ચાલો, મિડિયા તો સમજ્યા, પરંતુ સોશિયલ મિડિયા પણ??

0
494

આ દાયકાના મધ્ય સુધી પહોંચતા પહેલા પહેલા સોશિયલ મિડિયાએ રાષ્ટ્રીય અભિપ્રાય પર પોતાનો પ્રભાવ પાડવાનો શરુ કર્યો. છેલ્લા લગભગ સાતેક વર્ષમાં પરિસ્થિતિ એવી થઇ ગઈ છે કે ટેક્નિકલ બાબતોનો જાણકાર વ્યક્તિ મિડીયામાં આવેલા કોઈ સમાચાર સાચા છે કે ખોટા તેની જાતતપાસ કરવા સોશિયલ મિડિયા પર આવે છે.

આ કારણસર મેઈન સ્ટ્રીમ મિડિયા પરની વિશ્વસનીયતા સાવ તળીયે ગઈ છે એ સાબિત થઇ ગયું છે, જો કે આ સત્યને મેઈન સ્ટ્રીમ મિડિયા જ નથી સ્વીકારતું એ ચર્ચાનો અલગ વિષય છે. વિશ્વસનીયતા તળીયે જાય એ એક વાત છે પરંતુ ભારતીય મિડીયાના વ્યવહારનું સ્તર પણ ખૂબ નીચે ગયું છે તે વધુ દુઃખની તેમજ આઘાત પમાડે અને ચિંતા કરાવે એવો વિષય છેલ્લા ચારથી પાંચ મહિનાથી જોવા મળી રહ્યો છે. મેઈન સ્ટ્રીમ મિડિયાએ શોધેલા આ નવા તળીયે સોશિયલ મિડિયા પણ પહોંચવા માંગે છે તે વધુ દુઃખદાયી હકીકત છે.

આપણે વાત કરીએ છીએ સુશાંત સિંહ રાજપૂતના અપમૃત્યુની. જ્યારે આ સમાચાર પહેલીવાર સામે આવ્યા ત્યારે આપણામાંથી ઘણાને આઘાત લાગ્યો હશે. બન્યું પણ એમજ. આ ઘટનાના ઘટ્યા બાદ લગભગ બેથી ત્રણ દિવસ આપણા મિડિયામાં બધું એમ જ ચાલી રહ્યું હતું જેમ કોઇપણ આત્મહત્યાની ઘટના બાદ ચાલતું હોય છે. પરંતુ અચાનક જ એક મિડિયા હાઉસે આ આત્મહત્યા હત્યા જ છે એવો રાગ આલાપવાનો શરુ કર્યો.

ચાલો માની લઈએ કે એ મિડિયા સંસ્થા પાસે સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા નહીં પરંતુ તેની કોઈએ હત્યા કરી હોય તેના નક્કર પૂરાવા હશે એટલે એણે આ પ્રમાણેનો પ્રચાર કરવો શરુ કર્યો હશે. પરંતુ હદ તો ત્યારે આવી ગઈ કે સતત ત્રણ થી ચાર મહીના એ મિડિયા હાઉસની અંગ્રેજી કે હિન્દી કોઇપણ ચેનલ ચાલુ કરો તો સુશાંતને લગતા જ સમાચાર ચાલુ હોય, પછી ભલેને સવારના સાત વાગ્યા હોય, બપોરના ત્રણ વાગ્યા હોય કે મધ્યરાત્રી થઇ ગઈ હોય!

જાણેકે દુનિયામાં સુશાંત સિંહ રાજપૂતને લગતા સમાચાર સિવાય અન્ય કોઈ ઘટના બનવી જ બંધ થઇ ગઈ હોય એવું એ ન્યૂઝ ચેનલ જોતાં સતત લાગતું હતું. એ સ્વાભાવિક છે કે જે ઘટના અથવાતો જે વિચાર સાથે સામાન્ય જનતાની લાગણી જોડાઈ હોય તેના વિષે વધુને વધુ બોલવાથી તમારા તરફ વધુ લોકોનું ધ્યાન આકર્ષિત થતું હોય છે. આમ આ ચેનલને મળી રહેલા ભારે TRPને જોઇને બીજી મોટી અને મહત્ત્વની ન્યૂઝ ચેનલો પણ તેમાં જોડાઈ, અરે! એક સમયે તો ગુજરાતી પ્રાદેશિક ન્યૂઝ ચેનલોએ પણ વહેતી ગંગામાં હાથ ધોવાની તક ઝડપી લીધી હતી!

