રાજ્યસભા: ભાજપાની સભ્યસંખ્યા ઐતિહાસિક ટોચ પર પહોંચી ગઈ

0
276
Photo Courtesy: scroll.in

રાજ્યસભામાં ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના 11 નવા સભ્યો નિર્વિરોધ ચૂંટાઈને આવ્યા છે જેને કારણે ભાજપા તેના સાથી સભ્યો સાથે ગૃહમાં જરૂરી બહુમતિની બહુ નજીક પહોંચી ગયા છે.  

નવી દિલ્હી: દેશની સંસદના ઉપલા ગૃહ એટલેકે રાજ્યસભામાં ભારતીય જનતા પાર્ટીની સભ્યસંખ્યા અત્યારસુધીમાં સહુથી વધુ થઇ ગઈ છે. તો સામે પક્ષે આ ગૃહમાં કોંગ્રેસની સભ્યસંખ્યા અત્યારસુધીમાં સહુથી ઓછી થઇ છે.

ગઈકાલે ભાજપાના 11 નવા સભ્યો રાજ્યસભામાં નિર્વિરોધ ચૂંટાઈ આવ્યા છે જેને કારણે રાજ્યસભામાં પક્ષની સભ્યસંખ્યા 92 પર પહોંચી છે. હવે કોંગ્રેસ પાસે ઉપલા ગૃહમાં હવે માત્ર 38 સભ્યો રહ્યા છે અને આ રીતે આ બંને પક્ષો વચ્ચેની સભ્યસંખ્યા અંગેનો તફાવત પણ વધુ થઇ ગયો છે.

રાજ્યસભામાં કુલ 245 સભ્યો છે અને કોઇપણ બીલ પસાર કરવા માટે તેના પક્ષમાં 123 સભ્યોના મત મેળવવા જરૂરી હોય છે. આમ હવે ભાજપના 92 સભ્યો ઉપરાંત તેના સાથી પક્ષોના 18 સભ્યોને ગણતા શાસક ગઠબંધન પાસે 110 સભ્યો છે જે બહુમતિથી થોડી જ ઓછી સંખ્યા કહી શકાય.

કોંગ્રેસના સાથી પક્ષોમાં તૃણમૂલ કોંગ્રેસ પાસે 13 સભ્યો છે. AIADMK તેમજ નવીન પટનાયકની BJD પાસે નવ-નવ સભ્યો છે અને અન્ય પક્ષોના 63 સભ્યો છે અને ગૃહની ત્રણ બેઠકો ખાલી છે.

ગઈકાલે જે સભ્યો રાજ્યસભામાં નિર્વિરોધ ચૂંટાઈ આવ્યા તેમાં કેન્દ્રીય મંત્રી હરદીપ સિંગ પૂરી, ભાજપાના જનરલ સેક્રેટરી અરુણ સિંગ અને પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરના પુત્ર નીરજ શેખર સામેલ છે.

નોંધપાત્ર બાબત એ છે કે સંસદના બંને ગૃહોમાં હવે કોંગ્રેસની કુલ સભ્યસંખ્યા ઘટીને 89 રહી ગઈ છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here