दिल से रेहमान (3): યે હસીન વાદિયાં, યે ખુલા આસમાન…

0
476

ઈલિયારાજા સાથે કામ કરવાનું શરૂ કર્યું તે પહેલા દિલીપે તેલુગુ સંગીતકાર રાજ કોટી અને રમેશ નાયડુ સાથે કામ કરેલું. મલયાલમ ફિલ્મ જગતથી શરૂ કરીને કન્નડ, તેલુગુ અને તામિળ સુધી રહેમાનની કળા વિસ્તરણ પામી. જાહેરાતની ધૂનો અને બીજા સંગીતકારોના સેશન વચ્ચે રહેમાનનો વર્કલોડ વધી ગયો અને છેવટે કોઈ એકને છોડવું પડશે તેવો નિર્ણય લઈને રહેમાને જાહેરાતોને પસંદ કરી. તે સમયે રહેમાન ફુલટાઈમ ઈલિયારાજા સાથે કામ કરતો હતો.

ઈલિયારાજા પાંચ કલાકમાં એક ગીત પૂર્ણ કરી લેતા અને રહેમાને કોઈ દિવસ 5 કલાકમાં કોઈ ગીત પૂરું કર્યું નથી. ક્યારેક તો ઈલિયારાજા સવારે એક, બપોરે એક અને રાત્રે એક એમ દિવસમાં ત્રણ ગીત પણ બનાવીને આપી દેતા અને તેમનું સંગીત ખૂબ જ નિશ્ચિત હતું.

જાહેરાતોના ફિલ્મમેકર્સ સાથે રહેમાનને એક સ્વતંત્રતા મળતી. વિદેશના લોકો સાથે હરવું-ફરવું, હળી મળીને કામ કરવું – આ બધું રહેમાનને ગમતું. સમયની કોઈ પાબંદી ન હતી. ઈલિયારાજા જૂનવાણી સંગીતની દુનિયામાં રહેતા અને રહેમાનને નવી હાઈ-ટેક દુનિયા ગમતી. ઈલિયારાજાનો પ્રભાવ એટલો હતો કે કોઈને નવું અજમાવવું નહોતું. 1986માં રહેમાને ઈલિયારાજાને મનાવીને ‘પુન્નાગી મન્નન’ ફિલ્મમાં સિંગાપુરથી લાવેલા નવા સિંથેસાઈઝર દ્વારા સંગીત આપ્યું.

તેમ છતાં ઘણાંનું એવું પણ માનવું હતું કે રહેમાનને તેના કામ માટે તે સમયે નામ નહોતું મળતું. ફિલ્મોના સંગીતમાં ફક્ત ઈલિયારાજાનું નામ જ ઝળકતું. એક દિવસ રહેમાને ઈલિયારાજાને જઈને કહ્યું કે મારે અલગ કામ કરવું છે અને ઈલિયારાજાએ કોઈ પણ આનાકાની વગર રહેમાનને રજા આપી. ઈલિયારાજા સાથે રહેમાને 1987ની ફિલ્મ ‘વેલ્લાઈકરણ’ માટે છેલ્લી વાર સંગીત આપ્યું.

***

1991નું વર્ષ. દક્ષિણની ફિલ્મોના સફળ નિર્દેશક મણિરત્નમ એક સંગીતકારની શોધ કરી રહ્યા હતાં. અત્યાર સુધીની પોતાની દરેક ફિલ્મ માટે મણિરત્નમે ફક્ત એક જ સંગીતકાર પાસે સંગીત નિર્દેશન કરાવેલું – ઈલિયારાજા. નવેમ્બર 1991માં સુદ્ધા મણિરત્નમ અને ઈલિયારાજાની ફિલ્મ ‘થાલાપથી’ રિલીઝ થયેલી જે પ્રચંડ સફળતા પામેલી.

