दिल से रेहमान (8): “મા તુજે સલામ” અને આમિર ખાન સાથે દોસ્તી

0
338

ગયા અઠવાડિયે આપણે વર્ષ 2000 સુધીમાં આવેલી રહેમાનની ફિલ્મોની વાત કરી પરંતુ 1997માં રિલીઝ થયેલા એક અત્યંત મહત્ત્વના પ્રોજેક્ટ આલ્બમ ‘વંદે માતરમ્’ વિશે વાત કરી નહોતી.

સોની મ્યુઝીક એન્ટરટેનમેન્ટ એક જાપાની સમૂહ ‘સોની’ની માલિકી હેઠળની એક અમેરિકન સંગીત કંપની હતી, જે દુનિયાની બીજી સૌથી મોટી રેકોર્ડ કંપની હતી. વ્હિટની હ્યુસ્ટનથી લઈને ચેનસ્મોકર્સ, અને ફ્રેન્ક સિનાત્રાથી પિંક ફ્લોયડ સુધીના દિગ્ગજ કલાકારો આ કંપની સાથે કામ કરી ચૂક્યા હતા. આ કંપની તે વખતે ભારત દેશમાં ઔપચારિક રીતે પ્રવેશવાનું શરૂ કરી રહી હતી અને ભારતના માઈકલ જેક્સન કહેવાતા રહેમાન સાથે કરાર કરવાની ઈચ્છા કંપનીના માલિક અને મેનેજેમેન્ટ ટીમે ધરાવી. રહેમાન સાથેનો કરાર કંપનીને નવી ઊંચાઈઓ પર લઈ જાય એ તેમની માટે અત્યંત મહત્ત્વનું હતું. સામે પક્ષે રહેમાનને પણ આ કંપની સાથે ભારતના પ્રથમ રેકોર્ડિંગ કલાકાર તરીકે કરાર કરવામાં ઘણો ઉત્સાહ હતો.

આ મુદ્દે રહેમાને ભારતીય બજારમાં પ્રવેશ માટે સોની મ્યુઝિક સમક્ષ એક એવો વિચાર મૂકયો જે ભારતીય આઝાદીના પચાસમા વર્ષની ઉજવણી સાથે બંધબેસતો હોય. આ વિચાર જ સોનીના મેનેજમેન્ટ ટીમને ગમી ગયો અને તરત જ તેની પર અમલ મૂકવાનું શરૂ થયું. રહેમાન સાથે તેના જૂના મિત્ર ભારત બાલા પણ જોડાયા.

રહેમાન અને ભારત બાલા વચ્ચે પોતાની માતૃભૂમિ માટે કંઈક તદ્દન નવું કરવાનો વિચાર સોની સાથે તેમનું વ્યવસાયિક જોડાણ થયું તે પહેલાં આશરે એક વર્ષથી ચાલતો હતો. રહેમાન એક એવોર્ડ શો માટે મુંબઈ હતો ત્યારે તેણે બાલાને મળવા બોલાવ્યો અને સાથે મળીને હોટલ રૂમમાં સંગીત સાંભળતા હતા. બંને જૂના મિત્રો અને સાથીદારો હતા એટલે માઈકલ જેકસનના ‘They don’t care about us’ ગીત રેડિયો પર સાંભળતી વખતે અચાનક જ રહેમાન બોલ્યો, “બાલા, તમે તો ઘણા લાંબા સમયથી જાહેરાત જગતમાં કામ કરતા રહ્યા છો. તમે માર્કેટિંગના વ્યક્તિ છો. તમે આ બધા વિદેશી કોકાકોલા અને કપડાઓને આપણા આખા દેશમાં માર્કેટિંગ કરીને વેચવામાં મદદ કરી છે. પરંતુ તેના કરતાં કંઈક વધુ માર્કેટિંગ કરવાનો પ્રયાસ કર્યો છે?”

