दिल से रेहमान (6): રહેમાનને રંગીલા દ્વારા મળ્યો ‘બોમ્બે’માં પ્રવેશ

0
346

આપણે 1995ના વર્ષની વાત કરી રહ્યા હતા જ્યારે રહેમાનના નિકાહ સાયરા બાનો સાથે થયા. પરંતુ આ જ વર્ષે રહેમાને સંગીતબદ્ધ કરેલી બે એવી ફિલ્મો રજૂ થઈ જેના કારણે તેની મુગટમાં બે વધુ યશકલગી ઉમેરાઈ – આવો આજે વાત કરીએ ફિલ્મ ‘બોમ્બે’ અને ‘રંગીલા’ની!

સન 1992 ના અંત અને 1993 ની શરૂઆતમાં મુંબઈ (તે સમયે બોમ્બે) માં કોમી હુલ્લ્ડો અને રમખાણો ફાટી નીકળ્યા. આ હુલ્લડો દરમિયાન સેંકડો લોકો માર્યા ગયા હતા, જે મોટા ભાગે ઉત્તરપ્રદેશ સ્થિત બાબરી મસ્જિદ માળખાના ધ્વંસ અંગે બોમ્બેના મુસ્લિમો દ્વારા કરવામાં આવેલી પ્રતિક્રિયા હતી. અને આ તોફાનોથી જ પ્રેરિત હતી મણિ રત્નમની ઉત્કૃષ્ટ કૃતિ ‘બોમ્બે’!

મણિ રત્નમની ફિલ્મ ‘થિરુડા થિરુડા’ (1993) ના બેકગ્રાઉન્ડ સંગીત રેકોર્ડિંગ દરમિયાન બોમ્બેમાં રમખાણો થયેલા અને મણિ રત્નમે તરત જ મલયાલમમાં એક છોકરા વિશે ફિલ્મ બનાવવાની યોજના ઘડી, જે આ રમખાણોમાં ખોવાઈ જાય છે. પરંતુ આ વિચાર સાકાર થયો ન હોવાથી, તેમણે તે મુદ્દે તમિળમાં એક ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું, જેનું નામ ‘બોમ્બે’ રાખવામાં આવ્યું.

આ ફિલ્મ માટે મણિ રત્નમે દક્ષિણના હીરો વિક્રમ અને મનીષા કોઈરાલા સાથે ફિલ્મ માટે ફોટોશૂટ કરાવ્યું હતું, પરંતુ છેવટે વિક્રમને બદલે અરવિંદ સ્વામીની પસંદગી કરી કારણ કે તે વખતે વિક્રમે તે સમયગાળા દરમિયાન બીજી ફિલ્મના નિર્માણ માટે દાઢી અને મૂંછ ઉગાડેલા જે તે કાઢવા તૈયાર ન થયો.

આ ફિલ્મ હુલ્લડોના દુ:ખદ સમયે પાંગરેલી એક પ્રેમકથા તો હતી જ પરંતુ તે જ સાથે શાંતિ માટેની અપીલ પણ હતી. ‘બોમ્બે’ ફિલ્મ એક તમિળ યુગલની વાર્તા છે જેમાં શેખર (અરવિંદ સ્વામી) હિન્દુ છે, અને શૈલા બાનુ (મનીષા કોઈરાલા) મુસ્લિમ છે. બંને પોતાના માતાપિતાના વિરોધ છતાં લગ્ન કરે છે અને બોમ્બેમાં રહેવા જાય છે. બંનેને જોડીયા દીકરાઓ છે – એકનું મુસ્લિમ નામ (કમલ બશીર) સાથે અને બીજાનું હિન્દુ નામ (કબીર નારાયણ).

જ્યારે રમખાણો ફાટી નીકળે છે, ત્યારે શેખર અને શૈલાનું શાંતિપૂર્ણ જીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે અને બાળકો તેમના માતાપિતાથી અલગ થઈ જાય છે. રાજકારણીઓ અને બંને તરફના ધર્મગુરુઓ દ્વારા ઉશ્કેરવામાં આવેલા હિન્દુઓ અને મુસ્લિમો એકબીજા સામે હથિયારો ઉઠાવે છે અને શહેરને લોહીલુહાણ કરી મૂકે છે. આવી પરિસ્થિતિમાં શેખર અને શૈલા તેમના બાળકોને શોધવા નીકળી પડે છે.

