આઈ.પી.એલ અને ગલી ક્રિકેટ વચ્ચે રહેલી સમાનતા સમજાવો ગુણ – ૨૦

0
720

ગલી ક્રિકેટ અને આઈ.પી.એલ વચ્ચેનાં તફાવતો આવનારી ઓનલાઈન કોઇપણ પરીક્ષામાં પુછાઈ શકે છે. પણ એના માર્ક દસ જ હોય છે એના કરતા આઈ.એ.એસ ની એક્ઝામમાં એવું પૂછી શકાય કે આઈ.પી .એલ એજ ગલી ક્રિકેટ છે. કેમકે જે રીતે આઈ.પી.એલ રમાઈ રહી છે એ રીતે ગલી ક્રિકેટ જોડે ઘણી સામ્યતાઓ દર્શાવે છે તો આવો આજે આપણે જોઈશું કે ગલી ક્રિકેટ અને આઈ.પી.એલ વચ્ચે શું સામ્યતા છે.

(૧.) ગલી ક્રિકેટ માં એક ટપ્પી એક હાથે આઉટ હોય છે જ્યારે આઈ.પીએલ માં આજ કોન્સેપ્ટ અલગ રીતે હોય છે બાઉન્ડ્રી ઉપર અંદર કુદીને બીજા ને કેચ આપવામાં આવે છે એવીરીતે આઉટ ગણાય છે. આ એક્ચ્યુલ માં કરંટ આઉટ જેવું જ હોય છે.

(૨.) ગલી ક્રિકેટમાં જેનું બેટ હોય એ પહેલા બેટિગ કરે છે જ્યારે આઈ.પીએલ માં જેનું બેટ હોય એના ઉપર લોકો બેટિગ કરે છે. અને બેટિગ કરનારો હંમેશા ગલી ક્રિકેટમાં વધારે અમીર હોય છે એટલેજ એ બેટ વસાવતો હોય છે એવી જ રીતે આઈ.પી.એલમાં પણ બેટિગ કરનારા ઘણા અમીર હોય હોય છે. ગલી ક્રિકેટમાં ઘર નજીક હોય છે એટલે બેટિગ કર્યા બાદ જમવા જઈ શકાય છે એવી જ રીતે આઈ.પી.એલ માં પણ લોકો બેટિગ દરમ્યાન ખાધી ખાધી કરતા હોય છે.

(૩.) ગલી ક્રિકેટમાં ટોસ ઉછાળીને પહેલી બેટિગ બોલીગ નક્કી નથી થતું ટોસ ઉછાળવા માટે સિક્કો જેની પાસે હોય એ બેટિગ લે છે કેમકે પછી સાંજે અંધારું થઇ જાય અને મમ્મી ઘરે બોલાવા આવે એવા કોઇપણ સંજોગોમાં પહેલી બેટિગ લેવી હિતાવહ છે આઈ.પી.એલમાં પણ પહેલી બેટિગ લેવી હિતાવહ છે કેમકે ચેઝ કરવામાં રનરેટ વધારે ચેઝ કરવો પડે છે.

(૪.) બોલ મારે એ લેવા જાયનો નિયમ ગલી ક્રિકેટ માં હોય છે એજ નિયમ આજકાલ આઈ.પી.એલ માં લાગુ પડે છે કેમકે આજકાલ ઓડીયન્સ હોતું નથી એટલે ખેલાડીઓને જાતેજ બોલ લેવા જવું પડે છે. ગલી ક્રિકટ માં અમુક આંટીનાં ઘરે બોલ જાય તો પાછો આવતો નથી આઈ.પી.એલ માં પણ ઘણીવાર બોલ પાછો આવતો નથી.

(૫.) ઘણી વાર ગલી ક્રિકેટમાં શોર્ટ રન હોય છે એમાં ઘણી વાર બેટથી દોરેલી ક્રીઝ ભુસાઈ જવાને કારણે પણ શોર્ટ રન થાય છે બસ એવી જ રીતે આજકાલ શોર્ટ રનથી આઈ.પી.એલ ની મેચોનાં રીઝલ્ટ નક્કી થાય છે. આઈ.પી.એલમાં વન શોર્ટ બોલ જ આલું હોય છે ગલી ક્રિકેટમાં પણ લોકો મહિનાઓ સુધી એક જ શોર્ટ પેન્ટ પહેરીને રમતા જોવા મળે છે.

(૬.) ગલી ક્રિકેટમાં મોટાભાગે છ બોલની એક  ઓવર જ રમાતી  હોય છે અને એ પણ મોટા ભાગે રવિવારે જ જ્યારે ફેમેલી ને ટાઈમ હોય અથવા બધા ભેગા થયા હોય એવી જ રીતે આઈ.પી.એલ માં પણ મોટાભાગે રવિવારે જ સુપર ઓવર કરીને છ બોલમાં હાર જીત નક્કી કરતી ઓવર રમાડવામાં આવે છે.

(૭.) ગલી ક્રિકેટમાં ઓડીયન્સની ગેર હાજરી વર્તાય છે એવી જ રીતે આજકાલ કોવિડનાં કારણે ખાલી સ્ટેડીયમ માં મેચ રમાય છે. તો પણ આઈ.પી.એલ માં જેમ લોકો ઓનલાઈન વચ્ચે વચ્ચે ઘરે બેસીને ડોકાચિયા કરતા નજરે પડે છે જેઓ નાં ખરેખર પચાસ રૂપિયા કાપવાનું મન થાય એવા હોય છે એવી જ રીતે ગલી ક્રિકેટમાં પણ ઓટલા પરિષદ વાળા લોકો વચ્ચે વચ્ચે મેચ દરમ્યાન ડોકાચિયા કરી જાય છે.

(૮.) ગલી ક્રિકેટમાં કોઈ એક કાચી પૂડી અથવા તો દૂધપાક  હોય છે જેને છેલ્લે છ બોલ રમાડી દેવામાં આવે છે એવી જ રીતે આઈ.પી.એલમાં દિનેશ કાર્તિક હોય છે જેને ખાલી રમાડવામાં આવે છે.  ગલી ક્રિકેટમાં ઘણી વાર જેની પાસે પોતાનું બેટ હોય એવા વ્યક્તિ ને કેપ્ટન પણ બનાવવામાં આવે છે એવી જ રીતે દિનેશ કાર્તિક ને પણ કેપ્ટન બનાવવામાં આવે છે.

(૯.) આઈ.પી.એલમાં અમ્પાયર નાં નિર્ણય સામે રીવ્યુ સીસ્ટમ હોય છે એવી જ રીતે ગલી ક્રિકેટમાં એકાદ વડીલ તો એવા હોય છે જે દરેક નિર્ણયને રીવ્યુ કરતા હોય છે કોણે કેટલા બોલ ગ્પચાયા કોણે કેટલા રનમાં વધારો ઘટાડો કર્યો અને રીવ્યુ તરીકે એ લોકો એક વાક્ય અચૂક બોલતા હોય છે અંચાઈ ની ગંચાઈ નડશે

લિ. લઘર વઘર અમદાવાદી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here