મુંબઈ ઇન્ડિયન્સ એટલે IPL ટ્રોફી જીતવાનું મશીન 

0
335

આઇપીએલની 13 સીઝન, 6 ફાઇનલ અને 5 જીત. મુંબઈ ઇન્ડિયન્સ વીતેલા દાયકાની અંડર પરફોર્મિંગ ટીમમાંથી ટ્રોફી હંટીંગ ફ્રેન્ચાઇઝી બની ગઈ છે જેમાં સૌથી મોટો ફાળો રોહિત શર્માનો છે તેમાં કોઈ બે મત ન હોઈ શકે. બેટિંગ, ફિલ્ડિંગ અને ગેમના નિર્ણાયક સમયે મેચનું પાસું પલટાવી દેવા તેવા નિર્ણયો લેવામાં રોહિત શર્માનો તેના કન્ટેમ્પરરી ખેલાડીઓ સાથે કોઈ મુકાબલો નથી. કોર ટીમ બનાવવામાં અને સ્ટાર ખેલાડીઓને સાથે લઈને શર્માએ મુંબઈની ટીમને એક વેલ ઓઈલ્ડ વિનિંગ મશીનમાં પરિવર્તિત કરી દીધી છે.

શર્માની કપ્તાની હેઠળ મુંબઈની ટીમમાં જીતવાની ભૂખ, આત્મવિશ્વાસ અને આક્રમકતા જોવા મળી છે જે અન્ય ફ્રેન્ચાઇઝીમાં ખાસ જોવા મળી નથી. હા, ક્યાંક ક્યાંક ચમકારો જોવા મળી જાય પણ મુંબઈની ટીમે જે સાતત્યપૂર્વક એક પછી એક જીત હાંસલ કરીને ટ્રોફી પર પોતાનું આધિપત્ય જમાવ્યું છે તેને અવગણી શકાય નહિ. આમ તો 13 સીઝન રમાઈ છે પણ શર્માની કપ્તાની હેઠળ મુંબઈ 8 સીઝન રમ્યું છે જેમાંથી 6 વાર ફાઇનલમાં પ્રવેશીને 5 વાર જીત્યું છે. તે સિવાય 1 વાર ચેમ્પિયન્સ લીગ ટી-20 પણ જીત્યું છે. ઉલ્લેખનીય છે કે 2013માં જયારે રોહિત શર્માને ટુર્નામેન્ટની મધ્યે કેપ્ટ્ન બનાવવામાં આવ્યો હતો. તત્કાલીન કેપ્ટ્ન રિકી પોન્ટિંગના બદલે શર્માની કપ્તાનપદે વરણી કરવામાં આવી હતી અને તે સાથે જ મુંબઈએ 2013ની આઇપીએલ ટ્રોફી જીતી હતી.
શું રોહિત શર્માએ નેશનલ ટીમની કપ્તાની કરવી જોઈએ?
 
મુંબઈ ઇન્ડિયન્સ ની આઇપીએલ ફાઇનલમાં જીત સાથે જ ભારતના 2 વર્લ્ડકપ વિનિંગ ટીમના આધારભૂત મેમ્બર અને બે વાર કલકતાને આઇપીએલમાં જીત અપાવનાર ગૌતમ ગંભીરે એક વેબસાઈટને ઇન્ટરવ્યૂ આપતા જણાવ્યું કે “જો શર્મા વ્હાઇટ બોલ ક્રિકેટમાં ભારતની કપ્તાની નહિ કરે તો એ ટીમ માટે બહુ મોટું નુકશાન હશે. તેની અને વિરાટની કપ્તાનીમાં બહુ મોટું અંતર છે. રોહિતે પોતાની ટીમને 5 ટાઇટલ અપાવ્યા છે અને વિરાટ પાસે હજુ એક પણ ટાઇટલ નથી.” ભૂતપૂર્વ ઇંગ્લેન્ડ કપ્તાન માઈકલ વોને પણ ટ્વિટ કરીને શર્માની પ્રશંસા કરી હતી.

ગંભીરની વાત એક રીતે જોતા તો સાચી છે. કપ્તાની માટે રોહિત વિરાટનો વિકલ્પ બની શકે તેમ છે. શર્માએ જયારે જયારે કોહલીની ગેરહાજરીમાં ટીમની કપ્તાની કરી છે ત્યારે મોટેભાગે સફળ રહ્યો છે. આંકડાકીય રીતે જોઈએ તો 19 ટી-20 ઇન્ટરનેશનલમાં 15 મેચોમાં તેણે ટીમને જીતાડી છે જયારે 10 વનડેમાં થી 8 વનડેમાં ભારતની ટીમ શર્માની કપ્તાની હેઠળ જીતી છે.

ખેલાડીઓની સ્કિલનો કેવી રીતે ઉપયોગ કરવો અને ટીમના હિતમાં તેઓ પાસેથી કેવી રીતે પરફોર્મન્સ લેવું તે એક કળા છે. જયંત યાદવ ટી-20 સ્પેશિયલિસ્ટ બોલર નથી, તે સ્પેશિયાલિસ્ટ તો શું મુખ્ય ટીમનો પણ ભાગ નહોતો પરંતુ ફાઇનલ મેચમાં પીચ અને કન્ડિશનનો અભ્યાસ કર્યા બાદ શર્માએ પાવરપ્લેમાં તેને ઈન ફોર્મ બેટ્સમેન શિખર ધવન સામે ઉતાર્યો અને યાદવે ધવનની વિકેટ લઈને મુંબઈ માટે જીતનો રસ્તો વધુ આસાન કરી દીધો. રાહુલ ચહર, ઈશાન કિશન, જસપ્રીત બુમરાહ ક્વેન્ટિન ડી કોક, સૂર્યકુમાર યાદવ, પંડ્યા બ્રધર્સ જેવા કેટલાય ઉદાહરણ છે કે જેનો ઉપયોગ શર્માએ બખૂબીથી કર્યો છે. મુંબઈની ટીમ કોઈ સાધારણ ટીમ નથી. એક એક ખેલાડી મેચ વિનર હોવાને કારણે તેમને મેનેજ કરવા પણ એક બહુ મોટી જવાબદારી છે.
eછાપું 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here