दिल से रहेमान (1): મોરના ઈંડાને કોઈ દિવસ ચીતરવા પડે ખરાં?

0
439

હિંદુસ્તાન જ્યારે બ્રિટીશરોના તાબામાં હતું, જ્યારે રાજ્યો નહોતાં, રજવાડાઓ હતાં, તે સમયે ‘સંગીત’ ક્ષેત્રમાં કારકિર્દી ગજબ ગણાતી. મદ્રાસમાં ભાગવથર રાજગોપાલ નામનો એક ઈલેક્ટ્રીશિયન રહેતો અને પાર્ટ-ટાઈમ તરીકે દરરોજ સાંજે મુંડાકન્ની અમ્મા નામના એક મંદિરમાં હરિકથા કરતો અને ભજન-ગીત-કીર્તન ગાતો.

હિંદુ વેલ્લાલાર પરિવારના રાજગોપાલને ત્યાં 7 નવેમ્બર 1933ના રોજ એક દીકરાનો જન્મ થયો – રાજગોપાલ કુલશેખરન (જેને પ્રેમથી લોકો શેખર નામે ઓળખતા). દેખાવે સાવ પાતળો પરંતુ બળવાન શેખર પોતાના પિતાની જેમ જ સંગીતમાં રસ ધરાવતો. તેને હાર્મોનિયમ વગાડતા આવડતું અને આડોશ-પાડોશના નાના બાળકોને તે દરરોજ સંગીત શીખવાડતો.

તે સમયે હાર્મોનિયમ વગાડતાં આવડવું એક મહત્ત્વની કળા હતી. લગભગ ફિલ્મો અને નાટકોના સંગીત ફક્ત અને ફક્ત હાર્મોનિયમ દ્વારા જ આપવામાં આવતા. જેમ ઉંમર વધી તેમ તે સંગીત પ્રત્યે વધુ સજાગ બન્યો. મદ્રાસના માઈલાપોરમાં શેખર કર્ણાટકી સંગીતના જલસા અને પ્રોગ્રામમાં ભાગ લેતો. ત્યાંથી આર. એસ. મનોહર નામની એક પ્રસિદ્ધ નાટકકંપનીએ શેખરને સાથે રાખી લીધો. શેખર હાર્મિનોયમ વગાડવામાં પારંગત હતો એટલે 1959માં મલયાલમ ફિલ્મોના લોકપ્રિય સંગીતકાર વી. દક્ષિણમૂર્તીએ શેખરને પોતાના આસિસ્ટંટ તરીકે કામ આપ્યું.

ધીમે ધીમે શેખરના નસીબનો સૂરજ ચઢ્યો અને મલયાલમ ફિલ્મોમાં તેને કામ મળવાનું શરૂ થયું. 1964થી શરૂ થયેલા પોતાના ફિલ્મી સંગીતકાળના 12 વર્ષમાં શેખરે ખૂબ કામ કર્યું. 24 ફિલ્મોનું સ્વતંત્ર અને 60 જેટલી ફિલ્મોમાં આસિસ્ટંટ તરીકે સંગીત આપ્યું. મલયાલમ ફિલ્મ જગતના મોટા માથાઓ (દેવરાજન, દક્ષિણમૂર્તી, એમ. બી. શ્રીનીવાસન, અર્જુનન માસ્ટર, રાઘવન માસ્ટર, વગેરે) સાથે કામ કર્યું.

દક્ષિણની ફિલ્મોમાં ઈલક્ટ્રોનિક સંગીત વાદ્યો લાવવાનું કામ શેખરે કર્યું એમ કહી શકાય કારણ કે તે સિંગાપોરથી નવાં નવાં વાજિંત્રો લાવતો. પોતાની કમાણીથી શેખરે એક કીબોર્ડ પણ લીધેલું. યામાહા YC-20 અને YC-40 નામના માઉથ ઓર્ગન શેખર પાસે હતા. દક્ષિણ ભારતીય સંગીત જગતમાં પહેલું વહેલું જાપાનીઝ સિન્થેસાઈઝર લાવનાર પણ શેખર જ હતો.

