આર્જેન્ટિના vs ઇંગ્લેન્ડ ક્વાર્ટરફાઇનલ અને ડિએગો મેરેડોના મેચ

0
374
Photo Courtesy: GOAL dot COM

ડિએગો અરમાંડો મેરેડોના, એક સમયનો સ્ટાર ફૂટબોલર, જેને એના ફૂટબોલથી આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું હતું, અને આખી દુનિયાનું દિલ જીતી લીધું હતું. એમનું અવસાન હમણાં 25 નવેમ્બરે આર્જેન્ટિનામાં હાર્ટ એટેકને લીધે થયું હતું. મેરેડોના એક જીનિયસ ફૂટબોલર હતો, સાથે સાથે વિવાદાસ્પદ પણ હતો. એની કરિયર દરમ્યાન ડ્રગ સ્કેન્ડલ, ગુસ્સો અને એનું આખાબોલા પણું એના ડ્રીબલિંગ, ગોલ બનાવવાની એની ક્ષમતા અને એની પ્લેમેકિંગની સાથે સાથે ચર્ચામાં રહ્યું હતું. અને મેરેડોનાની આ બધી ખાસિયતોને સારી રીતે દેખાડતી એક મેચ હોય તો એ છે આર્જેન્ટિના અને ઇંગ્લેન્ડની 1986ના વિશ્વકપની ક્વાર્ટરફાઇનલ મેચ.

આ મેચ આર્જેન્ટિના 2-1 થી જીત્યું હતું, અને આર્જેન્ટિના તરફથી બંને ગોલ મેરેડોના એ કર્યા હતા. પહેલો ગોલ, જે “હેન્ડ ઓફ ગોડ” ના નામે ઓળખાય છે, એ ફૂટબોલ જગતનો સહુથી વિવાદાસ્પદ ગોલ હતો. અને એ “હેન્ડ ઓફ ગોડ” ની ચાર મિનિટ પછી મેરેડોના એ કરેલો ગોલ, જેણે ફિફા એ “ગોલ ઓફ ધ સેન્ચ્યુરી” ગણાવ્યો હતો. આ 1986નો વર્લ્ડકપ મેરેડોના ની આગેવાનીમાં આર્જેન્ટિના જ જીત્યું હતું. એ પછી મેરેડોનાની આગેવાનીમાં જ 1990 માં, અને મેરેડોનાની વિરાસત આગળ લઇ જનાર મેસ્સી ની આગેવાનીમાં 2014 માં આર્જેન્ટિના ફાઇનલમાં તો પહોંચ્યું હતું, પણ વર્લ્ડકપ જીતી શક્યું ન હતું. અત્યારે એ વર્લ્ડકપ, અને મેરેડોનાને પ્રખ્યાત બનાવનાર આ ક્વાર્ટરફાઇનલ વિશે ચર્ચા કરીએ.

વિશ્વકપ વિજેતા મેરેડોના. Courtesy: CBS Sports

આર્જેન્ટિના vs ઇંગ્લેન્ડ: 1986 મેક્સિકો વર્લ્ડકપની ક્વાર્ટરફાઇનલ.

તારીખ: 22 જૂન 1986

સ્ટેડિયમ: એસ્ટેડિઓ આઝટેકા, મેક્સિકો સીટી

હાજરી: 1,14,580 પ્રેક્ષકો.

આર્જેન્ટિના અને ઇંગ્લેન્ડ.