ભારત બાલા આ વિચારની વિરુદ્ધમાં નહોતા. તેમણે તરત જ પૂછ્યું “તારા મનમાં શું છે? તારે શું માર્કેટિંગ કરવું છે?”

રહેમાને કહ્યું, “ભારત. હિન્દુસ્તાન. ઈન્ડીયા. આપણે આપણા જ દેશને તેના લોકો માટે માર્કેટિંગ કરીએ. યુવાનોને. દુનિયાભરના લોકોને ભારત વિશે જાણકાર બનાવીયે તો?”

ભારત બાલાને તરત જ આ વાત ગળે ઉતરી ગઈ. બંનેએ જ્યારે આ વિશે વધુ વાત કરી ત્યારે નક્કી કર્યું કે જે કંઈ કરીએ તે કંઈક અલગ કંઈક નવું કંઈક વિશાળ હોવું જોઈએ જેમ કે માઈકલ જેક્સનનો કોઈ આંતરરાષ્ટ્રીય આલ્બમ!

***

સોની એ ખૂબ મોટી કંપની હતી અને રહેમાનના આ આલ્બમને પ્રસિદ્ધ કરવા માટે પ્રતિબદ્ધ હતી એટલે મોટેપાયે કામ શરૂ થયું.

સોની કંપનીએ આ આલ્બમ માટે રહેમાનને સહયોગ આપવા માટે દુનિયાના નામાંકિત અને મોટા કલાકારોની શ્રેણીમાંથી કોઈ દિગ્ગજ કલાકારને પસંદ કરવાની તક આપી. પરંતુ રહેમાનને તેમાંથી કોઈની સાથે કામ કરવાની ઈચ્છા નહોતી. રહેમાનને સ્પષ્ટ હતું કે એવી યોગ્ય વ્યક્તિઓની જરૂર છે જે સંગીતને આગલા સ્તર પર લઈ જાય. કોઈનું સંગીતજગતમાં મોટું નામ છે તે કારણે સહયોગ કરવો નહોતો. રહેમાને કલાત્મક રીતે કલાકારોની પસંદગી કરી અને પોતાના સંગીતની ગુણવત્તા વિશે ખૂબ જ કાળજી લીધી.

તેમ છતાં રહેમાન એક વ્યક્તિ સાથે તે આલ્બમ માટે ગીત પર કામ કરવા માંગતો હતો અને તે હતા વિશ્વ વિખ્યાત પાકિસ્તાની કવ્વાલી ગાયક નુસરત ફતેહ અલી ખાન. જ્યારથી એક પ્રસંગે તેમનું સંગીત સાંભળેલું, રહેમાન નુસરત ખાન સાથે ઘણાં સમયથી કામ કરવા માટે ઉત્સુક હતો. નુસરત ખાન પ્રત્યે તેનો ભારે કલાત્મક આદર હતો અને આ તે સમય હતો જ્યારે તે ગંભીરતાથી સુફીવાદમાં પણ પ્રવેશવા લાગ્યો હતો. એટલે જ નુસરતના કવ્વાલી સંગીત પ્રત્યે ઊંડો પ્રેમ વિકસાવી રહ્યો હતો.

રહેમાન અને બાલા સોની સાથેના કરારને અંતિમ રૂપ આપવા માટે ન્યૂયોર્ક ગયા અને આલ્બમને નામ આપ્યું – ‘વંદે માતરમ્’!

‘વંદે માતરમ્’ એક અલગ અને વિશાળ પ્રોજેક્ટ હતો. તે સમયે રહેમાન ફિલ્મોમાં ખૂબ જ સારું કામ કરી રહ્યો હતો એટલે આ આલ્બમ એક નવો રસ્તો ગણી શકાય. તેની પાસે અઢળક ફિલ્મોની ઑફર હતી તેમ છતાં રહેમાનનો ‘નેવર સે નો એટીટ્યુડ’ (કદી ના ન કહેવાનું વલણ) હતો એટલે જ જાહેરાત કરતી વખતે તામિળ ફિલ્મોની ઑફર આવી તો તે સ્વીકારી, પછી હિન્દી ફિલ્મોની ઑફર આવી તો તે સ્વીકારી અને હવે ‘વંદે માતરમ્’!

