दिल से रेहमान (10): ‘ગુરુ’, ‘ગજીની’ અને ‘સ્લમડોગ મિલિયોનેર’

0
443

‘રંગ દે બસંતી’ ફિલ્મને મળેલા અઢળક એવોર્ડ પછી તે વર્ષે (2006માં) રહેમાનની બે તામિલ ફિલ્મો રિલીઝ થઈ: ‘સિલ્લુનુ ઓરુ કાધલ’ અને ‘વારાલારુ’. ‘સિલ્લુનુ ઓરુ કાધલ’ ફિલ્મ માટે રહેમાનને શ્રેષ્ઠ સંગીતકારનો ફિલ્મફેર (તામિલ) એવોર્ડ અને ફેવરિટ સંગીતકારનો વિજય એવોર્ડ મળ્યો. આ ફિલ્મ પછી મરાઠી ભાષામાં ‘તુ હી રે’ નામથી પણ રજૂ થયેલી.

વર્ષ 2007 શરૂ થતાં જ મણિ રત્નમ અને રહેમાને મળીને એક અદભૂત ફિલ્મ બનાવી – ‘ગુરુ’! આ ફિલ્મ ભારતના પ્રસિદ્ધ ઉદ્યોગપતિ ધીરૂભાઇ અંબાણીના જીવન પર આધારિત હતી. ફિલ્મમાં ‘ગુરુ’કાન્ત દેસાઈનો શીર્ષક રોલ અભિષેક બચ્ચને નિભાવ્યો. ‘ગુરુ’ ફિલ્મ માટે રહેમાનને એકલાને જ દસ એવોર્ડ મળ્યા – શ્રેષ્ઠ સંગીતકારનો ફિલ્મફેર, આઈફા, ઝી સીને એવોર્ડ અને સ્ક્રીન એવોર્ડ; શ્રેષ્ઠ બેકગ્રાઉન્ડનો ફિલ્મફેર, આઈફા, ઝી સીને એવોર્ડ અને સ્ક્રીન એવોર્ડ; શ્રેષ્ઠ સંગીતનો વિ. શાંતારામ એવોર્ડ તથા “તેરે બીના” ગીતને CNN-IBNનો ‘સોન્ગ ઓફ ધ યર’ એવોર્ડ મળ્યો.

‘ગુરુ’ ફિલ્મમાં આઠ ગીતો હતા અને દરેક ગીતોની વિવિધતા પણ હતી. શ્રેયા ઘોષાલે ગાયેલું ઐશ્વર્યાનું વરસાદી ગીત “બરસો રે મેઘા મેઘા”, તૂર્કી સંગીતથી પ્રભાવિત મલ્લિકા શેરાવતનું “મય્યા મય્યા”, ગુજરાતી લોકગીત જેવું “એક લો એક મુફ્ત”,  પ્રેમગીત “તેરે બીના”, તથા “જાગે હૈ”, “એ હૈરથે”, “બાઝી લગા” અને “શૌખ હૈ” – દરેક ગીત સુપરહીટ! “તેરે બિના” ગીત એક કવ્વાલી હતી જે રહેમાને નુસરત ફતેહ અલી ખાનની દસમી પુણ્યતિથિના સંદર્ભે તેમને સ્મરણાંજલિ તરીકે ફિલ્મમાં સામેલ કરેલું. આ જ ગીત પછી વોલ્ટ ડિઝની પિક્ચર્સ દ્વારા રિલીઝ થયેલી 2013ની અમેરિકન થ્રીડી ફિલ્મ ‘પ્લેન્સ’માં પણ વપરાયું હતું.

“એ હૈરથે” ગીત માટેના શબ્દો ગીતકાર ગુલઝારે અમીર ખુશરોની રચના ‘એ શર્બતે આશિકી’ માંથી લીધેલા. રહેમાન એક વાર મક્કા હજ માટે ગયેલો ત્યારે નદી કિનારે એક ભાઈ ‘માયા માયા માયા’ એવું બોલતો હતો જેનો અરેબિક ભાષામાં અર્થ થાય છે પાણી. આ શબ્દ ગુલઝારને કહીને રહેમાને પોતાના “મય્યા મય્યા” ગીતમાં વાપર્યો. આ ગીત રહેમાને ઈજિપ્તના મારયેમ તૉલેરને પોતે ટ્રેનિંગ આપીને ગવડાવ્યું.

