માંકડીંગની અવિરત ચર્ચા: રમતનો નિયમ મોટો કે સ્પિરિટ?

0
616

આઇપીએલ 2020માં દિલ્હી કેપિટલ્સના રવિચંદ્રન અશ્વિને બેંગ્લોરના ઓપનર એરન ફિન્ચને ક્રિઝમાં વધારે પડતો આગળ નીકળી જવાના કારણે વોર્નિંગ આપતા જ માંકડીંગના વિવાદની શરૂઆત થઇ ચુકી છે. ત્યારબાદ અશ્વિને ટ્વિટર પર નીચે મુજબ પોસ્ટ કરી.

 

 

માંકડીંગ શું છે?

જયારે બોલર બોલિંગ કરતી વખતે બોલ રિલીઝ કરતા પહેલા ક્રિઝની બહાર રહેલા નોન સ્ટરાઇક બેટ્સમેનને બેઈલ્સ ઉડાડીને આઉટ કરે તેને માંકડીંગ તરીકે ઓળખાય છે.

ભારતના પ્રખ્યાત બોલર વિનુ માંકડના નામ પરથી આ નામ રાખવામાં આવ્યું છે. 1947માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં રમાયેલી ટેસ્ટમેચમાં વિનુ માંકડે નોન સ્ટરાઈકર બિલ બ્રાઉનને પોતાની બોલિંગમાં બોલ રિલીઝ કરતા પહેલા આઉટ કર્યો હતો. 1947થી 2019 સુધી કુલ મળીને આંગળીને વેઢે ગણી શકાય એટલી વાર માંકડીંગના બનાવ બન્યા છે. કપિલ દેવ, દિપક પટેલ, ચાર્લી ગ્રિફિથ, ઈવાન ચેટફિલ્ડ જેવા મહાન બોલરો પણ ક્યારેક ને ક્યારેક માંકડીગ સાથે સંકળાયેલા છે.  લિબરલ ક્રિકેટ પ્રેમીઓના મતે માંકડીગ ભલે કાયદેસર હોય પરંતુ તે ખેલદિલીની ભાવનાથી વિરુદ્ધ છે.

એમ.સી.સી.નો કાયદો શું કહે છે?

ક્રિકેટના નિયમ 41.16 મુજબ જયારે બોલર બોલ રિલીઝ કરવાની અવસ્થાએ પહોંચે ત્યારે જો તે નોન સ્ટ્રાઈકર બેટ્સમેનને ક્રિઝની બહાર ઉભેલો જુવે તો બોલર પાસે તેને રનઆઉટ કરવાની પરવાનગી છે. બેટ્સમેન આઉટ થાય કે નોટઆઉટ રહે, માંકડીંગ કરવામાં આવેલા બોલને ઓવરમાં ગણવામાં આવતો નથી. જો બોલર બેટ્સમેનને આઉટ કરવામાં નિષ્ફળ જાય તો અમ્પાયર ડેડ બોલનું સિગ્નલ આપશે.

2017થી એમ.સી.સી. એ માંકડીંગના કાયદામાં ફેરફાર લાવ્યો છે. પહેલા બોલરે ડિલિવરી સ્ટ્રાઇડ કરતા પહેલા આઉટ કરવાની છૂટ હતી જે બદલાઈને બોલ રિલીઝ કરતી વેળા પહેલા અપાઈ છે. નિયમ મુજબ નોન સ્ટરાઇક બેટ્સમેનને ક્રિઝમાં રહેવાનું હોય છે. બોલ રિલીઝ થાય એ પહેલા એક સેન્ટિમીટર જેટલું પણ આગળ વધવું જોખમ ભર્યું છે.

અશ્વિન અને માંકડીંગ

આઇપીએલની શરૂઆતમાં જ દિલ્હી કેપિટલ્સના કોચ રિકી પોન્ટીંગે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે તે માંકડીંગની વિરુદ્ધ છે. અશ્વિનનું સ્ટેન્ડ એ બાબતે વર્ષોથી સ્પષ્ટ છે. 2012માં અશ્વિને શ્રીલંકન બેટ્સમેન લાહિરૂ થિરિમાનેને માંકડીંગથી આઉટ કર્યો હતો પરંતુ ટીમના કેપ્ટ્ન વિરેન્દર સહેવાગે અપીલ પાછી ખેંચી હતી. ત્યાર બાદ 2019 આઇપીએલમાં અશ્વિને જોસ બટલરને માંકડીગથી આઉટ કર્યો હતો.

