दिल से रहेमान (2): રૉક-બૅન્ડ અને જાહેરાતોની ધૂન બનાવવાના દિવસો

0
403

PSBB શાળાના શિક્ષકોને દિલીપ ગમતો નહીં પરંતુ ભવિષ્યમાં આ જ શાળાએ રહેમાનને વાર્ષિક સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે બોલાવ્યો છે. જે શાળામાં દિલીપ ભણતો તે શાળાના વાર્ષિક સંગીતના જલસામાં કોઈ બીજી શાળા સ્પર્ધા કરવા તૈયાર ન થતી કારણ કે તેમને ખબર હતી કે સામે પક્ષે દિલીપ કીબોર્ડ વગાડશે અને આપણા રામ રમી જશે.

તે સમયે ‘વન્ડર બલૂન’ નામના દૂરદર્શનના એક પ્રોગ્રામમાં પણ દિલીપે ભાગ લીધેલો. જેમ તેમ કરીને નવમા ધોરણ સુધી ભણ્યા બાદ શાળાના આચાર્યએ દિલીપની માતાને બોલાવી તેનું નામ PSBB શાળામાંથી કાઢી નાખવા કહ્યું. ત્યારબાદ દિલીપની માતાએ તેનું એડમિશન મદ્રાસની એમ.સી.સી. સ્કૂલમાં કર્યું. દસમું ધોરણ પાસ કરીને Madras Christian College હાઈસ્કૂલમાં દિલીપે ઇલેક્ટ્રોનિક્સ વિષયનો વોકેશનલ કોર્સ કરવા માટે એડમિશન લીધું. ફક્ત બે-ત્રણ મહિનામાં જ દિલીપને ખબર પડી કે તેનો રસ સંગીતમાં વિકસી રહ્યો છે એટલે 17 વર્ષનો દિલીપ હવે ફુલટાઈમ કામ કરવા લાગ્યો.

દિલીપ પાસે 9 થી 5ની સંગીતના સેશનમાં કામ કરવાની નોકરી હતી. રમેશ નાયડુ જેવા દિગ્ગજ સંગીતકાર સાથે કામ કરીને ધીમે ધીમે દિલીપ સૌથી વધુ કમાણી કરનાર મ્યુઝિશિયન બની ગયો. શરૂઆતમાં દરેક સેશનના તે 500 રૂપિયા લેતો પરંતુ 1992 સુધી તો દિલીપ દરેક સેશનના રૂપિયા 12000 થી 15000 લેતો થઈ ગયો.

1987માં દિલીપ સિંગાપોર ગયો અને ત્યાંથી પોતાના પિતાની જેમ જ નવા-નવા વાજિંત્રો લાવ્યો. આ વાજિંત્રોનું તે પ્રોગ્રામિંગ પણ કરતો.  દરેક સંગીતકારને દિલીપ ની જરૂર હતી પરંતુ દિલીપ સમયસર પહોંચી ન વળતો. તે ફક્ત અને ફક્ત પોતાના કામમાં જ રચ્યો પચ્યો રહેતો. તેના મિત્રો તેને ઘણી વાર છણકો કરી કહેતા કે સંગીતની બહાર પણ એક દુનિયા છે. કોડમબક્કમની બહાર આવે તો ખબર પડે કે ભારતના વડાપ્રધાન કોણ છે.

***

હવે દિલીપ પોતાના નવા ‘એ. આર. રહેમાન’ નામથી ઓળખાવા લાગ્યો. 1985માં એકવાર સંગીતના વાદ્યો વગાડનાર યુનિયને હડતાલ જાહેર કરી જેના કારણે બધું જ કામ બંધ થઈ ગયું. દિવસો સુધી કોઈ સંગીતકારે નવું કામ શરૂ ન કર્યુ અને દિલીપે આ સુવર્ણ તક ઝડપી લીધી.

હડતાલ વખતે રહેમાન પાસે કામ નહોતું ત્યારે તેણે પોતાની સાથે કામ કરતા ‘કૂલ’ કહેવાતા મિત્રોને બોલાવ્યા અને એલેક્સ હેલી નામના અમેરિકન લેખકના પુસ્તક પરથી પોતાનું એક રૉક બૅન્ડ શરૂ કર્યું. આ બૅન્ડનું નામ આપ્યુંઃ રૂટ્સ (Roots). આ બૅન્ડમાં રહેમાન સાથે શિવમણી, જ્હૉન એન્ટોની, થુંબા રાજા અને આફ્રિકન મિત્ર જોજો નો સમાવેશ થયો. રુટ્સમાં કોઈ ગાયક નહોતો તે ફક્ત અને ફક્ત એક વાદ્યો વગાડનાર (instrumental) બૅન્ડ હતું.