‘વંદે માતરમ્’ બાબતે રહેમાને કહેલું છે

મેં મારી જિંદગીમાં ઘણી મહત્વની બાબતો કરી છે તેમાંથી સૌથી મહત્ત્વની છે “મા તુજે સલામ” અને ‘વંદે માતરમ્’. હું સંગીતનો એક એવો ટુકડો (કે ગીત) બનાવવા માંગતો હતો જે મને કાયમ માટે મારા લોકો સાથે જોડી રાખે. આપણા દેશમાં ઘણાં રાજ્યો, ભાષાઓ અને ધર્મો છે અને છતાં ભારત એક થઈને રહે છે. અને આ હંમેશાં આપણી કલ્પનાથી આગળ એક ચમત્કાર છે અને હું આશા રાખું છું કે ભારત દેશ હંમેશ માટે આ રીતે ધન્ય રહે. મેં આખા દેશમાં પ્રવાસ કર્યો છે અને હું વાસ્તવિક લોકોને મળ્યો છું, એટલે હું ખાતરી આપી શકું છું કે આ મારા હૃદયની અંદરથી આવેલો આલ્બમ દરેક ભારતીયના હ્રદય સુધી પહોંચશે.

‘વંદે માતરમ્’ની ઓળખ માટે રહેમાનને એક એવું ગીત જોઈતું હતું જે ભારત સંબંધિત હોય અને લોકો તે ગીતને સરળતાથી સ્વીકારી શકે – ખાસ કરીને યુવાનો. ગીતકાર મહેબૂબ (જેમણે ‘રંગીલા’ અને ‘દૌડ’ માટે ગીતો લખેલા) ને સ્પષ્ટ રીતે રહેમાને કહી દીધેલું કે કોઈ સંસ્કૃતના શ્લોક કે પહેલાં સાંભળેલા શબ્દો જોઈતા નથી. આ શરતો પર રજૂ થયેલું ગીત “મા તુજે સલામ” એક સમૂહગીત છે અને તેમાં એક અનોખી ઊર્જા તો છે પણ જ્યારે રહેમાન બોલે છે ‘ઓ મમ્મા તુજે સલામ’ ત્યારે એક આપણાપણું આ ગીતમાંથી છલકી આવે છે.

ગીત સાંભળતી વખતે તમને અનુભૂતિ થાય છે કે આ તે જ માણસ છે જેની પાસે કંઈ જ નહોતું તેમાંથી વિશ્વની ટોચ પર ચડ્યો છે અને હવે, ત્યાંથી તે વિજયકારક રીતે પુકાર કરી રહ્યો છે, એક એવા સ્થળ, એવી ભૂમિ વિશે જેણે આ બધું શક્ય બનાવ્યું છે. તે તેના દેશને જે કંઈ મળ્યું છે તેના માટે આભારી છે – લીલોતરી, ખેતરો, ક્ષેત્રો, મહાસાગરો, તેની ઓળખ અને તેને માણસ બનાવવા બદલ આભાર માને છે. “મા તુજે સલામ” એ રહેમાનનો તેના દેશ માટે સંગીતનો એક પ્રેમપત્ર છે.

“મા તુજે સલામ” – તામિળમાં “થાઇ મન્નાએ વણકમ્” – તે દેશનું એક બિનસત્તાવાર રાષ્ટ્રગીત બની ગયું. રહેમાન હજી પણ તેના કોન્સર્ટમાં, ખાસ કરીને વિદેશમાં હોય તો અચૂક આ ગીત રજૂ કરે છે.