સ્પિરિટ ઓફ ધ ગેમ

અમુક ક્રિકેટ પ્રેમીઓના મતે રમતની સ્પિરિટ જાળવવાની જવાબદારી માત્ર બોલર્સ પર છે. બેટ્સમેન ગમે તેટલો ક્રિઝની બહાર રહે તેને એક વોર્નિંગ આપવી જરૂરી છે. આ દલીલ જ હાસ્યાસ્પદ છે. વોર્નિંગ તેને આપવાની હોય જેને કાયદાઓ વિષે જાણકારી ન હોય. કોઈ પણ પ્રોફેશનલ ક્રિકેટરને રમતના નિયમોની જાણકારી હોય તે સ્વાભાવિક છે. જો તે એક્સ્ટ્રા રન લેવા માટે ક્રિઝની બહાર નીકળે ત્યારે બિલકુલ સભાનપણે આગળ વધતો હોય છે.

હવે તો ગેમ કવર કરવા માટે 30થી વધુ કેમેરા રાખવામાં આવ્યા હોય છે. બોલરનો પગ જો એક સેન્ટિમીટર પણ બહાર રહે તો તરત નો બોલ જાહેર કરાય છે અને જોડે બેટ્સમેનને ફ્રી હિટ લટકામાં મળે છે. જયારે બેટ્સમેન સ્ટમ્પ આઉટ થાય છે ત્યારે ટેક્નિકલી એ ક્રિઝ બહાર હોય છે, એને આઉટ કરવા માટે વિકેટ કીપર વોર્નિંગ નથી આપતો. બેટ્સમેનને ક્રિઝની બહાર નીકળવાનો હક છે પરંતુ એ સામે સ્ટમ્પ આઉટ કે માંકડ થવાનું જોખમ લેવું હોય તો જ બહાર નીકળવું એ કોમન સેન્સ છે.

સ્પિરિટ ઓફ ધ ગેમ જાળવવાનું કામ ખાલી બોલર્સનું નથી, બેટ્સમેન નું પણ છે. સ્નિકોમિટરમાં ન પકડાતી નિક કેચ થતાની સાથે પેવેલિયન તરફ ચાલનારા બેટ્સમેન ઘણા ઓછા છે, જ્યાં સુધી અમ્પાયર આંગળી ઊંચી ન કરે ત્યા સુધી ક્રિઝ ન છોડનાર બેટ્સમેન પણ છે.  સ્પિરિટ ઓફ ધ ગેમ એક ચર્ચાસ્પદ વિષય છે. જયારે બોલર માંકડીંગ કરે છે ત્યારે તે ક્રિકેટના નિયમોને આધીન રહીને બેટ્સમેનને આઉટ કરે છે. જયારે નોન સ્ટરાઇક બેટ્સમેન ક્રિઝની બહાર એક સેન્ટિમીટર જેટલો પણ બહાર રહે તો તેને તે સમય પૂરતો ફાયદો મળે છે. જયારે ગેમ બંને બાજુ સ્થિર હોય ત્યારે તે એક ક્ષણનો ફાયદો ટીમની હાર જીતનો ફેંસલો કરી શકે છે.

અશ્વિન જયારે માંકડીગ કરવાની હિમાયત કરે છે ત્યારે તે કાયદાકીય રીતે સાચો છે. લિબરલ ક્રિકેટ પ્રેમીઓના મતે માંકડીંગ કરવાથી યુવા ખેલાડીઓ પર ખોટી અસર પડે છે. તેઓ સિનિયર્સને અનુસરે છે અને ભવિષ્યમાં તેઓ પણ માંકડીંગ કરવા પ્રેરાશે. ખોટી અસર તો સ્લેજિંગથી પણ પડે છે. દેશની ટેક્સ સિસ્ટમમાં ઘણા છીંડા છે. આપણે જાણીયે છીએ કે આપણે ટેક્સ ભરીશું તો તેનો સીધો ઉપયોગ દેશના શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષાને સમૃદ્ધ કરવામાં થશે તેમ છતાં આપણે ટેક્સ ઓછો ભરીયે છીએ.નિયમ અને સ્પિરિટની ચર્ચામાં અગ્રતા હંમેશા નિયમને મેળવી જોઈએ. ક્રિકેટની વાત કરીયે તો નિયમ પ્રમાણે ક્રિકેટ રમાય ત્યારે સ્પિરિટ આપો આપ જળવાઈ જતી હોય છે.

જોઈએ કેટલીક માંકડીંગ મોમેન્ટ્સ:

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here