પૂર્વભૂમિકા

આર્જેન્ટિના સાઉથ અમેરિકન રાષ્ટ્ર છે જયારે ઇંગ્લેન્ડ યુરોપિયન. બંને અલગ અલગ ખંડ માંથી આવતા હોવાને લીધે 1986 પહેલા આર્જેન્ટિના અને ઇંગ્લેન્ડ બહુ ઓછા પણ નિયમિત રીતે મળ્યા હતા. ઇંગ્લેન્ડ સામે સ્કોટલેન્ડ પછી વેમ્બલી સ્ટેડિયમમાં રમવાવાળી આર્જન્ટિના 1951 માં બીજી ટિમ હતી. ’51 થી ’66 ના વર્લ્ડકપ વચ્ચે બંને ટિમ 5 વાર રમી, જેમાં એક મેચ 23મી મિનિટે ભારે વરસાદના લીધે પડતી મુકવામાં આવી. બાકીની 4 મેચ માં બે આર્જેન્ટિના અને બે ઇંગ્લેન્ડ જીત્યું હતું. ઇંગ્લેન્ડે જીતેલી બે માંથી એક ’62 ના વર્લ્ડકપની મેચ હતી, જે હારીને આર્જેન્ટિના બહાર ફેકાયું હતું. ’66 સુધી આર્જેન્ટિના અને ઇંગ્લેન્ડ એક સામાન્ય સ્પર્ધકોની જેમ જ રમતા, પણ ’66 માં ઈંગ્લેન્ડમાં રમાયેલા વર્લ્ડકપ માં રમાયેલી મેચે આર્જેન્ટિના અને ઇંગ્લેન્ડની કટ્ટર હરીફાઈની શરૂઆત કરેલી.

’66 માં ઇંગ્લેન્ડ અને આર્જેન્ટિના ક્વાર્ટરફાઇનલ માં મળ્યા. ઇંગ્લેન્ડ એ મેચ જ્યોફ હર્સ્ટના એકમાત્ર ગોલના સહારે જીત્યું હતું. જોકે આર્જેન્ટિનાના ફેન્સના કહેવા પ્રમાણે આ ગોલ પણ ઓફસાઈડ હતો. એટલું ઓછું હોય એમ મેચની અંતિમ મિનિટ્સમાં આર્જેન્ટાઈન કેપ્ટાન એન્ટોનિયો રેટિનને એના બીજા ફાઉલ માટે મેચમાંથી નિષ્કાસિત કરવામાં આવ્યો હતો (એ વખતે રેડ કાર્ડ ની પ્રથા ન હતી). આર્જેન્ટિનાના ફેન્સ આ નિષ્કાસનને સ્વીકારી ન શક્યા અને ત્યાંથી આર્જેન્ટિના અને ઇંગ્લેન્ડની હરીફાઈની શરૂઆત થઇ. એ પછી બંને રાષ્ટ્રો ત્રણ વાર મળ્યા, પણ ત્રણે ફ્રેન્ડલી મેચ હતી. ઓફિશિયલ મેચમાં બંને રાષ્ટ્રો આ 1986 ના વર્લ્ડકપમાં 20 વર્ષે મળ્યા.

ફોકલેન્ડ્સ વોર

’82 માં આર્જેન્ટિના એ એની નજીકના ફોકલેન્ડ્સ ટાપુઓ પર આક્રમણ કરીને કબ્જો મેળવી લીધો હતો. ફૉકલેન્ડ્સ ટાપુઓ એ સમયે (અને આજે પણ) ઇંગ્લેન્ડના તાબામાં હતા. ઇંગ્લેન્ડે પોતાના નૌકાદળ ની મદદ થી એ કબ્જો પાછો મેળવવાનો પ્રયાસ કર્યો અને એ યુદ્ધ બે ત્રણ મહિના જેવું ચાલ્યું, જેમાં ઇંગ્લેન્ડ નો વિજય થયો, અને આ દાઝ આર્જેન્ટિના ના મનમાં ઘણો લાંબો સમય રહી. ફોકલેન્ડ યુદ્ધ પછી ઇંગ્લેન્ડ અને આર્જેન્ટિના ની ટિમો પહેલી વાર કોઈ આંતરરાષ્ટ્રીય મંચ પર મળી રહી હતી.

1986 મેક્સિકો વર્લ્ડકપ: રોડ ટુ ક્વાર્ટરફાઇનલ

મેક્સિકો વર્લ્ડકપ નો ઓફિશિયલ લોગો. Courtesy: Wikimedia

ઇંગ્લેન્ડ અને આર્જેન્ટિના બંનેની 1986ના વર્લ્ડકપમાં વાજતે ગાજતે એન્ટ્રી થઇ. ઇંગ્લેન્ડ યુરોપિયન ક્વોલીફાયિંગ ગ્રુપમાં એક પણ મેચ હાર્યા વગર લીડર તરીકે ક્વોલિફાય થયું હતું. સામે આર્જેન્ટિના પણ કોન્ટિનેન્ટલ ક્વોલિફાયરમાં પહેલા સ્થાને રહીને ક્વોલિફાય થયું હતું.