શેખર ગરમ મગજ વાળો (શોર્ટ-ટેમ્પર્ડ) હતો અને કઠોર પણ હતો. ગુસ્સે થાય ત્યારે પોતાના સંગીતકારો અને સાથીઓ પર વરસી પડતો. તેની ગર્જનાથી લોકો થરથર કાંપતા. એક સાથે તે ચાર-ચાર સંગીતકારો અને કંપોઝરો સાથે કામ કરતો. રેકોર્ડીંગ કરતી વખતે કોઈની નાની એવી ભૂલને પણ તે સ્વિકારી ન લેતો. રેકોર્ડીંગ પર સમયસર ન આવનારા પોતાના સાથીઓને ગુસ્સાથી સંભળાવી દેતો. તેની માટે કામ અને મજા બંને એકસાથે ક્યારેય હોય જ નહીં. પણ, પરંતુ, કિંતુ થોડી જ વારમાં તે પોતાનો ગુસ્સો ભૂલી જતો. લોકોને જે તે સમયે ખીજાઈ જતો પણ પછી માફ પણ કરી દેતો. સંઘર્ષ કરનારા સંગીતકારોને તે આર્થિક મદદ પણ કરતો અને કામ પ્રમાણે પૂરતું મહેનતાણું પણ ચૂકવતો.

સન 1964માં ‘પઝાસી રાજા’ નામની ફિલ્મ માટે શેખરે સ્વતંત્ર સંગીતકાર તરીકે પહેલી વાર સંગીત આપ્યું અને તેનું યેસુદાસે ગાયેલુ ગીત ‘ચોત્ત્થા મુધલ ચુડલાવારે’ ખૂબ લોકપ્રિય થયું. આજે પણ આ ગીત તમિળ પ્રજાના હોઠે વસેલું છે.

જાન્યુઆરી 1965માં, શેખર કસ્તૂરી નામની એક હિંદુ સ્ત્રીને પરણ્યો. કસ્તૂરી એક ડ્રાઈવરની દીકરી હતી. તિરુપતિના વેંકટેશ્વર મંદિરમાં બંને પરણ્યા ત્યારે કસ્તૂરી 16 વર્ષની અને શેખર તેનાથી બમણી એટલે કે 32 વર્ષની ઉંમરનો હતો. એક પરંપરાગત દક્ષિણ ભારતીય પદ્ધતિથી બંનેના લગ્ન થયાં. શેખર કામઢો હતો. કામ કરવું, જમવું અને સૂવું – આ ત્રણ કામમાં જ તેનો આખો દિવસ જતો. પોતાના કુટુંબ સાથે પણ તે વધુ સમય પસાર ન કરતો. લગ્નના દિવસે પણ શેખર તમિળ સંગીતકાર સુદર્શન સાથે કામ કરવા નીકળી પડેલો.

શેખર દક્ષિણની ફિલ્મોમાં પ્રચલિત અને લોકમાન્ય બન્યો છતાં તેને ભારતભરમાં ક્યારેય પ્રસિદ્ધિ મળી નહીં. તેમાં તેનો વાંક પણ ન હતો. વાંક સમયનો હતો. ભારત દેશ તે સમયે બ્રિટિશરોના રાજમાંથી ધીમે ધીમે બહાર આવી રહ્યું હતું. લોકો મનોરંજન માટે પરંપરાગત ગીતો, નૃત્ય અને સંગીતમાં જ રસ ધરાવતાં. ફિલ્મ અને ફિલ્મ-સંગીતનો ક્રેઝ એટલો ન હતો. તે સમયે કેસેટ કે સીડી પણ નહોતી. ગ્રામોફોન તો દરેકને પરવડે તેમ નહોતું. એક શહેરમાંથી સંપૂર્ણ રાજ્યમાં અને રાજ્યમાંથી દેશમાં પ્રસિદ્ધ થતાં લોકોને દશકાઓ સુધી કામ કરવું પડતું. બોમ્બેમાં રહેતો માણસ ભાગ્યે જ મદ્રાસના કોઈ સંગીતકારને જાણી શકતો.

