ઓપરેશન અર્નબ: આતંકવાદીને પકડવાનો હોય એ પ્રકારનું આયોજન કરાયું

0
299

રિપબ્લિક ટીવીના માલિક અર્નબ ગોસ્વામીની ધરપકડ કરવાની યોજના મહારાષ્ટ્ર પોલીસે એ રીતે ઘડી હતી જાણેકે તેઓ કોઈ પત્રકારને નહીં પરંતુ કોઈ આતંકવાદીને પકડવા જઈ રહી હોય.

મુંબઈ: રિપબ્લિક ન્યૂઝ નેટવર્કના માલિક અને એડિટર ઇન ચીફ અર્નબ ગોસ્વામીની પરમદિવસે વહેલી સવારે તેમના નિવાસસ્થાનેથી રાયગઢ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડ 2018ના બંધ કરવામાં આવેલા કેસના સંદર્ભમાં કરવામાં આવી હતી જેના વિષે આજકાલ સોશિયલ મિડીયામાં જબરદસ્ત ચર્ચાઓ ચાલી રહી છે.

આવા સમયમાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની વેબસાઈટ પર પ્રકાશિત એક સમાચારમાં જણાવવામાં આવ્યું છે કે અર્નબ ગોસ્વામીની ધરપકડ કરવા માટે જાણેકે કોઈ આતંકવાદીને ઝબ્બે કરવાનો હોય એ પ્રકારનું સંભાળપૂર્વકનું પ્લાનિંગ મહારાષ્ટ્રના ગૃહ મંત્રાલય તેમજ મહારાષ્ટ્ર પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું અને તેને ‘ઓપરેશન અર્નબ’ નામ આપવામાં આવ્યું હતું.

પ્રકાશિત ન્યૂઝમાં જણાવવામાં આવ્યું છે કે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે કોંકણ રેન્જના ઇન્સ્પેક્ટર જનરલ સંજય મોહિતેની આગેવાનીમાં 40 સભ્યોની હાઈલેવલ ટીમ બનાવી હતી અને અર્નબ ગોસ્વામીને 2018ના આત્મહત્યા માટે  મજબુર કરવાના એક કેસમાં પકડવા માટે તેને અર્નબને ઘરે મોકલવામાં આવી હતી.

ઉપરોક્ત સમાચારમાં વધુ જણાવવામાં આવ્યું છે કે રાયગઢ પોલીસે બે વર્ષ જુના એક કેસ જેમાં અર્નબ ગોસ્વામી પર આર્કિટેક અન્વય નાઈક અને તેમના માતા કુમુદ નાઈકની આત્મહત્યા માટે જવાબદાર હોવાનો આરોપ છે તેને ફરીથી ખોલવાની મંજૂરી થોડા દિવસો અગાઉ મેળવી હતી.

ત્યારબાદ આ યોજનાને ક્રમબદ્ધ રીતે આખરી ઓપ આપવામાં આવ્યો હતો અને હાઈપ્રોફાઈલ એનકાઉન્ટર સ્પેશીયાલીસ્ટ સચિન વાઝેને અર્નબની ધરપકડ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યારબાદ થોડા દિવસો સુધી અર્નબ ગોસ્વામી અને તેના ઘર પર સતત નજર રાખવામાં આવી હતી.

પોલીસને ડર હતો કે પોતાની ધરપકડ થવાના સમાચાર જો અર્નબ ગોસ્વામી સુધી પહોંચી જશે તો કદાચ તે મુંબઈ છોડીને અન્યત્ર ભાગી જઈ શકે છે. આથી ઓપરેશન અર્નબનું દરેક પગલું એકદમ સમજી વિચારીને લેવામાં આવ્યું હતું.

મંગળવારની રાત્રીએ જ્યારે રાયગઢ પોલીસને ખાતરી થઇ કે અર્નબ ગોસ્વામી ઘરે જ છે ત્યારે બુધવારે વહેલી સવારે તેની ધરપકડ કરવા તે તેના ઘરે પહોંચી હતી. અર્નબના ઘરનો દરવાજો કોણ ખખડાવશે તે સુદ્ધાં અગાઉથી જ નક્કી કરી લેવામાં આવ્યું હતું.

એટલુંજ નહીં જો અર્નબ ગોસ્વામી પોતાની ધરપકડ રોકવા માટે ધમપછાડા કરે તો શું કરવું તેની  યોજના પણ બનાવી લેવામાં આવી હતી. અર્નબે જ્યારે ખરેખર પોતાની ધરપકડ રોકવા માટે ધમપછાડા કર્યા હતા અત્યારે ઇન્સ્પેક્ટર વાઝેએ તેને સમજાવ્યો હતો કે જો તે આમ કરશે તો તેમણે તેના વિરુદ્ધ કેવા પગલાં લેવા પડશે.

વાઝેની સમજાવટ બાદ અર્નબની ધરપકડ સરળ બની ગઈ હતી. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના જણાવ્યા અનુસાર આ તમામ માહિતી તેને મહારાષ્ટ્ર સરકારના એક વરિષ્ઠ મંત્રીએ આપી હતી.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here