દેશમાં દરેક જગ્યાએ, દરેક થિયેટરોમાં, ‘બોમ્બે’ને જોતાં લગભગ લોકો રડી પડ્યા. ‘બોમ્બે’ ફિલ્મ ફક્ત રમખાણો કે ભારત કે સિનેમા કે ધાર્મિક સંઘર્ષની વાત નહોતી. પરંતુ આ ફિલ્મનો મુખ્ય સંદેશ હતો કે માણસો તરીકે આપણે ભૂલી ગયા છીએ કે આપણે કોણ છીએ. એકમેક પ્રત્યેની નફરત અને ઘૃણા આપણને કઈ રીતે માણસમાંથી શૈતાન બનાવી દે છે તે વાતનું વર્ણન આ ફિલ્મમાં થયેલું.

મણિ રત્નમે ઓલરેડી ‘રોજા’ ફિલ્મ આવા જ થીમ પર બનાવેલી હતી. અને પછી ‘દિલ સે’ અને ‘કન્નાથિલ મુથામિત્તલ’ જેવી ફિલ્મ્સ પણ બનાવી પરંતુ ‘બોમ્બે’ કદાચ તે બધામાં શ્રેષ્ઠ હતી અને રહેશે કારણ કે ફિલ્મની પટકથા અદભૂત હતી. ‘બોમ્બે’ની વાર્તા, પ્રદર્શન, અભિનય, સિનેમેટોગ્રાફી બધું જ શાનદાર હતું અને સંગીતને મહાન કહીએ તો અતીશયોક્તિ નહીં થાય.

મણિ રત્નમને રહેમાન સાથે હવે ફાવી ગયું હતું અને એટલે જ તેણે ‘બોમ્બે’નું સંગીત પણ રહેમાન પાસે જ કરાવ્યું. ‘બોમ્બે’ ફિલ્મમાં આઠ ગીતો છે અને દરેક ગીત એક રત્ન સમાન હતું. આ ફિલ્મના દરેક ગીતોમાં રહેમાનની વાતચીત કરવાની, વાર્તાઓ કહેવાની અને ખરેખર શબ્દોનો ઉપયોગ કર્યા વિના ભાવનાઓ વ્યક્ત કરવાની ક્ષમતાના દર્શન થાય છે. આ ગીતો ઘણું બધું અભિવ્યક્ત કરે છે જેમ કે હિંસા વ્યક્ત કરવા માટે કેવો વિલાપ હોવો જોઈએ અને અવાજનો ઉપયોગ કર્યા વિના કેવી રીતે સામાન્ય લોકોની લાગણી સાથે જોડાશો એ રહેમાને અહીં સાબિત કર્યું છે.

“ઉયીરે” (હિન્દી ફિલ્મમાં “તુ હી રે”), “હમ્મા હમ્મા”,, “કન્નલાને” (હિન્દી ફિલ્મમાં ‘કહેના હી ક્યા..’) અને “કુચ્ચી કુચ્ચી રકમ્મા” આ ગીતો વધુ ચર્ચામાં રહ્યા. “તુ હી રે” ગીત એ ગમતી સ્ત્રીની રાહ જોતા એક પુરુષની પીડા દર્શાવે છે, જે હરિહરન દ્વારા ગાવામાં આવ્યું હતું. મૂળરૂપે, આ ગીતનો ઉપયોગ કરવા વિશે મણિ રત્નમને થોડી આશંકા હતી. તે ફિલ્મમાં એક એવી અગત્યની ક્ષણે આવે છે જે વખતે જો ગીત ખૂબ ધીમું હોય તો લોકો બાથરૂમનો ઉપયોગ કરવા અથવા ધૂમ્રપાન કરવા થિયેટરની બહાર નીકળી જાય – પરંતુ ફિલ્મ રિલીઝ થઈ પછી આ ગીતે જ લોકોને પોતાની સીટ પર જકડી રાખ્યા.

“તુ હી રે” એ ગતિશીલ “હમ્મા હમ્મા”અને “કુ્ચ્ચી કુચ્ચી રક્કમ્મા” ગીતનું વિરોધી ગીત છે. જો કે “હમ્મા હમ્મા” રહેમાને ગાયેલું પહેલું આખું ગીત છે. આ સિવાય બીજા બે ગીતો “ઈધુ અન્નાઈ ભૂમિ” અને “રથાથાઈ નિતુથુ” શાંત પરંતુ રમખાણો વિરુદ્ધ અવાજ ઊઠાવતા ગીતો છે.

