શું તમને પણ પાસે રહેલા શેર ક્યારે વેંચવા તેની મૂંઝવણ છે?

0
356

આ સવાલનો જવાબ આપતા પહેલા એ જાણવું જરૂરી છે કે શેર ક્યારે નહિ વેચવા જોઈએ.

શેર નહિ વેચવાના ત્રણ મુખ્ય કારણો જોઈએ.

પહેલું કારણ એ કે શેરનો ભાવ ખાસ્સો વધી ગયો છે. શું શેરનો ભાવ વધી ગયો એથી એ વેચી દેવા જોઈએ ? નહિ કારણકે ધારોકે તમે એક નાનો ધંધો કરો છો તમારું વેચાણ પહેલા વર્ષે એક લાખ રૂપિયા છે અને નફો ૧૦ ટકા એટલેકે રૂ ૧૦ હજાર. હવે બીજા વર્ષે વેચાણ થયું બમણું એટલેકે બે લાખ રૂપિયા અને નફો ૮ ટકા લેખે થયો રૂપિયા ૧૬ હજાર. અહી કુલ નફો વધ્યો પરંતુ ટકાવારીમાં ઘટ્યો તો શું તમે હવે ધંધો વેચી દેશોકે? નહિ ને કારણકે અહી તમને ધંધાને વધુ વિકાસની તક જુઓ છો.

તો બસ આમ જ જો કંપનીના શેરનો ભાવ વધ્યો હોય તો એનું કારણ એ પણ હોઈ શકે કે કંપનીને વિકાસની વધુ તકો છે એથી એના શેરના ભાવ હજી વધવાની શક્યતા છે. આમ માત્ર શેરનો ભાવ વધવાથી એ વેચી ના દેવાય ત્યારે જોવાનું કે કંપનીની વિકાસની તકો કેટલી છે કંપની કેવું પર્ફોમન્સ કરી રહી છે જો કંપનીનું વેચાણ વધી રહ્યું છે નફો વધી રહ્યો છે તો શેર પકડી રાખવાના હોય અને એમાં ભાવ ચોક્કસ ભવિષ્યમાં વધવાના જ.

જેમ જેમ ધંધો વિકાસ પામતો જાય અને ધંધાને વિકાસ પામતા ૫ કે ૧૦ વર્ષ કે વધુ લાગે એમ શેર પણ ૫ કે ૧૦ વર્ષ પકડી રાખવાથી સારો નફો ગાંઠે બાંધી શકાય. વિપ્રો, ઈન્ફોસીસ જેવા મલ્ટીબેગર આમ જ મળે છે જે ૨૦ વર્ષમાં એક લાખના કરોડથી વધુ કમાવી આપે છે. આમ માત્ર ભાવ વધવાથી શેર વેચવા એ ખોટું કારણ હોઈ શકે.

બીજું કારણ શેર નહિ વેચવાનું છે શેરનો ભાવ અચાનક ઘટી જવો. ધારોકે બજારમાં મંદી આવી અને શેરઆંક એકદમ ૩૦% થી ૫૦% ઘટી ગયો તો સ્વાભાવિક તમારી કંપનીના ભાવ પણ પ્રમાણસર ઘટશે જ. કારણકે બજારમાં મંદી છે તો આવા સમયે જો કંપની સારી હોય એના ફંડામેન્ટલ મજબુત હોય તો અને ત્યારે એ શેર વેચવાને બદલે એમાં વધુ રોકાણની તક સમજવી. બજારમાં તેજી મંદી આવતી રહે પરંતુ જે કંપનીના ફન્ડામેન્ટલ મજબુત હોય એને આંચ આવતી નથી એ બજારમાં તેજી આવતા એના શેર ઝડપથી વધે છે અને આમ સરવાળે વધુ નફો રળી શકાય છે.

