2020ની શરૂઆતમાં ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમ જયારે ટી-20 વર્લ્ડકપના ફાઇનલમાં પહોંચીને રનર અપ બની ત્યારે સૌ ક્રિકેટ પ્રેમીઓને વિશ્વાસ હતો કે આ વર્ષે બાકીની ટુર્સમાં પણ આ ટીમ સારો દેખાવ કરશે. પરંતુ, વર્લ્ડકપની પુર્ણાહુતીના ગણતરીના અઠવાડિયા બાદ દુનિયાભરમાં કોરોનાવાયરસને કારણે લોકડાઉન ઘોષિત કરી દેવામાં આવ્યું. સજ્જડ લોકડાઉનને પગલે આવશ્યક સર્વિસિસ સિવાય તમામ પ્રવૃત્તિઓને સ્થગિત કરી દેવામાં આવી જેના કારણે મેન્સ ક્રિકેટની સાથે વિમેન્સ ક્રિકેટની ગતિવિધિઓ પર પૂર્ણવિરામ મૂકી દેવાયું. મેન્સ ક્રિકેટની સરખામણીએ આમ પણ વિમેન્સ ક્રિકેટને અલગ અલગ કારણોસર પ્રાથમિકતા આપવામાં આવતી નથી.
લોકડાઉનના શરૂઆતી દિવસોમાં જેને “બ્રેક” ગણવામાં આવતો હતો તે પાછળથી વિમેન્સ ક્રિકેટર્સ માટે કરુણતામાં પરિવર્તિત થઇ ગયો કારણકે ઘરે બેઠા ચાવીરૂપ કસરતો સિવાય બીજું કશું કરી શકવાનો અવકાશ નહોતો. દરમિયાન, ઇંગ્લેન્ડની ટુર, 2021માં ન્યુઝીલેન્ડમાં રમાનાર વર્લ્ડકપ જેવી મહત્વની ટુર્સ એક પછી એક કેન્સલ કરવામાં આવી તે કારણે ખેલાડીઓ તેમજ સપોર્ટ સ્ટાફ પાસે કઈ દિશામાં આગળ વધવું તે વિષે કોઈ સ્પષ્ટ સૂચના નહોતી. બીસીસીઆઈના કોચ તેમજ અન્ય સ્ટાફ તરફથી માત્ર “સ્વસ્થ અને ઇજામુક્ત રહો” સિવાય કોઈ જાણકારી મળી શકે તેમ નહોતી. પરંતુ હવે, દુઃખ ભરે દિન બીતે રે ભૈયા ની જેમ ધીમે ધીમે વિમેન્સ ક્રિકેટ પોતાના રૂટીનમાં આવી રહ્યું છે. જેની શરૂઆત થઇ છે – વિમેન્સ ટી-20 ચેલેન્જથી.
ટી-20 ચેલેન્જ શું છે?
બીસીસીઆઈ 2018થી વિમેન્સ ટી-20 ચેલેન્જનુંઆયોજન આઈ.પી.એલ.ની સમાંતરે કરતુ આવ્યું છે. દુનિયાભરની ટોપ વિમેન્સ ક્રિકેટર્સ આ ટુર્નામેન્ટમાં ભાગ લે છે. વિમેન્સ ટી-20 ચેલેન્જ શરુ થતા પહેલા તમામ ખેલાડીઓને 9 દિવસ માટે મુંબઈની એક હોટેલમાં ક્વોરનટીન રાખવામાં આવ્યા હતા અને તે દરમિયાન તેઓનું નિયત સમયે ટેસ્ટિંગ કર્યા બાદ લીગ રમવા માટે ક્લિયરન્સ આપવામાં આપવામાં આવ્યું હતું. તમામ ખેલાડીઓને બાયો બબલની વિશેષ માહિતી આપવામાં આવી હતી. આઇપીએલની જેમ જ વિમેન્સ ટી-20 ચેલેન્જ યુ.એ.ઈ.માં બાયો સિક્યોર્ડ એન્વાયરોન્મેન્ટમાં રમાડવામાં આવી રહી છે. દુનિયાભરના 45 ખેલાડીઓની 3 ટીમ બનાવીને અને તેઓ વચ્ચે 4 મેચ રમાડવામાં આવશે. વેન્યુ અને શિડ્યુલ બદલાવાના કારણે 4 ના બદલે 3 જ ટીમ ભાગ લઇ શકશે. ઉલ્લેખનીય છે કે તમામ ખેલાડીઓ એક લાંબા અંતરાલ પછી પ્રોફેશનલ ક્રિકેટ રમશે. તેમાંય, મીથાલી રાજની છેલ્લી મેચ નવેમ્બર 2019માં હતી અને 1 વર્ષ જેટલા સમય પછી યુ.એ.ઈ.ની ગરમીમાં પાંખી ટ્રેનિંગ મેળવીને પરફોર્મ કરવું આસાન નહિ હોય.
