Review: પાવર હાઉસ પરફોર્મન્સીઝ અને મનોરંજનથી ભરપૂર છે લૂડો

0
430
Photo Courtesy: Google

થિયેટરો બંધ હોવાને કારણે આજકાલ ઓવર ધ ટોપ પ્લેટફોર્મ્સ એટલેકે OTT પર નવી નવી ફિલ્મો રિલીઝ થઇ રહી છે અને આપણા જેવા બોલિવુડ ફિલ્મ રસિયાઓને મજા પડી ગઈ છે. આ જ તરેહ પર ગયા અઠવાડિયે અનુરાગ બાસુની ફિલ્મ લૂડો નેટફ્લિક્સ પર રિલીઝ થઇ છે જેને ગત રવિવારે જોવાની તક મળી હતી.

ફિલ્મ રિવ્યુ: લૂડો

કલાકારો: અભિષેક બચ્ચન, રાજકુમાર રાવ, આદિત્ય રોય કપૂર, સાન્યા મલ્હોત્રા, ફાતિમા સાના શેખ, રોહિત સુરેશ સરાફ, પર્લ માને, ઈશ્તિયાક ખાન અને પંકજ ત્રિપાઠી.

નિર્દેશક: અનુરાગ બાસુ

રન ટાઈમ: 150 મિનીટ્સ

રેટિંગ: 18+

કથાસાર

આ ફિલ્મનો કથાસાર કહેવો જરાક અઘરો છે કારણકે ફિલ્મમાં ચાર અલગ અલગ વાર્તા છે પરંતુ તેમ છતાં તે એક જ વાર્તા છે! ન ખબર પડીને? તો ખબર પાડવા માટે તો લૂડો જોવી આવશ્યક છે. પણ જો ટુંકાણમાં પતાવવું હોય તો એમ કહી શકાય કે આ ચાર વાર્તા બિટ્ટુ (અભિષેક બચ્ચન), આકાશ (આદિત્ય રોય કપૂર) અને શ્રુતિ (સાન્યા મલ્હોત્રા), આલુ (રાજકુમાર રાવ) અને પિન્કી (ફાતિમા સાના શેખ) તેમજ રાહુલ (રોહિત સુરેશ સરાફ) અને શીજા થોમસના (પર્લ માને) સતત સંઘર્ષપૂર્ણ જીવન પર આધારિત છે.

બિટ્ટુ જે ગુનાનો રસ્તો છોડીને કુટુંબ વસાવીને સુખી હતો તેની જૂના કેસની ફાઈલ અચાનક જ ખુલતાં તેણે જેલમાં જવું પડે છે અને તેની પત્ની બિટ્ટુના જ મિત્ર સાથે પરણી જઈને બિટ્ટુની પુત્રીનો ઉછેર કરે છે. આકાશ અને શ્રુતિ વચ્ચેનો સાચો સબંધ શું છે એની તો એ બંનેને પણ કદાચ ખબર નથી પરંતુ એક હોટેલ રૂમમાં એ બંને વચ્ચે જ્યારે શારીરિક સબંધ બંધાયા ત્યારે ત્યાં રહેલા હિડન કેમેરામાં તેમની આખી ફિલ્મ ઉતારી હતી અને હવે તે ઈન્ટરનેટ પર વાયરલ થઇ ગઈ છે એનું એ બંનેને ટેન્શન છે.

આલુ પિન્કીને એક તરફી પ્રેમ કરે છે પણ પિન્કી તો એને એક તરફ મુકીને કોઈ બીજાને પરણી જાય છે અને જ્યારે એને પોતાના પતિના લગ્નેતર સબંધની ખબર પડે છે ત્યારે તે આલુના આ પ્રેમનો એકતરફી લાભ ઉઠાવે છે અને આલુ હસતાં હસતાં પિન્કીને પોતાનો લાભ ઉઠાવવા પણ દે છે. રાહુલ અને શીજાને પોતપોતાના કાર્યસ્થળો પર ઉપરીઓ અથવાતો સાથી કર્મચારીઓ દ્વારા સતત અપમાનનો સામનો કરવો પડતો હોય છે અને આ બંનેને આ પરિસ્થિતિમાંથી ગમે તે રીતે નીકળવું છે.

