બિહાર વિધાનસભા પરિણામ: મોદી હજીપણ દેશના સર્વાધિક લોકપ્રિય આગેવાન છે!

0
365
Photo Courtesy: Hindustan Times

બિહાર વિધાનસભાની ચૂંટણી રંગેચંગે પતી ગઈ. આ ચૂંટણીઓ માત્ર બિહાર માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે અતિશય મહત્ત્વની હતી. જી ના!, રાજકીય દ્રષ્ટિએ તો દરેક ચૂંટણીઓનું પછી તે પંચાયત કક્ષાની હોય તો તેનું પણ મહત્ત્વ હોય જ છે, આ ચૂંટણીઓનું અતિશય મહત્ત્વ તેના સમયને કારણે છે. ગત માર્ચ મહિનાથી સમગ્ર દેશ કોરોનાની મહામારી સામે લડી રહ્યો છે અને આ મહામારીની અસર થોડી ઓછી થયા બાદ પહેલી એવી ચૂંટણી હતી જે કોઈ મોટા રાજ્યમાં આયોજિત થઇ હતી.

આ કપરા સમયમાં જે રીતે સમગ્ર ચૂંટણી વ્યવસ્થા ગોઠવવામાં આવી અને ભારતના ચૂંટણી પંચ દ્વારા પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી તે માટે પંચને જેટલા ધન્યવાદ કરીએ કે અભિનંદન આપીએ તેટલા ઓછા છે. જ્યાં સુધી દેશમાં કોરોના રહેશે ત્યાં સુધી થનારી તમામ ચૂંટણીઓ માટે ‘બિહાર મોડલ’ આદર્શ રહેશે તેમાં શંકા નથી.

છેલ્લા ઘણા સમયથી એટલેકે ગુજરાત વિધાનસભાની ગઈ ચૂંટણીથી મતગણતરીની પ્રક્રિયામાં જબરું સસ્પેન્સ જોવા મળે છે. ગુજરાત બાદ મધ્ય પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા વગેરે વિધાનસભાની ચૂંટણીઓમાં પણ જબરી રસાકસી જોવા મળી હતી. તેમ છતાં બિહાર વિધાનસભાની ચૂંટણી આ તમામમાં શિરમોર સાબિત થઇ છે. જો કે ગુજરાતની ચૂંટણીઓમાં એક સમય એવો આવી ગયો હતો જ્યારે આપણને સ્પષ્ટ વિજેતા દેખાઈ ગયો હતો. પરંતુ બિહારની ચૂંટણીમાં છેક છેલ્લા વોટની ગણતરી સુધી કોણ વિજેતા બનશે તેનો ખ્યાલ આવતો ન હતો.

આ પાછળનું કારણ એ હતું કે ચૂંટણી પંચ દ્વારા કોરોનાને કારણે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવવા વધુ મતદાન કેન્દ્રો તેમજ EVMની રાખવામાં આવેલી વ્યવસ્થા. સામાન્યતઃ દરેક ચૂંટણીઓમાં 22 થી 25 રાઉન્ડ્સનું કાઉન્ટીંગ થતું હોય છે પરંતુ બિહારની ચૂંટણીઓમાં એવરેજ 35 રાઉન્ડ્સ હતા જેમાંથી કેટલાક વિધાનસભા ક્ષેત્રોમાં તો 52 થી 55 રાઉન્ડ્સ રાખવામાં આવ્યા હતા.

આ અતિશય ધીમી ચાલેલી પ્રક્રિયાને કારણે તેમજ જે પ્રકારનું મતદાન બિહારમાં થયું તેને કારણે ગણતરીમાં છેક સુધી ઉત્સાહ જળવાઈ રહ્યો હતો. આમ થવાને લીધે રાજકીય આગેવાનો, રાજકીય પક્ષના કાર્યકર્તાઓ, રાજકીય વિશ્લેષકો, ચૂંટણી નિષ્ણાતો અને સામાન્ય જનતા મોડીરાત્રી સુધી ટીવી સ્ક્રીન્સની સામે અને પાછળ ટકી રહ્યા હતા.

