ભારતીય ભોજનમાં રોટી, રોટલી અને ચપાતીનું મહત્ત્વ અને ત્રણ રેસિપીઝ!

0
326

રોટી, રોટલી, ચપાટી – ભારતીય ખાન-પાનનું એક અભિન્ન અંગ છે. આમ જોઈએ તો કોઈપણ ઇન્ડિયન ક્વીઝીનની વાનગી, મેન ડીશ, ખાવા માટે રોટલી કે પરાઠા કે કુલ્ચાની જરૂર પડે જ છે.ચપાટી કે રોટલી એ ઘઉંની બ્રેડનો સૌથી સામાન્ય સ્વરૂપ છે, જે ભારતીય ઉપખંડનો મુખ્ય ખોરાક છે. મોહન-જો-દરોમાં ખોદકામ કરતા મળી આવેલ ઘઉંનો દાણો આજે પણ ભારતમાં ઉગતી ઘઉંની એક પ્રજાતિને મળતા પ્રકારનો હતો. સિંધુ ખીણ એ ઘઉંની ખેતી માટે વપરાતી અત્યંત શરૂઆતી જમીન પૈકીની એક છે.

ભારતીય ઉપખંડના મોટાભાગના પ્રદેશોમાં, ચપાટી અને અન્ય ફ્લેટ-બ્રેડ, જેમકે રોટી, પરાઠા, કુલ્ચા, પૂરી વગેરે, વચ્ચે તેને બનાવવાની તકનીક, બનાવટ અને વિવિધ પ્રકારનાં લોટના ઉપયોગને આધારિત મૂળ ભેદ પાડી દીધેલા છે. પરંતુ ભારતીય રોટી, ભારતની બહાર, અન્ય દેશોમાં પણ એટલી જ લોકપ્રિય છે.

સાઉથ એશિયામાં કોઈપણ પ્રકારની ‘ફ્લેટબ્રેડ’ કે જે મેંદાના લોટમાંથી બને છે તેને ‘રોટી’ જ કહેવામાં આવે છે. પછી તેમાં તેની બનાવટ અનુસાર જુદાજુદા નામે ઓળખે છે, જેમકે રોટી મરયમ, રોટી કેન, રોટી કનાઈ કે રોટી પર્રાટા.

ટ્રીનીદાદ ટાપુ પર રોટીની જાત-ભાતની વેરાઈટી મળે છે, જે મૂળ ભારતીય જ પણ ત્યાં જઇને વસેલા લોકોને આભારી છે. સાદી રોટી કે જે કાર્બોહાઈડ્રેટનો એક મુખ્ય સ્ત્રોત છે તેને ત્રિનિદાદના લોકો દ્વારા નાસ્તો અને ડિનર બંને માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ઉપરાંત પરાઠા રોટી, પૂરી, દાલપુરી, રૅપ રોટી કે જેને પેપર સોસ અને મેંગો ચટણી સાથે પીરસવામાં આવે છે વગેરે પણ ત્યાં એટલા જ પ્રચલિત છે.

રોટી તેમજ પરાઠામાં કોઈ જાતના લીવનીંગ એજન્ટ નથી હોતા, એટલેકે તેમને આથા વગર બનાવવામાં આવે છે, જ્યારે કુલ્ચામાં હળવો આથો હોય છે જ્યારે નાનમાં આથાનું પ્રમાણ વધારે હોય છે.

કોરીએન્ડર ગાર્લિક કુલ્ચા

Photo Courtesy: YouTube

સામગ્રી:

 • 3 કપ ઘઉંનો લોટ
 • ¾ ટીસ્પૂન બેકિંગ પાઉડર
 • ¼ ટીસ્પૂન બેકિંગ સોડા
 • 3 ટેબલસ્પૂન લસણની પેસ્ટ
 • ¼ કપ સમારેલી કોથમીર
 • 1 ટેબલસ્પૂન ખાંડ
 • ¼ કપ તેલ
 • ½ કપ દહીં
 • 1 ટેબલસ્પૂન ઘી
 • આશરે 1 ટીસ્પૂન મીઠું

રીત:

