दिल से रेहमान (9): આંતરરાષ્ટ્રીય સ્તરે રહેમાનની એન્ટ્રી અને ‘રંગ દે બસંતી’

0
471

‘વંદે માતરમ’માં રહેમાન સાથે કામ કરનાર ભારત બાલા રહેમાનની કારકિર્દીનો એક મહત્વનો ભાગ રહયા છે. જાહેરાતના દિવસો પછી ‘વંદે માતરમ’ જ નહીં પરંતુ રહેમાનના આંતરરાષ્ટ્રીય ગીતો અને અલગ અલગ પ્રોજેક્ટમાં પણ ભારત બાલાનો મોટો હાથ રહ્યો હતો. બાલા અને તેમની પત્ની કનિકા માયર બન્ને ‘વંદે માતરમ’ના ભાગ હતા.

આંતરરાષ્ટ્રીય કલાકાર માઈકલ જેક્સન ભારતીય હિન્દુજા ગ્રુપના ચેરમેન એસ. પી. હિન્દુજાનો મિત્ર હતો અને ‘વંદે માતરમ’ સાંભળ્યા બાદ બાલા અને કનિકાને મળવાની ઈચ્છા થઈ. બાલા અને કનિકા માઈકલને પેરિસમાં મળ્યા. આ ત્રણેયને સાથે કંઈક કરવું હતું અને એટલે જ રહેમાન સાથે પણ મુલાકાત મુલાકાત ગોઠવાઈ.

માઈકલને એક ભારતીય ગીત પર ડાન્સ કરવો હતો અને તેની માટે રહેમાન સાથે મળીને ‘એકમ સત્યમ’ ગીત રચાયું. માઈકલે જેવું ગીત સાંભળ્યું તરત જ તેના પગ થનગનવા લાગ્યા. એક વાર સ્પીકર પર અને ત્રણ ચાર વાર પોતાના હેડફોન્સ પાર ગીત સાંભળ્યું અને તેને ગમી ગયું.

‘એકમ સત્યમ’ રહેમાનની રચના હતી – તેના શબ્દો અંગ્રેજીમાં અને સંસ્કૃતમાં લખાયેલા હતા. સંસ્કૃત શબ્દો એ.આર. પારથાસારથિએ લખેલા અને અંગ્રેજી શબ્દો કનિકાએ પોતે લખેલા. જેક્સને આ ગીત પોતે તો ન ગાયું પરંતુ વોઈસઓવર કર્યું. માઈકલને રહેમાનનું કામ એટલું ગમ્યું કે તેની 1999ની ‘ Michael Jackson and Friends: What More Can I Give?’ ની દુનિયાની ટૂર માટે તેણે રહેમાન, પ્રભુ દેવા અને શોભના ચંદ્રકુમારને પોતાની સાથે આવવાનું આમંત્રણ આપ્યું. આ ટૂરના બે કોન્સર્ટ થયા – એક દક્ષિણ કોરિયામાં અને બીજો જર્મનીમાં.

આ ટૂરને કારણે રહેમાનને વિશ્વભરમાં ખ્યાતિ મળી. તેણે આપેલા અલગ અલગ પોઝ (હાથ ઉપર કરેલા કે અદબ વાળેલા કે આંખ બંધ કરેલા) તે આલ્બમના કવર પર અને પબ્લિસિટી માટે પણ વપરાયા. અહીં ‘એકમ સત્યમ’ ગીત સાંભળવા માટેનો એક વીડિયોની લિંક આપું છું:

***

જો આપણે એ.આર. રહેમાનની વૈશ્વિક કે સાર્વત્રિક અપીલનો એક નાનકડો પુરાવો જોઈએ તો એ વાતથી મળશે કે હોલિવુડના મહાન કલાકાર સર એન્ડ્રુ લોય્ડ વેબરે (Andrew Lloyd Webber) રહેમાન સાથે એક પ્રોજેક્ટ પર કામ કરવાનો વિચાર કર્યો અને તેનું પરિણામ આવ્યું – ‘બોમ્બે ડ્રીમ્સ’!

