વિરાટ કોહલીની પિતૃત્વ રજાને વિવાદમાં ઘસેડવી જરૂરી છે?

0
340
Photo Courtesy: Femina

વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસની શરૂઆતને હવે અઠવાડિયાથી પણ ઓછો સમય બાકી રહ્યો છે. ભારત આ પ્રવાસમાં T20, વનડે અને ટેસ્ટ મેચો રમવાનું છે. જો કે ટીમના કપ્તાન વિરાટ કોહલી T20 અને વનડે મેચો રમ્યા બાદ એડિલેડમાં રમાનારી અને જેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે તે ડે-નાઈટ ટેસ્ટ મેચ રમીને ભારત પરત થશે કારણકે તે સમયે તેના પિતા બનવાનો સમય નજીક આવી ગયો હશે. આ કુદરતી ઘટનાને પણ આપણે ત્યાં અને ખાસકરીને મિડિયા અને પાનના ગલ્લાના વિશ્લેષકો તેમજ નિષ્ણાતો વિવાદનું રૂપ આપી રહ્યા છે.

વિવાદ એવો છે કે ‘દેશ માટે રમવું એ પ્રાથમિકતા છે કે પછી વ્યક્તિગત ઘટનાઓ?’ હવે આગળ આપણે વાત કરી એમ કોઇપણ વ્યક્તિનું માતા અથવાતો પિતા બનવું એ અત્યંત કુદરતી ઘટના છે અને જેમ આપણે ત્યાં કહેવાય છે એમ જન્મ અને મરણ આપણા હાથમાં નથી. હા હવે પોતાના બાળકના જન્મનું પ્લાનિંગ માતાપિતા આસાનીથી કરી શકે છે એવી સગવડ જરૂર ઉપલબ્ધ છે પરંતુ વિરાટ અને અનુષ્કાના કિસ્સામાં આ પ્લાનિંગ પણ એટલું સરળ ન હતું.

વિરાટ ટીમ ઇન્ડિયાનો કેપ્ટન છે અને આપણે જાણીએ છીએ કે ટીમ ઇન્ડિયા વર્ષનો મોટોભાગ ક્રિકેટ રમતી હોય છે. જ્યારે અનુષ્કા શર્મા એ બોલિવુડની સહુથી સફળ અભિનેત્રીઓમાંથી એક છે એટલે એની કારકિર્દીમાં પણ તેને આરામ કરવાનો સમય ક્યારે મળે તે એને પણ કદાચ ખબર નહીં પડતી હોય. એટલે આ દંપત્તિએ સમજી વિચારીને જ આવતા વર્ષની શરૂઆતમાં આવનાર બાળકનું પ્લાનિંગ કર્યું હશે એમાં કોઈને શંકા ન હોઈ શકે.

બીજું, ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ છેક ગયા મહિના સુધી અદ્ધરતાલ જ હતો કારણકે કોરોનાની અસર ઓસ્ટ્રેલિયામાં પણ ઓછી નથી. ભારતની ટીમ ઓસ્ટ્રેલિયા ઓલરેડી પહોંચી ગઈ હતી અને ગયા અઠવાડિયે જ જ્યાં પ્રથમ ટેસ્ટ રમાવાની છે એ એડિલેડમાં અચાનક જ કોરોનાના કેસ ઝડપથી વધવા લાગતાં ચિંતા વ્યાપ્ત થઇ ગઈ હતી એટલુંજ નહીં ઓસ્ટ્રેલિયાના ટેસ્ટ કેપ્ટન ટિમ પેઈન અને માર્નસ લબુશેનને તાત્કાલિક અહીંથી એરલીફ્ટ કરીને સાઉથ ઓસ્ટ્રેલિયા લઇ જવા પડ્યા હતા. એટલે આ પ્રવાસને ધ્યાનમાં રાખીને પણ કોહલી દંપત્તિએ બાળકનું પ્લાનિંગ નહીં કર્યું હોય અથવાતો એ શક્ય જ ન હોય એ જરૂરથી શક્ય છે.

જમાનો હવે બદલાયો છે. એક સમય હતો જ્યારે પિતાને પોતાને ત્યાં બાળક જનમ્યું છે તેની ખબર એકાદ મહિના બાદ પડતી. પછી સમય બદલાયો અને જન્મના સમાચાર જે-તે દિવસે પિતાને મળે એટલે એ શક્ય હોય તેટલું જલ્દી બાળકના જન્મસ્થળે પહોંચીને તેના પ્રથમ દર્શન કરી લેતો. હવે સમય એવો આવ્યો છે કે પિતા પણ એવું ઈચ્છે છે કે પત્નીની પ્રેગનન્સીના અંતિમ દિવસો દરમ્યાન તે એની સાથે રહે એટલુંજ નહીં પરંતુ બાળક જન્મે ત્યારે પણ તે પોતાની પત્ની સાથેજ લેબરરૂમમાં ઉપસ્થિત હોય.

ફરીથી આ એક કુદરતી ઘટના છે અને લાગણીની વાત છે અને ઉપરોક્ત તમામ શક્યતાઓને ધ્યાનમાં લઈએ તો ઓસ્ટ્રેલિયા પ્રવાસ 40% જેટલો બાકી રાખીને વિરાટ કોહલી જો ભારત પરત આવતો હોય તો એનો દોષ કાઢવો એ નરી મૂર્ખતા સિવાય બીજું કશું નથી. હવે જ્યાં સુધી દેશભક્તિની વાત આવે અથવાતો ક્રિકેટને દેશપ્રેમ સાથે જોડવાની વાત આવે ત્યારે તે આપણા કહેવાતા ‘ક્રિકેટ ફેન્સ’ અને ક્રિકેટ દ્વેષીઓ માટે એ પોતપોતાની અનુકુળતાનો વિષય બની જાય છે.

