ધ્રુવ ભટ્ટની સાહિત્ય સફર ટીમ eછાપું સાથે…

0
432
Photo: eChhapu

જાણીતા અને માનીતા ગુજરાતી નવલકથાકાર શ્રી. ધ્રુવ ભટ્ટ સાથે ટીમ eછાપુંની મજાની વાતો.

નાના હતા ત્યારથી ગમતા લેખકોમાંના એક લેખક એટલે શ્રી ધૃવ ભટ્ટ. જ્યારે જ્યારે એમની બુક્સ વાંચીએ ત્યારે એવો વિચાર આવે કે આ લખનારને મળીયે તો કેટલી મજ્જા આવે. એક વખત અચાનક અમને વિચાર આવ્યો કે ચલો ધ્રુવ દાદાને મળીયે અને એમનો ઈન્ટરવ્યુ લઈએ તો કેટલી મજ્જા પડે. અને એક દિવસ ભાર્ગવએ ફોન કર્યો દાદાને અને પૂછ્યું કે દાદા અમે ઈ છાપુંમાંથી આપનો વિડીઓ ઈન્ટરવ્યું કરવા માંગીએ છીએ તો અમે મળવા આવીએ? દાદાનો જવાબ હતો કે ‘ભાઈ, મને ઈન્ટરવ્યુ આપવા નથી ગમતા, માફ કરશો.’ અને ભાર્ગવએ મને કહ્યું કે આવો જવાબ છે. લગભગ બે મહિના પછી મેં દાદાને ફોન કર્યો અને પૂછ્યું કે ‘દાદા, આપનો ઈન્ટરવ્યુ નહિ કરીએ પણ નાનપણથી આપને મળવાની ઈચ્છા છે, જો તમને વાંધો નાં હોય તો વાતો કરવા મળી શકીએ અને તેમને સસ્નેહ હા પાડી અમને એક કલાકનો સમય પણ આપ્યો અને સાથે સાથે એ પણ પૂછ્યું કે ‘તમે અહી જ જમશો ને?’ મારું મન બાગબાગ થઇ ઉઠ્યું કે ભલે અમે જમીએ નહિ પણ એ એમની લાગણી હતી, અમે ના પાડી અને ફક્ત મળીને નીકળી જવાની વાત કરી. મનમાં ખુબ જ ઉત્સાહ હતો કે કેટલી મજ્જા આવશે એમને મળવાની, એમના અનુભવો જાણવાની પણ ફક્ત એક જ કલાકમાં?

અંતે એ દિવસ આવી ગયો, હું અને ભાર્ગવ બંને અડધે રસ્તે મળ્યા અને કરમસદ જવાના પથ પર અનેક વિચારો કર્યા, મનોમન અનેક પ્રશ્નો તૈયાર કર્યા. રસ્તો શોધવામાં વાર લાગી એટલે ભાર્ગવને થતું હતું કે દાદા સમયપાલનના આગ્રહી હશે તો આપણા એક કલાકમાંથી પંદર મિનીટ કપાઈ જશે, એવા વિચારો કરતા અંતે પહોચી ગયા દાદાનાં ઘરે. બહાર ખુબ જ સરસ બગીચો, વચ્ચે સરસ મજ્જાનો હિચકો. ઘરમાં અંદર જઈ દાદા અને તેમના પત્ની દિવ્યાબહેનએ અમારી મહેમાન જેવી આગતા સ્વાગતા કરી અને પછી શરુ થયો અમારી વાતોનો દૌર.

અમારો પહેલો પ્રશ્ન હતો કે દાદા ‘નર્મદા’ માટે આપને વિશેષ લાગણી છે એ અમને ખબર છે પણ આ બધે આપ જાતે જઈને જાત અનુભવ કરીને લખો છો? તો એમણે અમને વર્ષો જુનો એક ફોટો બતાવ્યો જેમાં તેમનાં પત્ની નદી વચાળે હોય. દાદાએ કહ્યું કે એક આખો દિવસ સવારથી સાંજ સુધી અમે નદીમાં આવી રીતે પડેલા, નદી જ્યાં લઇ જાય ત્યાં જવાનું એના વહેણે જ આપણે પણ વહેવાનું અને તેવા તેઓ 8 થી 9 લોકો હતા. સાંજે જ્યારે કોઈ એક કિનારે એ લોકો નીકળ્યા ત્યારે કોઈને આખા દિવસનું કશું જ યાદ નહોતું, ક્યા, કેવી રીતે ગયા તેની કોઈને પણ ખબર નહોતી. બસ અલૌકિક આનંદ હતો. અને એ નદી જ્યાં ખુબ મગરો હતા, મહીસાગર. સવારે પડ્યા એમ સાંજે એક કિનારે તો નીકળ્યા જ. અમને સાંભળીને રોમાંચ થવા લાગ્યો કે પ્રકૃતિનાં ખોળે આપણી જાતને ધરી દેવાની અને આપણી સાર સંભાળ તો એ રાખે જ.