ત્રીજું કારણ નહિ વેચવાનું એ કે ઘણીવાર એવું બને કે કંપની મજબુત હોય પરંતુ એમાં કામચલાઉ નુકશાન થાય અથવા એવી ઘટના બને કે જેને લીધે કંપની ટૂંકાગાળા માટે નફાશક્તિ ઘટે અથવા સેટબેક આવે આવા સમયે કંપનીની મજબૂતાઈ પારખી થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવી. જેમકે શક્ય છે કે કંપનીનો સીઈઓ બદલાઈ જાય તો એમાં ભાવ ઘટવાની શક્યતા કામચલાઉ વધી જાય પરંતુ મોટી કંપનીમાં સ્ક્સેસન પ્લાનિંગ મજબુત હોવાથી આવા ટૂંકાગાળાના ફેરફારથી કંપનીને આંચ નથી આવતી અને કંપની પછી વિકાસના માર્ગે આગળ વધે છે

આમ આ ત્રણ મુખ્ય કારણો છે કે જયારે કંપનીના શેર નહિ વેચવા જોઈએ.

તો કંપનીના શેર ક્યારે વેચવા એ હવે આપણે જોઈએ.

જયારે કંપનીના ફન્ડામેન્ટલ નકારત્મક થઇ જાય ત્યારે શેર વેચી દેવામાં જ ભલાઈ છે ત્યારે નફો ગાંઠે બાંધી લેવો અને નુકશાન થતું અટકાવવું.

બીજું કારણ શેર વેચવા માટે એ છે કે તમને તાત્કાલિક ફંડની જરૂરિયાત છે તો આવા સમયે તમારું રોકાણ જો તમને મદદમાં ના આવે તો એ રોકાણ શું કામનું ? આમ પૈસાની જરૂરિયાત હોય ત્યારે શેર વેચી શકાય અને એજ પ્રમાણે જયારે પૈસા પાસે હોય ત્યારે શેરમાં રોકાણ કરવું એ પણ ઉત્તમ તક જ છે.

ત્રીજું કારણ શેર વેચવા માટે તમારી સામે બીજી કોઈ કંપની કે જે વધુ નફો રળી રહી છે જેમાં વિકાસની વધુ તકો છે તો ઓછા વિકાસ વાળી અને સ્થિર કંપની કરતા વિકાસ પામતી કંપનીમાં વેચીને દાખલ થવું એ શાણપણ છે. પરંતુ હા આવા સમયે તમારે સાવચેતી અને કંપની ફન્ડામેન્ટલનો અભ્યાસ હોવો જરૂરી છે ઘણીવાર કંપનીના ભાવ ખુબ જ વધી ગયા હોય એ ઓવરવેલ્યુ હોય ત્યારે એના શેર વેચી જે કંપનીના ભાવ અન્ડરવેલ્યુ હોય એ ખરીદવું નફાકારક બને છે

આમ તમે કોઈ કંપનીના શેર ખરીદો ત્યારે એનો દર ત્રિમાસિક અભ્યાસ કરી લેવો હિતાવહ છે જો કંપની સારો નફો કરતી હોય વિકાસ પામતી હોય ત્યારે એના શેર પકડી રાખવા જોઈએ અને ગભરાટમાં કોઈ નિર્ણય લેવો ના જોઈએ ખાસ તો જે કંપનીના ફંડામેન્ટલ સારા હોય એવી કંપનીઓ માટે આ લાગુ પડે છે.

અહીં આપવામાં આવેલી રોકાણ અંગેની સલાહો અને તેના વિચારો શ્રી નરેશ વણજારાના પોતાના છે જે  મુંબઈ સ્થિત એક ઇન્વેસ્ટમેન્ટ નિષ્ણાત છે અને eછાપું  અહીં આપેલી સલાહને પોતાના તરફથી  કોઈ પણ પ્રકારનું અનુમોદન આપતું નથી. વધુ માહિતી માટે વાચક તેમનો સીધો સંપર્ક તેમના મોબાઈલ નંબર- 98217-28704 પર કોલ કરી અને યોગ્ય માર્ગદર્શન મેળવી શકે છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here