સર એન્ડ્રુને સંગીત જગતમાં સૌથી વધુ વ્યાવસાયિક રીતે સફળ રચયિતા અને બ્રિટિશ સંસ્કૃતિના સૌથી શક્તિશાળી લોકોમાંથી એક તરીકે ઓળખવામાં આવે છે. તેમણે બનાવેલા તેર મ્યુઝિકલ્સમાંથી કેટલાક તો ‘વેસ્ટ એન્ડ’ અને ‘બ્રોડવે’ માં એક દાયકાથી પણ વધુ સમય સુધી ચાલ્યા છે. 1992 માં તેમને નાઈટહૂડ અને સંગીતની સેવાઓ માટે ક્વીન એલિઝાબેથ (બીજા) તરફથી પુરસ્કાર પણ મળેલા છે. તેમની સાત રચનાઓને ટોનિઝ (થિયેટર માટેના ઓસ્કરની સમકક્ષ એવોર્ડ), ત્રણ ગ્રેમી અને એક ઓસ્કર એવોર્ડ મળ્યો છે અને તેઓ હોલીવુડ વોક ઓફ ફેમ પર એક સિતારા પણ છે.

શેખર કપૂર એ દિગ્દર્શક મણિ રત્નમ અને રામ ગોપાલ વર્માના મિત્ર પણ છે અને આ ત્રણેએ મળીને ફિલ્મો નિર્માણ કરવા માટે ‘ઈન્ડિયા ટોકીઝ’ નામની કંપની પણ શરૂ કરી હતી. ફિલ્મ ‘દિલ સે’ આ જ કંપની દ્વારા બનાવવામાં આવી હતી. અને, અલબત્ત, શેખર કપૂર રહેમાન અને તેના કામથી ઘનિષ્ઠ રીતે પરિચિત હતા.

લગભગ 1999માં, એન્ડ્રુ લોય્ડ વેબર અને શેખર કપૂર એક હોટલમાં બપોરના ભોજન માટે મળ્યા. શેખરને મળ્યાના બે વર્ષ પહેલાં તેમણે બોલિવૂડનું એક ગીત સાંભળ્યું હતું, પરંતુ તેના સંગીતકાર વિષે જાણકારી નહોતી.  વેબરને એ પણ અનુભવ થયો કે આ ગીતે ફક્ત તેમની ઉપર જ નહીં પરંતુ મોટા ભાગના બીજા સાંભળનારાઓને પણ અસર કરી છે.

શેખર કપૂરે તરત જ તે સંગીતકાર શોધી આપવામાં મદદ કરી. એ.આર. રહેમાનના નામ વિષે શોધખોળ કરતા ખબર પડી કે તેના ગીતો અને આલ્બમ બ્રિટની સ્પીયર્સ અને મેડોના કરતાં પણ વધુ વેચાયેલા છે, જેને કારણે તેમને રહેમાન સાથે કામ કરવાની લાલચ જાગી.

વેબરે શેખર કપૂરને પૂછ્યું કે શું તે રહેમાનને મળવાની વ્યવસ્થા કરી શકે છે? અને તરત જ તેઓ રહેમાનને મુંબઈમાં મળ્યા. રહેમાનને પૂછ્યું કે તે એક સ્ટેજ મ્યુઝિકલ લખવાનું વિચારે છે અને તેને તેમાં ભાગ લેવામાં રસ ખરો? રહેમાન સહમત થયો અને જેવી આ પ્રોજેક્ટ માટે હા પાડી, રહેમાન લંડન માટે રવાના થયો.

વેબર અને રહેમાન મળ્યાં તે વીડિયો:

ગાયકો અને સંગીતકારો સાથેના ગીતોના કેટલાક પ્રારંભિક પ્રદર્શન પછી, વેબરે ‘બોમ્બે ડ્રીમ્સ’ માટે સંગીતકારને બદલે નિર્માતા તરીકે કામ કરવાનું પસંદ કર્યું.  આમ જોઈએ તો બોલીવુડ આધારિત ‘બોમ્બે ડ્રીમ્સ’ નાટક એ ‘સ્લમડોગ મિલિયેનર’ ફિલ્મનું પૂર્વજ કહી શકાય.

