વળતો ઘા: કમલનાથની ટીપ્પણી પર ઈમરતી દેવીનો સોનિયાને સવાલ

0
304
Photo Courtesy: Free Press Journal

મધ્ય પ્રદેશ સરકારના મહિલા મંત્રી ઈમરતી દેવી પર અભદ્ર ટીપ્પણી કરવાના મામલે કમલનાથ ફસાઈ ગયા છે અને ઈમરતી દેવીએ આ મામલે સોનિયા ગાંધીને પણ સવાલ કર્યો છે.

ભોપાલ: મધ્ય પ્રદેશમાં વિધાનસભાની અતિશય મહત્ત્વની પેટાચૂંટણીઓ થઇ રહી છે. આ પેટાચૂંટણી પર હાલની શિવરાજ સિંહ સરકારનું ભવિષ્ય અવલંબે છે અને આથી જ તે માટે કોંગ્રેસ અને ભાજપા બંને પુરજોશમાં પ્રચાર કરી રહ્યા છે.

પરંતુ આ પ્રચાર દરમ્યાન ગઈકાલે મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથની જીભ લપસી ગઈ હતી અને તેમણે રાજ્ય સરકારમાં મંત્રી એવા ઈમરતી દેવીને ‘આઈટમ’ કહીને બોલાવ્યા હતા. કમલનાથના આ નિવેદનની ભાજપા દ્વારા તો ભરપૂર આલોચના થઇ જ હતી પરંતુ ઈમરતી દેવીએ કમલનાથની વાણી પર રોષ પ્રગટ કર્યો હતો.

એક ન્યૂઝ સંસ્થાને આપેલા ઇન્ટરવ્યુમાં ઈમરતી દેવી રડી પડ્યા હતા અને પ્રશ્ન કર્યો હતો કે શું કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી પોતાની પુત્રી વિષે આ પ્રકારની ટીપ્પણી સહન કરત ખરાં? ઈમરતી દેવીએ સોનિયા ગાંધીને કમલનાથને તત્કાળ અસરથી કોંગ્રેસમાંથી કાઢી મુકવાનો પડકાર ફેંક્યો હતો.

તો બીજી તરફ મુખ્યમંત્રી શિવરાજ સિહ ચૌહાણ કમલનાથના ઉપરોક્ત નિવેદનના વિરોધમાં બે દિવસના મૌન પાળી રહ્યા છે. આ મામલે શિવરાજ સિંહ ચૌહાણે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીને પણ થોડા સમય અગાઉ એક પત્ર લખ્યો છે.

Photo Courtesy: ANI

પ્રદેશ ભાજપાએ કમલનાથની ટીપ્પણી અંગે કહ્યું હતું કે નવરાત્રીના સમયમાં જ કમલનાથે એક મહિલાનું અભદ્ર રીતે અપમાન કર્યું છે.

આજે જ્યારે પત્રકારો દ્વારા કમલનાથને શું પોતે પોતાના શબ્દો પરત ખેંચશે તેવો સવાલ કરવામાં આવ્યો હતો ત્યારે કમલનાથે તેમ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી અને કહ્યું હતું કે રાજકારણમાં બધા લોકો આઈટમ જ હોય છે.

ઈમરતી દેવી અગાઉ કમલનાથ સરકારમાં પણ મંત્રી રહ્યાં હતા અને થોડા સમય પહેલાં તેઓ પક્ષ પલટો કરીને ભાજપામાં પ્રવેશ પામ્યાં છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here