મોટું દેવું ચુકવતા પહેલા તમે કઈ કઈ બાબતોનો વિચારશો?

0
420

જીવનમાં ક્યારેક માનવીએ કોઈને કોઈ કારણસર દેવું કરવું પડે છે અને તે ચૂકવાય પણ જાય છે પરંતુ દેવું ચુકવતા પહેલા કોઈ રોકાણ કે મિલકત વેચવી પડે તો એ પહેલા કઈ કઈ બાબતોનો વિચાર કરવો એ આપણે જોઈએ.

એક ઉદાહરણથી આ વાત સમજવાનો પ્રયત્ન કરીએ.

નિખીલભાઈને અચાનક હોસ્પીટલમાં દોઢ લાખ રૂપિયા ચૂકવવાના આવ્યા અને એમની પાસે બે જ વિકલ્પ હતા. એક એમના પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાંથી (પીપીએફ) દોઢ લાખ રૂપિયા મળે એમ હતું બીજું એમની પાસે શેરમાં રોકાણ હતું તો શેર વેચીને એ ઉભા કરી શકે એમ હતા તો આ બેમાંથી કયો વિકલ્પ પસંદ કરવો?

પીપીએફમાં વાર્ષિક હાલ 7.1% ના દરે વ્યાજ મળે છે જયારે શેરમાં એમને વાર્ષિક 15% દરે ભાવ વધે છે એથી સ્વાભાવિક એમણે પીપીએફમાંથી પૈસા ઉપાડવા જોઈએ. હવે પીપીએફમાંથી ઉપાડે તો આવકવેરો ન લાગે પરંતુ જો શેર વેચે તો આવકવેરો લાગે નફા પર અને જો નુકશાન થતું હોય તો નુકશાનીમાં શેર શા માટે વેચવા? એ પ્રશ્ન આમ આમ જો શેરમાં માત્ર 7% ટકા કે 6% ટકા જ છૂટતા હોય તો પણ આવકવેરો બચાવવા એમણે પીપીએમાંથી જ પૈસા ઉપાડી દેવું ચુકવવું જોઈએ.

હવે ધારોકે નિખીલભાઈ પાસે કાર છે જે વેચતા એમને દોઢલાખ રૂપિયા મળી શકે છે તો પહેલા એમણે ગાડી વેચી આ દેવું ચુકવવું જોઈએ. કારણકે ગાડીની કિંમત દિવસે દિવસે ઘટવાની જ છે જયારે પીપીએફ અને શેરમાં પૈસાની વૃદ્ધિ બેઠાં બેઠાં થવાની છે. હા ગાડી વિના થોડા દિવસ એમને તકલીફ થશે પરંતુ એ તકલીફ તો તેઓ હપ્તેથી કાર લઈને દુર કરી શકશે પણ હા ત્યારે તેઓ નવું દેવું ઉભું કરશે. તો અહી એ જોવાનું કે એક દેવું ચુકવવા જો નવું દેવું કરવું પડે તો એનું વ્યાજ જુના દેવાથી વધુ તો નથીને ? જો એ વધુ હોય તો એ ટાળવું જોઈએ અને જો ઓછું હોય તો અવશ્યપણે નવું દેવું કરી ટોપી ફેરવી શકાય.

હવે જો નિખીલભાઈ પાસે જો બેન્કની ફિકસ ડીપોઝીટ હોય તો? તો શું એ ફિક્સ ડીપોઝીટ તોડવી અને દેવું ચુકવવું? મારા મતે ના પણ એની સામે ઓવરડ્રાફ્ટ સવલત લઇ દેવું ચૂકવી દેવું. કારણકે બેંક ઓવરડ્રાફ્ટ પર ફિક્સ ડીપોઝીટ પર જે વ્યાજ આપે છે એના કરતા માત્ર બે ટકા જ વ્યાજ વધુ લઇ સવલત આપે છે અને એ જેટલા રૂપિયા તમે ઓવરડ્રો કર્યા હોય એના પર જ વ્યાજ લાગે એથી જો નિખીલભાઈ આમ ઓવરડ્રાફ્ટ લઇ દેવું ચુકવે અને એમના મહિનાની આવક એ ઓવરડ્રાફ્ટ ખાતામાં જમા કરતા જાય તો એમનું વ્યાજ ઘટતું જાય અને એમણે નજીવું વ્યાજ ભરવું પડે.

શું સોનું વેચીને દેવું ચૂકવાય? સામાન્યપણે આપણે દેવું ચુકવવા માટે સોનું નથી વેચતા પરંતુ અંતિમ પગલા તરીકે આમ વેચવું પડે આવા સમયે જો બેંક ફિક્સ ડીપોઝીટ હોય તો એ પહેલા તોડવી અથવા ઓવરડ્રાફ્ટ લેવો અને પછી સોનું વેચવાનો વિચાર કરવો કારણકે સોનાના ભાવ બેંક ફિક્સ ડીપોઝીટ કરતા લાંબાગાળે વધુ દરે વધે છે પણ હા જો અમુક સારા સારા શેર હોય તો સોનું પહેલા વેચવું કારણકે શેરમાં સોના કરતા વધુ વળતર છૂટે છે. એક સમયે પીપીએફમાં 12% વ્યાજ મળતું હતું એ સમયે સોનું પહેલા વેચવું જ યોગ્ય હતું કારણકે સોનામાં વધારો સામન્યપણે વાર્ષિક 8% થી 9% દરે ભાવ વધે છે. એક અભ્યાસ મુજબ સોનાનો ભાવ કોઈપણ સમયે 10 ગ્રામનો જે ભાવ હોય એ ભાવે તમારો મહિનાનો ઘરખર્ચ નીકળે એટલો રહેતો હોય છે. એનો અર્થ સોનામાં ભાવ વધારો મોંઘવારી મુજબ વધે છે એથી બેન્કની ફિક્સ ડીપોઝીટ પહેલા તોડવી એવું ગણિત ગણી શકાય.