‘બોમ્બે ડ્રીમ્સ’ એ મીરા સિયાલની એ જ નામની નવલકથા પરથી બનેલું હતું. ‘બોમ્બે ડ્રીમ્સ’ના નિર્માણમાં ભારતીય મનોરંજનના પ્રમાણેના બધાં જ યોગ્ય તત્વો હતા જે પશ્ચિમી પ્રેક્ષકોને પણ આકર્ષી શકે. લંડનમાં જે ‘બોમ્બે ડ્રીમ્સ’નું મૂળ સંસ્કરણ ભજવાયું તેમાં રહેમાને પહેલા કરેલી સાત ફિલ્મોના ગીતો સામેલ હતા – દા.ત. શંકરની તમિલ ફિલ્મનું ગીત “શાકલાકા બેબી”, રાજીવ મેનનની ફિલ્મ ‘મિન્સારા કાનાવુ’નું “ઉહ લા લા લા” અને મણિ રત્નમની ફિલ્મ ‘દિલ સે’નું “છૈયા છૈયા”. આ ફિલ્મમાં તેર સંપૂર્ણપણે નવા ગીતોનો પણ સમાવેશ થયેલો જેમ કે “સલામ બોમ્બે” અને “ઓનલી મી”.

‘બોમ્બે ડ્રીમ્સ’ જ્યારે રિલીઝ થયેલું ત્યારે સ્પર્ધા ઓછી નહોતી. તે વર્ષે બોય જ્યોર્જનું ‘ટેબૂ’ અને ડેવિડ યાઝબેકનું ‘ધ ફૂલ મોન્ટી’નો સમાવેશ થયેલો. ઉપરાંત, તે જ સિઝનમાં બ્રિટિશ બેન્ડ્સ ક્વીન (વિ વીલ રોક યુ) અને મેડનેસ (અવર હાઉસ) જેવા બે નવા શો પણ રિલીઝ થયેલા. સ્પર્ધા અને હકીકતને જોતા કે આ બૉલીવુડ સંગીત લોકોને કદાચ પસંદ ન પડે, સર એન્ડ્ર્યુને પૂરી જાણકારી હતી કે ‘બોમ્બે ડ્રીમ્સ’ નિષ્ફળ થઈ શકે છે અને પ્રિમીયરના રિલીઝ વખતે તેમને કહેલું કે આ તો એક જુગાર રમુ છું. લાગે તો તીર નહિ તો તુક્કો.

‘બોમ્બે ડ્રીમ્સ’ ના મેકિંગના બે વીડિયો યુટ્યુબ પર ઉપલબ્ધ છે:

‘બોમ્બે ડ્રીમ્સ’ને તે વર્ષના બીજા પ્રોગ્રામ કરતા ઘણું ઓછું એડવાન્સ બુકિંગ મળ્યું. તેનો પ્રીમિયર વેસ્ટ એન્ડ લંડનના એપોલો વિક્ટોરિયા થિયેટરમાં 19 જૂન 2002 ના રોજ થયો અને રાણી એલિઝાબેથ પોતે પ્રીમિયરમાં ઉપસ્થિત રહેવાના હતાં. પ્રીમિયરના દિવસે, રહેમાન અને ભારત બાલા બન્નેને સમારોહના સ્થળ પર લેવા લિમોઝિન મોકલવામાં આવી હતી. પરંતુ રહેમાને એક ટેકસીમાં જવાનું પસંદ કર્યું.

રહેમાન અને બાલા હોટલની બહાર નીકળ્યા અને થિયેટર માટે ટેકસી કરી. જો કે, થિયેટર સુધી પહોંચ્યા તેના થોડા મીટર દૂર, તેમને ખબર પડી કે વિક્ટોરિયા તરફના તમામ રસ્તાઓ પર ટ્રાફિક હતો કારણ કે ઇંગ્લેંડના રાણી હાજર રહેવાના હતાં. રહેમાને ટેકસીમાંથી ઉતરીને ચાલીને જવાનું શરૂ કર્યું. જ્યારે તેઓ થિયેટરના ગેટ પર પહોંચ્યા ત્યારે પોલીસકર્મીઓએ રોક્યા. પોલીસને બાલાએ કહ્યું – જે શોનો આ પ્રીમિયર છે તે શો આ ભાઈનો જ છે.

‘બોમ્બે ડ્રીમ્સ’ને તેના પ્રીમિયરમાં 13 મિનિટ અને 30 સેકંડ માટે સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું. ‘વેસ્ટ એન્ડ’માં તે 2 વર્ષ સુધી ચાલ્યું – 2002 થી 2004 સુધી. ઉત્તર અમેરિકામાં 14 મિલિયન ડોલરનો ધંધો થયો.

