મેક્સિકોના આશિર્વાદ મકાઈ અને તેનાથી બનતી રેસિપીઝ

0
315

જયારે વરસાદી મોસમ હોય ત્યારે ભાગ્યે જ એવું કોઈ ઘર હશે જ્યાં મકાઈ કે તેમાંથી બનતી વસ્તુ નહિ ખવાતી હોય. મકાઈ અને મકાઈના દાણા અને તેમાંથી બનતી વિવિધ વાનગીઓ જાણે ચોમાસાનો પર્યાય બની ગઈ છે. મકાઈ હવે ફક્ત વરસાદી મોસમમાં જ નહી, બારેમાસ વપરાતું શાક, કઠોળ અને અનાજ છે. આ મકાઈ આજે ભારતમાં બહુ વિશાળ પાયે ઉગાડવામાં આવે છે, વિશ્વમાં મકાઈના ઉત્પાદનમાં ભારતનું સ્થાન છઠ્ઠું છે. પરંતુ અન્ય ઘણા અનાજ અને શાકભાજીની જેમ મકાઈનું મૂળ ‘જન્મસ્થાન’ ભારત નથી. મકાઈ મૂળ મેક્સિકોની પેદાશ છે અને એને મેક્સિકોથી ભારત લાવવામાં સ્પેનીશ પ્રજાનો બહુ મોટો ફાળો છે. આજે આપણે મકાઈ વિષે થોડી વધુ માહિતી મેળવીશું અને ત્યારબાદ મકાઈમાંથી બનતી વાનગીઓ જોઈશું.

વૈજ્ઞાનિકો માને છે કે સેન્ટ્રલ મેક્સિકો માં રહેતા લોકોએ લગભગ 7000 વર્ષ પહેલાં મકાઈ વિકસાવી હતી. તેની શરૂઆત તેઓસિન્ટે(teosinte) તરીકે ઓળખાતા જંગલી અને નકામાં ઘાસ તરીકે થઇ હતી.. તેઓસિન્ટે દેખાવમાં આજના મકાઈ કરતા ખૂબ જ અલગ હતા. તેના દાણા આજના મકાઈના દાણાના પ્રમાણમાં ખૂબ જ નાના હતા.

મેક્સિકોથી મકાઈની સફર ચાલુ થઇ અને તે ઉત્તરમાં યુ.એસ.એ. નાં દક્ષિણપશ્ચિમ રાજ્યોમાં અને દક્ષિણમાં પેરુનાં દરિયાકિનારાના પ્રદેશમાં તેનો પ્રભાવ ફેલાયો. લગભગ એક હજાર વર્ષ પહેલા રેડ ઇન્ડિયન્સે મેક્સિકોથી ઉત્તર અમેરિકાના પૂર્વીય જંગલોમાં સ્થળાંતર કર્યું ત્યારે તેઓ તેમની સાથે મકાઈ લાવવા આવ્યા હતા. આજે મકાઈ એ ઉત્તર અમેરિકામાં મુખ્ય ખોરાક તરીકે લેવામાં આવે છે.

કોલંબસ અને તેના જેવા અન્ય યુરોપીયનોએ ઉત્તર અને દક્ષિણ અમેરિકામાં રહેતા લોકો સાથે સંપર્ક કર્યો હતો ત્યારે મકાઈ સૌથી મૂળ લોકો આહારમાં એક મુખ્ય ભાગ હતો. જ્યારે કોલંબસએ અમેરિકાની “શોધ” કરી ત્યારે  તેમણે મકાઈની પણ શોધ કરી. પરંતુ ત્યાં સુધી, યુરોપમાં રહેતા લોકોને મકાઈ વિશે ખબર ન હતી.

કોલંબસ જયારે પાછો યુરોપ પહોંચ્યો ત્યારે તેના થકી સ્પેનીશ લોકો મકાઈના સંપર્કમાં આવ્યા અને તેઓ બહુ જ ઝડપથી આ ‘વનસ્પતિ’ને એક મહત્વના ‘ખોરાક પાક’ તરીકે ઓળખી ચુક્યા હતા કારણકે ઈ.સ. 1525માં હજુ જ્યારે બાકીનું યુરોપ મેક્સિકો અને પેરુમાં પોતાનો કબજો જમાવી રહ્યું હતું ત્યારે સ્પેન એ પહેલેથી જ એન્ડેલુસિયા ક્ષેત્રોમાં મકાઈની ખેતી ચાલુ કરી દીધી હતી. આ નવો છોડ અતિ અનુકૂલનશીલ હતો, ઝડપથી ઉગતો હતો અને તેની ઉપજ ઘણી ઊંચી હતી, જે સ્પેન અને ઉત્તર ઇટાલીના ગરીબ અને ભૂખે મરતા ખેડૂતો માટે એક વરદાન હતું.  મકાઈ ઇટાલી મારફતે બાલ્કનમાં ઝડપથી ફેલાઈ અને પછી પોર્ટુગીઝ જહાજો મારફતે દક્ષિણ પૂર્વ એશિયા, ભારત, ચાઇના અને જાપાનમાં તેનો વ્યાપ વધ્યો.

આમ આપણે જે મકાઈ આજે આટલી લિજ્જતથી માણીએ છીએ તેને આપના સુધી પહોંચાડવા માટે આપણે સૌ પ્રથમ મેક્સીકન્સનો, ત્યાર બાદ રેડ ઇન્ડિયન્સનો, કોલંબસનો અને પોર્ટુગીઝનો આભાર માનવો પડે.