આ વર્ષે કેટલા વિદેશી ખેલાડીઓ ભાગ લેશે?
આ વર્ષે ઇંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા, શ્રીલંકા, થાઈલેન્ડ, ન્યુઝીલેન્ડ, બાંગ્લાદેશ, વેસ્ટ ઇન્ડિઝ અને શ્રીલંકાના કુલ 12 ખેલાડીઓ ભાગ લેશે.
ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ કેમ ભાગ નથી લઇ રહ્યા?
આમ તો દર વર્ષે એપ્રિલ/મે મહિના દરમિયાન આ લીગનું આયોજન થતું હતું માટે ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડના સ્ટાર ખેલાડીઓ ભાગ લેતા હતા પરંતુ આ વર્ષે લીગનું આયોજન વિમેન્સ બિગ બેશ લીગની સમાન્તરે થઇ રહ્યું છે માટે તેઓ ભાગ નથી લઇ રહ્યા. ઉલ્લેખનીય છે કે હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંધાના અને જેમિમા રોડ્રિગ્ઝ પાસે પણ આ વર્ષના વિમેન્સ બિગ બેશ લીગના કોન્ટ્રાકટ હતા પરંતુ તેઓએ વિમેન્સ ટી-20 લીગમાં રમવાને પ્રાધાન્ય આપ્યું છે.
ટી-20 ચેલેન્જની સ્ક્વોડસ
ટીમ વેલોસીટી – મિથાલી રાજ (કેપ્ટન) સુષ્મા વર્મા (વિકેટ કીપર), એકતા બિશ્ત, શેફાલી વર્મા, વેદા કૃષ્ણમૂર્તિ, માનસી જોશી, સુન લૂ, ડેની વાયટ, દેવિકા વૈદ્ય, સુશ્રી દિબ્યદર્શિની, મનાલી દક્ષિણી, લેઇ કેસ્પરક, જહાનઆરા આલમ, અનઘા એમ. અને શિખા પાંડે
ટીમ સુપરનોવા – હરમનપ્રીત કૌર (કેપ્ટન) ચમારી અટાપટ્ટુ, મુસ્કાન મલિક, અયાબોન્ગા ખાકા, તાનિયા ભાટિયા (વિકેટ કીપર), આયુષી સોની, અરૂંધતી રેડ્ડી, એસ.સલમાન, પૂનમ યાદવ, શશીકલા સિરિવર્દને, અનુજા પાટીલ, પ્રિયા પુનિયા, પૂજા વસ્ત્રાકર, જેમિમા રૉડ્રિગઝ અને રાધા યાદવ
ટીમ ટ્રેઇલબ્લેઝર્સ – સ્મૃતિ મંધાના (કેપ્ટન), દીપ્તિ શર્મા (વાઇસ કેપટન) કશ્વિ ગૌતમ, એન. શાંતમ, સોફી એક્સલટોન, રિચા ઘોષ, પૂનમ રાઉત, ઝૂલન ગોસ્વામી, હરલીન દેઓલ, રાજેશ્વરી ગાયકવાડ, ડી.હેમલથા, નુઝહત પરવીન (વિકેટ કીપર) , સિમરન બહાદુર, સલમા ખાતુન, અને ડિઆન્દ્રા ડોટિન
ટી-20 ચેલેન્જનું શિડ્યુલ
04 નવેમ્બર – વેલોસીટી vs સુપરનોવા
05 નવેમ્બર – વેલોસીટી vs ટ્રેઇલબ્લેઝર
07 નવેમ્બર – ટ્રેઇલબ્લેઝર vs સુપરનોવા
09 નવેમ્બર (ફાઇનલ)
*આ લખાય છે ત્યાં સુધીમાં ટી-20 ચેલેન્જની 2 મેચ પુરી થઇ ચુકી છે. વેલોસીટી અને સુપરનોવાની પ્રથમ મેચ ટીમ વેલોસીટી 5 વિકેટે જીતી ગયી છે જયારે વેલોસીટી અને ટ્રેઇલબ્લેઝર વચ્ચેની બીજી મેચ ટ્રેઇલબ્લેઝર ટીમ 9 વિકેટે જીતી ગઈ છે.
eછાપું