પરિણામોને જોતાં એવું સ્પષ્ટ દેખાય છે કે શાસક NDA ગઠબંધન પોતાની લાજ બચાવવામાં સફળ રહ્યું છે કારણકે 122ના બહુમતિ આંકથી તેને માત્ર 3 જ બેઠકો વધુ મળી છે. 15 વર્ષના શાસન બાદ પણ જો કોઈ પક્ષ કે ગઠબંધનને સ્પષ્ટ બહુમતિ મળે તો તે મોટી સિદ્ધિથી જરાય ઓછું નથી. તેમ છતાં આંકડાઓનું આકલન કરવામાં આવે તો NDA માટે આ બહુમતિ લાવવા માટે માત્ર અને માત્ર ભાજપા જ જવાબદાર છે. દરેક ચૂંટણી તેમજ રાજકીય નિષ્ણાતો પણ એ વાત સાથે સહમત છે કે ભાજપાની 74 બેઠકો જે ગત ચૂંટણીઓ કરતાં 21 જેટલી વધુ છે તેણેજ નીતીશ કુમારને સત્તાસ્થાને પરત લાવવામાં મદદ કરી છે.

જમીન પર રહેલા નિષ્ણાતોએ જ્યારથી ચૂંટણીની જાહેરાત થઇ ત્યારથી કહ્યું હતું કે નીતીશ કુમારની લોકપ્રિયતા સતત ઘટી રહી છે. લોકડાઉનમાં પ્રજાના આગેવાન તરીકે જે રીતની આગળ પડતી ભૂમિકા નીતીશ કુમારની હોવી જોઈએ એવી ભૂમિકા ભજવવામાં તેઓ નિષ્ફળ રહ્યા હતા. તો પછી ભલે પાતળી તો પાતળી પણ NDAને મળેલી બહુમતિ પાછળનું કારણ શું?

જાણકારોના મંતવ્ય અનુસાર લોકડાઉન દરમ્યાન કેન્દ્ર સરકાર જેમાં ભાજપા મુખ્ય પક્ષ છે, તેના દ્વારા ઉભી કરવામાં આવેલી વ્યવસ્થાએ બિહારમાં NDAને બચાવી લીધું છે. આ વ્યવસ્થામાં દેશભરમાં પ્રસરેલા તેમજ મહેનત મજુરી કરીને રોજગારી મેળવનારા લાખો શ્રમિકોને લોકડાઉન દરમ્યાન વિશેષ ટ્રેન દ્વારા પોતપોતાને ઘરે મોકલવા, તેમના ખાતામાં સમયસર નાણા પહોંચાડવા તેમજ સમગ્ર લોકડાઉન દરમ્યાન એક પણ વ્યક્તિ ભૂખ્યો ન રહે તે સુનિશ્ચિત કરવું મુખ્ય હતું.

આથીજ ભાજપાને આ વખતે 21 બેઠકો વધુ મળી જ્યારે જે પક્ષના મુખ્યમંત્રી હતા એટલેકે જનતાદળ (યુનાઇટેડ) ને 2015 કરતાં 28 બેઠકો ઓછી મળી હતી અને તે ફક્ત 43 બેઠકો જ જીતી શક્યો. આ ઉપરાંત સહયોગી પક્ષો જેવાકે HAM અને VIPની મદદ પણ NDAને મળી રહી, બહુમતિનો આંકડો પસાર કરવા માટે.

એક સમયે, એટલેકે એક્ઝીટ પોલ્સની જાહેરાતથી શરુ કરીને મતગણતરીના પહેલા એકથી દોઢ કલાક સુધી મહા ગઠબંધન સ્પષ્ટ વિજેતા એટલેકે 150 થી 180-190 બેઠકો જીતશે એવી ગણતરી હતી તેણે છેલ્લા મતની ગણતરી સુધી સંઘર્ષ કરવો પડ્યો. આપણે ત્યાં એક્ઝીટ પોલ્સ સાચા પડવાને બદલે ખોટા પડ્યા હોય તેવી ઘટનાઓ જરા વધારે પડતી બની છે અને બિહારની જેમ એક્ઝીટ પોલ્સ ઊંધેકાંધ પછડાયા હોય એવા ઉદાહરણો તો અસંખ્ય મળશે.

કદાચ આ એક્ઝીટ પોલ્સમાં મળેલી 2/3 બહુમતિને કારણેજ મહા ગઠબંધનના નેતાઓએ પરિણામોના 48 કલાક અગાઉ જ માની લીધું હતું કે સરકાર તો તેમની જ બનશે. પછી જ્યારે પરિણામો આ વિશ્વાસ કરતા સાવ ઉંધા આવવા લાગ્યા કે તરતજ RJDના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ મનોજ ઝા અચાનક જ જાહેરમાં આવ્યા અને પહેલા એવો દાવો કર્યો કે સાંજે પાંચ વાગ્યે હું જીતની નિશાની કરતો ફરીથી પત્રકારોને મળીશ અને લગભગ છ વાગ્યે એમની પાર્ટીએ Tweet કરી દીધી કે નીતીશ કુમાર ચૂંટણી પંચ પણ દબાણ લાવીને ગણતરી ધીમી કરી રહ્યા છે અને 100 ઉપરાંતની બેઠકો પર એમના ઉમેદવારો જીતી રહ્યા છે તો પણ ચૂંટણી અધિકારી તેમને સર્ટીફીકેટ નથી આપી રહ્યા.