આ બધું થવાને કારણે એક નેરેટીવ અથવાતો એક ચિત્ર એવું બન્યું કે સુશાંત કોઇપણ હિસાબે આત્મહત્યા કરી જ ન શકે! સુશાંતની આત્મહત્યા સાથે ડ્રગ્સનો એન્ગલ પણ જોડાયો અને તેની ગર્લફ્રેન્ડ રીયા ચક્રવર્તીનું નામ સામે આવ્યું. બસ પતી ગયું! રીયા જ સુશાંતને મારી નાખવા માટે જવાબદાર છે એવું એક બીજું નેરેટીવ પણ તૈયાર થવા લાગ્યું.

એ બાબતમાં કોઈજ શંકા નથી કે સુશાંતે આત્મહત્યા કરી હોય કે તેની હત્યા થઇ હોય મહારાષ્ટ્ર સરકારનો વ્યવહાર શંકાસ્પદ હતો જ અને છે જ! પરંતુ આ દેશમાં કાયદાનું શાસન પણ છે એ આપણે બધાં જ ભૂલી ગયા. એ હકીકત છે કે કાયદાની પ્રક્રિયા પોલીસ કે પછી અન્ય તપાસ એજન્સીઓ જેવી કે CBI કે ED સાથે આપણી ન્યાયપાલિકાની સીમાઓમાં રહીને ચાલતી હોય છે નહીં કે ન્યૂઝ ચેનલ્સના સ્ટુડિયોઝમાં!

પરંતુ અહીં લોકોની લાગણી સાથે એવી રમત કરવામાં આવી કે સુશાંતની હત્યા જ થાય એ સિવાય બીજો કોઈ વિકલ્પ આપણે વિચારવાનો જ નથી. ચાલો ઠીક છે એ પણ માની લીધું. પછી એ જ ન્યૂઝ ચેનલ અને સોશિયલ મિડિયાની માંગ તેમજ લોકલાગણીને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકારે સુપ્રિમ કોર્ટને જાણ કરીને આ સમગ્ર તપાસ CBIને સોંપી દીધી.

પરંતુ તકલીફ ત્યારે ઉભી થઇ જ્યારે ગયા અઠવાડિયે કેટલીક ન્યૂઝ ચેનલોએ એમ જણાવ્યું કે AIIMSના રિપોર્ટમાં સુશાંતે આત્મહત્યા કરી હોવાનું સાબિત થયું છે. જે લોકોએ CBI તપાસની માંગ કરી હતી એ જ CBIએ AIIMSને સુશાંતના અપમૃત્યુ અંગેની મેડિકલ તપાસ કરવાનું કહ્યું હતું અને હવે જ્યારે AIIMS પેલી લોકલાગણીની વિરુદ્ધ જઈને કોઈ નિષ્કર્ષ પર પહોંચી છે ત્યારે આ જ મિડિયા હાઉસ અને સોશિયલ મિડિયા હવે CBI પર પણ શંકાની સોય તાંકીને ઉભા છે! AIIMSના રિપોર્ટની વાત જો ખોટી હોઈ શકે તો સાચી પણ હોઈ શકેને?