‘બોમ્બે’ ફિલ્મનું હાર્દ કહી શકાય એવું “ધ બોમ્બે થીમ” કોઈ પણ શબ્દો વગરનું સંગીત છે. ‘બોમ્બે’ ફિલ્મનું ઘણુંખરું શૂટીંગ ચેન્નઇમાં થયેલું અને સેટ પર એકવાર શૂટીંગ પતાવીને આ ફિલ્મના સિનેમેટોગ્રાફર રાજીવ મેનન નિર્દેશક મણિ રત્નમ સાથે રહેમાનને મળવા ગયેલા. તે સમયે રહેમાને “હમ્મા હમ્મા” ગીત બનાવી રાખવાનું નક્કી કરેલું પરંતુ તે ગીત તૈયાર નહોતું એટલે રહેમાને “ધ બોમ્બે થીમ” સંભળાવ્યું. આ “ધ બોમ્બે થીમ” એટલું પ્રચલિત થયું કે 2005 ની નિકોલસ કેજની ફિલ્મ ‘લોર્ડ ઑફ વૉર’માં પણ વપરાયેલું. ‘ધ ડાર્ક નાઈટ’ના ઑસ્ટ્રેલિયન અભિનેતા હીથ લેજરના પ્રિય સંગીતની સૂચિમાં પણ “ધ બોમ્બે થીમ”નો સમાવેશ થાય છે.

સન 2014માં અમેરિકાની બર્કલી કોલેજ મ્યુઝીકમાં રહેમાને સ્ટેજ પર લાઈવ વગાડેલું “ધ બોમ્બે થીમ” સાંભળોઃ

‘સૌદાગર’ અને ‘1942-અ લવ સ્ટોરી’ આ બે ફિલ્મો કરેલી મનિષાને તમિળ ભાષા આવડતી નહોતી એટલે તેનો અવાજ તમિળ હીરોઈન રોહિણીએ ડબ કર્યો. ફિલ્મનું શૂટીંગ તામિળનાડુના ચેન્નઈ અને પોલાચીમાં, કેરળના કાસરગોડ અને કન્નુર ગામમાં, “કન્નલાને” ગીતનું શૂટિંગ તિરુમલાઇ નાયકર મહેલ ખાતે અને “ઉયીરે”નું શૂટિંગ કેરળના બેકલ ફોર્ટ પર કરવામાં આવ્યું હતું. બાબરી મસ્જિદના ધ્વંસને અખબારોની હેડલાઇન્સ અને ફોટોગ્રાફ્સ દ્વારા જ સ્ક્રીન પર બતાવવામાં આવ્યું, કારણ કે સેન્સર બોર્ડના સભ્યો ઇચ્છતા ન હતા કે નિર્માતાઓ વાસ્તવિક વિનાશનો વિડીયો બતાવે.

બોમ્બેને 10 માર્ચ 1995 ના રોજ રિલીઝ કરવામાં આવી હતી. ‘બોમ્બે’ ફિલ્મ સુપરહીટ તો હતી, પરંતુ તે સમયે ઘણી વિવાદિત હતી. તેને રિલીઝ પહેલા સેન્સર બોર્ડ સાથે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને તે પછી ઘણી નકારાત્મક પ્રતિક્રિયાઓ પણ મળી હતી. મુસ્લિમ યુવતી અને હિન્દુ પુરુષ વચ્ચેના આંતર-ધાર્મિક સંબંધોના ચિત્રણ માટે, આ ફિલ્મ ભારત અને વિદેશમાં રજૂ થવા પર નોંધપાત્ર વિવાદ પેદા થયો હતો. રિલીઝ થતાં જ સિંગાપોર અને મલેશિયામાં આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. નિર્દેશક મણિ રત્નમના ઘરે બે બોમ્બ ફેંકવામાં આવેલા, જેનાથી તેમને ઈજા પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પોલીસે આ હુમલા માટે મુસ્લિમ આતંકવાદીઓને જવાબદાર ઠેરવ્યા હતા.