જો તમારી પાસે મ્યુચ્યુઅલફંડ હોય તો એ કયું ફંડ છે એ જુઓ. શું તે ડેબ્ટ ફંડ છે કે ઇક્વિટી ફંડ? જો આ બે માંથી દેવું ચુકવવા પસંદગી કરવાની હોય તો ડેબ્ટ ફંડ પહેલા તોડો કારણકે એમાં બેંક ફિક્સ ડીપોઝીટ કરતા વધુ વળતર મળે છે પરંતુ ઇક્વિટી ફંડ કરતા ઓછું વળતર મળે ખાસ તો જેટલો લાંબાગાળા માટે તમે ઇક્વિટી ફંડ સાચવો એટલું વધુ વળતર મળે જે સામાન્ય રીતે 12% સુધી છૂટે છે.

હવે મ્યુચ્યુઅલફંડમાં પણ માત્ર ઇક્વિટી ફંડ હોય જેમાં એક લાર્જકેપ હોય અને બીજું મિડકેપ હોય તો આવા સમયે લાર્જકેપમાં જોખમ ઓછું મિડકેપ કરતા અને સ્મોલકેપમાં મિડકેપથી વધુ પરંતુ વળતર સ્મોલકેપમાં વધુ મિડકેપ કરતા અને મીડકેપમાં વળતર વધુ લાર્જકેપ કરતા તો પસંદગી કઈ રીતે કરવી કે પ્રથમ એ વેચી દેવું તો અહી તમે કેટલા લાંબાગાળા માટે એ રોકાણ જાળવી શકશો એ જુઓ જો સૌથી વધુ સમય માટે જાળવી શકતા હોવ તો લાર્જકેપ પહેલા વેચો. જો ટુંકા ગાળા માટે જ રોકાણ હોય તો અને સ્મોલકેપમાં નફો થતો હોય તો એ ગાંઠે બંધો એટલેકે એ પહેલા વેચો.

મિલકતની બાબતમાં એવું છે કે જયારે તમને પૈસાની જરૂર હોય ત્યારે એ તમે વેચી ના શકો એટલેકે જલ્દી વેચાય નહિ અને જયારે ગ્રાહક આવે ત્યારે એ સમયે તમને પૈસાની જરૂરના હોય એથી તમે પકડી રાખો પરંતુ મિલકતની બાબતમાં તમારે એ વેચતા પહેલા એ જોવાનું કે એ તમને શું રળી આપે છે કારણકે મિલકતન પરનું વળતર પણ લાંબાગાળે 12% થી વધુ હોતું નથી અને જો એ સાચવવાનું ખર્ચાળ હોય તો એ વેચી કોઈ નાણાંકીય પ્રોડક્ટમાં રોકાણ કરવું યોગ્ય રહે.

એ સમયે તમારી ઉમર અને તમારા પછી એનેકોણ સાચવશે કે એમાં વધારો કરશે એ બાબત ધ્યાનમાં લેશો તો મિલકત ક્યારે વેચવી એની સમજણ આપમેળે આવી જશે પરંતુ જો વારસદાર હોય અને એ સક્ષમ હોય તો મિલકત વેચવાનો નિર્ણય અંતિમ કોઈ પર્યાય ન રહે તો જ કરવું કારણકે જો તમે સાચવી શકતા હોવ તો એમાં વધારો કરવાની ક્ષમતા વારસદારમાં હોય તો એ એમાં વધારો જ કરશે અને એના માટે એમાં વધારો કરવું વધુ આસાન રહેશે નવી મિલકત ઉભી કરવા કરતા.

આમ જુદા જુદા નાણાકીય પ્રોડક્ટ અને મિલકત વેચતા પહેલા એની ઉપયોગીતા એના પર મળતું વળતર અને તમારી એની જરૂરિયાત વગેરે બાબતોનો વિચાર કરી સરખામણી કરી તમારું રોકાણ વેચવું જોઈએ.

આમ કટોકટીમાં પણ રોકાણ વેચતા પહેલા શાંતચિત્તે વિચાર કરી યોગ્ય નિર્ણય લેવાથી તમે તમારા રોકાણ પર સારું વળતર જાળવી રાખી શકો છો અને દેવા મુક્ત થઇ શકો છો

મોરલ ઓફ ધ સ્ટોરી: બચત કરતા રહો અને એનું યોગ્ય રોકાણ કરતા રહો જેથી એ ચક્રવૃધ્ધિ વ્યાજ દરે વધતું રહે અને કટોકટી સમયે તમારે બીજું દેવું ના કરવું પડે પણ તમારું રોકાણ જ એને પહોચી વળે અને તમે દેવામુક્ત રહો.

અહીં આપવામાં આવેલી રોકાણ અંગેની સલાહો અને તેના વિચારો શ્રી નરેશ વણજારાના પોતાના છે જે  મુંબઈ સ્થિત એક ઇન્વેસ્ટમેન્ટ નિષ્ણાત છે અને eછાપું  અહીં આપેલી સલાહને પોતાના તરફથી  કોઈ પણ પ્રકારનું અનુમોદન આપતું નથી. વધુ માહિતી માટે વાચક તેમનો સીધો સંપર્ક તેમના મોબાઈલ નંબર- 98217-28704 પર કોલ કરી અને યોગ્ય માર્ગદર્શન મેળવી શકે છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here