ચારેક વર્ષો પછી ૨૦૦૬માં રહેમાને આવું જ બીજું એક મ્યુઝિકલ પણ કર્યું – ‘લોર્ડ ઓફ ધ રિંગ્સ’! ત્યારબાદ શેખર કપૂરની ફિલ્મ ‘એલિઝાબેથ: ધ ગોલ્ડન એજ’ ફિલ્મ માટે સ્કોટલેન્ડના સંગીતકાર ક્રેગ આર્મસ્ટ્રોંગ સાથે કામ કર્યું અને ચીની ફિલ્મ નિર્માતા હી પિંગ સાથે 2003 માં મેન્ડરિન એક્શન-એડવેન્ચર ફિલ્મ ‘વોરિયર્સ ઓફ હેવન એન્ડ અર્થ’ પણ કરી.

આંતરરાષ્ટ્રીય સ્તરે રહેમાનની હવે સત્તાવાર રીતે એન્ટ્રી થઈ ચૂકી હતી.

***

આ એ જ સમય હતો જ્યારે રહેમાનની ભારતીય ફિલ્મોને થોડી અસર થઈ. ‘વંદે માતરમ’ વખતે કેટલાક ફિલ્મ નિર્માતાઓ નારાજ થયેલા. હવે વધુ નારાજ થયા. આ સમયે રહેમાનની ફિલ્મો પર એક નજર નાખીયે તો ‘લગાન’ના નોંધપાત્ર અપવાદ અને મણિ રત્નમના ‘કન્નાથિલ મુથમિત્તલ’ સિવાય 2000 અને 2001 માં પહેલાની તુલનામાં રહેમાને ઓછી ફિલ્મો કરી.

તેમ છતાં 2002ના વર્ષમાં મણિ રત્નમ સાથે ‘કન્નાથીલ મુતથામિત્તલ’ ફિલ્મ માટે રહેમાનને શ્રેષ્ઠ સંગીતકારનો નેશનલ એવોર્ડ મળ્યો. તે જ વર્ષે બે મહત્ત્વની હિન્દી ફિલ્મોમાં રહેમાને સંગીત આપ્યું – ‘ધ લિજેન્ડ ઓફ ભગતસિંહ’ અને ‘સાથિયા’. બંને ફિલ્મોનું સંગીત લોકોને ખૂબ જ ગમ્યું.

‘લગાન’ અને ‘ઝૂબૈદા’ પછી ‘ધ લિજેન્ડ ઓફ ભગતસિંહ’ ફિલ્મ પણ ઐતિહાસિક ફિલ્મ હતી જેના ગીત “મેરા રંગ દે બસંતી”, “દેસ મેરે દેસ મેરે” અને “સરફરોશી કી તમન્ના” લોકોને પસંદ પડયા. ‘સાથિયા’ ફિલ્મ મણિ રત્નમની એક તમિલ ફિલ્મ ‘અલાઈપાલુથે’ પરથી તેના જ મિત્ર અને આસિસ્ટન્ટ શાદ અલીએ બનાવેલી અને રહેમાનને શ્રેષ્ઠ સંગીતનો અને સોનુ નિગમને શ્રેષ્ઠ ગાયકનો એવોર્ડ મળેલો.

2003ના વર્ષમાં નિર્દેશક શંકરની ‘બોયઝ’ને ફિલ્મફેર શ્રેષ્ઠ સંગીત માટે નામાંકન મળ્યું. આ સિવાય તામિલમાં ‘પરસુરામ’, ‘એનાકકુ 20, ઉનાકકુ 18’ અને હિન્દી ફિલ્મ ‘તહઝીબ’ આવી. 2004ના વર્ષમાં એમ. એફ. હુસૈનની ફિલ્મ મીનાક્ષી માટે રહેમાનને ‘શ્રેષ્ઠ બેકગ્રાઉન્ડ સંગીત’ માટે નામાંકન મળ્યું. 2005ના કાન ફેસ્ટીવલમાં પણ આ ફિલ્મ દેખાડવામાં આવી.