જે લોકો વિરાટ કોહલીને અત્યારે પિતૃપ્રેમ ખાતર દેશપ્રેમને નેવે મૂકી દેવાનો આરોપ મૂકી રહ્યા છે જેમાં આપણી જાણીતી ન્યૂઝ ચેનલોના એડિટર્સ પણ સામેલ છે એ લોકો પોતાની અનુકુળતાએ ટીમ ઇન્ડિયાને ટીમ BCCI પણ કહી દેતા હોય છે. એટલે જ્યારે એમને ભારતીય ક્રિકેટ ટીમની ટીકા કરવી હોય કે એની મશ્કરી કરવી હોય ત્યારે તે “આ ક્યાં ભારતની ટીમ છે આ તો ટીમ BCCI છે, સુપ્રિમ કોર્ટમાં પણ આ સાબિત થઇ ચૂક્યું છે” એવો હવાલો આપી દેતા હોય છે.

હવે જ્યારે વિરાટ કોહલીની ટીકા કરવાની તક મળી છે ત્યારે ક્રિકેટ ટીમના કેપ્ટનની વ્યક્તિગત ભાવનાને દેશપ્રેમ સાથે જોડીને એ જ લોકો મજા લઇ રહ્યા છે જે ટીમ ઇન્ડિયાને ફક્ત બે જ સેકન્ડમાં ટીમ BCCI કહી દેતા હોય છે કારણકે એ સમયે એમને એ બાબતની મજા લેવી હોય છે.

પરંતુ, ક્રિકેટની રમત હવે કોઈપણ અન્ય રમત પછી તે ફૂટબોલ હોય કે પછી ટેનીસ કે પછી બાસ્કેટબોલની જેમ પ્રોફેશનલ થઇ ગઈ છે. જો ક્રિકેટરો પર ‘કશું કર્યા વગર’ કરોડો કમાવાનો આરોપ મુકાતો હોય તો પછી એમને હક્ક છે કે એમાંથી થોડા કરોડ રૂપિયા ન કમાઈને પોતાની પત્ની કે પરિવાર સાથે સમય ગાળે. બેશક વિરાટ કોહલી માત્ર એક જ ટેસ્ટ રમશે એટલે બાકીની ત્રણ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા પર શરૂઆતી દબાણ જરૂર હશે પરંતુ એ હારી જ જશે એ જરૂરી નથી અને એ જીતી પણ શકે છે એવી એક મીઠી મધુરી હકારાત્મક શક્યતા પણ રહેલી છે.

ભૂતકાળમાં ડોકિયું કરીએ તો 20 ફેબ્રુઆરી 1976ના દિવસે જ્યારે રોહન ગાવસ્કરની જન્મ થયો ત્યારે પિતા સુનિલ ગાવસ્કર ન્યુઝીલેન્ડમાં ટેસ્ટ મેચ રમતા હતા. આ સિરીઝ પતાવીને ભારતીય ટીમ ત્યાંથી સીધી જ વેસ્ટ ઇન્ડિઝ જવાની હતી એટલે એવી શક્યતાઓ હતી કે ગાવસ્કર જ્યારે ઘેર પરત આવે ત્યારે રોહન ગાવસ્કર છ મહિનાથી પણ મોટા થઇ ગયા હોય. પરંતુ સુનિલ ગાવસ્કરની વિનંતી માનીને BCCIએ તેમને ન્યુઝીલેન્ડથી વેસ્ટ ઇન્ડિઝ જતાં અગાઉ ભારત પરત આવવાની મંજૂરી આપી અને બાકીની ટીમ ન્યુઝીલેન્ડથી જ વેસ્ટ ઇન્ડિઝ ગઈ જ્યારે ગાવસ્કર થોડા જ દિવસો માટે પોતાના પુત્રને જોવા ભારત આવ્યા.

ગઈકાલે એક ટીવી કાર્યક્રમમાં કપિલ દેવે આ ઘટનાને યાદ કરતા બહુ સરસ વાત કરી કે વિરાટ પાસે એ ક્ષમતા છે કે એ પોતાના આવનારા બાળક માટે ઈચ્છે ત્યારે આવી શકે કારણકે તે આખું પ્લેન ખરીદી શકે છે જ્યારે અમે તો આવું વિચારી પણ નહોતા શકતા. કપિલ દેવે છેલ્લે ઉમેર્યું પણ હતું કે વિરાટ કોહલી જો આ રીતે ઘેરે પરત આવતો હોય તો કોઈને પણ વાંધો હોવો ન જોઈએ.

આ લખી રહ્યો છું ત્યારેજ મોહમ્મદ સિરાજના પિતાના અવસાન બાદ સિરાજે ભારત પરત આવીને પિતાના અંતિમ સંસ્કારમાં આવવાની BCCIની ઓફરને નકારી દીધી છે. આમ આપણા ક્રિકેટરોમાં દેશ માટે રમવાની ભાવના ભારોભાર ભરેલી છે જ એમાં કોઈને શંકા હોય તો તેને એ શંકા સાથે જીવવવાની છૂટ છે, પરંતુ ફક્ત ટીકા કરવા અથવાતો અનુકુળ ટીકા કરવા વિરાટ કોહલી પર નાહક કાદવ ઉછાળવો એ યોગ્ય નથી એ પણ એટલું જ સાચું છે.

૨૨ નવેમ્બર ૨૦૨૦, રવિવાર

અમદાવાદ

eછાપું

તમને ગમશે: ઓસ્ટ્રેલિયા ટુર – ભારત માટે સિરીઝ જીત અભી નહીં તો કભી નહીં

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here