ચૂંટણી પંચ પણ આ આરોપ બાદ તરત મેદાનમાં આવ્યું અને મનોજ ઝા તેમજ રાજદના આરોપોને નકારતાં ભારપૂર્વક કહ્યું કે તે કોઈના પણ દબાણ હેઠળ કાર્ય નથી કરતું. આવા કપરા સમયમાં ચૂંટણી પંચે જે સફળતાપુર્વક આ સમગ્ર ચૂંટણી પાર પાડી એના વખાણ કરવાને બદલે સમગ્ર પંચ અને તેના અધિકારીઓ અને સ્ટાફનું અપમાન કરવામાં આવ્યું તેણે ફરીથી ભારતીય રાજકારણને શરમજનક સ્થિતિમાં મૂકી દીધું.

મહા ગઠબંધન જરાક માટે સત્તાથી દૂર રહેવા પાછળનું સહુથી મોટું કારણ મોદી-નીતીશના વિવિધ યોજનાઓ દ્વારા મહિલા મતદારોને આકર્ષવાનું ગણવામાં આવે છે. કન્યા શિક્ષણ ઉપરાંત બિહારમાં દારૂબંધીએ મહિલાઓમાં NDAને મોટી લોકપ્રિયતા અપાવી છે. એવું કહેવાય છે કે તેજસ્વીની પાર્ટીના એક મોટા નેતાએ બીજા તબક્કાના પ્રચાર દરમ્યાન જો તેમની સરકાર આવશે તો દારૂબંધી પર ફેરવિચારણા કરવામાં આવશે તેવું નિવેદન કરીને મહિલાઓ NDAને મતદાન કરે તેવી ફરજ પાડી હતી.

આ ઉપરાંત તેજસ્વી યાદવે પ્રચાર દરમ્યાન દસ લાખ યુવાનોને નોકરી આપવાનું જે વચન આપવામાં આવ્યું હતું તે પણ તેની હારનું કારણ ગણવામાં આવ્યું છે, કારણકે આટલા બધા લોકોને રોજગારી આપવાની વાત કરવી એક બાબત છે અને તેનો અમલ કરવો બીજી.

JDU અને RJDની નિષ્ફળતા માટે અનુક્રમે ચિરાગ પાસવાન અને અસદુદ્દીન ઓવૈસીને પણ જવાબદાર ગણવામાં આવે છે. જો કે પાસવાને માત્ર JDU જ નહીં પરંતુ  ભાજપાના મત પણ કાપ્યા છે. જ્યારે સીમાંચલ વિસ્તારમાં જ્યાં મુસ્લિમ બહુમતિ છે ત્યાં અસદુદ્દીન ઓવૈસીના પાંચ ઉમેદવારો જીત્યા છે જેણે મહા ગઠબંધનને સત્તાનો ઘૂંટડો ભરવાથી જરાક માટે દૂર રાખ્યું હતું.

જો આ પરિણામોને પહેલી નજરે જોઈએ તો એ સ્પષ્ટ થાય છે કે લોકસભાની ચૂંટણીઓમાં જે ભારે બહુમત બિહારની જનતાએ NDAને આપ્યો હતો એમાંથી મોટાભાગનો પ્રેમ માત્ર ભાજપાને જ આપ્યો છે. જો ચિરાગ પાસવાન NDA તરફથી જ લડ્યા હોત તો આ 125થી જરા વધુ બેઠકો NDAને જરૂર મળી હોત, પરંતુ એ ગઠબંધન કેમ ન થયું તેના પર અલગથી ચર્ચા કરી શકાય છે.

હવે નીતીશ કુમારે ભાજપાના દબાણ હેઠળ અથવાતો તેનું સન્માન જાળવતા કાર્ય કરવું પડશે એ પણ નક્કી છે જ. નીતીશ કુમાર ભલે 2025ની વિધાનસભા ચૂંટણી લડે કે ન લડે આવનારા પાંચ વર્ષમાં તેમણે પોતાના પક્ષમાં બીજી હરોળની નેતાગીરી ઉભી જરૂર કરવી પડશે નહીં તો JDU અત્યારે બિહારના રાજકીય ફલક પર જરા જેટલું પણ દેખાઈ રહ્યું છે એ દેખાતું પણ બંધ થઇ જશે. તો સામે પક્ષે ભાજપાએ પણ હવે સુશીલ કુમાર મોદીથી આગળ નજર દોડાવવી પડશે. 2025માં મોદીનો કરિશ્મા હશે તો પણ હવે રાજ્યમાં બીજા નંબરના મોટા પક્ષ તરીકે એક મજબૂત નેતાગીરી પણ ભાજપે પ્રસ્થાપિત કરવી પડશે અને તો જ તે આવતી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓની બેઠકો માટે સિંહફાળો માંગી શકશે.

