રાજ્ય ભાજપાના વરિષ્ઠ આગેવાન અને જાણીતા પત્રકાર વચ્ચે ચાલ્યું Twitter યુદ્ધ

0
563

આમતો રાજકીય આગેવાનો અને પત્રકારો વચ્ચેની નાનીમોટી ચણભણ કોઈ ન્યૂઝ આઈટમ નથી બનતી પરંતુ જ્યારે આ નાનકડી ચણભણ મોટું સ્વરૂપ બને ત્યારે તે જરૂર ન્યૂઝમાં સ્થાન પામતી હોય છે. પરંતુ સહુના આશ્ચર્ય વચ્ચે છેલ્લા બે દિવસથી ગુજરાત ભાજપાના અધ્યક્ષ સી.આર.પાટીલ અને અંગ્રેજી અખબાર અહમદાબાદ મિરરના તંત્રી દીપલ ત્રિવેદી વચ્ચે ચાલી રહેલા Twitter યુદ્ધ પર ગુજરાતી મિડિયાની નજર હજી સુધી ગઈ નથી.

બન્યું એવું કે થોડાં દિવસો અગાઉ અહમદાબાદ મિરરે સી.આર.પાટીલનો એક ઇન્ટરવ્યુ પ્રકાશિત કર્યો હતો જેમાં જણાવ્યા અનુસાર પાટીલે એવો દાવો કર્યો હતો કે 2022માં આવનારી વિધાનસભાની ચૂંટણીમાં જો ભાજપા જો તમામ 182 બેઠકો ન જીતે તો જ નવાઈ, પરંતુ હાલપૂરતું તેઓ 175 બેઠકો જીતવાની આશા ધરાવે છે.

આ ઇન્ટરવ્યુ અંગે ગઈકાલે સાંજે જ્યારે સી.આર.પાટીલે tweet કરી ત્યારે આખો વિવાદ સામે આવ્યો હતો. પાટીલનો દાવો એવો છે કે જે આર્ટીકલને અહમદાબાદ મિરરે મોટા પાયે પ્રકાશિત કર્યો છે એવો કોઈ ઇન્ટરવ્યુ તેમણે આપ્યો જ નથી! બલ્કે તે તેમની અને દીપલ ત્રિવેદી વચ્ચેની ઓફ ધ રેકોર્ડ વાતચીત હતી.

પાટીલના આ દાવાના જવાબમાં દીપલ ત્રિવેદીએ પણ tweet કરી હતી જેમાં એક વિડીયો પણ સામેલ હતો અને તેમણે પ્રતિદાવામાં કહ્યું હતું કે આ ઇન્ટરવ્યુ જરૂર થયો હતો અને તેમણે પાટીલની આકરી ભાષામાં ટીકા પણ કરી હતી.

 

વાત અહીં અટકી ન હતી. દીપલ ત્રિવેદીની આ tweetને પણ સી.આર.પાટીલે એમ કહીને નકારી દીધી હતી કે તેમણે જે વિડીયો પુરાવા તરીકે tweet કર્યો છે તે તેમની અને દીપલ ત્રિવેદી વચ્ચેની કોઈ જૂની વાતચીતનો અંશ છે.

સોશિયલ મિડિયા યુઝર્સે દીપલ ત્રિવેદીને એ સવાલ પણ કર્યો હતો કે તેમણે પોતે એમ કહ્યું છે કે પ્રકાશિત થયેલો ઇન્ટરવ્યુ 1 સપ્ટેમ્બરે સર્કિટ હાઉસમાં લેવામાં આવ્યો હતો તો પછી તેને પ્રકાશિત કરવામાં આટલા દિવસ કેમ લાગી ગયા?

ગુજરાતમાં બહુ જલ્દીથી વિધાનસભાની પેટાચૂંટણી અને થોડા સમય બાદ સાત નગરપાલિકાઓની ચૂંટણીઓ પણ આવી રહી છે. એવું લાગી રહ્યું છે કે ત્યાં સુધી આ રીતે રાજકીય આગેવાનો તેમજ પત્રકારો વચ્ચેનું ઠંડું તેમજ ગરમ યુદ્ધ ચાલુ રહેશે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here