‘બોમ્બે’ આખરે તમિળ સિનેમાની સૌથી વધુ કમાણી કરનારે ફિલ્મ બની. આ ફિલ્મની ટીકાત્મક અને વ્યાવસાયિક રીતે સારી પ્રશંસા કરવામાં આવી હતી, અને તે સન 1996 માં ‘ફિલાડેલ્ફિયા ફિલ્મ ફેસ્ટિવલ’ સહિત ઘણા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવોમાં (એડિનબર્ગ અને જેરુસલેમ) દર્શાવવામાં આવી હતી.

‘બોમ્બે’ ફિલ્મનું સંગીત લોકોને એ હદે પસંદ પડ્યું કે તેની દોઢ કરોડ નકલો વેચાઈ અને અત્યાર સુધીનો સૌથી વધુ વેચાયેલો ભારતીય આલ્બમ બન્યો. ધ ગાર્ડિયનની “1000 આલ્બમ્સ ટુ હીઅર બીફોર યુ ડાઈ” ની સૂચિમાં ‘બોમ્બે’ના ગીતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. કે.એસ.ચિત્રા દ્વારા ગવાયેલ “કન્નલાને” ગીતને ધ ગાર્ડિયનની જ “1000 ગીતો દરેકે જીવનમાં આવશ્યક સાંભળવા”ની સૂચિમાં શામેલ કરવામાં આવ્યું હતું.

આ ફિલ્મ માટે રહેમાનને નેશનલ ફિલ્મ એવોર્ડ માટે નામાંકન મળ્યું (પણ તે જીત્યો નહીં). તેમ છતાં તેને તેનો સતત ચોથો ફિલ્મફેર ‘શ્રેષ્ઠ સંગીતકાર’ (તમિળ)નો એવોર્ડ મળ્યો હતો. ‘બોમ્બે’ના ગીતો આજે સર્વાધિક સંભળાયેલા અને સર્વશ્રેષ્ઠ ગીતોમાંથી એક માનવામાં આવે છે. બ્રિટિશ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટની શ્રેણીમાં ‘બોમ્બે’ ફિલ્મે ટોચની 20 ભારતીય ફિલ્મોમાં સ્થાન મેળવ્યું હતું.

***

‘બોમ્બે’ પછી રહેમાને ‘ઈંદિરા’ નામની ફિલ્મમાં સંગીત આપ્યું જે મણિ રત્નમની પત્ની અભિનેત્રી સુહાસિની દ્વારા દિગ્દર્શિત કરાઈ હતી. તે ફિલ્મમાં અરવિંદ સ્વામી અને સુહાસિનીની પિતરાઈ બહેન અનુ હસને કામ કર્યુ. ફિલ્મનું સંગીત તે સમયે ઘણું પ્રખ્યાત બનેલું પરંતુ હવે બહુ લોકોને બહુ યાદ નથી.

ત્યારબાદ રહેમાનની 1995 ની છેલ્લી તમિળ ફિલ્મ ‘મુત્થુ’ રિલીઝ થઈ. આ ફિલ્મમાં રજનીકાંતે અભિનય કરેલો અને રહેમાનના બહુ પ્રચલિત ગીત “થિલાના થિલાના” અને “ઓરુવન ઓરુવન” શામેલ છે. ‘મુત્થુ’ ફિલ્મના ગીતો આજે પણ જાપાનમાં ‘સૌથી વધુ લોકપ્રિય વિદેશી સાઉન્ડટ્રેક’ (Most Popular Foreign Soundtrack) તરીકે પ્રચલિત છે.

‘બોમ્બે’ અને ‘મુત્થુ’ બન્ને રહેમાનના ઉચ્ચ વારસાના આલ્બમ કહી શકાય.

***

રામ ગોપાલ વર્મા (જે રામુના નામથી પણ સિનેમાજગતમાં પ્રખ્યાત છે) હૈદ્રાબાદના એક શ્રીમંત કુટુંબમાં જન્મેલા. એન્જીનિયરીંગનું ભણતા પરંતુ ફિલ્મોમાં રસ હતો એટલે કોલેજમાંથી ભાગીને ફિલ્મો જોવા જતા. ફિલ્મો બનાવવાની કોઈ ઔપચારિક તાલીમ રામુએ લીધી નહોતી તેમ છતાં ફિલ્મી દુનિયા સાથે પોતાના સંબંધો વધારવા તેમણે હૈદ્રાબાદમાં એક વિડીયો કેસેટ ભાડે આપવાની નાની દુકાન શરૂ કરી. ત્યાંથી તેને તેલુગુ ફિલ્મોમાં આસિસ્ટંટ નિર્દેશક બનવાની તક મળી.