“ગુરુ” ફિલ્મ રહેમાન, અભિષેક અને મણિ રત્નમ ત્રણેય માટે એક યાદગાર ફિલ્મ બની રહી. ‘ગુરુ’ ફિલ્મ મેકિંગના આ ત્રણ વીડિયો યુટ્યુબ પર ઉપલબ્ધ છે:

તે જ વર્ષે રહેમાને ત્રણ અંગ્રેજી ફિલ્મો પણ કરી: ‘પ્રોવોકડ’, ‘બોમ્બિલ એન્ડ બિયાટ્રિસ’ અને ‘એલિઝાબેથ: ધ ગોલ્ડન એજ’.

નિર્દેશક શંકર સાથે મળીને રહેમાને દક્ષિણ ભારતના સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ ‘સિવાજી: ધ બોસ’ માં પણ સંગીત આપ્યું, જેની માટે રહેમાનને ફરી શ્રેષ્ઠ સંગીતકારનો તામિલ ફિલ્મફેર અને વિજય એવોર્ડ મળ્યા. આ ફિલ્મનો ઓડિયો 25 એપ્રિલ 2007 ના રોજ રિલીઝ થયો અને રાજીવ મેનનની વર્ષ 2000માં આવેલી મલ્ટિસ્ટારર ફિલ્મ ‘કંડુકોંડેન કંડુકોંડેન’ પછીનો સૌથી મોટો ભારતીય આલ્બમ બન્યો. (આ બન્ને ફિલ્મોમાં એ.આર. રહેમાનનું જ સંગીત હતું).

તામિલનાડુમાં ‘સિવાજી’ ફિલ્મ રિલીઝ થયા પહેલાં જ લગભગ 105,000 સીડી અને 90,000 કેસેટ્સનો પ્રી-ઓર્ડર હતો. રિલીઝના પ્રથમ દિવસની સમાપ્તિ સુધીમાં ઘણાં રિપીટ ઓર્ડર પણ પ્રાપ્ત થયા અને ઘણાં રિટેલ આઉટલેટ્સમાં સ્ટોક ખાલી થયાનું પણ નોંધાયું હતું. એપ્રિલના અંત સુધીમાં, કુલ સીડીનું વેચાણ લગભગ 140,000 જેટલું વધી ગયું હતું અને કેસેટ્સ 108,000 ના વેચાણ પર પહોંચી ગઈ હતી. વિદેશી મોરચે, મલેશિયા અને સિંગાપોરમાં સીડીના વેચાણથી તમિળ ફિલ્મ્સ માટે નવા રેકોર્ડ સર્જાયા હોવાના અહેવાલ પણ છે.

‘સિવાજી’ ફિલ્મના ઓડિયોના પ્રકાશનના પ્રથમ ત્રણ દિવસમાં જ 150,000 થી વધુ ફોન રિંગટોન, ટ્રુટોન અને વોલપેપર્સ ડાઉનલોડ થઈ ગયા હતા. રિંગટોનના સંદર્ભમાં, 12 એપ્રિલ 2007 સુધીમાં 200,000 રિંગ ટોન ડાઉનલોડ કરવામાં આવી હતી. ફિલ્મના ગીતો “આથીરાડી”, “વાજી વાજી” અને “સ્ટાઈલ” એ ત્રણ સૌથી વધુ ડાઉનલોડ થયેલા ગીતો હતા.

***

2008નું વર્ષ રહેમાન માટે અતિ મહત્ત્વનું રહ્યું. આ વર્ષે રહેમાને ફિલ્મ જગતના દિગ્ગજો સાથે કામ કર્યું અને લગભગ બધી જ ફિલ્મો સુપરહીટ રહી.