તેમ છતાં પોતાના જીવનકાળમાં શેખરે લગભગ 100 ફિલ્મોમાં કામ કર્યું. મલયાલમ ફિલ્મોમાં તેનું નામ થયું. લગ્ન પછી બંનેને ત્યાં 9 સપ્ટેમ્બર 1965ના દિવસે કંચન નામની દીકરી અવતરી. પછી સંતાનોની લાઈન લાગી. 6 જાન્યુઆરી 1967ના રોજ દિલીપ નામનો દીકરો, 22 ફેબ્રુઆરી 1970ના દિવસે બાળા નામની દીકરી અને છેલ્લે 1 જૂન 1974ના દિને રેખા નામની દીકરીનો જન્મ થયો.

શેખરનો પરિવાર ખુશખુશાલ હતો – બહુ ગરીબ પણ નહીં અને બહુ પૈસાદાર પણ નહીં. શેખર અને તેની પત્ની પહેલાં પોતાના મા-બાપ સાથે મદ્રાસના પુદ્દુપેટ નામના વિસ્તારમાં માઉન્ટ રોડ (આજે જે ‘અન્ના સલાઈ રોડ’ કહેવાય છે) પર ભાડાના મકાનમાં રહેતાં જ્યાં દિલીપનો જન્મ થયેલો. પછી તેઓ થ્યાગરાજ નગરના હબિબુલ્લા રોડ પર પોતાના મકાનમાં રહેવા લાગ્યા.

દિલીપ પાંચ વર્ષનો હતો ત્યારથી તેને સંગીતમાં રસ જાગ્યો. પિતા શેખર સાથે સ્ટુડિયોમાં જતો અને દરેક સંગીતકારને કુતૂહલથી નિહાળતો. ચા માટે સંગીતકારોની બ્રેક પડે તો એકાદ વાજિંત્ર પર હાથ પણ અજમાવતો. દિલીપના સંગીત પ્રત્યેના રસને વધુ નિખારવા મ્યુસી મ્યુઝિકલ્સ (Musee Musicals) નામની એક વાજિંત્રની દુકાનમાં તેનું નામ નોંધવામાં આવ્યું. આ ફક્ત દુકાન નહોતી, તેમાં સંગીતના વર્ગ પણ ચાલતા. દિલીપ ત્યાં પિયાનો અને ગિટાર વગાડતા શીખતો.

આમ તો તેને કમ્પ્યુટર એન્જિનિયર બનવું હતું એટલે તે સંગીત પાછળ ઘેલો નહોતો પણ ટેકનોલોજીમાં રસ હતો. પિયાનોની બધી ‘કી’ કેવી રીતે કામ કરે છે અને કઈ રીતે અવાજ ઉત્પન્ન કરે છે તેમાં દિલીપને બહુ રસ રહેતો. લગભગ ત્રણ જ વર્ષમાં દિલીપે સંગીતના મોટા મોટા સોફ્ટવેર પોતાના કન્ટ્રોલમાં લાવી દીધેલ. તે સમયે ઈલિયારાજા જેવા દિગ્ગજ સંગીતકાર દરેક બાળકને ગિટાર શીખવાની સલાહ આપતા અને એટલે જ દિલીપ સૌથી પહેલાં ગિટાર વગાડતા શીખ્યો.

બીજી બાજુ શેખર ની તબિયત દિવસે દિવસે લથડતી હતી છતાં 18 કે 22 કલાક કામ કરતો. સમયસર ભોજન પણ ન કરતો. ધીમે ધીમે ખબર પડી કે ફક્ત અસમયે જમવાના કારણે નહીં પણ શેખરને બીજી કોઈ પેટની તકલીફ હતી. તેનું પેટ મોટું થતું ગયું અને શરીર પાતળુ થતુ ગયુ. લગભગ 1963માં સંગીતકાર એમ. કે. અર્જુનન સાથે શેખરની ભેટ થઈ અને 1967 સુધીમાં બંને ગાઢ મિત્રો બન્યા. 1972માં અર્જુનન શેખરને ડોક્ટર પાસે લઈ ગયો અને તેને ક્ષય રોગ (ટી.બી.) થયાનું પુરવાર થયું. દવા શરૂ થઈ પણ કંઈ ફરક ન પડ્યો. એકાદ વર્ષ પછી વેલ્લોરના સી.એમ.સી. હોસ્પિટલ માં ખબર પડી કે તેને કોઈ બીજી જ બીમારી હતી – તેને પેટનું કૅન્સર હતું.

