આઇપીએલ 2020માં કિંગ્સ ઇલેવન પોઈન્ટ્સ ટેબલના અંતિમ સ્થાનેથી ચોથા સ્થાને આવી ચુકી છે ત્યારે એક વિશેષ વાત કરવી જરૂરી છે. પંજાબની ટીમે સતત પાંચ વિજય મેળવીને 10 પોઇન્ટ અંકે કર્યા છે અને તે માટે ક્રિસ ગેઈલનો ફાળો અમૂલ્ય છે. શરૂઆતની મેચો એકદમ ઓછા અંતરે હારતા હારતા ટીમ જેટલી ઝડપથી નીચે પહોંચી તેટલી જ ઝડપે બાઉન્સ બેક કરીને અન્ય ટીમો માટે ખતરારૂપ બની ચુકી છે. પોતાની ઓળખ “વર્લ્ડ બોસ” કે પછી “યુનિવર્સ બોસ” તરીકે આપનાર ક્રિસ ગેઈલની ટી-20 કેરિયર તોફાની રહી છે. દુનિયાભરની 20-20 લીગમાં 400થી પણ વધુ મેચમાં 1034 બાઉન્ડરી અને 1001 સીક્સર્સ સાથે 13572 રન્સ બનાવનાર ક્રિસ ગેઈલ માટે દુનિયાનું કોઈ પણ મેદાન મોટું નથી. તેણે તેની આત્મકથા “સિક્સ મશીન – આઈ ડોન્ટ લાઈક ક્રિકેટ, આઈ લવ ઈટ” માં આઇપીએલને લગતા રોમાંચક કિસ્સાઓ વિષે નિખાલસતાથી વાત કરી છે.
Photo Courtesy: Amazon
“વર્લ્ડકપ 2011 પછી મને ઇજા થઇ અને હું ઘરે પરત આવી ગયો. વર્લ્ડકપમાં ટીમના નબળા પ્રદર્શન માટે ટીમના કોચ ઓટિસ ગિબ્સને એક મીડિયા ઇન્ટરવ્યૂમાં સિનિયર ખેલાડીઓને દોષી ઠેરવતા મને આઘાત લાગ્યો હતો. મને ઇજા થઇ હોવા છતાં તે પરિસ્થિતિમાં ટીમ માટે હું રમ્યો હતો. પરંતુ આવી ઘટનાને વધુ ગંભીરતાથી લેવી મારા સ્વભાવથી વિરુદ્ધ છે. હું હવે પાકિસ્તાન સામે રમાનારી સિરીઝ માટે ફિટ થવા ઈચ્છતો હતો, સાથે સાથે આઇપીએલ ઓક્શન પણ થવાનું હતું. વેસ્ટ ઇન્ડિઝ ટીમ બોર્ડે આઇપીએલ મેનેજમેન્ટને સંદેશો મોકલ્યો હતો કે પાકિસ્તાન સાથે સિરીઝ રમાવાની છે જેમાં અમે ગેઈલની પસંદગી કરીશું જેને લીધે કોઈ પણ ફ્રેન્ચાઇઝીએ બિડિંગ કર્યું નહિ. અમારા ફિઝિયો સી.જે. ક્લાર્ક સાથે હું મારા રિહેબિલિટેશન માટે સતત સંપર્કમાં હતો. થોડાક દિવસો બાદ બોર્ડે મારા મેસેજ અને ફોનના જવાબ આપવાનું બંધ કરી દીધા. પાકિસ્તાન જનારી સ્ક્વોડમાં મારુ નામ નહોતું, પ્રિ સિરીઝ કેમ્પમાં મને બોલાવવામાં નહોતો આવ્યો કે પછી મારી પર કોઈ ટેસ્ટ કરવામાં નહોતા આવ્યા જેનાથી સાબિત થાય કે અનફિટ હોવાને કારણે અમે ક્રિસ ગેઈલને અમે સ્ક્વોડમાં શામેલ નહિ કરી શકીએ.
મને યાદ છે હું એક શુક્રવારની રાતે મિત્ર વેવેલ હાઈન્ડસ સાથે નાઈટકલબમાં દારૂ પીવા માટે ગયો હતો, ત્યાં મધરાતે મારા મોબાઈલ ફોન પર ભારતીય નંબર પરથી ફોન આવ્યો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની મેનેજમેન્ટ ટીમમાંથી જ્યોર્જ અવિનાશ, વિજય માલ્યા અને અનિલ કુમ્બલે ફોન પર હતા.
