Home લાઈફ સ્ટાઈલ ફૂડ ફૂડ ચાલો આજે માણીએ દમપુખ્ત બિરયાની (પ્યોર વેજિટેરિયન)

ચાલો આજે માણીએ દમપુખ્ત બિરયાની (પ્યોર વેજિટેરિયન)

0
84
Photo Courtesy: YouTube

બિરયાની ખાવાની બધાને ગમતું હોય છે, પરંતુ આપણે રહ્યાં ગુજરાતી એટલે આપણને એમાં જો વેજીટેરિયન ઓપ્શન મળે તો ખાઈએ એવું જરૂર વિચારતાં હોઈએ છીએ. તો આજે અમે લઈને આવ્યા છીએ દમપુખ્ત બિરયાની જે પૂર્ણપણે વેજીટેરિયન જ છે.

શુરૂઆતની તૈયારી

 1. બેસ્ટ ક્વોલિટીનાં લોન્ગ ગ્રેન બાસમતી રાઈસ જ બિરયાની માટે પસંદ કરવા.
 2. એક નોનસ્ટિક અથવા જાડા તળીયાવાળી કોપરબોટમ તપેલીમાં એક ચમચી દેશી ઘી ગરમ કરવું.
 3. ઘી ગરમ થાય ત્યારે તેમાં બે તમાલપત્ર, આઠ-દસ દાણા કાળા મરી, 5 લવિંગ, 2 નાની એલચી અને એક ટુકડો તજ સાંતળી લેવા.
 4. હવે તેમાં દોઢ કપ બાસમતી ચોખા, ચાર કપ પાણી ઉમેરી, ચોખા પોણા ભાગે રંધાઈ જાય ત્યાં સુધી રાંધી લેવા.
 5. એક ચારણીમાં આ ચોખા ચાળી લેવા. ઓસામણ ફેંકી દેવાનું નથી, તેને એક તપેલીમાં રાખી મૂકવું. ભાત પર ફ્રિજકોલ્ડ ઠંડું પાણી રેડી દેવું. આમ કરવાથી ભાત આગળ રંધાતો અટકી જશે.

શાકની તૈયારી

 • બે મોટા બટાટાની ચિપ્સ તળી લઇ અલગ રાખવી.
 • બે મોટી ડુંગળીની સ્લાઈસ કરી બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવી. તેને પણ અલગથી રાખી મૂકો.
 • 2 ઈંચનો ટુકડો આદુ, 4-6 લીલા મરચાં અને 8-10 કળી લસણની પેસ્ટ વાટી, અલગ રાખી મૂકો.
 • 2 મિડિયમ સાઈઝ ડુંગળીની સ્લાઈસ કરી લો.
 • 1 મિડિયમ ગાજરનાં વટાણાની સાઈઝનાં પીસ સમારી તેને ઊકળતા પાણીમાં બે મિનીટ બાફી નિતારી લેવા.
 • ફણસી ને ઊકળતા પાણીમાં બે મિનીટ રાખી, નિતારી લેવી. તેનાં 1 ઇંચની લંબાઈમાં ત્રાંસા પીસ સમારી લેવા.
 • વટાણાને ઊકળતા પાણીમાં બે મિનીટ માટે બાફી લઈ નિતારી લેવા.
 • કોબી પાતળી સળીમાં સમારી લેવું.
 • લાલ અને લીલા મરચાની લાંબી ચીરીઓ કરી લેવી.
 • 2 મોટા ચમચા કાજુ ટુકડાને એક નાની હાંડીમાં ચમચી ઘી ગરમ કરી ગુલાબી થાય ત્યાં સુધી શેકી લેવા.
 • હવે એક જાડી નોનસ્ટિક પેનમાં બે ચમચા દેશી ઘી ગરમ કરવા મૂકવું.
 • ઘી ગરમ થાય ત્યારે તેમાં તજ, લવિંગ, એલચી અને કાળા મરી સાંતળો.
 • ત્યાર પછી તેમાં જીરું અને હિંગનો વઘાર કરવો.
 • પછી તેમાં આદુ-મરચાં-લસણની પેસ્ટ ઉમેરી સાંતળી લેવું.
 • તેમાં ડુંગળીની સ્લાઈસ ઉમેરો. ડુંગળી ગુલાબી થાય ત્યારે તેમાં અડધી ચમચી હળદર, એક ચમચી ધાણાજીરું અને એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરો. વધારે લાલ કલર લેવો હોય તો એક ચમચી કાશ્મીરી મરચું પાવડર ઉમેરી શકાય.
 • મસાલામાંથી તેલ છૂટું પડે ત્યારે તેમાં એક પછી એક બધાં શાક ભેળવી પાંચ મિનીટ શાક ને ચડવા દેવા. આ તકે મીઠું પણ ઉમેરી દેવું.
 • બધાં શાક બરાબર ચડી રહે ત્યારે તેને એક બાઉલમાં કાઢી લેવા.

આખરી ઓપ

 • હવે એક જાડી નોનસ્ટિક પેન કે પછી જાડા તળીયાવાળી હાંડીમાં, એક થર ભાત પાથરી દેવો.
 • તેનાં પર શાક, તેનાં પર ફરી થી એક થર ભાત એમ લેયર પાથરવા.
 • ઉપલા લેયર પર ઘી, માખણ અને દહીં નાં નાનાં ચક્કાં છુટા છુટા મુકવા.
 • મરચાં ની ચીરીઓ પણ ગોઠવવી.
 • બટેટાની ચિપ્સ અને તળેલી ડુંગળી તમારી ઇચ્છા પ્રમાણે સજાવો.
 • ફોદીનાનાં પાન અને સમારેલી કોથમરી છાંટવી.
 • ઉપરથી સાવ થોડુ પાણી હાથેથી છાંટી દેવું.
 • હવે રોટલી માટેનો લોટ બાંધી પેનનાં ઉપલા ભાગે લાંબા લુઆની જેમ લગાવી દેવો.
 • તેનાં પર એક થાળી ઢાંકી હાથેથી વજન દઇ બરાબર દાબીને પેનનું ઢાંકણ બંધ કરી દેવું. હવે આ પેનને બિલકુલ ધીમી આંચ પર 10 થી 15 મિનીટ માટે પાકવા દેવું.

બિરયાનીને સર્વ કરો

 • ત્યારબાદ થાળી ઉતારી લઇ, બિરયાનીને કિનારીથી અંદરની તરફ એકદમ હલ્કે હાથે મિક્સ કરવી, કે જેથી ચોખાનાં દાણા ભાંગશે નહીં અને એકદમ સુંદર દેખાશે.
 • હવે જે ભોજન આંખને ગમે એ જીભને તો ભાવે જ ને?

સ્પેશિયલ ટીપ

 • જો તમે ચાહો તો, એક કોલસાને ગેસ પર તપાવી, એક વાટકીમાં મુકી આ વાટકી બિરયાની પર મૂકો.
 • હવે તે કોલસા પર એક ચપટી હિંગ અને એક ચમચી દેશી ઘી રેડી તરત જ ઢાંકણું ઢાંકી દેવું. આને ઘી નો ધૂંગાર આપ્યો કહેવાય.
 • જે ધુમાડાની સોડમ બીરયાનીમાં બેસી જશે અને એક અનેરો સ્વાદ આવશે.

અને હા બિરયાની ને દહીં સાથે સર્વ કરવાનું ભૂલતાં નહીં.

eછાપું 

તમને ગમશે – ભાત ભાતના ભાત અને તેમાંથી બનતી ભાત ભાતની રેસિપીઓ!

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!