નવું નવું કોડીંગ શીખેલા એક નાનકડા બાળકની આત્મકથા (ભાગ-૧)

0
406

હા હું એક છ વર્ષ અથવા સાત વર્ષનું નાનું બાળક છું. મને મારી એક્ઝેક્ટ ઉમર યાદ નથી કેમકે “Age is just a number. It carries no weight. The real weight is in impacts. The truth is that you can do it at any age. Get up and be willing to leave a mark.” – Martin Luther King Jr. મને કોઈએ કહ્યું હતું કે કોઇપણ આત્મકથામાં ગુગલ ઉપરથી ભારે ભરખમ ક્વોટ ચોરી કરીને નાખવાથી લોકો આપણને નોલેજ વાળા સમજે છે. બસ હું આત્મકથા લખીને એજ સાબિત કરવા માંગુ છું કે હું કેટલો જ્ઞાની છું.

હું નાનો હતો ત્યારે બહુ જ નાનો હતો, ત્યારે એક દિવસ મારા મમ્મી પપ્પા મને દરિયાકિનારે લઇ ગયા હતા, ત્યાં દરેક સામાન્ય બાળકો પણ હતા જેઓ બોલથી રમતા હતા. ક્રિકેટ રમતા રમતા  માટીનાં ઘર બનાવતા હતા. માટીમાં પોતાને મનગમતી ડીઝાઈન બનાવતા હતા પણ હું એક ખાસ બાળક હતો અને એટલે જ હું આ બધું રમવાની જગ્યાએ દરિયાકિનારે પડેલી પ્લાસ્ટિકની થેલી વીણી એમાં છીપલાં, શંખલા અને કોડીઓ ભેગી કરીને નાખતો હતો ત્યારે જ મારા માતા-પિતા ને થયું કે હું કોઈ ખાસ બાળક છું એટલે જ કોડીઓ વીણુ છું એટલે તરતજ તેઓ એ મારી ચડ્ડી પાછળ ચોટેલી માટી ખંખેરી અને મને ઘરે લઇ ગયા.

ત્યારબાદ ઘરે પહોચીને  મેં વીણેલી કોડીઓ પાણીમાં ધોઈ  નાખી અને રમવા લાગ્યો. ત્રણ વાર આઠ પણ પડ્યા એટલે બળી ગયા એવું પણ થયું. મારી લાઈફમાં સ્ટ્રગલ કઈ ઓછી નહોતી. ઘણી વાર કોડી રમતા રમતા સોફા નીચે પણ જતી રહેતી પણ હું સાવરણી લઈને એને કાઢતો હતો. ખુબ મહેનત કરતો હતો, એક તો કોડી રમતા શીખવાની અને સાથે સાથે સ્કુલની પરીક્ષા પણ આવતી હતી. મને ખાસ ભણવામાં રસ નહોતો પણ એક બાળગીત જે ગુજરાતી વિષયમાં ખાસ પુછાવવાનું હતું અને એ બાળગીતની ચાર લાઈન લખવાના દસ માર્ક રોકડા મળે એવા હતા એટલે મને મમ્મી અને પપ્પાએ બાળગીત ગોખાવી નાખ્યું આજે પણ મને એ બાળગીતની ચાર લાઈન યાદ છે.

અમે  ચાંદો  સૂરજ રમતા’તારમતાં  રમતાં  કોડી જડી

કોડીનાં  મે   ચીભડાં  લીધાંચીભડે   મને   બી   દીધાં

બી બધાં  મે વાડમાં  નાખ્યાં, વાડે   મને    વેલો  આપ્યો

વેલો  મેં   ગાયને   નીર્યોગાયે    મને   દૂધ   આપ્યું.

અને પરીક્ષામાં પણ મને આ ગીતની ચાર લાઈન લખવાથી દસમાંથી દસ માર્ક મળેલા હતા. મારા મમ્મી પપ્પા ઘણા ખુશહતા ત્યારબાદ પરીક્ષા પૂરી થઇ રજાઓ આવી એમાં પણ અમે રોજ કોડીઓ રમતા હતા અને જાન્યુઆરી મહિનો આવ્યો ત્યારે મને ખાસ યાદ છે કે મારા પિતા અને હું પતંગ ખરીદવા નીકળ્યા હતા મને પતંગ ચગાવતા ખાસ આવડતું નહતું પણ મારા શોખ માટે મારા પિતા મને પતંગ ખરીદવા લઈ ગયા હતા અને એમણે દુકાનવાળાને એવું કીધું કે જે સાંભળી ને હું ચોકી ગયો. મારા પિતાએ દુકાન વાળાને કીધું કે આની આવડત બે કોડીની નથી પણ એના માટે બે કોડી પતંગ ફાટી જાય એવા બાંધી આપો એટલે તરતજ દુકાનદારે બે કોડી પતંગ બાધી આપ્યા અને ઉતરાયણ અને વાસી ઉતરાયણ ઉપર પતંગ ચગાવવાના બહાના હેઠળ હું પતંગ લઈને ધાબા ઉપર આમથી તેમ દોડ્યો અને છેવટે બે કોડી પતંગ મેં ફાડી નાખ્યા ત્યારે મારા માતા પિતાને સમજાયું કે મને સમુદ્ર ઉપરથી કોડી મળી હતી. મને કવિતા પણ કોડીની જ આવડી. મેં જે પતંગ ફાડ્યા એ પણ બે કોડી હતા અને મારી આવડત પણ બે કોડીની હતી જેથી એમને સ્પષ્ટ ખ્યાલ આવી ગયો કે મને કોડીંગ શીખવાડવાનો સમય આવી ગયો છે.

આમ મારામાં બે કોડીની આવડત નહોતી. છી(પોટી) કરવા જાઉં તોય બેસી રહેવું પડતું હતું કેમકે મમ્મી રસોઈ કરતી હોય અને ધોવડાવે ત્યારે બહાર અવાય એટલે રાહ જોવી પડતી હતી. નાકમાંથી સતત રીતે ધોધ વહ્યા કરતો અને એને હું મારા ટી-શર્ટથી લૂછતો હતો. મને નાક લુછતા નહોતું આવડતું અને અગાઉ જણાવ્યું એ પણ ધોતા નહોતું આવડતું પણ મારા મમ્મી-પપ્પા એ મને કોડીંગ શીખવા મૂકી દીધો અને પછી થયું એવું કે તમે બીજા ભાગમાં જાણીને જશો ચોંકી.

 

લી – લઘર વઘર અમદાવાદી

——————–ક્રમશ:——————-

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here