ક્લે કોર્ટનો બિનહરીફ મહારાજા એટલે રાફેલ નડાલ 

0
354

રાફેલ નડાલ અને યોકોવિચ વચ્ચે યોજાયેલા ફ્રેન્ચ ઓપનના ફાઈનલ મુકાબલાને નડાલે 6-0, 6-2, 7-5થી જીતી લઈને કેરિયરનું 20મું ગ્રાન્ડ સ્લેમ પોતાને નામ કરી લીધું છે. નડાલના સૌથી મોટા પ્રતિસ્પર્ધી રોજર ફેડરરે ટ્વિટ કરીને નડાલની ઐતિહાસિક જીત પર તેને અભિનંદન પાઠવ્યા હતા.

 

લોકડાઉનમાં પોતાની ફિટનેસ પર પૂરતું ધ્યાન આપીને નડાલે 13મી વાર ફ્રેન્ચ ઓપન જીતીને ક્લે કોર્ટ પર પોતાના એકચક્રી શાસનનો સંદેશ ફરી એક વાર ટેનિસજગતના ફેન્સને આપી દીધો છે. ઉલ્લેખનીય છે કે આ મેચમાં નડાલ અને યોકોવિચનો મુકાબલો 56મી વાર થયો હતો. હેડ ટુ હેડ મુકાબલાઓમાં યોકોવિચ 29 વાર જીત્યો છે જયારે નડાલે 27 વાર જીત મેળવી છે.  

નડાલે આ વિજય મેળવતાની સાથે એક અનોખો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. ફ્રેન્ચ ઓપનમાં ઓવરઓલ 100 જીત નાનીસૂની ઘટના નથી. ફ્રેન્ચ ઓપનમાં 100-2નો કેરિયર રેકોર્ડ હવે કોઈ તોડી શકે તેમ લાગતું નથી. રિપોર્ટ્સ સાથે વાત કરતા નડાલે જણાવ્યું કે “સ્વાભાવિક છે કે એક ખેલાડી તરીકે મારી ઈચ્છા સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ જીત્યા બાદ રીટાયર થવાની હોય પરંતુ હવે કેરિયરના આખરી પડાવમાં મારે અન્ય ખેલાડીઓના રેકોર્ડ પર નજર નથી રાખવી. મારુ સંપૂર્ણ ધ્યાન મારી ફિટનેસ અને મારી રમત પર છે.” 

ફ્રેન્ચ ઓપન જીતતાની સાથેજ ટેનિસજગતમાં ઓળખાતા નડાલનો “બિગ ટાઈટલ” જીતવાનો આંક 56 થયો છે. બિગ ટાઇટલમાં ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનશિપ, નિટો એટીપી ફાઇનલ્સ, એટીપી માસ્ટર્સ 1000 ટુર્નામેન્ટ અને ઓલિમ્પિક સિંગલ્સના ગોલ્ડમેડલનો સમાવેશ થાય છે. યોકોવિચ અત્યાર સુધી 58 બિગ ટાઇટલ જીત્યો છે જયારે રોજર ફેડરરનો બિગ ટાઇટલ જીતવાનો આંક 54 છે. 

એવું નહોતું કે યોકોવિચ આ મેચ જીતવા માટે ફેવરિટ નહોતો. તે અત્યારે સિંગલ્સમાં નંબર 1 ખેલાડી છે. જો તેણે નડાલને હરાવ્યો હોત તો ઇતિહાસમાં તેનું નામ પણ અમર થઇ જાત કારણકે ઓપન એરામાં દરેક ગ્રાન્ડ સ્લેમ હજુ સુધી 2 વાર કોઈ નથી જીતી શક્યું. મેચ પત્યા બાદ યોકોવિચે નડાલની સિદ્ધિને બિરદાવતા કહું કે “ક્લે કોર્ટમાં તારી રમતને કારણે તું અજેય છે”.

ફ્રેન્ચ ઓપનમાં નડાલનું વર્ચસ્વ જોતા એવું પ્રતીત થાય છે કે તેણે 21મું ટાઇટલ જીતવા માટે ઈજાઓ પર કાબુ રાખવો પડશે. ભૂતકાળમાં નડાલે ઇજાને કારણે 8 જેટલા ગ્રાન્ડ સ્લેમમાં ભાગ નથી લીધો, તેના પ્રતિસ્પર્ધીઓ – રોજર ફેડરરે પોતાની કરિયરમાં ઇજાને કારણે 2 મેજર ઈવેન્ટ્સમાં ભાગ નથી લીધો જયારે યોકોવિચે ઇજાને કારણે માત્ર એક જ મેજરમાં ભાગ નથી લીધો. ઓવરઓલ મેન્સ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ વિજયની વાત કરીયે તો હવે નડાલ અને ફેડરર 20-20 ટાઇટલ સાથે સંયુક્ત રીતે પહેલા ક્રમે તેમજ 17 ગ્રાન્ડ સ્લેમ વિજય સાથે યોકોવિચ બીજા ક્રમે છે. ત્રીજા ક્રમે 14 વિજય સાથે વીતેલી સદીનો ચેમ્પિયન પીટ સામ્પ્રાસ છે. 

Photo Courtesy: Essentially Sports

કેવી રહી મેચ?