 1. એક બાઉલમાં બધી સૂકી સામગ્રી લો.
 2. હવે તેમાં તેલ, દહીં, લસણની પેસ્ટ અને કોથમીર ઉમેરી બરાબર ભેળવી દો.
 3. જરૂરમુજબ પાણી ઉમેરતા જઈ તેનો લોટ બાંધી દો, લોટ સ્મૂધ થાય ત્યાંસુધી તેને બરાબર મસળો.
 4. તેને ઢાંકીને 1 થી 2 કલાક માટે રાખી મૂકો.
 5. ત્યારબાદ તેમાંથી એક નાનો લૂઓ લઇ,પાટલા પર સહેજ અટામણ લગાવી, હળવા હાથે લૂઆને વણો.
 6. તવાને ગરમ કરી, તેના પર ઘી કે તેલ લગાવી, વણેલા કુલ્ચાને શેકાવા માટે મૂકો.
 7. ઉપરની બાજુ પર કુલ્ચો ફૂલવા લાગે એટલે બીજી બાજુ શેકી લો.
 8. બંને બાજુ શેકાતા કુલ્ચો વ્યવસ્થિત રીતે ફૂલીને તૈયાર થઇ જશે.
 9. તૈયાર કુલ્ચા પર ઘી કે બટર લગાવી ને પીરસો.

નોંધ: દાલ મખની કે દાલ બુખારા જોડે આ કુલ્ચા સરસ લાગે છે.

સ્પ્રિંગ અનિયન પરાઠા

Photo Courtesy: YouTube

સામગ્રી:

1½ કપ ઘઉંનો લોટ

½ ટીસ્પૂન અજમો

1 ટીસ્પૂન લાલ મરચું પાઉડર

મીઠું, સ્વાદમુજબ

½ કપ બાફી, છોલી અને છૂંદેલા બટાકા

1 લીલું મરચું, ઝીણું સમારેલું

2/3 કપ લીલી ડુંગળી, ઝીણું સમારેલી

1 ટેબલસ્પૂન તેલ + પરાઠા શેકવા માટે થોડું વધારે

2 થી 3 ટેબલસ્પૂન દહીં

રીત:

 1. એક બાઉલમાં ઘઉંનો લોટ, અજમો, લાલ મરચું પાઉડર, મીઠું લઇ બરાબર મિક્સ કરી લો. તેમાંતેલ,બટાકા, લીલા મરચા અને લીલી ડુંગળી ઉમેરો.
 2. હાથથી મસળતા જઈ બરાબર મિક્સ કરી લો.
 3. ધીમે ધીમે દહીં ઉમેરતા જઈ બરાબર લોટ બાંધી દો.
 4. હવે બાંધેલા લોટમાંથી એક લુઓ લઇ તેનો પરોઠો વણી લો.
 5. ગરમ તવા પર બંને બાજુથી સરસ શેકી લો.
 6. ચટણી, સોસ કે શાક સાથે મજા માણો.

કરારી રૂમાલી રોટી

Photo Courtesy: Twitter

સામગ્રી:
1 કપ ઘઉંનો લોટ
2 ટીસ્પૂન મેંદો
તેલ
સ્પ્રેડ માટે:
જીરાળુ
મેથીયાનો મસાલો
ચાટ મસાલો
ઘી

રીત:

1. મેંદો, ઘઉં અને તેલ વડે રોટલીનો લોટ બાંધો.
2. એક મોટો લુઓ લઈ તેમાંથી બની શકે એટલી મોટી રોટલી વણો.
3. એક કઢાઈને ગેસ પર ઉંધી કરીને તપાવો. ઉપરની બાજુ પર તેલ કે ઘી લગાવો.
4. વણેલી રોટલીને ઉંધી કઢાઈ પર દબાવતા જઈને શેકી લો.
5. એક બાઉલમાં સ્પ્રેડ માટેની સામગ્રી લઈ, બરાબર મિક્ષ કરી લો.
રોટલી કડક થાય એટલે ગેસ પરથી ઉતારી, સ્પ્રેડ લગાવી, લીલી ચટણી સાથે માણો.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here