મણિરત્નમ એક એવા નિર્દેશક છે જેમને ફિલ્મ સંગીતના દરેક પડાવ પર પોતાની સહભાગિતા ગમે. સંગીતકાર સાથે રહીને તે સંગીતને જાણે, શબ્દોને મરોડે અને છેવટે એક અદ્ભૂત કલાકૃતિ આપે. ઈલિયારાજા તદ્દન અલગ સ્વભાવના. પોતાના કામમાં કોઈ દખલગીરી કરે તે ઈલિયારાજાને જરાય ન ગમે. બંનેએ એકસાથે વર્ષો કામ કર્યુ છતાં બંનેના મનમાં ખટાશ રહેતી. ‘થાલાપથી’ ભલે એક સુપરહીટ ફિલ્મ સાબિત થઈ પરંતુ મણિરત્નમ-ઈલિયારાજાની એકમેક સાથે આ છેલ્લી ફિલ્મ બની રહી.

બીજી તરફ કે. બાલાચન્દર દક્ષિણી ફિલ્મોના બહુ મોટા નિર્માતા હતા. તેમની પણ એક ફિલ્મ ‘પુધુ પુધુ અર્થાંગલ’ માટે કે. બાલાચન્દરે ઈલિયારાજાની પરવાનગી વગર તેના જૂના ગીતોનું રિ-રીકોર્ડીંગ કરીને ફિલ્મમાં મૂકી દીધેલા. આ સમયે સંગીતકારોની હડતાલ શરૂ હતી અને બાલાચન્દરે આ વાતનો ફાયદો લઈને ફિલ્મના ગીતોને બોમ્બેમાં જઈને સંગીતબદ્ધ કરાવી દીધા. ઈલિયારાજાને આ વાતનો ગુસ્સો આવ્યો પરંતુ બાલાચન્દર સાથે કોઈ જ પ્રકારની ચર્ચા કર્યા વગર બંનેએ એકમેક સાથે છેડા ફાડ્યા. ત્યારબાદ પોતાની દરેક ફિલ્મ માટે તે નવા સંગીતકારને તક આપવા લાગ્યા. 1990ની ફિલ્મ ‘ઓરુ વીડુ ઇરુવસલ’માટે વી.એસ. નરસિંમ્હન, 1991ની ફિલ્મ ‘અઝગન’માટે મર્ગાદા મણિ જેવા નવા સંગીતકારોને લોકો સમક્ષ લાવ્યા.

મણિરત્નમ અને કે. બાલાચન્દર મળીને એક નવી ફિલ્મની તૈયારી કરી રહ્યા હતા જેનું નામ હતું – ‘રોજા! આ ફિલ્મ માટે બંનેને એક નવા સંગીતકારની જરૂર હતી. આખા તામિળ ફિલ્મજગતમાં વાયુવેગે વાત પ્રસરી ગઈ કે બે દિગ્ગજ (મણિરત્નમ અને કે. બાલાચન્દર) તેમની એક ફિલ્મ માટે નવા સંગીતકારને શોધે છે. ઈલિયારાજા સિવાય દરેક સંગીતકારે આ તક ઝડપવા આકાશ-પાતાળ એક કરી દીધા.

મણિરત્નમની પિતરાઈ બહેન શારદા હતી. એ જ શારદા જેણે ત્રિલોક સાથે મળીને રહેમાન પાસે લગભગ 80 જેટલી જાહેરાતોની ધૂન બનાવડાવેલી. જ્યારે રહેમાન પોતાની ધૂનો બનાવવામાં મશગૂલ હતો, ત્યારે શારદા અને ત્રિલોક તેના ગુણગાન ગાઈને મણિરત્નમને મનાવી રહ્યા હતા.

બીજી તરફ જાહેરાતોની ધૂન દ્વારા મળેલા રૂપિયાથી રહેમાનની માતાને હવે શાંતિ થયેલી. ચેન્નઈમાં તેના ઘરે તૈયાર થયેલા સ્ટુડિયોને રહેમાને ભાડે આપવાની તૈયારી શરૂ કરી કારણ કે તેને અમેરિકામાં ‘બર્કલી સ્કૂલ ઓફ મ્યુઝિક’ માં એડમિશન લેવું હતું. એડમિશન લેવા તેને ‘ધ એપિડેમિક’ના એલ. શંકર પાસેથી ભલામણ પત્ર પણ મળ્યું. રહેમાન તે વખતે ફક્ત ૨૪ વર્ષનો હતો. રહેમાન અને મણિરત્નમ બંને ‘થાલાપથી’ ફિલ્મના પ્રિમિયરમાં મળેલા. આ પ્રિમિયરમાં શારદા અને ત્રિલોકે રહેમાનને બોલાવેલો પરંતુ રહેમાન પોતાના આખા પરિવારને લઈને પ્રિમિયરમાં ગયેલો. મણિરત્નમ અને રહેમાન ખૂબ જ થોડી વાર માટે મળ્યા અને રહેમાને પરિવાર સાથે ફિલ્મ જોઈ લીધા બાદ વિદાય લીધી.

