दिल से रे (5): રહેમાન અને સાયરા – એક દૂસરે કો કબુલ હૈ!

0
392

1990ના દશકમાં રહેમાનના જીવનમાં ત્રણ મુખ્ય ફેરફાર થયા – એક ફિલ્મોમાં સંગીત આપવાનું શરૂ કર્યુ, બીજું ઈસ્લામને સંપૂર્ણ રીતે પોતાનો ધર્મ માનીને તેમાં જ આગળ વધવાનો નિર્ણય અને ત્રીજું સાયરા બાનો સાથે નિકાહ!

રહેમાનની માતા કરીમા બેગમ દર અઠવાડિયે એક દરગાહમાં જતી જ્યાં તેણે બે સુંદર કન્યાઓને જોઈ. આ કન્યાઓ ચેન્નઈના એક મોટા ઉદ્યોગપતિની દીકરીઓ હતી – નામ મહેરુનિસા (મહેર) અને ઝાયદા. ધીમે ધીમે વાતચીત થયા બાદ કરીમા બેગમ તે કન્યાઓના ઘરે ગયા અને તેમના પિતા સાથે લગ્નની વાત કરી.

ત્યારે ખબર પડી કે આ બંને દીકરીઓની એક મોટી બહેન છે સાયરા. દીકરીઓના પિતાએ કહ્યું કે મારે સૌથી પહેલા સાયરાના નિકાહ કરવાના છે અને પૂછ્યું કે શું રહેમાન સાયરા સાથે નિકાહ કરવા તૈયાર છે?

રહેમાન તે વખતે ૨૭ વર્ષનો હતો અને લગ્નની ઈચ્છા પણ હતી. કરીમા બેગમને સાયરા ગમી ગઈ અને રહેમાન સાથે સાયરાના નિકાહ નક્કી થયા. (આડવાતઃ મહેરના નિકાહ પણ થોડાં વર્ષો બાદ તામિળ સિનેમાના એક હીરો સાથે થયા જેનું નામ પણ રહેમાન જ છે અને એ.આર.રહેમાને તેની ફિલ્મોમાં સંગીત પણ આપેલું.)

નિકાહ પહેલાં જ રહેમાને સાયરાને ‘ઑટો-ટ્યુન’ કરેલી એટલે કે પોતાની વાતોમાં સામેલ કરીને મનાવી લીધેલી કે લગ્ન પછી કઈ બાબતમાં પ્રાથમિકતા રહેશે. રહેમાને સાયરાને કહી દીધેલું કે સંગીતને હંમેશા હું પ્રાથમિકતા આપીશ પરંતુ સાયરાને આ વાતથી કોઈ મુશ્કેલી નહોતી. કોઈ રાત્રે બહાર જમવા જવાનો પ્લાન હોય અને કોઈ ગીત મળી જાય જેની માટે તાત્કાલિક કામ કરવું પડે તો ડીનર કેન્સલ પણ કરવું પડે. સંગીત બનાવતી વખતે દિવસ-રાતનો કોઈ તફાવત રહેશે નહીં અને સ્ટુડિયો એ બીજું ઘર છે એમ માનીને જ આગળ વધવું પડશે એ વાતની પણ સાયરાને નિકાહ પહેલાં જ ખબર પડી ગઈ.

સાયરાને બધી શર્તો વ્યાજબી લાગી અને નિકાહ માટે તૈયાર થઈ. માર્ચ 1995માં રહેમાન અને સાયરાના નિકાહ થયા. નિકાહ બાદ રહેમાને ચેન્નઈ ફિલ્મસિટીમાં એક ભવ્ય રિસેપ્શનનું આયોજન કર્યુ જેમાં નિર્માતાઓ, નિર્દેશકો, જાહેરાતના દિવસોમાં કામ કરનાર સાથીઓ, મોટા ફિલ્મસ્ટારો, જૂના મિત્રોને આમંત્રણ મળ્યું. રિસેપ્શનના ત્રણ દિવસ બાદ તામિળનાડુના તત્કાલીન મુખ્યમંત્રી જયલલિતાએ રહેમાનના ઘરે આવીને અભિનંદન આપ્યા.