મૂળ વાત એવી છે કે આગળ આપણે ચર્ચા કરી તેમ સુશાંત આત્મહત્યા કરે જ નહીં એવું સામાન્ય પ્રજાને તેમજ સોશિયલ મિડિયા પર એક્ટીવ લોકોના મનમાં ઠસાવી દેવામાં આવ્યું છે. આ માટે સુશાંતની ડાયરી, એના વિચારો કે એના એસ્ટ્રોનોમીની હોબીને મિડીયામાં વારંવાર દર્શાવવામાં આવી હતી. આપણે બધાએ મનોબળથી ગજબના મજબૂત હોય એવા વ્યક્તિઓને પણ કોઈ નબળી ક્ષણે આત્મહત્યા કરી હોવાના સમાચાર સાંભળ્યા છે તો શું ભવિષ્યનો સિતારો બનવા ઝંખતો મહેનતુ અને જ્ઞાની સુશાંત એમ ન કરી શકે?

બીજો એન્ગલ હતો ડ્રગ્સનો. રીયા ચક્રવર્તીએ કેટલીક ફિલ્મી હસ્તીઓના નામ, જેઓ ડ્રગ્સ લેતા હોવાની શંકા છે, લીધા હતા. બસ પતી ગયું! સોશિયલ મિડિયામાં અને મિડિયામાં આ તમામ વ્યક્તિઓ ચરસી હોવાનું જાહેર કરી દેવામાં આવ્યું. પેડલર્સ કે ડ્રગ્સનો વપરાશ કરતા શંકાસ્પદ વ્યક્તિઓના મોટી મોટી બોલિવુડ સેલિબ્રિટીઝ સાથે ફોટા સોશિયલ મિડિયા એવી રીતે ફેરવવામાં આવ્યા કે આ તમામ મોટી મોટી બોલિવુડ સેલીબ્રીટીઝને દરરોજ ડ્રગ્સનું સેવન કરતા જ હોય એવું નેરેટીવ ઉભું થાય.

રીયા ચક્રવર્તીને બુધવારે બોમ્બે હાઈકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે. સો ટકા વિશ્વાસ છે કે હાઈકોર્ટે જે અવલોકન કર્યા પછી રીયાને જામીન આપ્યા છે તેને અથવાતો તેનો સાર વાંચવાની કોઈએ તકેદારી નહીં જ લીધી હોય કારણકે રીયાને જમીન મળ્યાના સમાચાર આવવાની સાથેજ કેન્દ્ર સરકાર પણ ડ્રગ્સ માફિયાઓ સાથે ભળી ગઈ હોવાના ફેસબુક સ્ટેટ્સ જોવા મળ્યાં અને આ પ્રકારની Tweets પણ જોવામાં આવી.

હાઈકોર્ટનું અવલોકન વાંચતા એ સ્પષ્ટ થાય છે કે સુશાંત ડ્રગ્સ લેતો હતો! હા લેતો હતો! અને રીયા તે લાવી આપવામાં તેને મદદરૂપ થતી હતી. આ પણ કાયદાની ભાષામાં ગુનો જ છે. પરંતુ સુશાંત તો હવે આ દુનિયામાં નથી એટલે એને ચરસી ન કહી શકાય. અથવાતો એ સારો જ વ્યક્તિ હતો એવું આપણને ઠસાવવામાં આવ્યું છે એટલે આપણું મન એ સત્ય સ્વીકારવા તૈયાર નથી. જો ડ્રગ્સ પેડ્લર્સે અથવાતો તેમની સાથે મળી ગયેલા લોકોએ સુશાંતનું ખૂન કર્યું હોય એવી એક માન્યતા છે તો પોતે ડ્રગ્સ લે છે એ વાત જો દુનિયા સમક્ષ જાહેર થઇ જશે તો? એવા ડરે સુશાંતે આત્મહત્યા નહીં કરી હોય એવું ન માનવાને કોઈ કારણ છે ખરું?

હા સુશાંતનું અપમૃત્યુ અનેક સવાલો ઉભા કરે છે, જેમકે તેની સાથીદાર દિશા સાલ્યાને સુશાંતના મૃત્યુના થોડા દિવસ પહેલાં જ શંકાસ્પદ પરિસ્થિતિમાં આત્મહત્યા કરી હતી અને તેની સાથે સુશાંતના સર્કલના અન્ય લોકોના અપમૃત્યુ પર પણ શંકા છે જ. પરંતુ અહીં નિર્ણય એ લેવાનો છે કે ન્યાય આપણે ફેસબુક કે Twitter અથવાતો ન્યૂઝ સ્ટુડિયોમાં કરવો છે કે પછી કોર્ટને તેનું કામ કરવા દેવું છે?