આ ચૂંટણીમાં જો સહુથી ખરાબ હાલત થઇ છે તો એ કોંગ્રેસની થઇ છે.  લડવા માટે લગભગ 70 જેટલી બેઠકો મળી હોવા છતાં કોંગ્રેસ માત્ર 19 જે બેઠકો જીતી છે. જો NDAમાં JDU નબળું પડ્યું તો ભાજપા પોતાની તાકાતથી ગઠબંધનને સત્તા સ્થાને લઇ ગયું એમ કોંગ્રેસ મહા ગઠબંધન માટે ન કરી શકી. જો આજે મહા ગઠબંધન સત્તાથી 12 બેઠકો દૂર રહ્યું છે તો કોંગ્રેસની જવાબદારી તેમાં સ્પષ્ટ દેખાય છે. કોંગ્રેસ જો 50% બેઠકો પર પણ જીતી હોત તો આજે પરિસ્થિતિ કઈક અલગ જ હોત.

એક હકીકત તો સ્પષ્ટ છે, નરેન્દ્ર મોદી હજી પણ સમગ્ર ભારતમાં સર્વસ્વીકૃત નેતા છે જ અને તેમની લોકપ્રિયતાને જરા પણ આંચ આવી નથી. જે વાત શિવસેના ન સમજી શકી એ વાત કદાચ નીતીશ કુમાર બરોબર સમજી ગયા છે અને અત્યારે તેઓ ૧, અન્ને માર્ગ પર ફરીથી સ્થાપિત થવા બદલ માત્રને માત્ર નરેન્દ્ર મોદીનો આભાર માનતા હોય તો નવાઈ નથી.

કોંગ્રેસ બાદ જો બિહાર ચૂંટણીમાં સહુથી વધુ બદનામી થઇ છે તો એ છે એક્ઝીટ પોલ નિષ્ણાતોની. એક્ઝીટ પોલ્સને જ એક્ઝેક્ટ પોલ્સ ગણનારા સિનીયર પત્રકારોના મોઢાં માત્ર અડતાળીસ કલાકમાં જ દીવેલ પીધેલાં ત્યારેજ જોવા મળે જ્યારે તેઓ પોતાની કહેવાતી તટસ્થતાને દર્શાવવાને બદલે એક્ઝીટ પોલને એક્ઝેક્ટ પોલ ગણીને સ્ટુડીયોમાં ગરબા રમવા માંડે.

એક ચેનલના પોલ નિષ્ણાતે જેમણે 2019 લોકસભાની ચૂંટણીનો પરફેક્ટ એક્ઝીટ પોલ આપ્યો હતો એ તો બપોરે ત્રણ વાગ્યે પણ એવો દાવો કરતા હતા કે છેલ્લે જ્યારે પરિણામો આવશે ત્યારે એમની ભવિષ્યવાણી અનુસાર મહા ગઠબંધન 180-190 બેઠકો જીતી જશે. તો એક ચેનલના સદાય દીવેલ પીધેલા એન્કર એ ભરોસે જીવી રહ્યા હતા કે બપોરે બાર વાગ્યે જ્યારે ગ્રામીણ EVMs ખુલશે ત્યારે એમનો ગમતો પક્ષ લીડ લેવાની શરુ કરશે અને છેવટે 2/3 બહુમતિ લાવીને જ જંપશે!

એક પછી એક ચૂંટણી દરેક રાજકીય પક્ષો તેમજ ન્યૂઝ એન્કર્સનો સાચો ચહેરો મતદારો સમક્ષ ખુલ્લો પાડવામાં સફળ રહી છે, પરંતુ  દરેક વખતે આપણે નવે નાકે દિવાળીના દર્શન કરતા રહેવાનું જ છે એ બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામોએ ફરીથી સાબિત કર્યું છે.

૧૨ નવેમ્બર ૨૦૨૦, ગુરુવાર (વાક્ બારસ)

અમદાવાદ

eછાપું

તમને ગમશે – જનાદેશ 2019: લોહીની નદીઓ વહેશેવાળા કુશવાહાની પાર્ટીનું અસ્તિત્વ ખતરામાં

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here