અમેરિકાની બર્કલી યુનિવર્સિટીમાં “મા તુજે સલામ”નો આ વિડીયોઃ

***

હવે એક બીજા મહત્ત્વના ગીતની વાત કરીએ. નુસરત ફતેહ અલી ખાન કવ્વાલી સંગીતના ટોચના આધુનિક ગાયકોમાંથી એક હતા અને વિશ્વભરમાં તેમની ખ્યાતિ પામેલી. તેમણે કેટલાંક કવ્વાલીના આલ્બમ પણ ગાયેલા. રહેમાન નુસરત ખાનનો ચાહક હતો. એકવાર રહેમાને મુંબઈની કોઈ હોટલમાં રાતવાસો ત્યારે તે જ હોટલમાં નુસરત ફતેહ અલી ખાન પણ હતાં. અચાનક મોડી રાત્રે નુસરત ફતેહ અલી ખાનની રૂમ પાસે જઈને રહેમાને દરવાજો ખખડાવ્યો અને નમ્રતાથી પોતાનો પરિચય આપ્યો.

નુસરત તે વખતે સૂઈ ગયા હતા તેમ છતાં રહેમાનને ઓળખતા હતા એટલે તેનું ઉષ્માભર્યું સ્વાગત કર્યુ. રહેમાને નુસરતને કહ્યું, “હું તમારી પાસેથી કવ્વાલી શીખવા માંગુ છું.” અને નુસરતે તે જ સમયે પોતાના બધા જ સંગીતકારોને જગાડ્યા અને પોતાની રૂમમાં બોલાવી આખી રાત કવ્વાલીઓ ગાઈ. ગાતી વખતે રહેમાને નુસરત સાહેબ પાસેથી થોડી કવ્વાલી ગાવાની રીતો અને વાતો પણ પોતાની ડાયરીમાં નોંધી. એમ સમજો કે રહેમાને નુસરત ફતેહ અલી ખાનનો અંગત કોન્સર્ટ માણવા મળ્યો.

નુસરત ફતેહ અલી ખાન અને રહેમાને ‘વંદે માતરમ્’ આલ્બમ માટે “ગુરુઝ ઑફ પીસ” નામના ગીત પર સાથે કામ કર્યું. આ એક અત્યંત મહત્ત્વનું ગીત છે જે રડતાં બાળકોના અવાજોથી શરૂ થાય છે. બાળકો ગાય છે  join on shunshine / join our blue skies / sunshine break the crows / blue skies breaking out! અને પછી નુસરત ખાનનો સૂરીલો અવાજ અને રહેમાનનું આનંદદાયક સંગીત આવે છે. છેવટે, રહેમાનના અવાજથી ગીત આગળ વધે છે. તે અને નુસરત આપણને એક પ્રસન્ન સંગીતની મુસાફરીમાં લઈ જાય છે. આ એક એવું ગીત છે જે માનવ જાતિને હિંસા છોડવાની અપીલ કરે છે. ગીતમાં એક જગ્યાએ ‘તમે કોની રાહ જુઓ છો?’ એવો સવાલ બાળકો પૂછે છે. ‘બીજો દિવસ, બીજો યુગ, બીજી સવાર?’

“ગુરુઝ ઑફ પીસ” એક ગૌરવપૂર્ણ ગીત હતું, અને તે વિશ્વને સંકટ આપનારા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને રહેમાનના સૌથી શુદ્ધ કલાત્મક પ્રયત્નોમાંથી એક તરીકે યાદ કરવામાં આવે છે અને આવશે. દુર્ભાગ્યવશ આ ગીત નુસરત ફતેહ અલી ખાનનું છેલ્લું ગીત બની રહ્યું. આ ગીત ગાયા બાદ થોડાં જ દિવસોમાં હાર્ટ એટેકથી તેમનું અવસાન થયું હતું.

