી હલકો વઘાર કરી લઈએ એટલે ચટપટી તૈયાર. સ્વાદિષ્ટ ચટણીઓ જોડે, રતલામી સેવ કે કાંદા ટામેટા નાંખીને પણ પીરસાય.

ચીકી- દેશી ટોફી..બોલેતો ઇન્ડીયાના ચોકલેટ

લે આ પણ White People Food  કહેવાય? બિલકુલ! શીંગ, કોપરું, તલ, બદામ, કાજુ વગેરે ભેગા કરીને આખા કે થોડા કચરીને ખાંડ કે ગોળનો પાયો કરીને ભેળવી દેવાય પછી એને થાળીમાં ઘી લગાવી ઠારી ચોસલાં પાડી દેવાય. પૌષ્ટિક આડઅસર રહિત અને શિયાળામાં ગરમી આપનાર ખોરાક તરીકે વપરાય. બાળકોને કફ ન થાય એ રીતે ખાવા આપી શકાય.તૈયાર મળતી ચીકી કરતા ઘરે બનાવીને જ આપવી.

આવા દેશી ખોરાક નું લીસ્ટ ખુબ લાંબુ છે,પણ કમસે કમ આમાંથી અમુક બાબતો અપનાવાય અને એનેજ બાળકો માં પ્રચલિત કરાય તો White People Food ની જેમ આ એથનિક ભારતીય ફૂડ પણ ધૂમ મચાવે.પોષણ માં અને પચવામાં એ અમેરિકન ફૂડની સેન્ડવિચ થી ક્યાય ઉતરતું નથી. દેશ એવો વેશની જેમ દેશ મુજબનો ખોરાક જરૂરી છે. ભારતની આબોહવા અને ભૌગોલિક સ્થિતિ મુજબ ચીઝ, પનીર, બટર, ક્રીમો, માયોનીઝો દરેક નાસ્તામાં ઠુંસવાની જરૂર નથી. કેમકે ઠંડીવાળા સ્થળોને ચરબી બાળી શરીરને ગરમી આપવા આવા ખોરાક કે નોનવેજ ખોરાક ખવાતા હોય છે. જરૂર વગર ઉપયોગમાં લીધેલ આવા ખોરાકો શરીર મનમાં ચરબીના થર વધારી મનુષ્યને જડ બનાવી દે છે.

ભોજન પૌષ્ટિક હોવાની સાથે સાત્વિક હોવું જરૂરી છે. જે બનાવવાની ભોજન અને પેદા કરવાની પદ્ધતિઓ મનમાં ધ્રુણા કે અપરાધભાવ ન જગાવે એ ભોજન સાત્વિક. એ સ્વાદ સાથે સંસ્કારનું પણ સંવર્ધન કરે. ભારત આવી જ બાબતોમાં શ્રેષ્ઠ છે. માત્ર ભૌતિક નહીં પણ અધ્યાત્મિક ઊંચાઈ ખોરાકથી લઈ પહેરવેશ સુધી હોય તો એ વ્યક્તિ ને દરેક ક્ષેત્ર માં સફળતાના શિખર બક્ષે છે. ચાલો આ White People Food  એટલેકે ઘઉંવર્ણા ફૂડ ને પ્રચલિત કરવાની મુહિમ આજે જ શરુ કરીએ…આપણા ઘરથી, આપણા બાળકથી…

eછાપું

તમને ગમશે: પંદર સો રૂપિયા વિષે ધોની પણ માહિતી ધરાવે છે! લ્યો બોલો!!

17 COMMENTS

  1. Very true…And nice explanations
    But,Indian Athnic Food …….if mast..mast advertising then only our kids will attract!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here