ફિલ્મ ‘થાલાપથી’ના પ્રીમિયર પછી રહેમાનને અચાનક મણિરત્નમનો ફોન આવ્યો કે તે તેને મળવા માંગે છે અને તેનું સંગીત સાંભળવા માંગે છે. રહેમાનને વિશ્વાસ ન થયો પરંતુ તરત જ ત્રિલોકને ફોન કર્યો. બંનેએ એક જ રાતમાં રહેમાનનું બધું જ સારું કામ દેખાડવા માટે એક ટેપ બનાવી. મણિરત્નમ તેના સ્ટુડિયોમાં આવ્યા અને રહેમાનની ‘બર્કલી’નું એડમિશન ભુલાઈ ગયું. તેની ધૂનો અને સંગીતનું કામ સાંભળ્યું અને ત્યાંથી નીકળી ગયા. મહિનાઓ સુધી તેણે ફોન ન કર્યો એટલે રહેમાનને થયું કે નક્કી કંઈક ખોટું થઈ ગયું લાગે છે. ત્રિલોકને તેણે ફોન કરીને આ બધી વાત કરીને મન હલકું કર્યું.

છએક મહિના પછી એક દિવસ મણિરત્નમે રહેમાનને ‘થિરુડા થિરુડા’ ફિલ્મ માટે સાઈન કર્યો. પરંતુ અત્યાર સુધી કે. બાલચંદ્ર મણિરત્નમ પાસે ‘રોજા’ ની વાર્તા લઈને નહોતા આવ્યા. જ્યારે તેની વાર્તા સાંભળી, મણિરત્નમે તે ફિલ્મ પણ રહેમાનને આપવાનું નક્કી કર્યું અને આ રીતે રહેમાનને ‘રોજા’ પણ મળી. ‘થિરુડા થિરુડા’ પહેલાં રોજા રીલિઝ થઈ અને રહેમાન એક રાષ્ટ્રીય વ્યક્તિ બની ગયો. જો કે આ બંને ફિલ્મ મળી તે પહેલાં રહેમાનને 10000 રુપિયા આપીને કથિર નામના કોલીવુડના નિર્દેશકે સાઈન કરેલો.

***

Photo Courtesy: Amazon

લગભગ આઠ મહિના સુધી રહેમાને અને મણિરત્નમે મળીને એક સ્ટુડિયોમાં બેસીને ‘રોજા’નું સંગીત બનાવ્યું. કોઈને આ વાતની ગંધ સુદ્ધાં ન આવી કે આ બંધ સ્ટુડિયોમાં એક રાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પામનાર સંગીત બની રહ્યું છે. બધાને એમ કે રહેમાન પોતાની ‘જિંગલ’ બનાવવામાં વ્યસ્ત છે. રહેમાન સાથે કામ કરતાં લોકો સ્ટુડિયોમાં આવતા, અને પોતાના વાજિંત્રો વગાડીને ચાલ્યા જતાં. કોઈએ રહેમાનને પૂછવાની તસ્દી લીધી અને ના રહેમાને કહેવાની.

રોજા માટે મણિરત્નમે રહેમાનને તે સમયે ફ્ક્ત અને ફક્ત 25000 રુપિયા આપેલા. મણિરત્નમ રાત્રે રહેમાન પાસે આવતા અને સંગીત માટેની ચર્ચા કરતા. રહેમાનના ગિટાર વગાડનાર, વાયોલિન વગાડનાર અને બીજા સંગીતકારો ત્યારે જેમ રહેમાન કહેતા તેમ વગાડતા અને ફાઈનલી જ્યારે ફિલ્મ રિલીઝ થઈ ત્યારે જ પોતાની ધૂન અને ગીત સાંભળતા.