ગ્રુપ સ્ટેજમાં આર્જેન્ટિના બે જીત અને એક ડ્રો સાથે પહેલા સ્થાને રહ્યું હતું. મેરેડોના એ ઇટાલી સામે કરેલા એક ગોલ સહીત અર્જેન્ટિનાએ 6 ગોલ કરેલા અને માત્ર 2 જ ગોલ થવા દીધેલા. આર્જેન્ટિનાના આ પરફોર્મન્સમાં એના કેપ્ટન ડિએગો મેરેડોનાનો મોટો ફાળો હતો. ગ્રુપ લીડર તરીકે રાઉન્ડ ઓફ 16માં આવેલા આર્જેન્ટિના એ ઉરૂગ્વેને આરામ થી 1-0 થી હરાવીને ક્વાર્ટરફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો હતો.

સામે ઇંગ્લેન્ડ માટે ક્વોલિફાય થવું થોડું અઘરું હતું. ઓપનિંગ મેચમાં પોર્ટુગલ સામે હારી, બીજી મેચમાં ગ્રુપ લીડર મોરોક્કો સામે મેચ ડ્રો ખેંચી. ગ્રુપની અંતિમ મેચ, જે ગયા વર્લ્ડકપ ની ડીસ્ગ્રેસ ઓફ ગિહોન ની ઘટનાને કારણે સાથે સાથે યોજાયેલી, અને એમાં ઇંગ્લેન્ડ પોલેન્ડને 3-0 થી હરાવીને ક્વોલિફાય થયું હતું. જેમાં સ્ટ્રાઈકર ગેરી લિનેકરની હેટ્રિક બહુ મહત્વની હતી. રાઉન્ડ ઓફ 16 માં પારાગ્વે સામે લિનેકરના 2 ગોલ બીઅર્ડસ્લેના ગોલ ની મદદથી 3-0 થી જીતીને ઇંગ્લેન્ડ આર્જેન્ટિના સામે ક્વૉર્ટરફાઇનલમાં આવ્યું હતું.

ધ મેચ

આર્જેન્ટિના અને ઇંગ્લેન્ડ ના સુકાનીઓ બ્લ્યુ માં 10 નંબર વાળા ડિએગો મેરેડોના અને એની સાથે હાથ મેળવતા ઇંગ્લેન્ડ ના ગોલકીપર પીટર શિલ્ટન Courtesy: BBC

મેચ ની શરૂઆતથી આર્જેન્ટિના એ પકડ જમાવવાની શરુ કરી હતી. મેરેડોના અને ટિમની મહેનત રંગ લાવી રહી હતી. એક પછી એક એટેક કરી રહી ને આર્જેન્ટિના પીટર શિલ્ટન ને બીઝી રાખી રહ્યું હતું. સામે ઇંગ્લેન્ડ મહેનત કરી રહ્યું હતું, પણ એ લોકો ગોલ સુધી પહોંચી શકવામાં એટલા સફળ નહોતા રહ્યા. 13મી મિનિટે ઇંગ્લેન્ડ પાસે એક ચાન્સ હતો, પણ ઇંગ્લેન્ડ પહેલા હાફમાં કોઈ મોટા ચાન્સ ક્રિએટ કરવામાં નિષ્ફળ રહ્યું.

આ દરમ્યાન ઇંગ્લેન્ડ, બીજી બધી ટીમ્સની જેમ મેરેડોના પર ફાઉલ કરતુ રહ્યું. પણ મેરેડોના ની હાઈટ ઓછી હોવાના લીધે એ આવા ઘણા ફાઉલ થી બચી પોતાની ગેમ ચાલુ રાખતો રહ્યો. ઓછી હાઈટ અને ફાઉલ સહન કરીને પણ ગેમ ચાલુ રાખવાની ક્ષમતા મેરેડોનાના ઉત્તરાધિકારી લાયોનલ મેસ્સીમાં પણ આવી છે.