4 વર્ષનો હતો ત્યારે પોતાના સફળ પિતાની ખ્યાતિ જોઈને દિલીપ અચંબિત થતો અને સાડા પાંચ વર્ષની ઉંમરે તે એક અતિશય માંદા, નબળા શેખરની સાથે હતો – પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી. હિન્દુ ધર્મના 33 કોટિ દેવતાઓને પૂજવામાં શેખરના પરિવારે ક્યાંય પાછી પાની કરી નહીં. શેખરને બિમારીમાંથી સાજો કરવા આકાશ-પાતાળ એક કરી દીધા, પણ કોઈ ચમત્કાર ન થયો. મંદિરના પૂજારીઓ આવીને શેખરના ઘરે હોમ-હવન અને મંત્રોચ્ચાર કરતા.

જ્યારે શેખરનું સ્વાસ્થ્ય અને માંદગી એક એવી જગ્યા પર આવી ઊભી રહી, કસ્તૂરી અને તેના સંતાનોને સૂફી ઈસ્લામમાં રસ જાગવા લાગ્યો. શેખરને સાજો કરવા કસ્તૂરી પીર-બાબાઓ અને દરગાહોના ચક્કર કાપવા લાગી. કસ્તૂરીને કોઈએ કહેલું કે તેના પતિ પર કોઈએ મેલી વિદ્યા કે કાળો જાદુ કર્યો છે એટલે પરિવાર યુનાનીના હકીમોની સલાહ પણ લેવા લાગ્યું. આ જ સમયમાં શેખરના પરિવારનો ભેટો એક સૂફી પીર કરીમુલ્લા શાહ કાદરી સાથે થયો. તેણે શેખરના પરિવારને ખૂબ સપોર્ટ કર્યો – અંગત રીતે અને આર્થિક રીતે પણ. શેખરની તબિયતમાં થોડો ઘણો ફરક પડવા લાગ્યો ત્યારે તેના પરિવારને લાગ્યું કે ઈસ્લામી ઉપચાર કરવામાં પરિવારે ખૂબ સમય લગાડી દીધો.

છેવટે કસ્તુરીને થયું કે જે ઘરમાં તેઓ રહે છે તે ઘર જ બૂંદિયાળ છે. ઘર છોડીને કોઈ આશ્રમમાં રહેવાનું શરૂ કર્યું. શેખર ની તબિયત વધુ લથડી. તે હવે શાલ પહેરીને કામે જતો. પરંતુ હજારો પ્રયત્નો પછી છેવટે 9 સપ્ટેમ્બર 1976ના સવારે શેખરે છેલ્લા શ્વાસ લીધા. તે દિવસે બધી જ મલયાલમ ફિલ્મોના સંગીત રેકોર્ડિંગ રોકી દેવામાં આવ્યા અને દક્ષિણ ફિલ્મ જગતના દરેક દિગ્ગજ શેખરના ઘરે પહોંચ્યા.

નવ વર્ષના દિલીપ પરથી પિતાનો હાથ નીકળી ગયો. અર્જુનન માસ્ટર અને ઇસ્લામ આ બે વસ્તુઓએ દિલીપના પરિવારને બચાવવામાં મદદ કરી છે એવું તેને અને તેના પરિવારને લાગવા લાગ્યું. ફાઈનલી, શેખરનું આખું પરિવાર હિન્દુ ધર્મને ભૂલીને ઈસ્લામમાં કન્વર્ટ થયું. પરિવારે પોતાના નામ પણ બદલી નાખ્યાં – કસ્તૂરીનું નામ કરીમા બેગમ, કંચનનું નામ રિહાના, દિલીપનું નામ અલ્લાહ રખ્ખા રહેમાન, બાળાનું નામ ફાતિમા અને રેખાનું નામ ઈશરત રાખવામાં આવ્યું.