આ તો થઇ ચાર જુદીજુદી વાર્તાઓ જે આપણે લૂડો જોતી વખતે અનુભવીએ છીએ પરંતુ આ ચારેય વાર્તાઓને એકસૂત્રે બાંધે છે સત્તુ ભૈયા (પંકજ ત્રિપાઠી). ઉપર દર્શાવેલા દરેક પાત્રો કોઈને કોઈ રીતે આ સત્તુ ભૈયા સાથે સબંધ ધરાવે છે અથવાતો એમને મજબુરીમાં ધરાવવા પડે છે. આ સત્તુ ભૈયા આમતો ગામના ઉતાર જેવા એટલેકે ગુંડા છે અને સમગ્ર ફિલ્મ દરમ્યાન તેઓ કોઈને કોઈ રીતે ઈજા પામતાં રહે છે.

રિવ્યુ

ભૂતકાળમાં બોલિવુડમાં ઘણા એવા પ્રયોગો થયા છે જેમાં સમગ્ર ફિલ્મમાં એકથી વધુ વાર્તાઓ હોય જેમકે ‘અ લાઈફ ઇન અ મેટ્રો’ જેને આ ફિલ્મના નિર્દેશક અનુરાગ બાસુએ જ નિર્દેશિત કરી હતી. પરંતુ મોટેભાગે આવી ફિલ્મોમાં એક વાર્તા પતે પછી બીજી વાર્તા શરુ થતી હોય છે. પરંતુ લૂડો સાવ અલગ છે. અહીં ચાર જુદી જુદી વાર્તાઓ છે પરંતુ જેમ આગળ આપણે વાત કરી તેમ દરેક વાર્તા એકબીજા સાથે કોઈને કોઈ રીતે જરૂર સંકળાયેલી છે અને પંકજ ત્રિપાઠીનું પાત્ર આ ચારેય વાર્તાઓને જોડે છે. ચારેય વાર્તાના અલગ અલગ પાત્રો એકથી વધુ વખત આમનેસામને પણ આવે છે તેમ છતાં ચારેય ટ્રેક સમાનાંતર ચાલતા રહે છે, એટલુંજ નહીં જોનારને કોઈ ગૂંચવાડો પણ નથી થતો થેન્ક્સ ટુ ટાઈટ સ્ક્રિનપ્લે.

ફિલ્મોમાં અથવાતો સાહિત્યમાં કોમેડી અથવાતો હાસ્યનો એક પ્રકાર છે ડાર્ક કોમેડી. લૂડો એક ડાર્ક કોમેડી છે. ડાર્ક કોમેડી એટલે કોઈ પાત્રના દુઃખ પર કે કોઈની પીડા પર આપણને વાર્તા હસાવતી હોય. લૂડો ફિલ્મનું દરેક પાત્ર કોઈને કોઈ રીતે દુઃખી છે, કોઈને કોઈ પીડામાંથી પસાર થતું હોય છે પરંતુ તે આપણને ચોક્કસ હસાવે છે અથવાતો હસવા માટે મજબૂર કરે છે. હા, અભિષેક બચ્ચનવાળો પ્લોટ કોમિક કરતાં ઈમોશનલ જરૂર છે પરંતુ ત્યાં પણ અમુક સ્થાને તે આપણને સ્મિત જરૂર કરાવી જાય છે.

સામાન્ય રીતે આટલા બધા પાત્રો અથવાતો કલાકારો એક જ ફિલ્મમાં હોય ત્યારે એક સમસ્યા આવતી હોય છે કે કેટલાક પાત્રો આપણને ખૂબ ગમી જાય અને બાકીના ખાસ ન ગમે. અથવાતો લેખક દરેક પાત્ર સાથે સરખો ન્યાય ન કરી શકે. સ્ક્રિનપ્લે નો કમાલ હોય કે પછી તમામની એક્ટિંગ લૂડોના દરેક પાત્રો આપણને ગમે જ છે. લૂડો માટે દરેક કલાકારે પોતાના શત પ્રતિશત આપ્યા હોવાનું ફિલ્મમાં સ્પષ્ટ દેખાય છે. પરંતુ વ્યક્તિગત રીતે ત્રણ કલાકારના અભિનય ખૂબ ગમી ગયા.