Photo Courtesy: Twitter

સાયરા ભલે ચેન્નઈમાં રહેતી પરંતુ તેનો જન્મ ઉત્તર ભારતમાં થયેલો અને તેની માતૃભાષા કચ્છી હતી. એક મધ્યમવર્ગમાં ઉછરેલી સાયરાને આ મોટા માથા રહેમાન સાથે લગ્ન બાદ ઘણી વ્યવસ્થા અને સુમેળ કરવો પડેલો પણ સાયરાએ આ બાબતે કદી કોઈ ફરિયાદ કરી નથી.

સાયરા એક શિક્ષિત છોકરી હતી, દેખાવે સુંદર અને નમ્ર હતી. રહેમાનની જેમ જ તે ચૂસ્ત રીતે ઈસ્લામમાં માનનારી અને અનુસરનારી હતી, તેમ છતાં તેને ફેશન અને સ્ટાઈલ માટે સારી સમજ હતી. જેમ કે ઓસ્કર વખતે રહેમાને પહેરેલી શેરવાની સાયરાએ ફેશન ડિઝાઈનર સબ્યસાચી મુખર્જી સાથે મળીને પોતે તૈયાર કરેલી.

આજે સાયરા રહેમાનના કામના દરેક પાસામાં સામેલ છે – નાણાંકીય વ્યવહારથી માંડીને કોઈ સોદા સુધી તે દરેક વસ્તુની દેખરેખ રાખે છે, અને રહેમાનની ઓફિસમાં તેની મંજૂરી વિના કંઈ થતું નથી. તે ખૂબ જ તીક્ષ્ણ છે અને પોતાના અનુભવથી ઘરના અને રહેમાનના કામના ખર્ચાને ર્નિયંત્રિત કરે છે. રહેમાનના સ્ટાફ અને ઓફિસોનું સંચાલન કરે છે – રહેમાનના દરેક કરાર સાયરા વિગતવાર સમજીને પછી જ રહેમાન સુધી પહોંચે છે. રહેમાનની મુંબઈ અને ચેન્નઈમાં ઓફિસ છે જે સાયરા સંભાળે છે.

બંને વચ્ચેનો પ્રેમ જાણવો હોય તો એક બનાવ વિશે જાણવું જરૂરી છે. 10 સપ્ટેમ્બર 2010 ના રોજ બનેલી આ ઘટના. રહેમાન ત્યારે આંતરરાષ્ટ્રીય પ્રવાસ પર હતો અને ચેન્નઈથી અમેરિકામાં ડેટ્રોઈટની ફ્લાઇટમાં હતો. તે દિવસે ઈદ હતી. રહેમાનની અમ્મા ઘરે નહોતી અને રહેમાન પણ ઘરે નહોતો એટલે સાયરાને તેમનો તહેવાર એકદમ સૂનોસૂનો અને અધૂરો લાગતો હતો. સાયરાએ તરત જ તેના ટ્રાવેલ એજન્ટને ફોન કર્યો અને રહેમાનની ફ્લાઈટની તમામ વિગતો આપીને રહેમાન સાથે વાત કરવાનું કહ્યું.

ટ્રાવેલ એજન્ટે સાયરાને કહ્યું કે ફ્લાઈટ તો દુબઈથી ડેટ્રોઈટ જવા ઉપડી ગઈ છે. પરંતુ સાયરાએ જીદ કરી કે તે તરત જ તેના પતિ સાથે વાત કરવા માંગે છે. એજન્ટે દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એર ટ્રાફિક કંટ્રોલને ફોન કર્યો. તેઓએ ફ્લાઇટના પાઇલટને ફોન કરીને કહ્યું કે શ્રીમતી રહેમાન તેમના પતિ સાથે વાત કરવા માંગે છે. ત્યારબાદ વિમાનના કેપ્ટને એક એર-હોસ્ટેસને કહીને રહેમાનને ઊંઘમાંથી જગાડ્યા અને તેની પત્ની ફોન પર હોવાનું જણાવ્યું.

રહેમાનને આ આંચકાથી બહાર આવવા માટે 5 મિનિટ લાગી. તેણે સાયરાને પૂછ્યું કે બધું ઠીક છે કે નહીં. ત્યારે સાયરાએ કહ્યું – મારે તો ફક્ત તમારો અવાજ સાંભળવો હતો અને ‘ઈદ મુબારક’ કહીને શુભેચ્છા પાઠવવી હતી. આવા તો અવનવા કિસ્સાઓ રહેમાન અને સાયરા વચ્ચે બનેલા છે.

આજે રહેમાન અને સાયરાને ત્રણ સંતાન છે – ખાતિજા, રાહિમા અને આમીન! અને ત્રણેય સંતાનોને સંગીતમાં એટલો જ રસ છે જેટલો રહેમાનને છે.