એક આડવાત અહીં એ પણ ધ્યાનમાં લેવા જેવી છે કે જે ન્યૂઝ ચેનલે સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પાછળ મહારાષ્ટ્ર સરકારની કહેવાતી સંડોવણી જાહેર કરી કે મુંબઈ પોલીસનું કેસ ઉકેલવામાં ઢીલું વલણનો ખૂબ પ્રચાર કર્યો તેના માલિકને એ જ મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈ પોલીસે પાલઘર મામલા બાદ બે વખત બાર-બાર કલાક પૂછપરછ માટે બોલાવ્યા હતા. શું એ માલિકનો કોઈ પર્સનલ એજન્ડા આ બંને વિરુદ્ધ નહીં હોય એના પર વિચાર ન થઇ શકે? ભલે આ એજન્ડાનો ઉપયોગ તેણે સુશાંતના અપમૃત્યુની ગાંઠ ખોલવા માટે કર્યો હોય પણ એજન્ડા તો હોઈ શકે ને?

જે એક્ટ્રેસ અચાનક જ સુશાંતના મૃત્યુ બાદ સોશિયલ મિડીયામાં એક્ટીવ થઇ ગઈ અને અત્યાર સુધી પોતાના ફેન્સ દ્વારા ચલાવવામાં આવતા Twitter હેન્ડલને પોતાનું નામ આપી દીધું શું તેનો કોઈ પર્સનલ એજન્ડા બોલિવુડના મોટાં માથાઓ સામે નહીં હોય? અહીં કોઈને પણ ક્લીન ચીટ આપવાની કોશિશ નથી પરંતુ જેમ દરેક સિક્કાની બે બાજુ હોય છે એમ દરેક ઘટનાની પણ બે બાજુ હોય જ છે.

આ બંને સેલિબ્રિટીઝે પોતપોતાના એજન્ડાનો ઉપયોગ કદાચ સત્યને સામે લાવવા માટે કર્યો હોય એ પણ માની લઈએ પણ તેમ છતાં એજન્ડા તો છે જ ને? ફક્ત એક વખત એવું વિચારી જોઈએ કે માત્રને માત્ર આ એજન્ડાનો ઉપયોગ તેઓ વ્યક્તિગત બદલા માટે કરી રહ્યા હશે તો? શું તો પણ આપણને વિશ્વાસ બેસશે કે આ વ્યક્તિઓ સત્યનો સાથ આપી રહ્યા છે?

આ બંને વ્યક્તિઓએ આ સમગ્ર ચાર મહિના દરમ્યાન જે પ્રકારનું જાહેર વર્તન કર્યું છે કે જે પ્રકારનો ભાષાપ્રયોગ કર્યો છે એ કોઇપણ સભ્ય વ્યક્તિને કે સમાજને ન ગમે તેવો છે. વિરોધ અથવાતો વાત આગળ કરવી હોય તો શાલીન ભાષા તેમજ વર્તનનો પ્રયોગ થઇ શકે છે. પરંતુ આ બંને વ્યક્તિઓ પાસે રાખેલી એ અપેક્ષા ઠગારી નીવડી છે એ હકીકત છે.

તો આ વિષય પર બધાએ કશું ને કશું બોલવું જ અથવાતો બધાએ પોતાનો વ્યક્તિગત મત આપવો જ જોઈએ એવી ફરજ પણ સોશિયલ મિડિયા પર પાડવામાં આવી હતી. કોઈ વ્યક્તિ મૌન હોય તેનો તેનો અર્થ એવો બિલકુલ નથી કે તેનો એ વિષય પર કોઈ મત નથી, પરંતુ તે મત આપીને કોઈ વિવાદમાં ન પડવા માંગતો હોય એવો તેનો સ્વભાવ પણ હોઈ શકે. જો દરેકના મતનું સન્માન થવું જોઈએ તો દરેકના મૌનનું પણ એટલું જ સન્માન થવું જોઈએ. પરંતુ એ મૂંગો છે એટલે એ અન્યાયના પક્ષે છે એવું અર્થઘટન કરવું નરી મૂર્ખતા છે.