શરૂઆત થઈ આશુતોષ ગોવારિકરની ફિલ્મ ‘જોધા અકબર’ થી. જે 15 ફ્રેબ્રુઆરીના રોજ રિલીઝ થયેલી. આ ફિલ્મ ‘લગાન’ અને ‘સ્વદેસ’ પછી આશુતોષ-રહેમાનની જોડીનું ત્રીજું નજરાણું હતું અને ફિલ્મનું સંગીત લાજવાબ રહ્યું. ફિલ્મના પાંચ ગીતોમાંથી “અઝીમ-ઓ-શાન શહેનશાહ”, “કહેને કો જશ્ન-એ-બહારા” અને “ખ્વાજા મેરે ખ્વાજા” ગીતો આજે પણ રહેમાનના ટોપ ગીતોમાં સામેલ છે. રહેમાન આ ફિલ્મના સંગીત બાબતે વાત કરે છે, જુઓ આ વિડીયો:

‘સાઓ પાઓલો આંતરરાષ્ટ્રિય ફિલ્મ ફેસ્ટીવલ’માં આ ફિલ્મને શ્રેષ્ઠ ફોરેન લેન્ગવેજ ફિલ્મ માટે ઓડિયન્સ એવોર્ડ મળ્યો. તે સિવાય ‘ગોલ્ડન મિનબાર આંતરરાષ્ટ્રિય ફિલ્મ ફેસ્ટીવલ’માં બે એવોર્ડ, સાત સ્ટાર સ્ક્રીન એવોર્ડ, પાંચ ફિલ્મફેર અને બે નેશનલ એવોર્ડ મળ્યા. શ્રેષ્ઠ સંગીતકાર તરીકે અને શ્રેષ્ઠ બેકગ્રાઉન્ડ સંગીત માટે રહેમાનને આઈફા એવોર્ડ પણ મળ્યા.

તે વર્ષે રહેમાનના સંગીત બાબતે સ્પર્ધા પોતાની જ બીજી ફિલ્મ ‘જાને તુ…યા જાને ના’ સાથે હતી જેના ગીત “કભી કભી અદિતી”, “પપ્પુ કાન્ટ ડાન્સ સાલા”, “નઝરે મિલાના, નઝરે ચુરાના” યુવાન જનતામાં ખૂબ જ પ્રચલિત બન્યા. લગાતાર દસેક અઠવાડિયા સુધી આ ફિલ્મના ગીતો ટોપ 3માં રહયા. રહેમાનને શ્રેષ્ઠ સંગીતકારનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો.

સુભાષ ઘાઈ સાથે ‘તાલ’ ફિલ્મ કર્યા બાદ બંનેએ સાથે મળીને ‘યુવરાજ’ ફિલ્મ પર કામ કર્યું. આ ફિલ્મનું બેકગ્રાઉન્ડ સંગીત ‘ચેન્નઈ સ્ટ્રિન્ગ ઓર્કેસ્ટ્રા’ દ્વારા આપવામાં આવેલું જેમાં વેસ્ટર્ન કલાસિકલ અને રેટ્રો ડિસ્કો સંગીતનો સમાવેશ પણ થયેલો. આ ફિલ્મનું ફક્ત એક જ ગીત હીટ રહ્યું: “તુ મેરી દોસ્ત હૈ”. આ ફિલ્મ માટે બનાવેલા બે ગીત સુભાષ ઘાઈને પસંદ ન આવ્યા અને તે ગીતો રહેમાને પછી ‘સ્લમડોગ મિલિયોનેર’ ફિલ્મ માટે વાપર્યા.

આ જ વર્ષે આમિર ખાન સાથે રહેમાને ‘ગજીની’ ફિલ્મમાં કામ કર્યું. આ ફિલ્મમાં પાંચ ગીતો હતા: “બહેકા મૈં બહેકા”, “અય બચ્ચુ”, “ગુજારીશ”, “લટ્ટુ” અને “કૈસે મુજે તુમ મિલ ગયી”. ફિલ્મના શ્રેષ્ઠ સંગીત માટેનો ફિલ્મફેર અને આઈફા બંને રહેમાનને મળ્યા. ‘ગજિની’ તે વર્ષની જ નહીં પરંતુ ભારતીય ફિલ્મ જગતની ‘ઓલ ટાઈમ બ્લોકબસ્ટર’ એટલે કે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની જેનો રેકોર્ડ પછી આમિર ખાનની જ ‘3 ઈડિયટ્સ’ નામની ફિલ્મે તોડ્યો. આમિર ખાન પોતાના પરફેક્શન માટે જાણીતા છે એટલે તેણે રહેમાન સાથે મળીને આ ફિલ્મના સંગીતમાં પણ એટલું જ ધ્યાન આપ્યું, આ વીડિયો જુઓ:

***

રહેમાનને 2008માં અમેરિકાના એક નિર્દેશક તરફથી એક ઈમેઈલ આવ્યો:

Hey, I’m Danny Boyle, I like your work, and it would be great for us to have you on our film.