બીજો હાફ, અથવા વો પાંચ મિનિટ, અથવા ધ ટાઈમ ઓફ મેરેડોના

મેચ ની મોટા ભાગની ઘટનાઓ જેણે મેચ અને મેરેડોના બંને ને પ્રખ્યાતિ અપાવી, આ બંને ઘટનાઓ માત્ર પાંચ-છ મિનિટ ના ગાળા માં થઇ ગઈ. એક ધ હેન્ડ ઓફ ગોડ અને બીજી ધ ગોલ ઓફ ધ સેન્ચ્યુરી.

ધ હેન્ડ ઓફ ગોડ

બીજા હાફ ની છઠ્ઠી મિનિટે મિડફિલ્ડર જુલીઓ ઓર્ટિકોઈચા એ મેરેડોનાને મેદાનની વચ્ચોવચ્ચ પાસ આપ્યો, ઈંગ્લીશ પ્લેયર્સના ટોળા વચ્ચે મેરેડોના ડ્રીબલ કરી ઈંગ્લીશ બોક્સની નજીક લઇ ગયો. મેરેડોનાની નજીક એનો ટીમમેટ હૉર્ગે વાલડાનો હતો. મેરેડોનાના મગજમાં વાલડાનો સાથે લિંક કરી ગોલ ક્રિએટ કરવાનો પ્લાન હતો. એટલે મેરેડોના એ વાલડાનોને એક નીચો પાસ આપ્યો. પણ બોલ વાલડાનો પાસે જવાને બદલે અંગ્રેજ મિડફિલ્ડર સ્ટીવ હોજ પાસે ગયો. સ્ટીવ હોજના મગજમાં પણ બોલને મેદાનની બહાર મોકલવાનો પ્લાન હતો, એ પણ ફેઈલ ગયો અને બોલ ઉછળીને ઇંગ્લેન્ડના પેનલ્ટી એરિયા પાસે જતો હતો.

મેરેડોના ઓલરેડી વાલડાનો પાસે બોલ જશે એ ગણતરીએ ગોલ તરફ જઈ રહ્યો હતો પણ પ્લાન ફેઈલ જતો જોઈ ધીમો પડ્યો. પણ બોલ પેનલ્ટી એરિયા તરફ ઉછળીને જતો જોઈ ચાન્સ લેવા ઝડપથી બોલ તરફ ભાગ્યો. સામે અચાનક બોલ અને મેરેડોના બંને પોતાની તરફ આવતા જોઈ પીટર શિલ્ટન પણ બોલ તરફ ભાગ્યો. મેરેડોનાની હાઈટ ઓછી હતી અને પીટર શિલ્ટન ની ઊંચાઈ 6 ફૂટ હતી, એટલે બોલ પર પહેલા હાથ પીટર શિલ્ટનનો પડત. પણ જીનિયસ મેરેડોના ઝડપથી ભાગીને બોલ પાસે પહેલા પહોંચી ગયો અને પોતાના ડાબા હાથની મદદથી બોલને અડી શક્યો. અને મેરેડોના ના હાથથી ગોલ થઇ ગયો.

સામાન્ય રીતે બોલને ચાલુ રમતે ગોલકીપર સિવાય કોઈ હાથ અડાડી ન શકે. પણ મેરેડોના એ અડાડ્યો, જોકે આ ઘટના રેફ્રીએ જોઈ ન હતી એટલે આ ગોલ એણે એલાઉ કર્યો. આ મેચ પછી ની પ્રેસ મીટ માં મેરેડોનાએ કહ્યું કે આ ગોલ થોડો મેરેડોનાના મગજ થી આવ્યો છે અને થોડો આમાં ભગવાનનો પણ હાથ છે (A little with the head of Maradona and a little with the hand of God). આ ગોલ તમે નીચેના વિડીયો માં જોઈ શકો છો.