***

લગભગ 43 વર્ષની ઉંમરે શેખરનું મૃત્યુ થયું પરંતુ કસ્તુરીએ હાર ન માની. ચાર બાળકોનું પરિવાર તેની જવાબદારી હતી. શેખરના ગયા પછી કસ્તુરીએ શેખરના કીબોર્ડ (જે તે સિંગાપોરથી લાવેલો) ભાડે આપવાનું શરૂ કર્યું અને દરેક પ્રોગ્રામના લગભગ 120 રૂપિયા ભાડું મળતું. કીબોર્ડ લઇને મોટા કોન્સર્ટ અને પ્રોગ્રામમાં દિલીપ જતો. સ્ટેજ પર કાર્યક્રમ ચાલુ હોય તે વખતે દિલીપ બેકસ્ટેજ બેસીને રાહ જોતો અને પ્રોગ્રામ પત્યા પછી ભાડુ લઈને ઘરે જતો.

દિલીપે ગિટારની સાથે કીબોર્ડ વગાડવાનું પણ શીખ્યું. શેખરના અવસાન પછી અર્જુનન માસ્ટરે દિલીપને કામ આપવાનું નક્કી કર્યું. 1981માં મલયાલમ સંગીતકાર એ. ટી. ઉમર સાથે એક રેકોર્ડ વગાડવાના દિલીપને 50 રૂપિયા મળેલા. એમ.કે. અર્જુનનની ફિલ્મ આદિમચાનગલે માટે પહેલીવાર સંગીતનું સત્ર (session) વગાડ્યું અને તે સેશનમાં તેની ખૂબ ભૂલો થઈ. સંગીતની કડી અને રીધમ મળવા છતાં દિલીપ વગાડતો નહીં અને રેકોર્ડિંગ બીજા દિવસે કરવું પડ્યું અને પૈસાનો ઘણો વેડફાટ થયો. ઘણાં દિવસ પછી સંગીત તૈયાર થયું અને તે દિવસે સવારે સાત વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધીનો સો રૂપિયા પગાર દિલીપને મળ્યો.

દિલીપે કીબોર્ડ શીખ્યું અને ફિલ્મોમાં ઝંપલાવ્યું ત્યાર પછી કીબોર્ડ નો દબદબો વધ્યો. 11 વર્ષની ઉંમરે તો દિલીપે તેલુગુ સંગીતકાર રમેશ નાયડુ, તામિલ સંગીતકાર એમ. એસ. વિશ્વનાથન અને ઇલિયારાજા જેવા દિગ્ગજો સાથે કામ શરૂ કરી દીધું હતું. પહેલા ફિલ્મોમાં સંગીત આપવા ઈલિયારાજા દિલીપના પિતા શેખર માટે કામ કરતા પણ સમયનું ચક્ર હવે દિલીપને ઈલિયારાજા સાથે કામ કરાવવા લાગ્યું.

અર્જુનન માસ્ટરે શેખરના પરિવારની જવાબદારી લીધી. તેનો પોતાનો પરિવાર કેરળમાં હતો છતાં તે શેખરના પરિવારને પ્રાધાન્ય આપતો બાળકોનું ભણતર, દિલીપ નું કામ અને મદ્રાસમાં કોડમબક્કમ વિસ્તારમાં ઘર પણ તેણે જ બનાવી આપ્યું.

સંગીતની દુનિયામાં પ્રવેશવા પહેલા દિલીપ પાસે બે મુખ્ય વિકલ્પ હતાઃ પોતાના નાનાની જેમ ડ્રાઇવર કે દાદાની જેમ ઈલેક્ટ્રીશિયન બનવું અથવા કીબોર્ડ રીપેર કરનાર બનવું. પરંતુ વિધાતાએ કંઈક અલગ જ વિચાર્યું હશે. દિલીપની પ્રસિદ્ધિ લોકો સુધી અને ફિલ્મજગતમાં પ્રસરવા લાગી. એક દિવસ પ્રસિદ્ધ સંગીતકાર ઈલિયારાજાએ તેને બોલાવ્યો અને એકવાર તેનું કામ જોયા પછી દરેક અઠવાડીયે ઈલિયારાજા તેને બોલાવતા અને ધીમે ધીમે તે ઈલિયારાજાનો મુખ્ય કીબોર્ડ વગાડનાર બની ગયો.