Photo: eChhapu

એક મસ્તીખોર બાળક તરીકે જે વ્યક્તિ ચાલુ પરીક્ષાએ મન ન લાગતાં પેપર ફાડીને નિરીક્ષકના હાથમાં આપી દે એ જ વ્યક્તિની આટલું સરસ લખી શકવાની પ્રક્રિયા શરુ થાય છે ગામના બાળકોને વાર્તા કહેવાથી અને મોટા મોટા પત્રો લખવાથી! પર્યાવરણ બચાવવાની વાતો કરનારા પ્રાઈવેટ કંપનીમાં કામ આપીને પર્યાવરણને નુકસાન ન પહોચાડવા જોઈએ એવું માનતા ધ્રુવદાદાએ પ્રાઈવેટ જોબ છોડી અને સરકારી જોબ લીધી. પરંતુ એમનો માંહ્યલો એમને કોઈ અલગ જ જગ્યાએ પહોચાડવા માંગતો હશે એટલે એમણે નક્કી કરેલું કે ભલે રીટાયરમેન્ટની ઉંમર 58 વર્ષ હોય પણ 50ની ઉંમરે કામ છોડી દેવાનું છે અને ગમતી પ્રવૃત્તિનો ગુલાલ કરવો છે અને એ પછી શરુ થયો એમની અદ્ભુત નવલકથાઓનો દોર!

અમે દાદાને પૂછ્યું કે દાદા સમુદ્રાન્તિકે વખતે ત્યાં જઈને રહ્યા હતા? તો એમણે ત્યારના પણ અનેક પ્રસંગો કહ્યા અને એમ પણ કહ્યું કે આ દરેક જગ્યાઓએ અમુક સમય વિતાવ્યા પછી જ ત્યાના શબ્દો આપણામાંથી ઉગે.

અમે જ્યારે તિમિરપંથી વિષે પૂછ્યું કે દાદા ચોર માટે પણ આટલી ઉત્કૃષ્ટ ભાવના? અમે વાંચી પછી અમારો પણ નજરીયો બદલાયો છે, તેની પ્રેરણા ક્યાંથી મળી? ત્યારે તેમણે એક સરસ પ્રસંગ કહ્યો કે, “એક વખત ગાડી લઈને તેઓ કોઈક જગ્યાએ થી પસાર થઇ રહ્યા હતા, ગાડીમાં તેમના પુરતું જ પાણી હતું, રસ્તામાં સ્ત્રીઓ બાળકોને કેડે બેસાડીને હાથ ઉંચો કરી રહી હતી, તેમણે ગાડી ઉભી રાખી અને પૂછ્યું કે શું તકલીફ છે? તો સ્ત્રીઓએ કહ્યું કે તરસ લાગી છે, પાણી પીવું છે, દાદાએ કહ્યું કે મારે અપૂરતું જ છે પણ લો તમે પી લો હું આગળથી લઇ લઈશ. તો સ્ત્રીઓએ કહું કે આટલું નહિ થઇ રયે, ત્યાં ઘણા લોકો તરસ્યા છે, દાદા એ પૂછ્યું કે કેમ શું થયું છે કે પાણી નથી, તો જવાબ આવ્યો કે પોલીસ ચોરને પકડવા આવી હતી પણ ના મળ્યો એટલે અમારા બધાનાં માટલા ફોડીને જતા રહ્યા, જો બાળકોને અને વૃધ્ધોને પાણી નહી મળે તો આવા ભરઉનાળે મારી જશે, દાદાએ કહ્યું લે તમારા વાસણ લઈને આવો ક્યાંક આગળ મળે તો જોઈએ, અમુક લોકો ગાડીમાં બેઠા, આગળ એક હોટેલવાળાને ખુબ વિનતી કરી એટલે તેમને એકાદ બે લોકોને એક મોટા પીપડા માંથી પાણી ભરવા દીધું, બધા પાછા ગાડીમાં ગોઠવાયા અને તેમાની એક છોકરી બોલી કે ‘રાત્રે તો આખુ પીપડું લઇ આવવું છે આનું, અમને પુરતું પાણી નાં આપ્યું એટલે’ ત્યારે દાદાએ કહ્યું કે લે એક તો એણે મદદ કરી ને તું ચોરી કરવાનું વિચારે છે એનું પીપડું? ત્યારે એ છોકરીએ કહ્યું કે તો તમે બધાય ચોર જ છો ને, ક્યાંક ને ક્યાંક તો તમે ય કૈક ચોર્યું જ હશે ને?’ બસ આવા અનુભવો ઉપરથી જ લખાઈ છે તિમિરપંથી.

