રોજગારી: ચીનનું નુકશાન એ ઉત્તર પ્રદેશ અને ભારતનો ફાયદો!

0
355
Photo Courtesy: Shopping Bazar

કોરોનાના ફેલાવા માટે વિશ્વના ઘણા દેશો ચીનને જવાબદાર ઠેરવી રહ્યા છે અને તેને કારણે ઘણા વિદેશી ઉત્પાદકો ચીન છોડીને ભારત આવી રહ્યા છે જેમાં એક નવો ઉમેરો થયો છે.

આગ્રા: ભારત અને ચીન વચ્ચે સરહદી વિવાદ ચાલી રહ્યો છે અને એક સમયે આ વિવાદને કારણે ભારતમાં ચીની ઉત્પાદનોનો વિરોધ પણ શરુ થયો હતો. પરંતુ હવે ઉત્તર પ્રદેશના આગ્રાથી સમાચાર આવી રહ્યા છે કે એક જર્મન કંપનીએ ચીન છોડીને ભારતનો રસ્તો પકડ્યો છે.

કોરોના વાયરસને કારણે ચીનમાંથી ઘણી વિદેશી કંપનીઓ અન્ય દેશો ખાસ કરીને ભારતમાં શિફ્ટ થઇ રહી છે જેમાં જર્મનીની ફૂટવેયર કંપની વોન વેલેક્સ પણ સામેલ છે. વોન વેલેક્સે પોતાના બે યુનિટ્સ ચીનમાં બંધ કરીને ઉત્તર પ્રદેશના આગ્રામાં શિફ્ટ કરી દીધા છે.

જાણવા મળ્યા અનુસાર આગ્રામાં આ કંપનીએ પોતાનું ઉત્પાદન શરુ પણ કરી દીધું છે. ચીન માટે તો આ એક મોટો ધક્કો છે જ પરંતુ એવું પણ કહેવામાં આવે છે કે આવનારા દિવસોમાં ચીન છોડીને ભારત આવનારી વિદેશી કંપનીઓની સંખ્યામાં વધારો થવાનો છે.

ઉત્તર પ્રદેશની સરકારે થોડા જ મહિનાઓ અગાઉ રાજ્યમાં ઉદ્યોગ સ્થાપિત કરનારાઓ માટે મોટી રાહતનું એલાન કર્યું હતું. આગ્રાના યુનિટ્સ માટે વોન વેલેક્સે 300 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે અને તે થોડા સમયમાં અહીં ત્રીજું યુનિટ પણ સ્થાપશે.

વોન વેલેક્સ આગ્રાના આ બન્ને યુનિટ્સમાં દર વર્ષે 50 લાખ જોડીઓનું ઉત્પાદન કરશે. એક અનુમાન અનુસાર આ બંને યુનિટ્સ ઉપરાંત જ્યારે વોન વેલેક્સનું ત્રીજું યુનિટ પણ કાર્યરત થઇ જશે ત્યારે કુલ દસ હજાર લોકોને રોજગારી મળશે, હાલમાં આ બંને યુનિટ્સમાં 2000 લોકો કાર્ય કરી રહ્યા છે.

આ ઉપરાંત જે લોકો પરોક્ષરીતે કંપનીના ઉત્પાદન સાથે જોડાયેલા છે તેવા વિવિધ સપ્લાયર્સ દ્વારા પણ ઘણી મોટી સંખ્યામાં રોજગારી ઉભી કરવામાં આવી રહી છે. વોન વેલેક્સે આગ્રના એક્સપોર્ટ પ્રમોશન ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ભારતની ઈયાટ્રીક ઇન્ડસ્ટ્રીઝ ગ્રુપ સાથે ભાગીદારી કરીને આ યુનિટ્સ શરુ કર્યા છે.

કોરોના કાળ દરમ્યાન ઉત્તર પ્રદેશમાં નવી કંપનીઓનું આવવું અને વ્યાપાર શરુ કરવો તેને રાજ્યના અર્થતંત્ર માટે સારો સંકેત માનવામાં આવી રહ્યો છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here