પરંતુ આજે હવે આટલા બધા વર્ષોની સફર બાદ મકાઈને આપણે એટલી હદે સ્વીકારી લીધી છે કે તે લગભગ સંપૂર્ણ ભારતીય ખોરાક તરીકે અપનાવી લેવામાં આવી છે. અમેરિકન મકાઈના વધતા જતા ક્રેઝની સાથે સાથે દેશી મકાઈનો પણ એટલો જ ઉપયોગ કરવામાં આવે છે.

કોર્ન ઢોકળા

સામગ્રી:

1/3 કપ મકાઇનો લોટ

2/3 કપ સ્વીટ કોર્નના દાણા

2/3 કપ દહીં

2/3 ટીસ્પૂન આદુ-લીલા મરચાની પેસ્ટ

3/4 ટીસ્પૂન હિંગ

3/4 ટીસ્પૂન હળદર પાવડર

2/3 ટીસ્પૂન ખાંડ

1/3 ટીસ્પૂન લીંબુનો રસ

સ્વાદ મુજબ મીઠું

2/3 ટીસ્પૂન તેલ

½ ટીસ્પૂન ફ્રુટ સોલ્ટ

વઘાર માટે:

1/3 ટેબલસ્પૂન તેલ

1/3 ટીસ્પૂન રાઈ

1/3 ટીસ્પૂન તલ

એક ચપટી હિંગ

રીત:

  1. એક ઊંડા બાઉલમાં મકાઈનો લોટ, દહીં અને જરૂર મુજબ ગરમ પાણી ભેગું કરો અને સારી રીતે મિકસ કરો. મિશ્રણને ઢાંકીને 30 મિનિટ સુધી રહેવા દો.
  2. આ મિશ્રણમાં સ્વીટ કોર્નના દાણા, આદુ-લીલા મરચાંની પેસ્ટ, હિંગ, હળદર પાવડર, ખાંડ, લીંબુનો રસ, મીઠું અને તેલ ઉમેરો અને સારી રીતે મિકસ કરો. તેમાં ઢોકળા સ્ટીમરમાં મૂકવાની થોડી જ વાર પહેલા ફ્રુટ સોલ્ટ ઉમેરો.
  3. એક થાળીને તેલથી બરાબર ગ્રીઝ કરી તેમાં આ મિશ્રણ ઉમેરી સ્ટીમરમાં લગભગ ૧૫ મિનીટ સુધી બફાવા દો.
  4. ઢોકળા તૈયાર થઇ જાય એટલે એને મનગમતા આકારમાં કાપી લો.
  5. એક નોન-સ્ટીક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ ઉમેરો. રાઈ તતડે એટલે તેમાં તલ અને હિંગ ઉમેરી લગભગ 20 સેકન્ડ માટે સાંતળી લો.
  6. વઘારને તૈયાર ઢોકળા પર રેડી બરાબર ફેલાવી દો. ઉપર ઝીણી સમારેલી કોથમીર પણ ઉમેરી શકાય.
  7. લીલી ચટણી સાથે ગરમ ગરમ સર્વ કરો.

 

રોસ્ટેડ હલાપીનીઓ એન્ડ કોર્ન સૂપ:

Photo Courtesy: Aakanksha Thakore

સામગ્રી:

4 હલાપીનો મરચા (અથવા ભાવનગરી મરચા)

1/3 કપ સમારેલી ડુંગળી

2 કળી લસણ સમારેલું,

1 ટેસ્પૂન તેલ

3 ટેબલસ્પૂન બટર

¼ કપ મકાઈનો લોટ (પીળો)

2 ½ કપ વેજીટેબલ સ્ટોક

½ કપ દૂધ

1 ટેબલસ્પૂન ક્રીમ (મલાઈ) સજાવટ માટે

મીઠું અને મરી સ્વાદ મુજબ

રીત:

  1. મરચાને લંબાઈમાં અડધા કાપી, તેના બી કાઢી નાખી, ઓવેનમાં 200 સે. તાપમાને ૧૦-૧૫ મિનીટ માટે શેકી લો. ઓવેનની જગ્યાએ ગેસ પર પણ શેકાય. ઠંડા પડે એટલે એના નાના-નાના ટુકડા કરી લો. સજાવટ માટે થોડા મરચા અલગ રાખો.
  2. હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં ડુંગળી અને લસણને 1 થી 2 મિનીટ માટે સાંતળો, ત્યારબાદ તેમાં મીઠું ઉમેરીને ડુંગળી નરમ થાય ત્યાંસુધી સાંતળો.
  3. આ મિશ્રણમાં બટર ઉમેરો. બટર ઓગળે એટલે તેમાં મકાઈનો લોટ ઉમેરો અને બરાબર ભેળવો અને મકાઈનો લોટ શેકી જાય ત્યાંસુધી પકવો.
  4. તેમાં સમારેલા મરચા ઉમેરો અને ધીરેધીરે વેજીટેબલ સ્ટોક ઉમેરો. ઉભરો આવવા દો.
  5. તેમાં દૂધ ઉમેરીને ઉભરો આવે એટલે ધીમા તાપે, સૂપ ઘટ્ટ થાય ત્યાંસુધી સીઝવા દો.
  6. સૂપ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી હેન્ડ બ્લેન્ડર ફેરવી સૂપને સ્મૂધ કરી દો.
  7. મરચા અને ક્રીમ વડે સજાવી, ગરમાગરમ પીરસો.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here