Photo Courtesy: Rediff

રુટ્સ એક જૅઝ ફ્યુઝન (Jazz fusion) બૅન્ડ હતું જે 1988-89 સુધી ઘણાં શો કરી ચૂક્યું હતું. રુટસ લગ્નમાં, કોન્સર્ટમાં, ચેન્નઈની એન્જિનિયરિંગ કોલેજમાં બધે જ પરફોર્મ કરતા અને બધાં જ શો સુપર હીટ!

આમ તો આ બધી શરૂઆત જ્યારે દિલીપ એમ.સી.સી. સ્કૂલમાં હતો ત્યારે થઈ હતી. ત્યાંના થોડાં વિદ્યાર્થીઓ મળીને રૉક સંગીત વગાડતા અને જીમ સત્યા નામના એક વિદ્યાર્થી સાથે દિલીપની ઓળખાણ થયેલી. તે શાળાના સંગીતના ગ્રુપમાં દિલીપને કીબોર્ડ વગાડવા મળતું. ત્યારથી દિલીપનું એક સ્વપ્ન હતું કે પોતાનું એક રૉક બૅન્ડ હોય. શાળામાંથી બહાર નીકળીને 1984માં દિલીપે પોતાના સહવિદ્યાર્થી વેણુગોપાલ સાથે પોતાનું પહેલું બૅન્ડ Aristocrat બનાવ્યું. વેણુગોપાલ એક તેલુગુ સંગીતકારનો દીકરો હતો અને તેની સાથે દિલીપે ઘણું શીખ્યું.

1988માં CBS નામની એક રેકોર્ડીંગ કંપનીએ રુટ્સનો સંપર્ક કર્યો અને મેજીક (Magic) નામના એક કોન્સર્ટ ની તૈયારી શરૂ થઈ. આ કોન્સર્ટ માટે દિલીપે એક પૉપ બૅન્ડ બનાવ્યું જેનું નામ પણ ‘મેજીક’ આપ્યું. ‘મેજીક’માં રુટ્સના બધા સભ્યો ઉપરાંત ગાયક ધીના ચંદ્રદાસ અને વિનીતા નાયર પણ સમાવિષ્ટ થયા. ‘મેજીક’ ખૂબ જ પ્રચલિત કોન્સર્ટ રહ્યો.

આ ટીમ સાથે CBS કંપનીએ ડેન્જરસ લવ (Dangerous Love) નામનો એક પૉપ આલ્બમ પણ બનાવ્યો જેમાં દિલીપે સંગીત આપ્યું અને વિનીતાએ ગીત ગાયા પરંતુ આ આલ્બમ ક્યારેય લોકો સમક્ષ રિલીઝ ન થયું કારણ કે CBS કંપનીના થોડા લોકોએ કંપની છોડી દીધી. ત્યારબાદ સુરેશ પીટર્સ નામના એક ગાયક સાથે રહેમાને એક નવો આલ્બમ બનાવ્યો પણ તેનો પણ કોઈ લેવાલ નહોતો. થોડા દિવસો પછી રહેમાને એક નવું બૅન્ડ શરૂ કર્યું મીથ (Myth) – તેનો પણ એકાદ શો જ થયો.

રૂટ્સની ટીમે ત્યારબાદ ‘ધ એપિડેમિક્સ’ (The Epidemics) નામના બૅન્ડનો પણ સાથ આપ્યો. ધ એપિડેમિક્સ એક ભારતીય વાયોલિનવાદક એલ. શંકર અને બ્રિટીશ સંગીતકાર, ગાયક અને કીબોર્ડ વગાડનાર કેરોલિનનું આલ્બમ હતું જે 1986 રજૂ થયું હતું.

1990માં નેમેસીસ એવેન્યુ (Nemesis Avenue) નામના બૅન્ડને કીબોર્ડ વગાડનારની જરૂર હતી. આ બૅન્ડ પોતાના ગીતો પોતે લખતું જેમાં સેક્સ, ડ્રગ્સ, માફિયા જેવા વિષયો પર ગીતો લખાતા. નેમેસીસની ટીમમાં સુરેશ પીટર્સ, પૉલ જેકબ, ઉદય ચંદ્રા, સુધીન પ્રભાકર અને રહેમાન સાથે કામ કરવા તૈયાર થયા. નેમેસીસનો પ્લાન એક એવો શો કરવાનો હતો જે ભારત અને એશિયા નો પહેલો એઈડ્સ અવેરનેસ શો હતો. શોનું નામ હતું – JHiv Live જે પહેલી ડિસેમ્બર 1990ના દિવસે થયો. અલગ અલગ દેશોમાંથી આ શો જોવા લોકો આવ્યા, અને શો ખૂબ જ પ્રચલિત થયો.

