કેરળના સોના સ્મગલિંગ અને દાઉદ ઈબ્રાહીમનું શું કનેક્શન હશે?

0
387

ભારતીય જાસૂસી અજન્સીઓ વર્ષોથી જે આતંકીને પકડવા તનતોડ મહેનત કરી રહી છે, જે આતંકી દેશમાં સર્જેલા ઘણા આતંકવાદી કુકર્મોમાં સંડોવાયેલો છે અને જે સતત ભાગતો રહ્યો છે, તે આતંકી વિષે ઘણી અટકળો વહેતી રહે છે.  

ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી દાઉદ ઇબ્રાહિમ અને તેની D કંપનીની કેરળ સોનાની દાણચોરીના કેસમાં જોડાણ હોઈ શકે છે, એમ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ કોચ્ચીની એક વિશેષ અદાલતમાં જણાવ્યું હતું.

એજન્સીએ કહ્યું હતું કે, આરોપી ઘણી વખત તાન્ઝાનિયાની મુલાકાતે ગયો હતો, જ્યાં અન્ડરવર્લ્ડ ડોનનું વિસ્તૃત નેટવર્ક છે.

સાગરીત આરોપી રમીસ (A-5) ની કસ્ટોડીયલ પૂછપરછ દરમિયાન તેણે ખુલાસો કર્યો હતો કે, તેણે તાન્ઝાનિયામાં હીરાનો ધંધો શરૂ કરવાનો પ્રયાસ કર્યો હતો.

તેણે તાંઝાનિયામાં ગોલ્ડ માઇનિંગ લાઇસન્સ મેળવવાની કોશિશ કરી હતી. આરોપીએ NIA ને એમ પણ જણાવ્યું હતું કે, તેણે તાંઝાનિયાથી સોનું ખરીદ્યું હતું અને UAEમા વેચ્યું હતું.

NIAના અધિકારીઓએ દાવો કર્યો હતો કે, સપ્ટેમ્બરમાં પવિત્ર કુરાનનાં માલસામાનને વાહન તરીકે ઉપયોગ કરીને તેમાં સોનું રાખી વિવિધ સ્થળોએ વિતરણ પહેલાં તેને, તિરુવનંતપુરમ સ્થિત કેરળ સ્ટેટ સેન્ટર ફોર એડવાન્સ્ડ પ્રિન્ટિંગ એન્ડ ટ્રેનિંગ (C-apt)માં લાવવામાં આવ્યા હતા.

સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, NIA અધિકારીઓએ UAEના કોન્સ્યુલેટથી લાવવામાં આવેલા કુરાન પેકેટો પર C-apt અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી એકઠી કરી હતી.

5 જુલાઇએ કસ્ટમ્સ (પ્રિવેન્ટિવ) કમિશનરેટ, કોચ્ચીને 30 જુલાઇએ UAEથી રાજદ્વારી સામાનમાં છુપાયેલ રૂ.14.82 કરોડનું 30 કિલો સોનું મળી આવેલ હતું.

NIA એ કહ્યું હતું કે, પી મોહમ્મદ શફી સોનાની દાણચોરી કરનાર મુખ્ય આયોજક હતો અને તેના સાથી તથા પાંચમા આરોપી રમીઝ સાથે મળીને નવેમ્બર, 2019થી UAEના કોન્સ્યુલેટથી રાજદ્વારી બેગ દ્વારા 21 વખત સોનાની દાણચોરી કરી હતી.

આ ઘટના ભારતની આર્થિક સુરક્ષાને મોટી તકલીફ આપવાના આશયથી કરવામાં આવી હોય એમ જણાવવામાં આવ્યું હતું.

NIA, કસ્ટમ્સ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ED સહિતની કેન્દ્રીય એજન્સીઓ સોનાની દાણચોરીમાં ધરપકડ અંગેની અલગ તપાસ હાથ ધરી છે.

આ કેસમાં કેન્દ્રીય એજન્સીઓ દ્વારા તિરુવનંતપુરમ સ્થિત UAE કોન્સ્યુલેટના બે ભૂતપૂર્વ કર્મચારીઓ, સ્વપ્ના સુરેશ અને સરિથ પિ. એસ. સહિત ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here