નવા કૃષિ કાયદાઓ અંગે શરદ પવારના બેવડાં ધોરણો સામે આવ્યા!

0
408
Photo Courtesy: loksatta.com

ભારતભરમાં આજે નવા કૃષિ કાયદાઓ વિષેની ગરમાગરમ ચર્ચા ચાલી રહી છે. દેશની રાજધાની નવી દિલ્હીની તમામ સરહદો પર ખેડૂતો ચક્કાજામ લગાવીને તેને બાનમાં લઇ ચૂક્યા છે. ધીમેધીમે દિલ્હીમાં રોજબરોજની જીવનજરૂરી ચીજો આ ચક્કાજામને કારણે ખૂટી રહી છે તો કિસાન આંદોલનમાં ભારત વિરોધી તેમજ ખાલિસ્તાની તત્વો ભળી ગયા હોવાના પણ સમાચાર સામે આવ્યા છે.

આ તમામમાં જે રસપ્રદ બાબત સામે આવી તે એવી છે કે જે UPAના ઘટક દળો આજે આ નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે તેઓ તેમના શાસનકાળ દરમ્યાન તેનું સમર્થન કરી રહ્યા હતા. કોંગ્રેસના બેવડાં ધોરણો તો કિસાન આંદોલન શરુ થયાના થોડા જ સમયમાં સામે આવી ગયાં હતાં પરંતુ આજે UPAના સમયમાં કૃષિમંત્રી રહેલા અને NCPના વરિષ્ઠ આગેવાન શરદ પવાર પણ પોતાના અગાઉના સમયના નિવેદનોથી ફરી ગયા હોવાનું સામે આવ્યું છે.

સોશિયલ મિડીયામાં શરદ પવારનો એ પત્ર ફરી રહ્યો છે જે તેમણે પોતાના કૃષિમંત્રી તરીકે દેશના તમામ મુખ્યમંત્રીઓને લખ્યો હતો. આ પત્રમાં પવારે ગ્રામીણ ક્ષેત્રોમાં વિકાસ, આર્થિક સમૃદ્ધિ તેમજ ગ્રામીણ યુવાનોને રોજગારી અપાવવા માટે કૃષિ અંગે સારી કાર્યપ્રણાલી ધરાવતા બજારની આવશ્યકતા હોવા પર ભાર મૂક્યો હતો. તે સમયે શરદ પવારનું માનવું હતું કે કોલ્ડ ચેઈન સહીત કૃષિના તમામ માર્કેટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ખાનગી રોકાણની ખૂબ જરૂર છે.

આજે તેમના તેમજ તેમના સાથી પક્ષ કોંગ્રેસ દ્વારા એવો ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે કે કૃષિ કાયદાઓ જો અમલમાં મુકવામાં આવશે તો ખાનગી રોકાણ દ્વારા ખાનગી ક્ષેત્રની કંપનીઓ ખેડૂતોની જમીન હડપ કરી લેશે. જ્યારે કેન્દ્ર સરકારનો દાવો છે કે નવા કૃષિ કાયદાઓ દ્વારા તેણે તમામ નિર્ણયો ખેડૂતોના હાથમાં જ આપી દીધા છે. હાલમાં ભારતના અનેક રાજ્યોમાં કોન્ટ્રેક્ટ ફાર્મિંગ સફળતાપૂર્વક ચાલી રહ્યું છે જેમાં ખેડૂતો અને ખાનગી ક્ષેત્રની કંપનીઓ સાથે મળીને નીતિ-નિયમ બનાવીને ખેતી કરી રહ્યા છે.

ઉપરોક્ત પત્રમાં શરદ પવારે APMC એક્ટમાં સુધારો કરવાની જરૂરિયાત પર પણ બળ આપ્યું હતું જેમાં સુધારો થયા બાદ તેઓ અને તેમની પાર્ટી વિરોધ કરી રહી છે. આટલું જ નહીં પરંતુ 2007માં UPA સરકારે APMC એક્ટમાં સુધારો લાવવા માટે એક ડ્રાફ્ટ પણ બનાવ્યો હતો જેમાં તમામ રાજ્ય સરકારો પોતાના સૂચનો આપી શકતી હતી અને એ સમયે શરદ પવારે આ કાયદો ઝડપથી પસાર કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

આ પત્ર પર પોતાનો ખુલાસો રજુ કરતા NCPએ જણાવ્યું હતું કે કૃષિમંત્રી તરીકે શરદ પવારે તમામ રાજ્ય સરકારો તેમજ એગ્રીકલ્ચર માર્કેટિંગ બોર્ડ્સને સાથે લાવવાની કોશિશ કરી હતી પરંતુ રાજ્ય સરકારો આ અંગે પોતાની અનિચ્છા દર્શાવી રહી હતી.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here