***

1994નું વર્ષ – રહેમાનની ‘ડ્યુએટ’ ફિલ્મ રિલીઝ થઈ પછી બે તેલુગુ અને પાંચ તમિળ ફિલ્મો પણ રજૂ થઈ.

ફિલ્મ ‘સુપર પોલિસ’ તેલુગુમાં રજૂ થઈ અને પછી 1997માં હિન્દી ભાષામાં ‘ખેલ ખિલાડી કા’ નામથી પણ રિલીઝ થયેલી. 1993માં બોલીવુડમાં ‘સર’ નામની નસીરુદ્દીન શાહ, પૂજા ભટ્ટ અને અતુલ અગ્નિહોત્રી અભિનીત એક સુપરહીટ ફિલ્મ રજૂ થયેલી અને તે જ ફિલ્મ 1994માં તેલુગુમાં ‘ગૅંગમાસ્ટર’ નામથી રિલીઝ થઈ – હિન્દી ફિલ્મમાં અનુ મલિકે સંગીત આપેલું અને તેલુગુ ફિલ્મમાં રહેમાને.

1953ની ફિલ્મ ‘રોમન હોલીડે’ પરથી એક તમિળ ફિલ્મ બની ‘મે માધમ’ (જેના પરથી 2001માં ‘લવ યુ હંમેશા’ હિન્દી ફિલ્મ બનેલી), અને તેમાં પણ રહેમાને સંગીત આપ્યું.

આખું વર્ષ અવનવી ફિલ્મો આવી પરંતુ રહેમાન અને શંકર મળીને 1994ના સપ્ટેમ્બર મહિનામાં ‘કાધલન’ નામની એક તમિળ ફિલ્મ લઈને આવ્યા. આ ફિલ્મમાં પ્રભુદેવા, નગમા, એસ.પી.બાલા સુબ્રમણ્યમ (હા, ગાયક SPB), ગિરીશ કર્નાડ જેવા કલાકારો હતા અને બધાં જ કોલેજના વિદ્યાર્થીઓ. ‘કાધલન’ શબ્દનો તમિળ ભાષામાં અર્થ થાય છે પ્રેમી અથવા લવરબોય. આ ફિલ્મમાં લવરબોય પ્રભુદેવાને રાજ્યના ગવર્નરની દીકરી (નગમા) સાથે પ્રેમ થઈ જાય છે. આ ફિલ્મ પછી હિન્દીમાં ‘હમ સે હૈ મુકાબલા’ નામથી રિલીઝ થઈ.

ફિલ્મમાં કુલ 9 ગીતો હતા જેમાંથી “પટ્ટાઈ રૅપ”, “મુક્કાલા મુકાબલા”, “ગોપાલા ગોપાલા”, “ઉર્વસી ઉર્વસી” અને “એન્નાવળે અડી એન્નાવળે” (હિન્દી ફિલ્મમાં “સુન રી સખી મેરી પ્યારી સખી”) ગીતો અતિ પ્રચલિત થયા.

આ ફિલ્મના ગીતોમાં ‘મદ્રાસ ભાસાઈ’ એટલે કે મદ્રાસની ગલીઓમાં કોલેજીયનો અને બીજા યુવાનો દ્વારા બોલાતી ભાષાનો વધુ ઉપયોગ થયેલો. “પટ્ટાઈ રૅપ” ગીતમાં તમિળનાડુના જુદા જુદા વિસ્તારોના નામોનો ઉલ્લેખ થયેલો છે. “મુક્કાલા” ગીતનો વિડીયો અને સંગીત રહેમાનના આજ સુધીના બધાં જ ગીતોમાં ટોપ-10માં સ્થાન પામી શકે એ હદે પ્રચલિત થયેલું.