એક તો રાજકુમાર રાવ જેણે આલુનું પાત્ર ખૂબ સુંદર રીતે ઉપસાવ્યું છે અને એક તરફી પ્રેમમાં રહેલો વ્યક્તિ પોતાની (કહેવાતી) પ્રેમિકા માટે શું ન કરી શકે એ ફિલ્મના અંત સુધી આપણને અનુભવ કરાવવામાં રાજકુમાર રાવે મેદાન મારી લીધું છે. પંકજ ત્રિપાઠી હવે એ સ્તરે પહોંચી ગયા છે કે એમના અભિનયના વખાણ કરો કે ન કરો એમને કોઈજ ફરક નથી પડતો, પરંતુ અહીં એક ડોન હોવા છતાં અને વારંવાર અકસ્માતોનો સામનો કરતા વ્યક્તિ તરીકે પંકજ ત્રિપાઠી સતત સ્મિત આપતાં રહીને આપણને એકદમ ‘સ્વિટ’ લાગે છે.

અમુક મહિના અગાઉ નેપોટીઝમની ચર્ચા ખૂબ ચાલી હતી. અભિષેક બચ્ચન નેપોટીઝમનું અવળું ઉદાહરણ છે. અતિશય સફળ પિતાના પુત્ર હોવું કદાચ અભિષેકને પોતાની કારકિર્દી આગળ લઇ જવામાં નડી ગયું છે. પરંતુ અભિષેક બચ્ચનની અદાકારીની ટેલેન્ટ પર હજી પણ કોઈને શંકા હોય અને એના વિષેના ચીપ જોક્સ બનાવવામાં હજીપણ કોઈને રસ હોય તો એક વખત તેણે લૂડો જરૂર જોઈ લેવી જોઈએ. ચહેરા તેમજ આંખોના વિવિધ હાવભાવ સાથે અભિષેકે અહીં જબરદસ્ત અભિનય કર્યો છે.

એજન્ડા

આ રિવ્યુથી આપણે એક નવી કેટેગરી ઉમેરી છે જે છે એજન્ડા. ફિલ્મી દુનિયા પર વામપંથી હિંદુ વિરોધી માનસિકતા ધરાવતા લોકોનો કબજો છે જે પોતાની ફિલ્મોમાં હિંદુ ધર્મને નીચો દેખાડવાની એકપણ તક ગુમાવતા નથી. લૂડો પણ આ એજન્ડાથી બાકાત નથી. આ પ્રકારની માનસિકતાની તરફેણ કરનારને કદાચ આ કેટેગરી ગમશે નહીં.

અહીં એક ડાયલોગમાં સરકાર તરફી મિડીયાને ‘ગોદી મિડિયા’ તો કહેવામાં આવ્યું છે પણ સરકારનો સતત વિરોધ કરતા મિડિયાને કયા નામે બોલાવવું એ અંગે કોઈજ સ્પષ્ટતા નથી. તો ન્યુઝીલેન્ડમાં ગાય દૂધ આપે છે અને આપણે ત્યાં મત અપાવે છે એવી સરખામણી પણ લૂડો કરે છે. રામલીલાની શૂર્પણખા બાજીરાવ મસ્તાનીના ડાયલોગ બોલે છે. તો પીકે બાદ આ ફિલ્મમાં પણ માતા કાલી, મહિષાસુર સાથે શંકર ભગવાનની મશ્કરી કરવામાં આવી છે. છેલ્લે જ્યારે ફિલ્મનો અંત આવે છે ત્યારે હિંદુ ધર્મની અસ્થાના પ્રતીકો એવા યમરાજ અને ચિત્રગુપ્ત માત્ર કાલ્પનિક હોવાની વાત પણ લૂડો કહે છે.

છેલ્લે…

ભલે ફિલ્મમાં એક ખાસ એજન્ડાને સ્થાન આપવામાં આવ્યું હોય પરંતુ લૂડો મનોરંજન પૂરું પાડવામાં બિલકુલ કચાશ નથી રાખતું. લૂડો સ્વરૂપે ઘણા સમયે એવી એક ફિલ્મ જોવા મળી છે જેના અંતે મોઢામાંથી ‘વાહ’ આપોઆપ નીકળી જાય છે. આગળ વાત કરી તેમ ફિલ્મની ટ્રીટમેન્ટ અને તમામ કલાકારોના પાવરહાઉસ પરફોર્મન્સ લૂડો માટે આશિર્વાદરૂપ અને તેને વારંવાર જોવા માટે મજબૂર કરે તેવા બન્યા છે.

૨૩ નવેમ્બર ૨૦૨૦, સોમવાર

અમદાવાદ

eછાપું

તમને ગમશે – રીવ્યુ: Netflix ની Extraction એક માણવાલાયક એક્શન ફિલ્મ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here