ઇંગ્લેન્ડ ને આની કળ વળે એ પહેલા જ મેરેડોના તરફથી બીજો વજ્રાઘાત થયો. જો આ ગોલ વિવાદાસ્પદ હતો અને મેરેડોનાને ગાળો આપવાને લાયક હતો, તો બીજા ગોલે મેરેડોનાને કાયમ માટે જીનિયસની કેટેગરીમાં મૂકી દીધો.

ધ ગોલ ઓફ ધ સેન્ચ્યુરી

લગભગ 55મી મિનિટ પાસે ઇંગ્લેન્ડના એક એટેકને તોડતા બોલ મિડફિલ્ડર હેક્ટર એનરિકે પાસે આવ્યો અને પોતાનાજ હાફમાં એનરિકેએ બોલ મેરેડોનાને પાસ કર્યો. અને મેરેડોના એ 54 મીટરની દોડ શરુ કરી, 10 સેકન્ડની આ દોડમાં મેરેડોના પીટર બીઅર્ડસ્લે, પીટર રીડ, ટેરી બૂચરને બે વાર અને ટેરી ફેનવીકને માત આપીને ગોલની નજીક પહોંચી ગયો. મેરેડોનાએ ગોલની નજીક પહોંચી ગયેલા વાલડાનોને પાસ કરવાનો ડોળ કર્યો અને એની માઈન્ડ ગેમમાં આવીને પીટર શિલ્ટન બોલ પકડવા નીચે પડી ગયો, પણ શિલ્ટનને કઈ ખબર પડે એ પહેલા બોલ અને મેરેડોના બંને એની પાસેથી પસાર થઇ ગયા હતા. સામે લગભગ ખુલ્લો ગોલપોસ્ટ હતો, અને જૂની ઝડપને જ કન્ટિન્યુ કરતા મેરેડોના એ તરતજ ગોલ કરી આર્જેન્ટિના ને 2-0 ની લીડ આપી દીધી.

2006માં ફિફા એ આ ગોલ ને ગોલ ઓફ ધ સેન્ચ્યુરી ગણ્યો હતો.

નીચે આ ગોલ ઓફ ધ સેન્ચ્યુરી નો વિડીયો છે. જેમાં કમેન્ટ્રી ઉરુગ્વેના જર્નાલિસ્ટ વિક્ટર હ્યુગો મોરાલ્સે આપી છે. આ કમેન્ટ્રી એવી પેશનેટ છે કે સ્પેનિશ બોલતા અને સમજતા ફેન્સ બંને માટે આ ગોલ, અને આ કમેન્ટ્રી અવિભાજ્ય ઘટના બની ગઈ છે.

મેરેડોનાના ચમત્કાર પછી ની મેચ

55 મી મિનિટ ના ગોલ પછી એક તો નક્કી હતું કે આ મેચ આર્જેન્ટિના જ જીતવાનું છે. તેમ છતાં ઇંગ્લેન્ડે લડત આપવાનું શરુ રાખ્યું હતું. પાંચ મિનિટ માં ઇંગ્લેન્ડે સબસ્ટિટ્યુટ કરીને બે એટેકીંગ મિડફિલ્ડર ને મેદાનમાં મુક્યા. એ બંને એ ઘણા ચાન્સ બનાવે રાખ્યા, અને એમાંથી એક ચાન્સને ઈંગ્લીશ સ્ટ્રાઈકર ગેરી લિનેકરે ગોલમાં પરિવર્તિત કરી નાખ્યો. પણ એ પછી ઇંગ્લેન્ડ કોઈ આગળનો ગોલ ન કરી શક્યું અને 2-1 થી હારીને ફેંકાઈ ગયું. આ મેચમાં ઇંગ્લેન્ડ તરફથી થયેલો એક માત્ર ગોલ ગેરી લિનેકર નો આ વર્લ્ડકપમાં છઠ્ઠો ગોલ હતો. મેરેડોના એ આ મેચમાં બે ગોલ કર્યા એ આ ટુર્નામેન્ટમાં એનો બીજો અને ત્રીજો ગોલ હતો. સેમિફાઇનલમાં બે ગોલ કર્યા પછી પણ મેરેડોનાએ આ વર્લ્ડકપમાં પાંચ ગોલ કર્યા. આ વર્લ્ડકપનો ગોલ્ડન બુટ એવોર્ડ ગેરી લિનેકર ને મળ્યો.