Photo Courtesy: PANDBAR

નેમેસીસના એક ગાયક પૉલ જેકબને રહેમાનનું કામ ગમ્યું. તેની કળા અને વ્યાપારી દિમાગ પૉલને મોહી ગયા. JHiv Live શોની પ્રેક્ટિસમાં રહેમાન વધુ જઈ નહોતો શક્યો કારણ કે યુનિયનની હડતાલ હવે પૂર્ણ થઈ ગઈ હતી છતાં લાઈવ શો વખતે રહેમાને સ્ટેજ પર વગાડતા વગાડતા કંઈક નવા કામણ કર્યા અને શોને વધુ પ્રચલિત કર્યો. પોતાના સાથીઓને ખબર પણ ન હોય તેવી નવી ટ્યુન રહેમાન પોતાની ઘરે જ ઉમેરી દેતો. JHiv Live ના કારણે નેમેસીસને એક કંપનીનો આલ્બમ બનાવવાની ઓફર મળી. રહેમાને પણ પોતાનો સ્ટુડીયો આ બૅન્ડને આપ્યો.

ત્યારબાદ બે મહિના સુધી બૅન્ડ ના દરેક સભ્યોએ ફક્ત સંગીતની તૈયારી જ કરે રાખી. નેમેસીસની ટીમ આખી રાત દિલીપ ના ઘરે પ્રેક્ટિસ કરતી. પરંતુ આ સમયે દિલીપના જીવનમાં એક અલગ જ બનાવ બની રહ્યો હતો જેની નેમેસીસની ટીમને ખબર નહોતી. દિલીપે હવે ફિલ્મોમાં કામ કરવાનું નક્કી કર્યુ અને ધીમે ધીમે તેનો નેમેસીસ સાથેનો પ્રેક્ટિસનો સમય પણ ઘટવા લાગ્યો. મહિનામાં ચારને બદલે દર મહિને એકવાર નેમેસીસની ટીમ મળતી અને પછી તો મળવાનું સદંતર બંધ થઈ ગયું.

આ કારણે નેમેસીસ ગ્રુપ લગભગ 1991માં તૂટી ગયું. ગ્રુપનો એક સભ્ય પૂજારી બની ગયો. સુરેશ પીટર્સ નામના સભ્યએ પછી રહેમાન માટે ગીતો ગાયા. સુધીન નામના સંગીતકારે સંગીત વાજિંત્રોની એક દુકાન શરૂ કરી. પૉલે ‘બોધિ મ્યુઝિક’ નામનું નવા કલાકારોને તક આપવાનું એક પ્લેટફોર્મ તૈયાર કર્યુ. બીજા સભ્યોએ CMG તરફથી Sign of Four નામનું આલ્બમ બનાવ્યું.

***

દિલીપ સ્ટેજ પર હોય ત્યારે કીબોર્ડ અને ગિટાર વગાડતો. શાંતપણે એ બેકગ્રાઉન્ડમાં પોતાના વાજિંત્રો વગાડે ત્યારે તેને થતું કે આપણું પણ નામ હોય અને લોકો આપણને જાણે. તે દર ત્રણ મહિને પોતાના દેખાવમાં કંઈક બદલાવ લાવતો – હેરસ્ટાઈલ અથવા કપડાં કે વાજિંત્ર બદલીને તે લોકોની નજરમાં આવી જતો. Recognition was very important to him. દિલીપને પિતા શેખરની જેમ છૂપાઈને નહોતું રહેવું. તેને લોકોની નજરમાં આવવું હતું, એવોર્ડ જીતવા હતા, ઇન્ટરવ્યુ આપવા હતા, લોકોની તાળીઓનો ગડગડાટ સાંભળવો હતો.