‘વંદે માતરમ્’ના બધાં ગીતો નોંધપાત્ર હતાં. પરંતુ “ગુરુઝ ઑફ પીસ” એ એક એવું ગીત હતું જે આલ્બમમાં નિર્વિવાદ રીતે કેન્દ્રસ્થાને ઊભરી આવ્યું. “મા તુઝે સલામ” ગીત એ રહેમાનની સૂચિનું નિર્ધારિત ગીત છે. આ ગીત “ચિન્ના ચિન્ના આસઈ” કે ‘બોમ્બે’ કે દિલ સે’ કે રંગીલા’ના ગીતો જેટલું જ મહત્ત્વનું હતું.

***

માર્ચ 1997 માં, ‘વંદે માતરમ્’ આલ્બમ રિલીઝ માટે તૈયાર હતું. આ આલ્બમ માટે રહેમાને ફિલ્મોના સંગીતને પણ ઓછું પ્રાધાન્ય આપેલું અને ખાતરી કરેલી કે ભારતના પચાસમા સ્વાતંત્ર્ય દિવસ માટે આલ્બમ સમયસર તૈયાર થાય. તત્કાલીન સોની મ્યુઝિક ઇન્ડિયાના માર્કેટિંગ ડિરેક્ટર શ્રીધર સુબ્રમણ્યમ સહિત બધાં જ આ આલ્બમ અંગે ખરેખર ‘નર્વસ’ હતા.

મુશ્કેલી એ વાતની હતી કે સોની મ્યુઝિક એશિયાના વડા ડેવિસ માર્ટિન હિન્દી બોલી કે સમજી શકતા નહોતા. તેમ છતાં ફક્ત ચાલીસ સેકંડમાં તેમણે પારખી લીધું કે આ આલ્બમ હીટ જશે. થોડાં મહિનાઓ પછી, મનીલામાં સોની કંપનીની એક કોન્ફરન્સમાં, જ્યારે વીસ મિનિટ સુધી (માર્કેટમાં રિલીઝ થયાં પૂર્વે) આલ્બમનાં ગીતો વગાડવામાં આવ્યા ત્યારે સોની મ્યુઝિકના વિવિધ અધિકારીઓને તે પસંદ પડ્રયા અને ગીતના હક્કો લેવા માટે અધિકારીઓમાં પડાપડી થઈ હતી.

આખરે ‘વંદે માતરમ્’ આલ્બમને 12 ઑગસ્ટ 1997 રોજ રજૂ કરવામાં આવ્યો. ભારતની આઝાદીના પચાસ વર્ષ થવાને ફક્ત ત્રણ જ દિવસની વાર હતી. આ આલ્બમના ભારતીય સંસ્કરણમાં ફક્ત સાત ગીતો હતા, જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે મોકલવામાં આવતાં સંસ્કરણમાં બે વધારાના ગીત ઉમેરવામાં આવ્યા – “માસૂમ” અને “મુસાફીર”. “માસૂમ” ગીત પાછળથી ભારતમાં ‘ગુરુઝ ઑફ પીસ’ આલ્બમના ભાગ રૂપે રજૂ કરવામાં આવેલો (જેને નુસરત ફતેહ અલી ખાનને તેમના નિધન પછીની રહેમાનની શ્રદ્ધાંજલિ હતી). “મુસાફીર” ગીતને એમટીવીના આલ્બમ ટોટલ મિક્સમાં સામેલ કરવામાં આવ્યો.

“મા તુઝે સલામ” ગીતની લોકપ્રિયતા એવી હતી કે 2002 માં જ્યારે બી.બી.સી. દ્વારા વિશ્વભરમાંથી પસંદ કરાયેલા સાત હજાર ગીતોનો એક સર્વે થયો ત્યારે દસ સૌથી પ્રખ્યાત ગીતોની પસંદગી માટે આંતરરાષ્ટ્રીય મતદાન થયું જેમાં “મા તુઝે સલામ” બીજા ક્રમે આવેલું.