‘રોજા’ ફિલ્મ માટે રહેમાને પહેલું ગીત તૈયાર કર્યુ – ‘ચિન્ના ચિન્ના આસાઈ’ (હિન્દી ફિલ્મમાં ‘દિલ હૈ છોટા સા, છોટી સી આશા’). તામિળ ફિલ્મજગતના ઉચ્ચ દરજ્જાના ગીતકાર વૈરામુત્થુને આ ગીત લખવા બોલાવ્યા. પહેલી વાર ધૂન સાંભળીને પછી લગભગ અઢી કલાકમાં ગીતકારે ગીત લખી નાખ્યું. આ ગીત જ્યારે રિલીઝ થયું ત્યારે તામિળનાડુના ઘરે ઘરમાં આ ગીત પ્રચલિત બન્યું. આ એ જ ગીત છે જેણે બાદમાં ૨૦૦૫માં ટાઈમ મેગેઝીનના ‘બેસ્ટ સાઉન્ડ ટ્રેકસ ઑફ ઑલ ટાઈમ’ના લિસ્ટમાં શામેલ થયેલું.

રોજા માટે રહેમાને થોડા અલગ અભિગમ અપનાવ્યા. કોલીવુડ (તામિળ સિનેજગત)ની તે સમયની પ્રસિદ્ધ ગાયિકા એસ. જાનકીને બદલે રહેમાને ‘ચિન્ના ચિન્ના આસાઈ’ ગીત એક ટ્રેક ગાયિકા મિનમિની પાસે ગવડાવ્યું. ટ્રેક ગાયિકા એટલે કોઈ પણ ગીતનું અંતિમ રેકોર્ડીંગ થાય તે પહેલાં સ્ટુડિયોમાં સંગીતની પ્રેક્ટિસ માટે જેની પાસે ગીત ગવડાવવામાં આવે તે  સ્થાનિક ગાયિકા. આ ટ્રેક ગાયિકા ગીત ગાઈને ગીતનું સંગીત ફાઈનલ કરાવે પછી તે સંગીત સાથે કોઈ મોટા ગાયક કે ગાયિકા તેને ફિલ્મ માટે ગાય.

મિનમિની સાથે રહેમાને પહેલાં જ ઘણી જાહેરાતોમાં ગવડાવેલું અને તેણીનો ફ્રેશ અવાજ રહેમાનને આ ગીત માટે બંધબેસતો લાગ્યો. આ જ ગીતમાં બીજા ફકરા પછી ‘યે…લો..લો.’ અવાજ રહેમાને પોતે આપેલો. આ પણ રહેમાનનો એક નવો પ્રયોગ હતો.

બીજું ગીત ‘કધાલ રોજાવે’ (હિન્દી ફિલ્મમાં ‘રોજા જાનેમન’) માટે પણ તે સમયના પ્રચલિત અવાજ એસ.પી.બાલાસુબ્રમન્યમને ન લેવાનું રહેમાને નક્કી કરેલું. તે માટે પોતાના મિત્ર રાજીવ મેનનને બોલાવ્યો પરંતુ રાજીવ કોઈ જાહેરતની શૂટીંગમાં વ્યસ્ત હોવાથી તેણે ના પાડી. મણિરત્નમે રહેમાનને કહ્યું કે આપણી પાસે સમય ઓછો છે ઍતલે એસ.પી. પાસે જ ગવડાવી લઈએ.

‘રુક્કુમણી રુક્કુમણી’ ગીત એક શૃંગારિક લગ્નગીત બની રહ્યું જેમાં એસ.પી.બી. અને કે.એસ.ચિત્રાનો અવાજ લોકોને ગમી ગયો. ફિલ્મનું ચોથું ગીત ‘પુધુ વેળાઈ મળાઈ’ (હિન્દી ફિલ્મમાં ‘યે હસીન વાદિયા’) પણ એસ.પી.બી. અને ચિત્રાએ ગાયું.

