બિહાર ચૂંટણીઓ બાદ કોંગ્રેસની તકલીફો વધી, ભવિષ્ય અંધકારમય

0
372

બિહાર વિધાનસભાની ચૂંટણીઓ બાદ ગઈકાલે નીતીશ કુમારે તો સાતમી વખત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરી લીધા છે પરંતુ કોંગ્રેસની અંદરનો ઉકળતો ચરુ હવે ઉભરાઈ રહ્યો છે. આટલું ઓછું હોય તેમ આવનારી ચૂંટણીઓમાં કોંગ્રેસનું ભાવિ અંધકારમય હોવાનું જણાઈ રહ્યું છે.

ગઈકાલે પ્રકાશિત એક ઇન્ટરવ્યુમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબલે આકરા શબ્દોમાં કહ્યું હતું કે એવું લાગે છે કે કોંગ્રેસને હવે અતિશય ખરાબ રીતે હારવાની આદત થઇ ગઈ છે. સિબલે એમ પણ ઉમેર્યું હતું કે 2014ની લોકસભાની ચૂંટણીઓ  બાદ પક્ષમાં આત્મમંથન થશે એવી વાત થઇ હતી પરંતુ છ વર્ષ બાદ હજી પણ આ પ્રક્રિયા શરુ થઇ નથી.

કપિલ સિબલનું માનવું છે કે દરેક કોંગ્રેસીઓને જાણ છે કે તકલીફ ક્યાં છે પરંતુ કદાચ તેમને એ અંગે પૂછવામાં નથી આવતું. એટલુંજ નહીં બિહાર વિધાનસભાના પરિણામો આવી ગયા ને દિવસો વીતી ગયા હોવા છતાં હજી પણ કોંગ્રેસીઓને હારના કારણો અંગે મંતવ્યો પૂછવામાં આવ્યા નથી. અત્રે એ નોંધનીય છે કે કપિલ સિબલ એ 23 વરિષ્ઠ કોંગ્રેસીઓમાં સામેલ છે જેમણે આ વર્ષની શરૂઆતમાં શશી થરૂરને ઘેર આયોજીત એક પાર્ટીમાં કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ સોનિયા ગાંધીને પત્ર લખીને પક્ષમાં ધરમૂળથી ફેરફાર કરવાની વિનંતી કરી હતી.

જો કે આ પત્ર મિડીયામાં લીક થયા બાદ રાહુલ ગાંધી ગુસ્સે થયા હતા અને કોંગ્રેસ વર્કિંગ કમિટીની (CWC) બેઠકમાં કપિલ સિબલ સહીત કેટલાક વરિષ્ઠ કોંગ્રેસીઓ સમક્ષ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો.

કોંગ્રેસની તકલીફ ફક્ત અંદરથી જ નથી, બિહારની ચૂંટણીઓમાં સિનીયર પાર્ટનર એવા રાષ્ટ્રીય જનતા દલના (RJD) સિનીયર નેતા શિવાનંદ તિવારીએ ANIને આપેલી એક મુલાકાતમાં રાહુલ ગાંધીની આકરી ટીકા કરી હતી. તિવારીના કહેવા અનુસાર બિહારની ચૂંટણીઓનો પ્રચાર ચાલી રહ્યો હતો ત્યારે રાહુલ ગાંધી શિમલામાં પ્રિયંકા વાડ્રાને ઘેરે પીકનીક મનાવી રહ્યા હતા.

શિવાનંદ તિવારીએ દાવો કર્યો હતો કે  બિહારની ચૂંટણીઓ દરમ્યાન બિહાર કોંગ્રેસના નેતાઓ પોતાને ફાળવવામાં આવેલી બેઠકોની સભામાં પણ તેજસ્વી યાદવની માંગણી કરી રહ્યા હતા નહીં કે રાહુલ ગાંધીની. તિવારીએ પ્રશ્ન કરતાં કહ્યું હતું કે શું આ જ રીતે કોંગ્રેસીઓ પોતાની પાર્ટી ચલાવશે?

બિહાર વિધાનસભાના પરિણામો બાદ કોંગ્રેસ તેને ફાળવવામાં આવેલી 70 બેઠકોમાંથી માત્ર 19 બેઠકો જીતી શકી હતી જે તેના 2015ના દેખાવ કરતાં પણ નબળો દેખાવ હતો. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે તેજસ્વી યાદવે કોંગ્રેસની ક્ષમતા કરતા તેને વધારે પડતી બેઠકો ફાળવી દીધી હતી. બિહારની હાલની ચૂંટણીઓમાં મહા ગઠબંધનની હાર માટે કોંગ્રેસનો આ નબળો દેખાવ જવાબદાર હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે કારણકે સામેપક્ષે ભાજપના અદભુત દેખાવેજ NDAને સત્તા નજીક પહોંચાડ્યું હતું કારણકે મુખ્ય પક્ષ JDUનો દેખાવ અત્યંત નબળો રહ્યો હતો.

કોંગ્રેસનું વર્તમાન જો હાલક ડોલક થઇ રહ્યું છે તો ભવિષ્ય પણ અંધકારમય છે. આવતે વર્ષે થનારી કેટલીક મહત્ત્વની વિધાનસભા ચૂંટણીઓમાં તમિલનાડુની ચૂંટણીઓ મહત્ત્વની છે. અહીં મુખ્ય વિપક્ષ દ્રવિડ મુનેત્ર કઝગમ એટલેકે DMKના વડા એમ.કે. સ્તાલીન બિહારના પરિણામો બાદ કોંગ્રેસ અંગે સચેત થઇ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

તમિલનાડુમાં આવતે વર્ષે સત્તા કબજે કરવા માટે સારી એવી આશા ધરાવી રહેલા સ્તાલીન તે સમયે કદાચ કોંગ્રેસ સાથે ગઠબંધન ન કરે અથવા તો તેને અત્યંત ઓછી સંખ્યામાં  બેઠકો ફાળવે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. જો આમ થશે તો કોંગ્રેસની હાલત બદતર થવાની છે તેમાં શંકાને કોઈજ સ્થાન નથી અને તેને કારણે પક્ષને સમગ્ર દેશમાં પણ શરમજનક સ્થિતિમાં મુકાવું પડશે.

આવતે વર્ષે પશ્ચિમ બંગાળમાં પણ વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે, અહીં કોંગ્રેસ તૃણમૂલ કોંગ્રેસ, લેફ્ટ પાર્ટીઓ અને ભાજપા બાદ ચોથા પક્ષની ભૂમિકા ભજવી શકે તેવી પરિસ્થિતિ ઉભી થાય એવું ચિત્ર ગત લોકસભાની ચૂંટણીઓ બાદ ઉભું થયું છે. આવામાં જો ભાજપા અને લેફ્ટ વિરોધી મતોનું જો તૃણમૂલ કોંગ્રેસ તરફ ધ્રુવીકરણ થશે તો પશ્ચિમ બંગાળમાં પણ કોંગ્રેસ શોધી નહીં જડે.

૧૭ નવેમ્બર ૨૦૨૦, મંગળવાર

અમદાવાદ

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here