“મા તુઝે સલામ” ગીત સૌથી વધુ ભાષાઓમાં ગવાયેલા ગીત તરીકે બે ગૌરવપૂર્ણ વર્લ્ડ રેકોર્ડ પણ ધરાવે છે. ભારતીય ગાયક સાઈ ‘સાયકક’ મનપ્રાગદાએ આ સિદ્ધિ બે વાર હાંસલ કરવા માટે 256 વિવિધ ભાષાઓમાં (વ્યક્તિગત રૂપે) અને ફરીથી 277 ભાષાઓમાં (સમૂહગીત સાથે) આ ગીત ગાયું. રહેમાનને પણ મૂળ ગીતના સંગીતકાર હોવા માટે 2010 માં કેલિફોર્નિયાના ઓકલેન્ડમાં એક કોન્સર્ટ પછી ગૌરવપૂર્ણ વર્લ્ડ રેકોર્ડ સર્ટિફિકેટ મળ્યું હતું.

આ આલબમ પરના અન્ય ગીતો ‘તૌબા તૌબા’, ‘રિવાઇવલ’, ‘ઓન્લી યુ’ ગીતો પણ લાજવાબ હતા. રહેમાન આંતરરાષ્ટ્રીય સ્તરે પહેલો ભારતીય પૉપ કલાકાર બન્યો જ્યારે ‘વંદે માતરમ્’ આલ્બમ એક સાથે 20 જુદા જુદા દેશોમાં એક સાથે રજૂ થયો. રહેમાને સ્વતંત્રતા દિવસ 1997 ની પૂર્વસંધ્યાએ આલ્બમના પ્રચાર માટે, દિલ્હીમાં એક કોન્સર્ટ ગોઠવ્યો અને તે સમયે પ્રેક્ષકોમાં કુલ પાંચ ભારતીય વડા પ્રધાનો પણ હતા. સોનીના જણાવ્યા અનુસાર આ આલ્બમે પહેલા જ અઠવાડિયામાં પાંચ લાખ કેસેટ્સનું વેચાણ થયું. ‘વંદે માતરમ્’ આલ્બમે વૈશ્વિક સ્તરે પણ ખૂબ સારો દેખાવ કર્યો અને આંતરરાષ્ટ્રીય સ્તરે સૌથી વધુ વેચાયેલો ભારતીય નોન-ફિલ્મ આલ્બમ બની રહ્યો.

***

2000 નું વર્ષ શરૂ થયું અને રહેમાને ફિલ્મોમાં પોતાનો વિજયરથ આગળ વધાર્યો. રાજકુમાર સંતોષીની ફિલ્મ ‘પુકાર’માં “કે સેરા સેરા” અને “સુનતા હૈ મેરા ખુદા” ગીતો લોકોએ પસંદ કર્યા. તે જ વર્ષે મણિ રત્નમની તામિળ ફિલ્મ ‘અલાઈપાયુથે’ માટે રહેમાનને ફરી ફિલ્મફેર એવોર્ડ મળ્યો. શ્યામ બેનેગલની ‘ઝૂબૈદા’, શશી નાયરની ‘વન ટુ કા ફોર’ અને તામિળમાં ‘રીધમ’, ‘થેનાલી’, ‘સ્ટાર’ અને ‘પાર્થાલે પર્વસમ’ જેવી ફિલ્મો આવી.

‘રંગીલા’ પછી આમિર ખાન અને રહેમાને ઘણી ફિલ્મો સાથે કરી. પરંતુ ‘લગાન’ ફિલ્મની વાત કરવી અહીં જરૂરી છે.