“મુક્કાલા” ગીત લગભગ બારથી પણ વધુ ભાષામાં ‘એક જ સંગીત, જુદા જુદા બોલ’ તરીકે ભાષાંતરીત થયેલું જેના માટે રહેમાનનું નામ ‘લિમ્કા બુક ઑફ રેકોર્ડ્સ’માં પણ નોંધાયેલું છે. “ઉર્વસી” ગીત રહેમાનનું પોતે ગાયેલું પહેલું ગીત કહી શકાય. તે પહેલાં તેણે ફક્ત મુખ્ય ગાયક સાથે થોડું બેકગ્રાઉન્ડમાં ગાયેલું. “એન્નાવળે” ગીત માટે ગાયક ઉન્ની કૃષ્ણનને બેસ્ટ સિંગરનો એવોર્ડ પણ મળેલો. આ ગીતના સંગીતના એક એક અવાજ સાંભળો, રહેમાને અહીં બહુ ઝીણું કાત્યું છે. આ ગીત માણોઃ

‘કાધલન’ ફિલ્મને 2 દક્ષિણ ભાષી ફિલ્મફેર (શ્રેષ્ઠ નિર્દેશક અને શ્રેષ્ઠ સંગીતકાર) અને 4 નેશનલ એવોર્ડ (શ્રેષ્ઠ એડિટીંગ, શ્રેષ્ઠ સ્પેશિયલ ઈફેક્ટ, શ્રેષ્ઠ ગાયક અને શ્રેષ્ઠ ઓડિયોગ્રાફી) મળ્યા. ફિલ્મ રિલીઝ થઈ પછી કોંગ્રેસના એક ધારાસભ્યએ ફિલ્મ વિરુદ્ધ પોલિસ ફરિયાદ કરેલી કે આ ફિલ્મમાં રાજ્યના ગવર્નરને ‘વિલન’ તરીકે દર્શાવીને ખોટું થયું છે. પરંતુ ત્યારબાદ તત્કાલીન મુખ્યમંત્રી જયલલિતાએ મામલો સંભાળી લીધો.

ત્યારબાદ તમિળ ફિલ્મ ‘પવિથ્રા’, ‘કરુત્થામ્મા’ અને પુધિયા માન્નરગલ’ રજૂ થઈ. ‘કરુત્થામ્મા’ ફિલ્મને પણ કુલ 7 એવોર્ડ મળ્યા.

***

રહેમાન ફિલ્મજગતમાં આવ્યો ત્યારે લોકોએ એક મોટો બદલાવ જોયો કારણ કે રહેમાને કોઈ દિવસ નિયમો પ્રમાણે કામ કર્યું જ નહીં. કોઈના નક્કી કરેલા નિયમો તો રહેમાન ક્યારેય અનુસરતો નહીં. ઈલિયારાજા જેવા દિગ્ગજોનું સંગીત બનાવવાનું એક માળખુ હતુ અને તે માળખામાં જ તે કામ કરતા, પરંતુ રહેમાને નિયમો તોડ્યા.

નિયમ પહેલોઃ એક વાર કોઈ ધૂન કે ટ્યુન બની જાય પછી તેને ક્યારેય બદલી શકાય નહીં – ઈલિયારાજા સાથે કામ કરનાર દરેક નિર્માતા નિર્દેશકને ખબર હતી કે ઈલિયારાજા એકવાર ધૂન બનાવીને આપે એટલે ફાઈનલ – એમાં કોઈ ફેરફારને અવકાશ હોય નહીં. ઘણી વાર ધૂનમાં જોઈએ તેવી મજા ન આવે તો પણ કંઈ બોલી શકાય નહીં. સામે પક્ષે ઈલિયારાજા સાથે કામ કરનાર સંગીતકારો પણ જેમ ઈલિયારાજા કહે તેમ જ વગાડવા બંધાયેલા રહેતા. તેમાં કોઈ જ પ્રકારનો ફેરફાર કરવાનો નહીં. સમજો કે એક વણલખ્યો નિયમ અને પત્થર કી લકીર! રહેમાને આ પ્રથા તોડી. કોઈ નિર્માતા રહેમાન પાસે ધૂન માંગવા જાય ત્યારે ધૂન તૈયાર ન જ હોય. રહેમાન ફિલ્મની વાર્તાને સમજે, ગીતકાર સાથે બેસે અને પછી જ ધૂન બનાવવાનું શરૂ કરે. દરેક ધૂનને તોડે-મરોડે પરંતુ ફાઈનલ કરવા પહેલા પોતે દસેક વાર સાંભળે.