થોડા દિવસ કામ કર્યા પછી તેમણે પોતાની ફિલ્મ બનાવવાનું નક્કી કર્યુ અને 1989માં તેલુગુ ફિલ્મ ‘શિવા’ સાથે પદાર્પણ કર્યુ. આ ફિલ્મ તેલુગુ સિનેમાની અતિ પ્રચલિત અને સુપરહીટ ફિલ્મ બની. તેલુગુ ફિલ્મો બનાવવાનું ચાલુ જ હતું ત્યાં રામુએ હિન્દી ફિલ્મો ભણી દોટ મૂકી અને ‘રંગીલા’ ફિલ્મ બનાવી.

રામુ પાસે એક સાથે બે ફિલ્મોનું કામ હતું – એક ‘રંગીલા’ અને બીજી સંજય દત્ત માટે ‘નાયક’ (અનિલ કપૂરની ૨૦૦૧માં આવેલી ‘નાયક’ ફિલ્મ નહીં). તે વખતે સંજય દત્ત આમિર ખાન કરતાં મોટો સિતારો હતો એટલે નિર્માતાઓએ રામુને સૌ પહેલા ‘નાયક’ ફિલ્મ પર કામ કરવા કહ્યું. ફિલ્મનું શૂટીંગ શરૂ થયું અને થોડા જ દિવસોમાં સંજય દત્તની 1993ના બોમ્બે બોમ્બ બ્લાસ્ટ બાબતે ધરપકડ થઈ અને ફિલ્મ બંધ રહી. (જો કે ‘નાયક’ની વાર્તા લઈને રામુએ સન 2005માં ‘સરકાર’ ફિલ્મ બનાવેલી). હવે રામુએ ફક્ત ‘રંગીલા’ ફિલ્મ પર જ ધ્યાન આપવાનું હતું.

આ ફિલ્મમાં આમિર ખાન, જૅકી શ્રોફ અને ઊર્મિલા માતોંડકરે અભિનય કર્યો. ‘કર્મ’ અને ‘માસૂમ’ જેવી ફિલ્મોમાં બાળકલાકારની ભૂમિકા ભજવનાર ઊર્મિલાએ હીરોઈન તરીકે ‘નરસિમ્હા’, ‘ચમત્કાર’, ‘શ્રીમાન આશિક’, ‘આ ગલે લગ જા’ જેવી હિન્દી ફિલ્મો અને બીજી કેટલીક તેલુગુ ફિલ્મોમાં અભિનય કરેલો. આમિર ખાન ‘જો જીતા વહી સિકંદર’, ‘દિલ હૈ કી માનતા નહીં’, ‘દિલ’, ‘કયામત સે કયામત તક’ હમ હૈ રાહી પ્યાર કે’, ‘અંદાજ અપના અપના’ જેવી ફિલ્મોથી બોલીવુડમાં હીટ સાબિત થઈ ગયેલો. જૅકી શ્રોફ તો એક સુપરસ્ટાર હતો જ. રામુએ આ ત્રણેયને લઈને એક સ્ક્રીનપ્લે લખ્યો.

ફિલ્મના સંગીત માટે રામુ રહેમાનને મળ્યો. તે પહેલા મણિ રત્નમના ઘરે રામુએ ‘રોજા’ ફિલ્મના ગીતો સાંભળેલા અને ત્યારે જ રહેમાન સાથે કામ કરવાનું નક્કી કરેલું. ‘રંગીલા’ ફિલ્મમાં કુલ આઠ ગીત હતા અને દરેક ગીત સુપરહીટ! તેમ છતાં જ્યારે પહેલી વાર રામુએ રહેમાન પાસેથી ધૂન મેળવી, તેમને ગીતો અને સંગીત ગમ્યા નહોતા. આશા ભોસલેનું ગાયેલું ‘હાયે રામા યે ક્યા હુઆ’ ગીત એક શૃંગારિક ગીત હતું જેમાં રામુને દર્શાવવું હતું કે હીરો-હીરોઈન એકમેકના પ્રેમબંધનમાં એ રીતે ખોવાઈ જાય જેમ કે બે જાનવરો અને બંનેને કોઈ પ્રકારની ફિકર કે લાજ-શરમ ન હોય. કોઈ તેમને જુએ છે કે નહીં તેની પણ કોઈ પરવા ન હોય.