હવે દિલીપની ડિમાન્ડ વધવા લાગી. દરેક સંગીતકારની ઈચ્છા હતી કે દિલીપ તેમના ઓર્કેસ્ટ્રામાં વગાડે. દિલીપે 1982 થી 1985 સુધી ઑલ ઇન્ડિયા રેડિયો માટે પણ સંગીત આપ્યું. સંગીતકારો દિલીપને પસંદ કરતા તેનું કારણ ફક્ત તેની સંગીતની કળા જ નહોતી પરંતુ તેની ઇલેક્ટ્રોનિક કળા પણ હતી. દરેક નવી ટેકનોલોજી વિશે દિલીપને જાણ રહેતી. કોઈપણ વાજિંત્ર ખરાબ થઈ જાય તો સંગીતકારો તરત જ દિલીપને ફોન કરે. તે ફક્ત વાજિંત્ર વગાડતો જ નહોતો પરંતુ તેને અંદરથી જાણતો પણ હતો.

સંગીતના દરેક સેશનમાં દિલીપ શાંતિથી બેસતો, સંગીત વિશે વિચારતો અને પોતાના વાજિંત્ર સાથે રમતો. થોડા થોડા દિવસે દિલીપ પોતાના કીબોર્ડને ખોલતો, તેમાંથી ધૂળ કે કચરો સાફ કરતો, કીબોર્ડની દરેક ‘કી’ ને ધ્યાનથી જોતો, કઈ ‘કી’ માંથી શું અને કેવો અવાજ આવે છે તે સમજતો અને ફરી બંધ કરી દેતો.

ચેન્નઈની પદ્મા શેષાદ્રી બાલ ભવન (PSBB) શાળામાં દિલીપ ભણતો જેમાં ‘એ’, ‘બી’ અને ‘સી’ એવા ત્રણ વિભાગ મુખ્યત્વે વિદ્યાર્થીઓના ગુણ પ્રમાણે વર્ગીકૃત કરવામાં આવેલા. દિલીપ ‘સી’ વર્ગમાં હતો અને તેના ગુણ ખૂબ જ ઓછા હતા કારણ કે તેને રુપિયા કમાવા માટે શાળામાંથી ગેરહાજર રહેવું પડતું. ક્યારેક તો વહેલી સવારના સંગીતના પ્રોગ્રામમાંથી સીધો શાળામાં જતો.

તેમ છતાં શાળામાં ‘વાર્ષિક મહોત્સવ’ વખતે દિલીપનું મહત્ત્વ વધી જતું કારણ કે તે ખૂબ જ સુંદર અને સૂરીલું કીબોર્ડ વગાડી જાણતો. લોકો કહે ‘પ્લે હેપ્પી મ્યુઝિક’ એટલે દિલીપની આંગળીઓ ખુશનુમા સંગીત વગાડી આપતી, કોઈ કહે ‘પ્લે સૅડ મ્યુઝિક’ તો એવું સંગીત વગાડતો. તેમ છતાં, આ લાંબા વાળ વાળો છોકરો શિક્ષકોને ગમતો નહીં.

આજનો વિડીયોઃ

આ વિડીયો મણિરત્નમની પ્રથમ ફિલ્મ ‘પલ્લવી અનુપલ્લવી’ના એક ગીતનો છે જેને સંગીતબદ્ધ ઈલિયારાજાએ કરેલું. આ ફિલ્મ અનિલ કપૂરની પણ પહેલી ફિલ્મ હતી અને આ ગીતની ધૂન જાણીતી ટેલિકોમ કંપની ‘આઈડિયા’ની જાહેરાત માટેની ધૂન માટે વપરાઈ હતી.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here