આ જ સમયગાળામાં રહેમાન રૉક બૅન્ડની બહાર પણ પોતાના સ્વતંત્ર સંગીતના કામ કરતો. 1987માં તેણે ગાયક-અભિનેતા મલેશિયા વાસુદેવન સાથે ‘ડિસ્કો ડિસ્કો’ નામનો એક આલ્બમ રિલીઝ કરેલો. 1989માં સૂફી સંગીતનો એક આલ્બમ ‘દીન ઈસાઈ માલઈ’ પણ રજૂ કરેલો. માલ્ગુડી શુભા નામની ગાયિકા સાથે 1990માં એક અંગ્રેજી આલ્બમ સેટ મી ફ્રી (Set me free) પણ રિલીઝ કરેલો. 1992માં ઝાકીર હુસૈન અને કુન્નાકુડી વૈદ્યનાથન નામના સંગીતના વિદ્વાનો સાથે ‘કલર્સ’ નામના એક આલ્બમમાં કીબોર્ડ દ્વારા સંગીત આપેલું. તે પછી રહેમાને સીધું 1997માં ‘વંદે માતરમ્’ નામના આલ્બમમાં કામ કર્યુ.

રૉક બૅન્ડ પ્રત્યેનો રહેમાનનો પ્રેમ વર્ષો સુધી છૂપાવી ન શક્યો અને ફિલ્મોમાં કામ શરૂ રહે તે રીતે છેક 2009માં, રહેમાને એક સુપરરૉક બૅન્ડ શરૂ કર્યું જેનું નામ આપ્યું – સુપરહેવી (SupreHeavy). આ રૉક બૅન્ડમાં રહેમાન સાથે મીક જૅગર, ડેમિયન માર્લે, જોઝ સ્ટોન, ડેવ સ્ટેવાર્ડ હતાં અને 2011માં ‘સુપરહેવી’ નામનો જ એક આલ્બમ પણ રિલીઝ થયેલો. જેમાં રહેમાનનું એક ગીત ‘સત્ય મેવ જયતે’ પણ હતું.

***

1986નો સમય હતો જ્યારે રહેમાને હજુ કંઈક નવું કરવાનું શરૂ કર્યું – જિંગલ એટલે કે જાહેરાતો માટે ધૂન બનાવવાનું કામ શરૂ કર્યું . જાહેરાતોની ધૂનો બનાવતો એ દિવસોમાં રહેમાન ઘણું શીખ્યો. તેણે ટેલિવિઝનની જાહેરાતો માટે જેમની પણ સાથે કામ કર્યુ તેમની સાથે તે આજ સુધી મિત્રતા નિભાવી રહ્યો છે જેમકે રાજીવ મેનન, સુરેશચંદ્ર મનન, ભારત બાલા અને ત્રિલોક નાયર!

પહેલી ધૂન રહેમાને જાહેરાત બનાવનાર ફિલ્મમેકર થોમસ ઈસાક કટ્ટુકાપલ્લી સાથે બનાવી જેણે રહેમાનને ઇલિયારાજા સાથે કામ કરતી વખતે જોયેલો. એક રવિવારે તેને ચર્ચમાં મળ્યા પછી બીજા જ દિવસે રહેમાને થોમસને સોમવારે બપોરે ધૂન બનાવીને આપી દીધી. આ ધૂન કેરળના એક ફોટો સ્ટુડિયો માટે કરી.

ત્યારબાદ ભારત બાલા નામના ફિલ્મમેકર સાથે મળીને ઘણી જિંગલ બનાવી. ભારત બાલા ફક્ત ચેન્નઈમાં જ નહીં પરંતુ આખા ભારતમાં પ્રચલિત હતા. તેના ગ્રાહક દિલ્હી અને મુંબઈમાં હતા. રહેમાન PSBB શાળામાં હતો ત્યારે ભારત તેનો સિનિયર હતો. આ પછી રહેમાન અને ભારતે મળીને 1997માં ‘વંદે માતરમ્’ નો પ્રોગ્રામ, 2007માં ‘પ્રે ફોર મી બ્રધર’ અને 2010માં કોમનવેલ્થ ગેમ્સનું ‘જીયો ઊઠો બઢો જીતો’ થીમ ગીત પણ બનાવ્યું.

તે સમયે વિજય મોદી નામનો રહેમાનનો એક નજીકનો મિત્ર હતો જેનો ચેન્નઈમાં એક પોસ્ટ પ્રોડક્શન સ્ટુડિયો હતો. વિજય જ્યારે નાનો હતો ત્યારે તે પોતે મદ્રાસના જેમિની સ્ટુડિયોમાં ચા વેચતો હતો. ચેન્નઈમાં ‘ઓડિયો વિઝન’ નામનો સ્ટુડિયો શરૂ કર્યો જે ધીમે ધીમે ખૂબ જ પ્રચલિત બન્યો. આ સ્ટુડિયોમાં ટી.વી.ની જાહેરાતો, ડોક્યુમેન્ટરીનું સંગીત, જિંગલ રેકોર્ડીંગ, ડબીંગ જેવા અનેક કામો તે કરતો.