સામાન્યત: નડાલ મેચની શરૂઆતમાં લોન્ગ રેલી અને ગણતરીપૂર્વકનું જોખમ લઈને પ્રતિસ્પર્ધીને થકવાડી દે છે પરંતુ યોકોવિચ સામે શરૂઆતથી જ આક્રમક રમત દાખવીને સર્બિયન સ્ટારને વાપસી માટે કોઈ તક આપી નહિ. નડાલની રમતમાં આવેલો બદલાવ યોકોવિચ માટે અણધાર્યો પુરવાર થયો હતો જેના કારણે તે આખી મેચમાં પોતાની નેચરલ ગેમ રમી ન શક્યો. મેચના મોટાભાગના સમય દરમિયાન નડાલે બોલને શિસ્તબદ્ધ રીતે એક્યુરેટ એન્ગલ સ્ટ્રોક્સ વડે યોકોવિચની રેન્જ બહાર રાખ્યા હતા. નડાલે મેચમાં 106 પોઇન્ટ જીત્યા જેમાંથી 52 પોઇન્ટ યોકોવિચની અનફોર્સ્ડ એરરને કારણે મળ્યા હતા, જયારે પોતે માત્ર 14 પોઇન્ટ અનફોર્સ્ડ એરરના રૂપમાં ગુમાવ્યા.

આખી ટુર્નામેન્ટમાં યોકોવિચના ફર્સ્ટ સર્વ પર્સેન્ટેજ 62-65%ની આસપાસ રહ્યા પરંતુ ફાઇનલમાં આ આંકડો ઘટીને 42% પર આવી ગયો. નડાલે યોકોવિચની સર્વિસમાં 6 માંથી 3 બ્રેક પોઇન્ટ મેળવ્યા અને યોકોવિચની નબળી સેકન્ડ સર્વનો મહત્તમ ફાયદો ઉઠાવ્યો. સમગ્ર મેચ દરમિયાન યોકોવિચના ડ્રોપ શોટ પણ નડાલ સામે બિનઅસરકારક રહ્યા.

આ ફાઈનલમાં નડાલના પરફોર્મન્સને જોતા ફ્રેન્ચ ઓપનને બદલે નડાલ ઓપન કહેવું અતિશયોક્તિ નથી. નવા વિલ્સન બોલ, હવામાન, બંધ છતમાં રમાનાર ટુર્નામેન્ટ અને લોકડાઉનને કારણે અપૂરતી તૈયારીઓ – આ બધા કારણો જોતા મોટાભાગના ટેનિસફેન્સનું અનુમાન હતું કે આ વર્ષે રાફેલ નડાલ ફ્રેન્ચ ઓપન જીતવું આસાન નહિ હોય. પણ કોને ખબર હતી કે નડાલ ફાઇનલમાં પોતાની સર્વશ્રેઠ ગેમ રમશે? તેની ગેમ એટલી મજબૂત હતી કે ઓપન એરા શરુ થયા બાદ 4 મેજર ટુર્નામેન્ટ એક પણ સેટ ગુમાવ્યા વગર જીતનાર સર્વપ્રથમ ખેલાડી બની ચુક્યો છે. ફ્રેન્ચ ઓપન અને નડાલ વચ્ચે કોઈક ગેબી કનેક્શન છે કારણકે ક્લે કોર્ટમાં ઉતરતાની સાથે જ તેણે 20 વર્ષના યુવા ખેલાડીની તરવરાટથી આગઝરતા ઇનસાઇડ આઉટ ફોરહેન્ડ મારવાનું શરુ કરી દીધા હતા.

ફ્રેન્ચ ઓપન જીતનું મહત્વ શું છે? 

સ્પોર્ટ્સની દુનિયામાં અમુક રેકોર્ડ લાંબો સમય સુધી ટકી રહે છે. દાયકાઓ સુધી તે રેકોર્ડ જે તે ખેલાડીનું તે રમતમાં પ્રભુત્વ દર્શાવે છે. જેમકે સર ડોન બ્રેડમેનની બેટિંગ એવરેજ કે પછી સચિન તેંડુલકરની 100 સદી. સ્વિમિંગમાં માઈકલ ફેલ્પ્સના 23 મેડલ કે પછી ઉસેન બોલ્ટની 100 મીટર અને 200 મીટર દોડમાં સતત ત્રણ ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલની જીત. ટેનિસની જ વાત કરીયે તો ક્લે કોર્ટમાં ક્રિસ એવર્ટની સતત 125 મેચની વિનિંગ સ્ટ્રીક, સ્ટેફી ગ્રાફના 1988માં જીતાયેલા ગોલ્ડન સ્લેમ. રફાલ નડેલના 13 ફ્રેન્ચ ઓપન ટાઇટલ જીતવાના રેકોર્ડને કોણ તોડી શકશે? આ રેકોર્ડ તોડવા માટે કોઈ પણ ટેનિસ પ્લેયરે બહુ નાની ઉંમરથી જીતવાનું શરુ કરી દેવું પડે. હાલના યુવા ખેલાડીઓને જોતા લાગતું નથી કે નડાલનો વિક્રમ જલ્દીથી તૂટે. 

eછાપું 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here