મેરેડોનાનો વર્લ્ડકપ અને વર્લ્ડકપ પછી મેરેડોના

વર્લ્ડકપમાં મેરેડોના બેસ્ટ પ્લેયર સાબિત થયો. વર્લ્ડકપમાં અંડરડોગ તરીકે આવેલી આર્જેન્ટિનાએ એના સુકાની મેરેડોનાની મદદથી એનો બીજો (અને અત્યાર સુધીનો છેલ્લો) વર્લ્ડકપ જીત્યો. આ પછી 1990ના વર્લ્ડકપમાં પણ મેરેડોનાએ અર્જેન્ટિનાને ને ફાઇનલ સુધી પહોચાડ્યું હતું. 1986માં અર્જેન્ટિનાએ (વેસ્ટ) જર્મની ને હરાવ્યું હતું, તો 1990માં આ જ આર્જેન્ટિના (વેસ્ટ) જર્મની સામે હારી ગયું હતું.

1994નો વર્લ્ડકપ એ મેરેડોનાનો છેલ્લો વર્લ્ડકપ હતો. એ વર્લ્ડકપમાં ગ્રીસ સામે કરેલો ગોલ એ મેરેડોના તરફથી આર્જેન્ટિના માટેનો છેલ્લો ગોલ હતો. અને એ પછીની મેચ જેમાં આર્જેન્ટિના નાઈજીરિયા સામે 2-1 થી જીત્યું હતું એ બંને ગોલ મેરેડોનાએ બનાવ્યા હતા. આ મેચ આર્જેન્ટિના વતી મેરેડોનાની છેલ્લી મેચ બની રહી, એ પછી ડોપિંગ ટેસ્ટમાં ફેઈલ જતા મેરેડોનાએ ચાલુ ટુર્નામેન્ટે પાછા જતા રહેવું પડ્યું હતું.

1986ના વર્લ્ડકપ વખતે મેરેડોના ઇટાલીની ક્લબ નેપોલી તરફથી રમતો હતો, એ વખતે એનું સ્ટેટસ નેપોલી માટે ઓલરેડી લીજેન્ડ તરીકે ફાઇનલ થઇ ગયું હતું. એ ક્લબ અને હાઈ લેવલના યુરોપિયન ફૂટબોલ માં એણે બીજા 7 વર્ષ પરફોર્મન્સ આપ્યું. 86ના વર્લ્ડકપ પછી એ બીજા 10 વર્ષ રમ્યો. એ પછી મેરેડોનાએ કોચિંગ કરિયર પર હાથ અજમાવ્યો. કોચ તરીકે પણ મેરેડોના એ એની જીનિયસ કમ વિવાદાસ્પદ પર્સનાલિટી જાળવી રાખી. 2010ના વર્લ્ડકપમાં આર્જેન્ટિના માંડ માંડ ક્વોલિફાય થયું, એ પહેલા ફિફાએ ગાળાગાળી અને એગ્રેસીવ બિહેવિયર માટે એના પર બે મહિના પ્રતિબંધ મુક્યો હતો. જોકે 2010ના વર્લ્ડકપમાં જર્મની સામે ક્વાર્ટરફાઇનલ માં 4-0 થી હાર્યા એ પહેલા આર્જેન્ટિના સારું જ રમી રહ્યું હતું.

જ્યાં સુધી ફૂટબોલ રમતો હતો ત્યાં સુધી એની જિનિયસનેસ અને રીટાયર થયા પછી વિવાદો હંમેશા મેરેડોના સાથે સંકળાયેલા રહ્યા હતા. પણ મેરેડોના હંમેશા એક જીનિયસ ફૂટબોલર તરીકે યાદ રહેશે.

ગુડ બાય ડિએગો અરમાંડો મેરેડોના.

મે ધ ફોર્સ બી વિથ યુ….

અને ઘરમાં રહેજો, સુરક્ષિત રહેજો.

વધુ સાહિત્ય:

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here