મોદીને ફસાવવા માટે મને હેરાન કરવામાં આવ્યો હતો: પૂર્વ CBI વડા

0
270

2002ના ગુજરાતના રમખાણો દરમ્યાન અને ત્યારબાદ તે સમયના ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર અસંખ્ય આરોપ મુકવામાં આવ્યા હતા જેની તપાસ માટે એક SIT રચવામાં આવી હતી. આ SITના પ્રમુખ દ્વારા એક મોટો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે.

નવી દિલ્હી: 2002ના ગુજરાતના રમખાણોની તપાસ અંગે પૂર્વ CBI વડા આર.કે. રાઘવને બહુ મોટો ખુલાસો કર્યો છે.  રાઘવને આ રમખાણોની તપાસ કરવા સુપ્રિમ કોર્ટ દ્વારા નિમણુંક કરવામાં આવેલી SITનું પણ નેતૃત્ત્વ કર્યું હતું.

રાઘવને પોતાની આત્મકથા ‘A Road Well Travelled’ માં જણાવ્યું છે કે એ રમખાણોમાં તે સમયના ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ફસાવવા માટે તેમના પર માત્ર દબાણ જ કરવામાં નહોતું આવ્યું પરંતુ તેમને ખૂબ પરેશાન પણ કરવામાં આવ્યા હતા. જો કે નરેન્દ્ર મોદીની એ રમખાણમાં કોઈજ ભૂમિકા ન હતી તે સ્પષ્ટ થઇ ચૂક્યું હતું.

રાઘવને પોતાની આત્મકથામાં એક જગ્યાએ લખ્યું છે કે,

તેમણે મારા વિરુદ્ધ ખોટી પીટીશનો કરી હતી જેમાં મારા પર મુખ્યમંત્રીની (મોદીની) તરફેણ કરવાનો આરોપ મુકવામાં આવ્યો હતો. તેમણે મારા પર નજર રાખવા માટે કેન્દ્રીય એજન્સીઓને મારા ફોન ટેપ કરવાનું કહ્યું હતું. તેમને એ બાબતે નિરાશા થઇ હતી કે મારી તપાસમાં કોઇપણ પ્રકારની ગેરરીતી જોવા નહોતી મળી.

રાઘવનના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રી મોદી માટે SITનું વલણ તેમના દુશ્મનોને ખૂંચતું હતું. રાઘવને IPS ઓફિસર સંજીવ ભટ્ટના એ આરોપનું પણ ખંડન કર્યું છે જેમાં ભટ્ટે જણાવ્યું હતું કે 28 ફેબ્રુઆરી 2002ના દિવસે નરેન્દ્ર મોદીએ વરિષ્ઠ પોલીસ અધિકારીઓને નિર્દેશ આપ્યો હતો કે તેમણે હિંદુ લાગણીઓને છલકવા દેવી જોઈએ અને તેમાં વચ્ચે પડવું ન જોઈએ. રાઘવને તેમના પુસ્તકમાં દાવો કર્યો છે કે સંજીવ ભટ્ટના આરોપને SITની તપાસમાં કોઈજ સમર્થન મળ્યું ન હતું.

તે સમયે નરેન્દ્ર મોદીની થયેલી પૂછપરછ વિષે પણ આર.કે. રાઘવને પોતાની આત્મકથામાં વિગતવાર જણાવ્યું છે. તેમણે લખ્યું છે કે SIT દ્વારા મુખ્યમંત્રીની ઓફિસને જણાવવામાં આવ્યું હતું કે પૂછપરછ માટે તેમણે SITની ઓફિસે આવવું પડશે નહીં, જો અન્ય કોઈ સ્થળે તેમની પૂછપરછ થશે તો SIT દ્વારા તેમની (મોદીની) તરફેણ થઇ રહી છે એવો ખોટો સંદેશ જશે.

રાઘવને આગળ લખ્યું છે કે નરેન્દ્ર મોદી ગાંધીનગર ખાતે આવેલી SITની ઓફિસે આવવા માત્ર તૈયાર જ નહોતા થયા પરંતુ તેમણે SITના એક સભ્ય અશોક મલ્હોત્રાને જ પોતાની પૂછપરછ કરવાનું જણાવ્યું હતું જેનાથી અમે બધાં આશ્ચર્યચકિત થઇ ગયા હતા.

રાઘવનના જણાવ્યા અનુસાર મોડી રાત્રી સુધી નરેન્દ્ર મોદીની પૂછપરછ થઇ હતી પરંતુ તેમણે સતત શાંતિ જાળવી રહી હતી અને તેમણે એક પણ પ્રશ્નનો જવાબ ટાળ્યો ન હતો. કોંગ્રેસના પૂર્વ સંસદસભ્ય એહસાન જાફરીને જીવતા સળગાવવાની ઘટનામાં મુખ્યમંત્રી અને તેમના અધિકારીઓ સામેલ હોવાનો જાફરીના વિધવા ઝાકિયા જાફરીના આરોપનો જવાબ આપતા રાઘવને લખ્યું છે કે SITની તપાસમાં આ આરોપની કોઈજ પુષ્ટિ થઇ શકી નથી.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here