“ક્રિસ – તારી ફિટનેસ કેવી છે?” તેમણે સવાલ પૂછ્યો. મને વિશ્વાસ નહોતો થતો કે આટલી રાત્રે મારી પર ફોન પર મને મારી ફિટનેસ અંગે સવાલ થશે. મેં પ્રત્યુત્તરમાં કહ્યું “હું સંપૂર્ણ ફિટ છું”
“શું તું આઇપીએલમાં રમવા માટે તૈયાર છે” તેમણે બીજો પ્રશ્ન પૂછ્યો.
મેં દારૂની બોટલ સામે જોયું અને પછી શાંતિથી જવાબ આપ્યો – “હા. હું રમવા માટે તૈયાર છું”
“સરસ, એક કામ કર. કાલે ભારત આવી જા” વિજય માલ્યા એ આદેશ આપ્યો.
“પણ કાલે તો શનિવાર છે અને મારી પાસે વિઝા પણ નથી.”
“તેની તમામ વ્યવસ્થા થઇ ચુકી છે. સવારે એમ્બેસી પહોંચ, ત્યાં વિઝા મળી જશે”
ફોન પત્યા પછી મેં નાઈટક્લબમાં નજર ફેરવી. ઉતાવળ કરવાનો હવે કોઈ મતલબ નહોતો, મેં શાંતિથી વહેલી સવાર સુધી ડ્રિન્ક કર્યું અને ઘરે પહોંચ્યો. મિત્રો અને કુટુંબીજનોને ફોનકોલથી માહિતગાર કરીને તેમને પૂછ્યું કે મારે શું કરવું જોઈએ? તમામ લોકો એવું ઇચ્છતા હતા કે જમૈકામાં બેસી રહેવાથી તારી કેરિયરમાં કોઈ પ્રોગ્રેસ નહિ થાય એટલે તું ભારત જા. મેં એમ્બેસીમાંથી વિઝા લીધા અને રવિવારે ફ્લાઇટ લઈને ભારત પહોંચ્યો જ્યાં પહેલી જ મેચ મારી જૂની ટીમ કોલકાતા સામે હતી. એક મહિનાથી બેટ પકડ્યું નહોતું અને એ પરિસ્થિતિમાં ઓડિયન્સથી ખીચોખીચ ભરેલ સ્ટેડિયમમાં મેં 55 બોલમાં 100 રન કરીને મેન ઓફ ધ મેચ એવોર્ડ મેળવ્યો.
હું આઇપીએલ રમું છું એ સમાચાર મળતા જ જમૈકામાં ઉહાપોહ થઇ ગયો. મેં રેડિયો ઇન્ટરવ્યૂ દ્વારા ક્રિકેટ બોર્ડ, ફીઝીયો અને કોચ પર મારો બધો ગુસ્સો ઠાલવ્યો. આ રેડિયો શો ને કારણે વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ બોર્ડે મને દોઢ વર્ષ સુધી ટીમમાં ન રાખ્યો પરંતુ મને તેનું કોઈ દુઃખ નહોતું કારણકે તેને લીધું હું આખી દુનિયાની અલગ અલગ લીગ્સમાં ક્રિકેટ રમી શક્યો. આઇપીએલનું ફોર્મ મેં ચેમ્પિયન્સ લીગમાં કેરી કર્યું.
બેંગ્લોરના કોચ રે જેનિંગ્સે મને કહ્યું “ક્રિસ તારા હિટિંગને કારણે મારી નોકરી બચી ગઈ છે, તને ખબર નથી કે તે મારી અને ટીમની કેટલી મોટી મદદ કરી છે.”