ફિલ્મ રોજા માટે રહેમાન પાસે ફક્ત ચાર જ ધૂન તૈયાર હતી પરંતુ મણિરત્નમને ફિલ્મમાં એક પાંચમું ગીત પણ જોઈતું હતું. રહેમાન પાસે નવી કોઈ ધૂન નહોતી અને સમય ઓછો હતો. તેણે ભારત બાલા સાથે બનાવેલી એક ધૂન મણિરત્નમને સંભળાવી. આ ધૂન ખરેખર તો કર્ણાટક અને તામિળનાડુ વચ્ચે કાવેરી નદી બાબતે ચાલી રહેલી માથાકૂટના થીમ-સોંગ તરીકે બનાવેલી પરંતુ મણિ રત્નમને તે ધૂન ગમી અને ફિલ્મમાં ‘તમિળા તમિળા’ (હિન્દી ફિલ્મમાં ‘ભારત હમ કો જાન સે પ્યારા હૈ) ઉમેરાયું. આ ગીત તામિળ જનતા માટે એક રાજ્યગીત તરીકે ઊભરી આવ્યું. આ ગીત માટે હરિહરનનો સંપર્ક થયો અને ગીત સુપરડુપર હીટ બન્યું – ખાસ તો ફિલ્મમાં જ્યારે અરવિંદ સ્વામી ભારતના તિરંગાને સળગતો જોઈ તેના પર પડે છે ત્યારે રુંવાડા ઊભા કરતું દ્રશ્ય અને બેકગ્રાઉન્ડમાં આ ગીત એટલે સોને પે સુહાગા!

રહેમાન માટે ‘રોજા’ એક પર્ફેક્ટ આરંભ કહી શકાય જેમાં પ્રેમ પણ હતો અને દેશભક્તિ પણ હતી. ‘રોજા’ ફિલ્મ સૌ પ્રથમ તામિળ ભાષામાં રિલીઝ થઈ પરંતુ આખા ભારતમાં રોજા વખાણાઈ. એક મધ્યમવર્ગીય પરિવારના યુવા દીકરો-વહુ હનીમૂન માટે કાશ્મીર જાય અને અજુગતું બને એ વાત જ લોકોને મોહી ગઈ. તામિળ ભાષામાં ‘રોજા’નો અર્થ થાય ગુલાબ – કાશ્મિરની ઘાટીઓમાં આ રોજાનું ફૂલ ખીલ્યું અને તેની મહેક આજ સુધી પ્રસરેલી છે. રોજાના બધાં ગીત તમે એક સાથે સાંભળો એટલે રહેમાનનું નિર્ભેળ ટેલેન્ટ કાનોમાં ગૂંજી ઊઠે. ગીતોનું વૈવિધ્ય જુઓ – એક આશાસ્પદ ગીત, એક લગ્ન પછીનું શૃંગારિક અને રમૂજી ગીત, એક રોમાન્ટિક ગીત, એક રાષ્ટ્રભક્તિનું ગીત અને એક કુદરતને માણનારું – બધું એક જ ફિલ્મમાં!

‘રોજા’ ફિલ્મ 1992ના વર્ષમાં 15 ઑગસ્ટ એટલે કે 46મા ભારતીય સ્વાતંત્ર્ય દિવસ પર રિલીઝ થઈ. ફિલ્મનો રાષ્ટ્રભક્તિનો થીમ લોકોને સ્પર્શી ગયો. ફિલ્મના ગીતોની કેસેટ રિલીઝ થઈ ત્યારે રહેમાને દરેકે દરેક સંગીતકારોને ક્રેડિટ આપી, જે તે વખતે નવી વાત હતી.

‘રોજા’ ફિલ્મ ભારતીય ફિલ્મ જગતમાં કઈ રીતે ક્રાંતિ લાવી તેની વાત આવતા અઠવાડિયે…

આજનો વિડીયોઃ

‘રોજા’ ફિલ્મના સંગીતના ઑડિયો પ્રશેપણ (લૉન્ચ) વખતે નિર્માતા કે. બાલાચન્દર સંગીતકાર એ.આર.રહેમાનને કઈ રીતે લોકો સમક્ષ પ્રસ્તુત કરે છે એ ફક્ત બે મિનિટનો વિડીયો (અંગ્રેજી સબટાઈટલ્સ સાથે):

दिल से रेहमान સિરીઝ: 1 | 2

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here