આ વર્ષે રહેમાનના જીવનની બે મહત્ત્વની ફિલ્મો પણ રિલીઝ થઈ – ‘યુવા’ અને ‘સ્વદેસ’. ‘યુવા’ ફિલ્મ એક સાથે બે ભાષામાં બનાવવામાં આવી – હિન્દીમાં અને તામિલમાં. બન્ને ફિલ્મ મણિ રત્નમે નિર્દેશ કરી. ફિલ્મના ગીત “કભી નીમ નીમ કભી શહદ શહદ”, “શાકા લાકા બુકા”, “હે ખુદા હાફિઝ” અતિ પ્રચલિત થયા. ‘સ્વદેસ’ ફિલ્મ ‘લગાન’ પછી આશુતોષ ગોવારિકર અને રહેમાનનું બીજું નજરાણું હતું જે સુપર હીટ રહી. આ ફિલ્મ માટે રહેમાનને શ્રેષ્ઠ બેકગ્રાઉન્ડ સંગીતનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો. રહેમાને ગાયેલું “યે જો દેસ હૈ મેરા” આજે પણ રહેમાનનો શ્રેષ્ઠતમ ગીતોમાંથી એક ગણાય છે.

2005માં આમિર ખાન સાથે ‘મંગલ પાંડે’, શ્યામ બેનેગલની ફિલ્મ ‘નેતાજી સુભાષચંદ્ર બોઝ’, સુભાષ ઘાઈની ફિલ્મ ‘કિસના’ અને દીપા મહેતાની ‘વોટર’ ફિલ્મ આવી જેમાં રહેમાને સંગીત આપ્યું. સાત ગીત અને 13 ઈન્સ્ટ્રુમેન્ટલ સંગીત સાથે ‘નેતાજી સુભાષચંદ્ર બોઝ’ ફિલ્મ રહેમાન માટે એક અતિ મહત્ત્વનો પ્રોજેક્ટ હતો અને તેની ઘણી પ્રસિદ્ધિ મળી. 2005ના કાન ફિલ્મ ફેસ્ટીવલમાં ‘મંગલ પાંડે’ ફિલ્મ દર્શાવવામાં આવી. ‘વોટર’ ફિલ્મની ભારતીય રિલીઝમાં 6 અને વૈશ્વિક રિલીઝમાં 21 ગીતો હતા.

ત્યારબાદ આવી રાકેશ ઓમ પ્રકાશ અને આમિર ખાનની ફિલ્મ ‘રંગ દે બસંતી’ રિલીઝ થઈ. આ ફિલ્મ ‘લગાન’ જેવી તો નહોતી પરંતુ ભારતીય યુવાનો માટે તેની અસર એવી જ હતી. આ ફિલ્મના ‘લુકા છુપી’ અને ‘ખલબલી’ આ બન્ને ગીતોને તે વર્ષના બેસ્ટ ઓરીજીનલ સોન્ગ કેટેગરીમાં ઓસ્કર નામાંકન માટે વિચારવામાં આવ્યા. ‘લુકા છુપી’ ગીત પ્રસૂન જોશીએ લખ્યું અને રહેમાન અને લતા મંગેશકરે ગાયું.

બીજા ગીતોમાં શીર્ષક ગીત “રંગ દે બસંતી”, “મસ્તી કી પાઠશાલા”, “રૂબરૂ” પણ ખૂબ જ સંગીતમય ગીતો હતા. “લલકાર” ગીત ફિલ્મમાં આમિર ખાને એક કવિતા તરીકે લીધું. આ ફિલ્મે રહેમાનને શ્રેષ્ઠ સંગીતનો ફિલ્મફેર એવોર્ડ અપાવ્યો. ફિલ્મને ‘લગાન’ની જેમ જ ઓસ્કર એવોર્ડ માટે મોકલાઈ પરંતુ નામાંકન ન મળ્યું. આ ફિલ્મના ગીતોનો આલ્બમ તે વર્ષનો સૌથી વધુ સંભળાયેલો અને વેચાયેલો આલબમ બન્યો.

આજનો વીડિયો:

‘રંગ દે બસંતી’ ફિલ્મનું “લુકા છુપી” ગીત બનાવતી વખતે રહેમાન અને સ્વરકોકિલા લતા મંગેશકર:

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here