રમાશે ગુજરાતમાં આઈ.પી.એલ; નિયમો વાંચી જશો તમે ચોંકી

0
499

પહેલા માર્કેટમાં જોક ફરતો હતો કે ગુજરાતીઓ જો આઈ.પી.એલ રમશે તો પછી મેચ પર સટ્ટો કોણ રમશે? આ જોકનાં કારણે આપણા ગુજરાતની કોઈ આઈ.પી.એલ ટીમ નહતી વચ્ચે રાજકોટની એક ટીમ આવી હતી પણ રાજકોટનાં પેંડાની જેમ એ પણ ગાયબ થઇ ગઈ.

અનિલ કાકાનું દેવાળું ફુંકાઇ ગયું બાકી એ પણ આઈ.પી.એલમાં ટીમ લેવાના હતા પણ કંઈ નહિ ઘરમાં મોટાભાઈએ ટીમ ખરીદી એટલે ચાલે કોઈ એક ભાઈ ટીમ ખરીદી એટલે સમગ્ર પરિવારે ખરીદી લીધી ગણાય.

ગુજરાતી આઈ.પી.એલની ઓપનીંગ સેરેમનીમાં સેલિબ્રિટી તો હશે પણ આપણે ગુજરાતીઓ ખાવાના વધુ શોખીન છીએ એટલે ઓપનીંગ સેરેમનીમાં જ પાણીપુરીની લારીઓ, છોલે કુલચા, ખીચું, જ્યુસ વગેરેની લારીઓ પણ બી.સી.સી.આઈ તરફથી નાખવામાં આવશે. ઓપનીંગ સેરેમની જોવાની ટીકીટની કમાણી કરતા આ લારીઓમાંથી વેચાતા નાસ્તાની કમાણી વધી જાય એવું પણ બને. સેલીબ્રીટી આકર્ષણમાં શ્રી નરેશ ભાઇ, મહેશભાઇ, હીતુભાઇ, વિક્રમભાઇ, મોનાબેન વગેરે રહેશે.

ટીમો આ પ્રમાણે રાખવામાં આવશે – મહેસાણા, રાજકોટ, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, સુરત વગેરે વગરે. એમાય ગાંધીનગરની ટીમ તો સર્કલથી જ ઓળખાશે. ટીમનાં પ્લેયરોનાં નામ પણ ઘ-૨, ઘ-૩, સેક્ટર-૧૧ એવી રીતે રાખો તો જ સરખું રમી શકે.

ઓપનીંગ સેરેમનીમાં ગણેશ સ્થાપન અને ગરબાનો ભવ્ય પ્રોગ્રામ રખાશે અને ઓપનીંગ સેરેમનીની આગલી રાત્રે ફરીવાર ગરબા અને શક્ય હોય તો છુપાઈ-છુપાઈને છાંટાપાણીનો પ્રોગ્રામ પણ રખાશે. રાજકોટવાળા માટે સ્પેશ્યલ બરફનો ગોળો(ગોલો) હશે જેમાં ડ્રાયફ્રૂટ કોપરાની છીણની વચ્ચે વચ્ચે બરફ પણ હશે.

ગુજરાતી આઈ.પી.એલનો ટોસ- સિક્કા ઉછાળીને નહી કરાય,આપણે ગુજરાતી છીએ રૂપિયાનું મહત્વ જાણીએ. એક પથ્થર રખાશે જેના પર મેચ રેફરી થૂંકશે અને ઉછાળીને પુછશે ‘બોલો લીલું કે સુકું?’ અને જાહેરમાં થૂંકવા  ઉપર મેચ રેફરી જોડેથી કોર્પોરેશન દંડ પણ લઇ શકશે એટલે સરકારને પણ આવક થશે અને નુકશાન જતા આગામી મેચોમાં ‘વધુ રને પહેલા’ નો નિયમ અમલમાં મુકાશે એટલ ફરીવાર દંડ ન થાય.

આપણે બહુ ગણતરી વાળા એટલે અમ્પાયરનાં માથે કેમેરા ભરાવાનું કામ પણ આપણે ગુજરાતીઓ એ જ શોધ્યું લાગે છે એટલે એક પગારમાં બે કામ કરાવી શકાય- વિડીયો રેકોર્ડિગ અને અમ્પાયરીંગ. આનો આ જ આઈડિયા આગામી દિવસોમાં લગ્ન પ્રસંગે ગોર મહારાજ વખતે પણ વપરાય એવી વકી છે કે એક દક્ષિણામાં લગ્નનાં મંત્રો અને માથે ટોપીમાં લગ્ન વિધિનું રેકોર્ડીંગ બન્ને વસ્તુ કરી આપે. એવું પણ થાય કે એમ્પાયરમાં પણ બે એમ્પાયર દરેક ટીમનો જે પ્લેયર રમતો ના હોય એ પ્લેયર જ હશે એટલે એને પણ મેદાનમા આવવાનો મોકો મળે અને એમ્પાયરનાં પગારની પણ બચત થાય.

ચીયર ગર્લને ચણીયા ચોળીનું ડ્રેસિંગ ફરજીયાત અને ચીયર બોયને પણ ધોતીયુ અને ઝભ્ભો ફરજીયાત રહેશે. બારેમાસ નવરાત્રી અને ફ્રી પાસ માટે વલખા મારતા લોકોને ચીયર ગર્લ અને ચીયર બોય તરીકે ફક્ત મેચનાં પાસ આપીને પાસની રકમમાં જ એમની જોડે મફત નૃત્ય પણ કરાવી શકાશે. સ્ટ્રેટેજીક ટાઇમ આઉટ ૨.૩૦ મિનીટની જગ્યાએ પાંચ મિનિટનો રહેશે, જેમા ગુજરાતી આઈ.પી.એલનાં ખેલાડીઓને ચા, કોફી, ફાફડા, ગાઠીયા, જલેબી, વાટીદાળના ખમણ, દાળવડા, ભજીયા વગેરે આપવામા આવશે. કોઈ માવાનાં કે પાન-મસાલા બીડીનાં બંધાણી હોય તો સ્ટ્રેટેજીક ટાઈમ આઉટમાં ૧૩૫ નો માવો પણ દબાવી શકશે એટલે ઓછામાં ઓછી પાંચ મિનીટનો સમય તો જોઈએ.

ચા, નાસ્તો, માવો આટલુ ખાધા પછી જો કોઇ ફિલ્ડર ગ્રાઉન્ડમાં ન દોડી શકે તો એના માટે ગ્રાઉન્ડમાં રીકશાની વ્યવસ્થા કરાશે જેનુ ભાડુ પ્લેયરએ પોતાની મેચ ફી માથી મીટર પર ચુકવવાનુ રહેશે. પાવર પ્લે દરમિયાન જો કોઈ ફિલ્ડરને રીક્ષા જોઈતી હોય તો ભાડું દોઢું થશે. ચોગ્ગા-છગ્ગામાં જે ટીમ વધારે રૂપિયા BCCI ને આપશે એની બાઉન્ડ્રી એટલી નજીક રખાશે. ટીમ હારે કે જીતે પણ બન્ને ટીમ રાત્રે ભેગા મળીને રાસ ગરબા અને જમણ વાર કરવાનો રહેશે જેથી સ્પોર્ટ્સમેન સ્પીરીટ જીવંત રહે.

લી – વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here