નિયમ બીજોઃ તમે ઘરેથી સંગીત બનાવવાનું કામ કરી શકો નહીં – સંગીતકારો મોટા સ્ટુડીયોમાં જઈને 100-150 સંગીતકારો સાથે મળીને એકાદ ફિલ્મના બધાં જ ગીત બનાવી આપતાં. રહેમાને આ નિયમ તોડ્યો. તેને એ વાતની જાણ હતી કે દરેક ગીતમાં બધાં સંગીતકારોની જરૂર નથી એટલે તે જેટલા જરૂરી હોય તેટલા જ સંગીતકારોને ઘરે બોલાવીને ધૂન બનાવતો. જો કે પછી તેણે પોતાના ઘરે જ સ્ટુડીયો બનાવ્યો. રહેમાનના સંગીત બનાવવાનો કોઈ નિશ્ચિત સમય નહોતો. તે દિવસે કે રાત્રે ક્યારે પણ સંગીત બનાવવા બેસી જાય. મણિ રત્નમ સાથે રહેમાન પોતાનું સંગીત બનાવવાનું કામ રાત્રે 12 વાગ્યે શરૂ કરે અને સવારે 7 વાગ્યા સુધી ચાલે.

નિયમ ત્રીજોઃ ભાષાના ઉચ્ચારો અને બંધનો – પહેલાના સંગીતકારોને થતું કે તમિળ ભાષાના ઉચ્ચારો ફક્ત તમિળભાષી જ સરખી રીતે બોલી શકે એટલે નવા બીજી ભાષાના ગાયકોને ઓછી તક મળતી. રહેમાન એક જ ગીતમાં જુદી જુદી ભાષાઓ વાપરતો એટલે કોઈ પણ ગાયકને તે તક આપતો. ગાયક સાથે પ્રેક્ટિસ કરીને તે પોતાના ગીતો બનાવતો. ‘રોજા’ ફિલ્મના “ચિન્ના ચિન્ના આસાઈ” ગીત માટે મિનમીની પાસે તેણે ગીતો ગવડાવેલા એ વાત આપણે આ પહેલા કરી ચૂક્યા છીએ. ભાષાવિજ્ઞાનીઓને જ સમજાય એવા શબ્દોને બદલે રહેમાને જાહેરજનતાને સમજાય એવા શબ્દો ગીતોમાં લાવવાના શરૂ કર્યા. જેમ કે ‘કાધલન’ ફિલ્મનું ગીત “મુક્કાલા” ગીતમાં મુક્કાલા શબ્દનો કોઈ અર્થ જ નથી. તમિળ ભાષામાં આવો કોઈ શબ્દ નથી પરંતુ રહેમાને કોઈ જગ્યાએ સાંભળેલો અને ગીતમાં વાપરી લીધો.

નિયમ ચોથોઃ જ્યારે ફિલ્મ રિલીઝ થાય કે સંગીત બહાર પડે ત્યારે સ્ટુડિયોમાં સાથે કામ કરનાર સંગીતકારોને તેમની ક્રેડિટ આપવાની કોઈ જરૂર નથી – આ નિયમનો રહેમાને સખત વિરોધ કર્યો. તેની સાથે કામ કરનારા દરેક નાના-મોટા સંગીતકારોને રહેમાન ક્રેડિટ આપતો અને ફિલ્મના ગીતોની કેસેટ ઉપર પણ તેમના નામ લખાવતો.  આ બાબત એટલે જ શક્ય બનતી કારણ કે રહેમાન 100-150 જેટલા સંગીતકારોને ભેગા કરતો નહીં. ટૂંકું અને ટચ એવું સંગીત બનાવવા તે મર્યાદિત લોકોને મેદાનમાં ઉતારતો. કદાચ તેના પિતા શેખરને પોતાનું ક્રેડિટ મળતું નહીં એ વાતનું રહેમાનને દુઃખ હશે.

આવા વણલખ્યા નિયમોના ઉલ્લંઘનને કારણે જ રહેમાનને કામ મળતું ગયું અને 1995નું વર્ષ રહેમાન માટે સ્પેશિયલ બની રહ્યું કારણ કે તેને બોલીવુડમાં પ્રવેશ મળ્યો – આ વિશે વધુ વાત આવતાં અઠવાડિયે!!

આજનો વિડીયોઃ

‘કાધલન’ ફિલ્મનું એક ગીત આજે અહીં મૂકવું છે જેમાં પ્રભુદેવા સાથે એસ.પી. બાલા સુબ્રમણ્યમે નૃત્ય કર્યુ છે. SPBના હાવભાવ, ડાન્સ અને અભિનય….અપ્રતિમ! આ તમિળ ગીતનું હિન્દીમાં ભાષાંતર થયેલું અને ગીત હતું – પ્રેમિકા ને પ્યારસે જો ભી દે દિયા…

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here