પરંતુ ના! અમે કોર્ટના નિર્ણય પહેલાં જ માની ચૂક્યા છીએ કે સુશાંતની હત્યા થઇ છે એટલે દરેક સેલીબ્રીટીએ એ માનવું જ રહ્યું અને તેના વિષે બે શબ્દો અમારી તરફેણમાં બોલવા જ રહ્યા. જો એ ન બોલે તો એમની ફિલ્મોનો બહિષ્કાર કરો, એમના ટીવી શોઝનો બહિષ્કાર કરો, એ ભલે ઉંમરમાં અમારા દાદા જેવડા હોય પણ એમનું અપમાન કરવામાં કે એમને અપશબ્દો બોલવામાં જરાય પાછીપાની ન થવી જોઈએ! આવું વાતાવરણ છેલ્લા ચાર મહિનાથી સોશિયલ મિડીયામાં ઉભું થયું છે.

ચાલો બહિષ્કાર કરો એ તમારો લોકશાહીએ આપેલો અધિકાર છે, પરંતુ જેમને એ બહિષ્કાર નથી કરવો એને સુશાંતના અપમૃત્યુથી આનંદ થયો છે અથવાતો એની અક્કલ ઓછી છે એવો નિર્ણય જાતેપોતે આપી દેવો એ ક્યાંનો ન્યાય? આ લેખની શરૂઆતમાં જે હકીકતની નોંધ લીધી હતી કે મિડિયાનું સત્ય તપાસવા લોકો સોશિયલ મિડિયા તરફ પોતાનું ધ્યાન વાળતા હોય છે એ હકીકત સુશાંત સિંગ રાજપૂતના અપમૃત્યુ બાદ સોશિયલ મિડિયાના વ્યવહાર બાદ સાચે જ ધૂંધળી બની ગઈ છે.

સો વાતની એક વાત! ભારતીય ન્યાયતંત્રની ભાવના છે કે જ્યાં સુધી કોઈ વ્યક્તિ દોષિત સાબિત નથી થતો ત્યાં સુધી તે નિર્દોષ છે. આજે આપણી નજરમાં કોઈ દોષિત છે તો કાલે તેને કોર્ટ નિર્દોષ પણ ઠેરવી શકે છે. આ શક્યતાઓનું ધ્યાન રાખીને જ આપણે આપણો વિચાર રજુ કરવો જોઈએ. જે કોઇપણ વ્યક્તિ કોઇપણ ઘટના કે દુર્ઘટના અંગે કોઈ એક મત બનાવી ચૂક્યો હોય તેને તે ભલે જાહેરમાં વ્યક્ત કરે કે ન કરે પરંતુ છેવટે તો ન્યાયપાલિકાનો નિર્ણય જ તમામે માથે ચડાવવાનો હોય છે. આ નિર્ણય આપણને ગમે અથવાતો આપણી ઈચ્છા પ્રમાણે ન આવે એવું પણ બની શકે છે.

જો સુપ્રિમ કોર્ટના નિર્ણય સુધી રાહ જોવી શક્ય ન હોય તો એટલીસ્ટ ટ્રાયલ કોર્ટનો નિર્ણય ન આવે ત્યાં સુધી તો કોઈને પણ ગુનેગાર ઠરાવી દેવો તે એ આરોપી સાથે અન્યાય થશે. મિડિયા અને સોશિયલ મિડિયા રસ્તો બતાવી શકે છે યોગ્ય ગંતવ્ય સુધી કેમ પહોંચવું એ નિર્ણય તો આપણો જ રહેશે.

૦૮.૧૦.૨૦૨૦, ગુરુવાર

અમદાવાદ

તા.ક: આ લેખ TRP સ્કેમ જાહેર થયા અગાઉ લખવામાં આવ્યો છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here