Black Lives Matter: શું હાર્દિક પંડ્યાને આ વિષયનું જ્ઞાન છે ખરું?

0
233
Photo Courtesy: Hardik Pandya Twitter

ગઈકાલની મેચમાં હાફ સેન્ચુરી ફટકાર્યા બાદ ક્રિકેટર હાર્દિક પંડ્યાએ Black Lives Matterની સંજ્ઞા દેખાડી હતી. આ પાછળ કોઈ ખાસ કારણ છે કે હાર્દિક પંડ્યા એ ચળવળ માટે સંવેદનશીલ છે?

અમદાવાદ: ગઈકાલે રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ મુંબઈ ઇન્ડિયન્સ વિરુદ્ધ રમતા હાર્દિક પંડ્યાએ એક ધમાકેદાર ઇનિંગ રમી હતી. આ ઇનિંગ રમતી વખતે જ્યારે પંડ્યાએ 50 રન ક્રોસ કર્યા ત્યારે તેને પોતાના ઘૂંટણ પર ઝૂકીને Black Lives Matterની સંજ્ઞા પોતાના ડગઆઉટ તરફ કરી હતી.

આ વર્ષે અમેરિકામાં એક અશ્વેત નાગરિકની પોલીસ દ્વારા કરવામાં આવેલી હત્યા બાદ ફાટી નીકળેલા રમખાણો બાદ અમેરિકન પોલીસે ઉપરોક્ત સંજ્ઞા દર્શાવીને દિલસોજી વ્યક્ત કરી હતી. ત્યારબાદ હાલમાં ઇંગ્લેન્ડમાં રમાયેલી વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધની ટેસ્ટ સિરીઝ શરુ થતા અગાઉ પણ આ સંજ્ઞા ઈંગ્લીશ અને વેસ્ટ ઇન્ડિયન ખેલાડીઓ દ્વારા દર્શાવવામાં આવી હતી એટલુંજ નહીં બંને ટીમોના ખેલાડીઓના શર્ટના કોલર પર સમગ્ર સિરીઝ દરમ્યાન Black Lives Matter પ્રિન્ટ કરેલું જોવા મળતું હતું.

પરંતુ વાત જ્યારે ભારત અને હાર્દિક પંડ્યાની આવે છે ત્યારે Black Lives Matter નું આંદોલન ભારત કે ભારતીયોને બિલકુલ સ્પર્શ કરતું નથી અને સમગ્ર મામલો અમેરિકાનો આંતરિક મામલો છે. ભારતમાં અમેરિકા કે અન્ય દેશોમાં જેટલો તીવ્ર રંગભેદ દર્શાવવામાં આવે છે તે મુજબનો રંગભેદ બિલકુલ નથી.

હા, ભારતમાં આજે પણ જાતિવાદ પ્રવર્તમાન છે તેની ના ન પાડી શકાય પરંતુ Black Lives Matter એક સાવ અલગ જ ચળવળ છે જેનો ભારત સાથે દૂરદૂરનો સબંધ નથી. કદાચ યુવાન હોવાને કારણે એક ફેશન સ્ટેટમેન્ટ તરીકે હાર્દિક પંડ્યાએ આમ કર્યું હોય તો તે શક્ય છે કારણકે મેચ બાદ તરતજ તેણે ઉપરોક્ત ઘટનાના ફોટાને tweet કર્યો હતો.

ગઈકાલની ઇનિંગ સિવાય જે આ વર્ષે IPLમાં હાર્દિક પંડ્યાએ એક પણ નોંધપાત્ર ઇનિંગ રમી નથી. ઇજામાંથી બહાર આવવાને કારણે હાર્દિક પંડ્યાએ આ સમગ્ર ટુર્નામેન્ટમાં એક બોલ પણ નાખ્યો નથી. પંડ્યાએ અગાઉની એક પણ ઇનિંગ દરમ્યાન કે બાદમાં Black Lives Matterની સંજ્ઞા દર્શાવી ન હતી તેનો મતલબ એ જ છે કે તેણે ગઈકાલ જેવી કોઈ ખાસ ઘટના માટે આ સંજ્ઞાને બચાવી રાખી હતી.

એક રીતે જોવા જઈએ તો IPL કે પછી BCCI અથવાતો ICC દ્વારા રમાડવામાં આવતી કોઇપણ ટુર્નામેન્ટ દરમ્યાન રંગભેદ, જાતિવાદી કે પછી રાજકીય વિષય પર ટીપ્પણી કે સાંકેતિક વિરોધ કે સમર્થન કરી શકાતું નથી.

ગત વર્ષે રમાયેલા પચાસ ઓવર્સના ક્રિકેટ વર્લ્ડકપની શરૂઆતની મેચો દરમ્યાન પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંગ ધોનીએ તેની રેજીમેન્ટનો લોગો તેના વિકેટકીપિંગ ગ્લવ્ઝ પર લગાવ્યો હતો ત્યારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તેનો વિરોધ કર્યો હતો અને ICCએ તેને રાજકીય સંજ્ઞા ગણીએ ધોનીને પોતાના ગ્લવ્ઝ પરથી એ લોકો કાઢી નાખવાનો હુકમ કર્યો હતો.

પરંતુ અહીં તો ICC ખુદ Black Lives Matter જેવી રાજકીય ઘટનાને સમર્થન આપી રહ્યું છે તેથી ન તો IPLના સત્તાધીશો કે પછી ખુદ BCCI હાર્દિક પંડ્યાનો વાળ પણ વાંકો કરી શકશે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here