આવા ગીત માટે રહેમાને જ્યારે પહેલું સંગીત રામુને આપ્યું ત્યારે કોઈ ક્લાસિકલ કર્ણાટકી સ્ટેજ પર વગાડવામાં આવે તેવું સંગીત લાગ્યું. રામુએ તરત જ રહેમાનને ફોન કર્યો અને પોતાની નારાજગી બતાવી. રહેમાને કહ્યું કે તે ફરી કામ કરીને નવું સંગીત આપશે. દરમિયાન રામુએ રહેમાનને આપેલું સંગીત 20-25 વખત સાંભળ્યું અને તેને તે ગમવા લાગ્યું તેમ છતાં રહેમાને થોડા ફેરફાર કરીને ફરી તે ટૂકડો રામુને સંભળાવ્યો અને એક જ વારમાં રામુ ખુશ!

‘ધ સ્પિરીટ ઑફ રંગીલા’ માટે પણ રામુને પહેલું સંગીત ગમ્યું નહીં. પરંતુ ધીમે ધીમે તેનો નશો રામુ પર ચડતો ગયો. આશા ભોસલે, તેમની બહેન લતા મંગેશકરની જેમ, લાંબા સમયથી ફિલ્મોની ગાયકીમાંથી નિવૃત્ત થયા હતા, પરંતુ તે વર્ષે રહેમાને તેમને નવજીવન આપ્યું અને ફિલ્મમાં “તન્હા તન્હા” અને “રંગીલા રે” માટે તેમને મનાવ્યા. રહેમાને પોતે પણ ફિલ્મમાં ‘મંગતા હૈ ક્યા” ગીત પણ ગાયું.

‘રંગીલા’ ફિલ્મના ઓડિયો લોન્ચ વખતે બોલીવુડના દિગ્ગજો આવ્યા અને રહેમાનની માતા કરીમા બેગમે સંગીત લોકો સમક્ષ મૂક્યું. આ વિડીયો તે વખતનો છે.

ફિલ્મ થિયેટરોમાં રજૂ થઈ અને રજૂ થતાંની સાથે જ તેના ગીતો લોકોને ગમી ગયા. ફિલ્મ માટે રહેમાનને ‘શ્રેષ્ઠ સંગીતકાર’ એવોર્ડ અને ‘આર.ડી.બર્મન એવોર્ડ ફોર ન્યુ મ્યુઝિકલ ટેલેન્ટ’ મળ્યા. ‘બોમ્બે’ પછી ‘રંગીલા’ના ગીતોનો આલ્બમ ખૂબ જ પ્રચલિત થયો. આ જ ફિલ્મ પરથી હોલીવુડમાં સન 2004માં ‘વિન અ ડેટ વિથ ટેડ હેમિલ્ટન’ બની. ‘રંગીલા’ ફિલ્મે તે વર્ષે સાત ફિલ્મફેર એવોર્ડ જીત્યા – સહાયક ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેતા (જેકી શ્રોફ), શ્રેષ્ઠ નૃત્ય નિર્દેશન (અહેમદ ખાન), શ્રેષ્ઠ પોશાક ડિઝાઇનિંગ (મનીષ મલ્હોત્રા), શ્રેષ્ઠ વાર્તા (રામ ગોપાલ વર્મા), શ્રેષ્ઠ સંગીત (એ. આર. રહેમાન), આર.ડી. બર્મન એવોર્ડ (રહેમાન) , અને “તન્હા તન્હા” માટે એક વિશેષ જ્યુરી એવોર્ડ (આશા ભોસલે).

ફિલ્મની સફળતા પછી તેની ‘સક્સેસ પાર્ટી’નો પણ એક દુર્લભ વિડીયો છેઃ

ફક્ત સંગીત જ નહીં, ફિલ્મ પણ ઘણી સફળ નીવડી. આમિર, ઊર્મિલા, રામુ અને રહેમાન માટે બોલીવુડમાં નવી તકોના દરવાજા ખુલ્યા.

આજનો વિડીયોઃ

આ જ વર્ષે (2020) ‘રંગીલા’ ફિલ્મને 25 વર્ષ થયાં અને તેની ઉજવણી રૂપે આ એક વિડીયો જુઓઃ

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here