મુંબઈ… એક એવું શહેર જ્યાં રોજ હજારોની સંખ્યામાં લોકો રોજગાર માટે આવે છે અને આ શહેર એમને પોતાના બનાવી લે છે… આવું જ કૈક આ શહેરના ફૂડમૂડનું છે.
મુંબઈનું સૌથી લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ એટલે વડાપાઉં. વડાપાઉં ગુજરાતમાં પણ એટલા જ લોકપ્રિય છે જેટલા મુંબઈમાં, પણ આમ જોઈએ તો બન્ને એકદમ જુદી વસ્તુઓ છે. ગુજરાતમાં મળતા વડાપાઉં એકદમ તામઝામ વાળી, બે-ત્રણ ચટણી અને સોસ સાથે પીરસાતી આઈટમ છે, જ્યારે બમ્બૈયા વડાપાઉં એક સિમ્પલ, લઈને આગળ વધો એવી વાનગી છે. પાઉંને વચ્ચેથી ફાડચું કરી, અંદર લસણની કોરી ચટણી લગાવી, બટાકાવડું મૂકી દો, એટલે તૈયાર છે મુંબઈનો વડાપાઉ.
પણ આટલી સરળ વાનગીનો ઈતિહાસ ઘણો રોચક છે.
‘60નાં દાયકાની વાત છે. મુંબઈનો દાદર વિસ્તાર મિલ અને કારખાનાનો વિસ્તાર હતો. અહી કામ કરવા આવતા મિલ મજદૂરો એમની પાળી પતે ત્યારે કે તેમની રિસેસના સમયમાં નજીકનાં ઠેલા કે લારીઓ પર મળતી વસ્તુઓથી તેમની ભૂખ ભાંગતા.
આવી જ એક લારી હતી અશોક વૈદ્યની, દાદર સ્ટેશનની બહાર. તેઓ મુખ્યત્વે બટાકાવડા વેચતા. જે બટાકા અને બેસનને કારણે પ્રોટીન અને કાર્બોદિતથી ભરપૂર નાસ્તો હતો. એકવાર તેમણે જોયું કે આ મજદૂરો તેમનું પેટ સરખું ભરાય તે માટે તેમની પાસેથી વડા અને બાજુમાં બેસતા પાઉંવાળા પાસેથી પાઉં લઇ, વડાને પાઉંની વચ્ચે મૂકીને ખાતા.
આ જોઇને તેમણે એ જ વાનગી, વધારામાં લસણની ચટણી અને તળેલા મરચા સાથે વેચવાનું શરુ કર્યું. કિંમતમાં કઈ વધારે ફરક નહોતો પડ્યો અને પેટ ભરવા માટે મજૂરોએ બે અલગ અલગ જગ્યાએ જવાની જરૂર નહોતી પડતી. પરિણામ, એ જ જે આપણે આજે જોઈએ છીએ. એક એવી વાનગી જે ખૂબ ઓછા સમયમાં, ઓછી કિંમતે તૈયાર થવા લાગી. તદુપરાંત આ વાનગી ઘણા ખરા અંશે ભૂખ પણ ભાંગતી અને એ પણ લાંબા સમય સુધી!
આજે હવે અશોક વૈદ્ય તો રહ્યા નથી, પરંતુ તેમનો પરિવાર હજુ પણ વડાપાઉં સ્ટોલ ચલાવે છે, અને એ પણ એ જ જગ્યાએ જ્યાં એનું જન્મસ્થાન છે, દાદર ટર્મિનસની બહાર. અને લાખો-કરોડો મુંબઈવાસીઓ આજે પણ આ હોલસમ ફાસ્ટફૂડને રોજ પ્રેમથી આરોગે છે.
તવા પુલાવ

તવા પુલાવ માટે જરૂરી સામગ્રી:
1 કપ બાસમતી ચોખા
1 મધ્યમ લીલું કેપ્સીકમ,સમારેલું
2 મોટા ટમેટાં, સમારેલાં
1 મધ્યમ ડુંગળી, સમારેલી
1 ટીસ્પૂન આદુલસણની પેસ્ટ
¼ ટીસ્પૂન લાલ મરચું પાવડર
¼ ટીસ્પૂન હળદર પાવડર
2 ટીસ્પૂન પાવ ભાજી મસાલા અથવા જરૂર મુજબ
½ ટીસ્પૂન જીરું
2 ટેબલસ્પૂન માખણ અથવા તેલ અથવા બંને અડધાઅડધા
1 મધ્યમ ગાજર, બાફીને સમારેલું
1 મધ્યમ બટાકા, બાફીને સમારેલું
½ કપ લીલા વટાણા, બાફેલા
½ ટીસ્પૂન લીંબુનો રસ
થોડી સમારેલી કોથમીર
મીઠું જરૂર મુજબ
તવા પુલાવ બનાવવાની રીત:
- ચોખાને પલાળી, ધોઈ ને ચાર કપ ઉકળતા પાણીમાં તેલ અને મીઠું ઉમેરી પકવી લો.
- એક કડાઈમાં બટરને પીગળવા દો. ત્યારબાદ તેમાં જીરું ઉમેરો અને તે રંગ બદલે ત્યાંસુધી શેકવા દો.
- તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરો અને એ ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો.
- તેમાં આદુ-લસણની પેસ્ટ ઉમેરો અને સુગંધ આવે ત્યાં સુધી સાંતળો.
- તેમાં સમારેલા ટામેટા અને કેપ્સીકમ ઉમેરો અને હલાવો.
- તેમાં મસાલા – હળદર પાવડર, લાલ મરચું પાવડર અને પાવભાજી મસાલો ઉમેરો અને બરાબર ભેળવો.
- મિશ્રણમાંથી બટર છુટું પડે ત્યાંસુધી સાંતળો.
- તેમાં બટાકા, ગાજર અને વટાણા ઉમેરો અને મીઠું ઉમેરી ભેળવી દો.
- પકવેલા ચોખાને ઉમેરી બરાબર ભેળવી દો.
- લીંબુનો રસ ઉમેરી, કોથમીર વડે સજાવી, રાયતા અને પાપડ જોડે સર્વ કરો.
eછાપું