એમની લેટેસ્ટ આવેલી નવલકથા એટલે ‘ન ઇતિ’. આ નવલકથા જે વિષય પર લખાઈ તેવો વિચાર આવવા પાછળનું કારણ અતિશય રસપ્રદ છે. એકવાર તેઓ દરરોજની જેમ હિંચકે બેઠા હતા અને ડોર ટુ ડોર કચરો ઉઘરાવતું ટ્રેક્ટર એમના ઘર પાસેથી પસાર થયું. આવી રીતે કચરો કલેક્ટ કરવાનું થોડા સમય પહેલા જ શરુ થયું હતું. એ પહેલાં ઘરમાં ને ઘરમાં જ બગીચામાં કે ઘરની બહાર તેઓ કચરો બાળી નાખતા હતા. આખુંય ટ્રેક્ટર કચરાથી ચિક્કાર ભરાયેલું જોઇને એમને વિચાર સ્ફૂર્યો કે, ‘આટલો ને આટલો કચરો ક્યાં સુધી મોટા ડુંગર જેવા આકારમાં સમાવી શકાશે? ક્યાં રોજનો આટલો કચરો શું પુરેપુરો રીસાયકલ કરવો શક્ય છે? જો ન હોય તો એવો દિવસ પણ આવી શકે કે કચરો ઉત્પન્ન કરતી માનવજાતને પણ નિશ્ચિત સમયગાળો પસાર થયા બાદ કચરા તરીકે પૃથ્વીથી બહાર ધકેલવી પડે?’ આવા વિચારોના અંતે ભવિષ્યમાં ડોમ શેપથી માનવ વસાહતો ઢાંકવાનો અને નિશ્ચિત સમય બાદ ડીએક્ટીવેટ થઇ જાય એવી ચીપનો વિચાર એમને સ્ફૂર્યો હતો. ભવિષ્યની આ સંકલ્પનામાં જો બે ચાર મિનીટ માટે માનવમગજ પોતાની મેળે વિચારે તો શું થાય એ બધી કલ્પનાઓ પર મનોમંથન કર્યા બાદ ‘ન ઇતિ’એ જન્મ લીધો.

Photo: eChhapu

તેમને તેમનાં દરેક કાર્યમાં તેમનાં પત્નીએ હંમેશા સાથ આપ્યો છે તેથી તેમની યાત્રાઓ ઘણી સરસ રહી છે, અને આવી વિકટ યાત્રાઓમાં પણ તેઓ તેમની પત્ની અને નાના બાળકોને લઈને જતા હતા. તેવા પણ અનેક પ્રસંગો કહ્યા.

‘વસુંધરાની વાણી’ નામે તેઓ પ્રોજેક્ટ ચલાવે છે જેમાં કોઈ આમંત્રણ કે નિમંત્રણ વગર આવનારાઓને અમુક ઠેકાણે જે-તે જગ્યાના ગામલોકોના ઘરે જ રોકાઈને બે-ચાર દિવસ સુધી ભજન અને ગીતો તેમજ કબીરના દોહા વગેરે મન પડે તે ગાવાનો અને સંભળાવવાનો મોકો આપવામાં આવે છે. આત્મીયતાનું આનાથી મોટું ઉદાહરણ બીજું હોઈ ન શકે.

અંતે એમણે પોતાની આવનારી નવલકથા વિષે જણાવ્યું. એમની આવનારી નવલકથા કચ્છની પૃષ્ઠભૂમિ પર આધારિત હશે. એની સંકલ્પના પણ એમણે અમને કહી જે ખરેખર એમની અન્ય નવલકથાઓની જેમ રસપ્રદ જ છે એમાં કોઈ શંકાને સ્થાન નથી. એમની સાથે બે કલાક દરમિયાન થયેલી તમામ વાતો અહીં વર્ણવવી મુશ્કેલ છે પરંતુ એમાંથી ચૂંટેલા અંશો આપની સમક્ષ અહીં આલેખ્યા છે. અંતે મન ના હોવા છતાં અમે દાદાની રજા લીધી અને કહ્યું કે ઈચ્છા નથી થતી પણ જવું તો પડશે જ પણ ફરી મળીશું. અમે ઉભા થયા ત્યારે અમે પણ લાગણીનાં પ્રવાહમાં તણાયેલા હતા અને એ લોકોને આટલા બધા લોકો મળતા હશે તેમ છતા તેમની આંખોમાં પણ મને લાગણી નીતરતી દેખાઈ.

છેલ્લે ફેરવેલ ગીફ્ટ સ્વરૂપે એમણે એમનું નવું ગીત એમના જ અવાજમાં સંભળાવ્યું જેનો લ્હાવો આપ આ લિંક ઉપર ક્લિક કરીને માણી શકશો. એમના અન્ય માર્મિક ગીતો સાંભળવા માટે આપ એમની યુટ્યુબ ચેનલ ‘ધ્રુવગીત’ને સબસ્ક્રાઈબ કરી શકો છો.

શ્લોકા પંડિત અને ભાર્ગવ પટેલ ટીમ eછાપું  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here