2013 એડિશનમાં સહારા પુને વોરિયર્સની મેચ પહેલા એક વાર હું આખી રાત જાગ્યો અને સવારે 7 વાગે સુઈ ગયો. સવારે હોટ ચોકલેટ અને પેનકેક ખાઈને 10 મિનિટની ટીમ મિટિંગ એટેન્ડ કરી. માથું ભારે લાગતું હતું, ક્યાંક થોડો આરામ મળે તો સારું લાગે એ આશાએ મેં આંખો બંધ કરી. થોડીવારમાં ટોસ થયો અને મારી ધારણા મુજબ અમારી બેટિંગ આવી. પહેલી ઓવરમાં જ બોલ અને બેટનો સારો સંગમ થતા મને લાગ્યું કે જો હું થોડો સમય વીતાવીશ તો સારો સ્કોર કરી શકાશે. પ્રથમ ઇનિંગની બીજી જ ઓવરમાં વરસાદ પડ્યો અને તેના કારણે મને આરામની તક મળી ગઈ. હું 5 બોલ રમ્યો હતો અને 9 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. વરસાદ દરમિયાન મારા સાથી વેસ્ટ ઇન્ડિયન ક્રિકેટર રવિ રામપોલને મેં કહ્યું:
“રવિ આ વિકેટ ખુબ સરસ છે. 180 રનનો સ્કોર પૂરતો થઇ રહેશે. મેચ ફરી શરુ થઇ અને લેફ્ટ આર્મ સ્પિનર્સ મને એટેક કરવા માટે આવ્યા. હું મારા મેજીક ઝોનમાં પહોંચી ચુક્યો હતો. કોઈ સમજે એ પહેલા મેં 17 બોલમાં 50 રન કરી લીધા. મિચેલ માર્શની એક ઓવરમાં મેં 28 રન લીધા. મને રોકવા માટે તે વર્ષની રણજી ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ લેનાર ઈશ્વર પાંડે બોલિંગમાં આવ્યો અને તેની પહેલી ઓવરમાં 21 રન લીધા. ત્યારબાદ 21 વર્ષનો અલી મુર્તઝા આવ્યો, એની આ સીઝનની પહેલી જ મેચ હતી અને એની 2 ઓવરમાં મેં 45 રન લીધા. પોતાના બોલર્સની આવી દશા જોઈને પુણેના કેપ્ટ્ન આરોન ફિન્ચ હવે અકળાયો. આગળની ઓવર કોણ નાખશે તે જોવા તેણે ચારેબાજુ નજર દોડાવી. તેની નજર યુવરાજ પર પડી, યુવરાજે તેની સામે જોઈને ખભા ઊંચકીને કહ્યું “આની સામે હું બોલિંગ નહિ કરું” યુવરાજ અને બાકીના ખેલાડીઓ ફિન્ચની નજરમાં ન આવવા માટે જમીન ખોતરવા લાગ્યા, કોઈ બુટની દોરી બાંધી રહ્યું હતું તો કોઈ ડ્રેસિંગ રૂમ સામે જોઈ રહેલું. કોઈ વિકલ્પ ન જણાતા ફિન્ચે પોતે બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પહેલા બોલે દિલશાને સિંગલ લઈને મને સ્ટરાઇક આપી. પરિણામ?
બીજો બોલ – ધીરો અને લૂપ અપાયેલો – સિક્સ
ત્રીજો બોલ – ફાસ્ટ – સિક્સ
ચોથો બોલ – સાવ ધીમો – ફોર
પાંચમો બોલ – ફુલટોસ – સિક્સ
આખરી બોલ – લેન્થ બોલ – સિક્સ
5 બોલમાં મારો સ્કોર 67માંથી 95 થઇ ગયો અને આખરે 30 બોલમાં મેં સદી કરી. બીજા 27 બોલમાં મેં 150 કર્યા. પીચ એટલી સરસ હતી કે સામે છેડે વિકેટ્સ પડતી હતી તો પણ નવો બેટ્સમેન આવીને આરામથી હિટિંગ કરી શકતો હતો. આખરે હું 175 નોટઆઉટ રહ્યો. બ્રેક દરમિયાન મારી ગણતરી ટીમ માટે 180 રન કરવાની હતી પરંતુ મેં પોતે 175 કરી દીધા અને ટીમનું ટોટલ 263/5 રન થઈ ગયું. હું 200 રન કરી શકતો હતો પરંતુ સ્વાભાવિક છે કે ટીમના બીજા બેટ્સમેન પણ ટીમ માટે વધુ ને વધુ રન થાય તે માટે પ્રયત્નશીલ હતા. 200 રન ન કરી શકવાનું દુઃખ મને જરાય નથી.