વિજય મોદી રહેમાન સાથે મળ્યો તે પહેલા ચેન્નઈમાં જાહેરાતના બે વ્યાવસાયિકો ત્રિલોક નાયર અને શારદા કૃષ્ણમૂર્તિને મળેલો. તે સમયે તેમને ‘વિશ્વ ડ્રગ દિવસ’ માટે એક જાહેરાત બનાવવી હતી. આ જાહેરાતનો સંદેશ હતો – Say No to Drugs! આ જાહેરાતમાં તે સમયે એક નવા કલાકારે મફતમાં કામ કરેલું (કેનેડી જ્હોન વિક્ટર) જે આજે વિક્રમ નામે દક્ષિણ ભારતમાં ખૂબ મોટો કલાકાર છે. આ જાહેરાતને ‘બેસ્ટ એડવર્ડ ફોર પબ્લિક સર્વિસ’ નામનો એવોર્ડ પણ મળ્યો. ત્રિલોક અને શારદા સાથે રહેમાને લગભગ 80 જેટલી જાહેરાતોની ધૂન બનાવી.

બીજા એક દિગ્ગજ રાજીવ મેનનની માતા કલ્યાણી રહેમાનના પિતા શેખર સાથે ગીતો ગાતી અને તે સંબંધે રહેમાન અને રાજીવની ઓળખાણ થઈ. રાજીવની સાથે 1986માં રહેમાને હાર્વેસ્ટ રાઈસ બ્રેનની જાહેરાત કરી. રહેમાન સાથે લિયો કૉફીની જાહેરાત રાજીવ મેનને બનાવેલી જેની માટે તેને એવોર્ડ પણ મળેલો. આ જ જાહેરાત જોઈને મણિરત્નમ પ્રભાવિત થયેલા.

પાંચ વર્ષના ગાળામાં રહેમાને કુલ 300 જેટલી જિંગલ બનાવેલી. શરૂઆતમાં એક જિંગલના 2000 રુપિયા લેતો રહેમાન પાંચ વર્ષ પછી દસ ગણા એટલે કે એક જિંગલના 20000 રુપિયા લેવા લાગ્યો. જાહેરાતોમાં તો 30 કે 45 સેકંડનો જ વિડીયો હોય પણ હવે જિંગલ બનાવવા સિવાય રહેમાને 15 મિનિટના વિડીયોમાં અને ડોક્યુમેન્ટ્રી ફિલ્મોમાં પણ સંગીત આપવાનું કામ કર્યુ.

જાહેરાતોનું વિશ્વ છોડ્યા બાદ છેક 2002માં રહેમાને એરટેલ માટે એક જાહેરાતનું સંગીત આપ્યું જે આજ સુધી લોકોના મનમાં વસેલું છે.

આજનો વિડીયોઃ

આ વિડીયોમાં રહેમાને તૈયાર કરેલી કેટલીક જાહેરાતો છે જે 1990 પહેલાં રજૂ થયેલી. રહેમાનની જાહેરાતોની એક સૂચી બનાવીયે તો આ પ્રમાણે થાયઃ સુમિત્રા શેખરન નામની નિર્દેશિકા સાથે મચ્છર મારવાની ટીકડીની જાહેરાત, નલ્લી સિલ્ક સાડી, એશિયન પેઈન્ટ્સ,ઑલવિનની કાંડા ઘડિયાળ, લિયો કૉફી, ગાર્ડન સાડી, સિન્થોલ સાબુ, ટાઈટન, પ્રિમિયર પ્રેશર કૂકર, ટાટાની ચા, એમ.આર.એફ. ટાયર, જયલક્ષ્મી સાડી, વર્લ્ડ સ્પેસ વગેરે

આ સિવાય સાઉથ ઈંડિયા બૅંક, સન ટીવી ચેનલ, એશિયાનેટ ચેનલ, જેજેટીવી ચેનલ. મદ્રાસ તેલુગુ અકેડમીની જાહેરાતો માટે પણ ધૂન બનાવી. યુ.કે.ના લેબાના મોબાઈલ માટે પણ ઍડ બનાવી.

दिल से रहेमान સિરીઝ: ભાગ 1

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here