આશુતોષ ગોવારીકર દ્વારા દિગ્દર્શિત, ‘લગાન’ એ વસાહતી યુગના ચાંપાનેર નામના ગામડામાં રહેતા લોકો વિશેની વાર્તા હતી જેમાં સ્થાનિક લોકો બ્રિટીશ સરકારને એ શરતે ક્રિકેટ મેચ માટે પડકાર ફેંકે છે કે જો તેઓ જીતી જાય તો ચોખા પરનો કઠોર વાર્ષિક કર ત્રણ વર્ષ માટે માફ કરવામાં આવે. છેવટે ગામવાળાઓ જીતી જાય છે અને બ્રિટીશ સામ્રાજ્યનો પરાજય થાય છે. ‘લગાન’ ફિલ્મ એ 74મા એકેડેમી એવોર્ડ્સમાં શ્રેષ્ઠ વિદેશી ફિલ્મ કેટેગરીમાં નોમિનેટ થનારી (‘મધર ઈંડિયા’ અને ‘સલામ બોમ્બે’ પછી) ત્રીજી ભારતીય ફિલ્મ હોવા માટે સૌથી વધુ પ્રખ્યાત છે, જોકે તે બોસ્નિયન નિર્દેશક ડેનિસ તનોવિકની ‘નો મૅન્સ લૅન્ડ’ની સામે જીતી ન શકી.

ફિલ્મમાં આઠ ગીતો હતાઃ “ઘનન ઘનન”, “મિતવા”, “રાધા કૈસે ના જલે”, “ઓ રી છોરી”, “ચલે ચલો” અને “ઓ પાલનહારે” ગીતો લોકોના હ્રદયમાં વસી ગયા. ‘લગાન’ના ગીતો એ સંગીતકાર-ગીતકાર-ગાયકોનો અદ્ભૂત ત્રિવેણી સંગમ હતો. આ વિડીયોમાં જોઈએ આમિર ખાન, જાવેદ અખ્તર અને રહેમાનની ત્રિપુટીએ કરેલી કમાલની વાતોઃ

‘લગાન’ ફિલ્મ આશુતોષની આગાહી મુજબ, પૃથ્વી પરના લગભગ દરેક ભારતીયને પસંદ પડી. એ ફિલ્મ ભારતના વર્ષના સૌથી મોટા કમાણી કરનારમાંથી એક હતી, તે આંતરરાષ્ટ્રીય સ્તરે લોકપ્રિય હતી અને તેમાં સામેલ દરેક જણે ભારતમાં જીતી શકાય તેવા લગભગ દરેક એવોર્ડ જીત્યા, જેમાં શ્રેષ્ઠ સંગીત દિગ્દર્શક માટે રહેમાનનો ત્રીજો રાષ્ટ્રીય પુરસ્કાર પણ સામેલ છે. આ ફિલ્મ હજી પણ નિયમિતપણે ‘મરે તે પહેલાં જોવા જેવી’ અને ‘અત્યાર સુધીની મહાન ફિલ્મો’ની ઘણી સૂચિઓમાં સામેલ થતી રહે છે.

રહેમાન અને આમિરની દોસ્તી ભવિષ્યમાં ‘1947 – અર્થ’, ‘મંગલ પાંડે’, ‘રંગ દે બસંતી’ અને ‘ગજિની’ જેવા ઉત્કૃષ્ટ આલ્બમો અને ફિલ્મો આપવા માટે તૈયાર થઈ રહી હતી.

આજનો વિડીયોઃ

‘લગાન’ ફિલ્મ વિશેની વાતો, ફિલ્મ બનાવતી વખતે આવેલી અડચણો અને તેના ગીત, સંગીત અને કલાકારો વિશેની દુર્લભ વાતોની બે સી.ડી. રિલીઝ થયેલી જેનું નામ હતું – ‘ચલે ચલો’! આ બંને સી.ડી.ના વિડીયો યુટ્યુબ પર ઉપલ્બધ છે. અહીં તેનો પહેલો ભાગ મૂકું છું – પછીના ભાગ આ વિડીયો પર ક્લિક કરશો એટલે મળતા જશે.


eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here