ડૅની બોયેલે 1994ની ફિલ્મ Shallow Grave સાથે નિર્દેશનક્ષેત્રે હોલીવુડમાં પદાર્પણ કર્યું અને પોતાની આવનારી ફિલ્મ માટે રહેમાન સાથે કામ કરવું હતું. રહેમાને તરત જ ફિલ્મ માટે હા ન પાડી. તેણે ઈમેઈલમાં કહ્યું કે મળીને વાત કરીએ. બંને મુંબઈમાં મળ્યા ત્યારે રહેમાને અચકાતાં અચકાતાં ફિલ્મ કરવાની હા પાડી. ત્યારબાદ ફિલ્મનું થોડું ઘણું શૂટિંગ જોયા બાદ જ રહેમાને પાકે પાયે હા પાડી.

તે સમયે રહેમાન પાસે ઘણી ફિલ્મો હતી તેમ છતાં આ ફિલ્મ માટે હા પાડી અને અત્યાર સુધીની બધી ફિલ્મો કરતાં સૌથી ઓછા સમયમાં ‘સ્લમડોગ મિલિયોનેર’ માટે સંગીત બનાવ્યું. બે મહિનાના સમય માટે પ્રતિબદ્ધ કરવામાં આવેલા રહેમાને આ ફિલ્મનું સંગીત ફક્ત વીસ જ દિવસમાં કરી આપ્યું.

‘સ્લમડોગ મિલિયોનેર’ ફિલ્મ એ ભારતીય લેખક વિકાસ સ્વરૂપની નવલકથા Q&A પરથી બનાવવામાં આવેલી. આ ફિલ્મમાં ત્રણ બાળકોની વાત છે – જમાલ, સલીમ અને લતિકા! આ ત્રણેય 1992ના બોમ્બેના રમખાણોમાં એકમેકથી અલગ થઈ જાય છે અને જમાલ  ‘કૌન બનેગા કરોડપતિ’ નામના ટી.વી. શો દરમિયાન ઈનામ જીતીને લતિકાને મેળવવાની કોશિશ કરે છે. એ કરોડો રૂપિયા જીતે તે પહેલા જ શોના હોસ્ટ (અનિલ કપૂર) પોલીસને કહીને જમાલને પોલીસ સ્ટેશનમાં ધકેલે છે. ઝુંપડપટ્ટીમાં રહેનારો જમાલ (સ્લમડોગ) કઈ રીતે પોતાના જીવનના પ્રસંગો દ્વારા રૂપિયા જીતે છે તેની વાત આ ફિલ્મ દ્વારા કહેવામાં આવી છે.

ફિલ્મના અંતમાં જ્યારે લતિકા અને જમાલ મળે છે ત્યારે “જય હો” ગીત શરૂ થાય છે. આખી ફિલ્મ મુંબઈમાં અને હિન્દી ભાષામાં શૂટ થયેલી અને અંગ્રેજીમાં તેનું ડબિંગ થયેલું. ફક્ત 15 મિલિયન ડોલરના બજેટમાં બનેલી ફિલ્મે 378 મિલિયન ડોલરની કમાણી કરી. Chicago Sun Times નામના અમેરિકન અખબારે ફિલ્મને ‘breathless’, ‘exhilarating’ અને ‘heart-breaking’ કહ્યું, Wall street જર્નલ અખબારે ‘the first truly globalized masterpiece’ કહીને ફિલ્મને નવાજી. બીજી તરફ ભારતની ગરીબી અને ઝુંપડપટ્ટી દર્શાવવા બદ્દલ સલમાન રશદીએ ફિલ્મને ridiculous અને નેશનલ એવોર્ડ વિજેતા ભારતીય નિર્દેશક અદૂર ગોપાલકૃષ્ણને ફિલ્મને anti-indian કહી.

દુર્ભાગ્યે, ‘ગજિની’ માટેનું સંગીત તૈયાર થતું હતું ત્યારે છેલ્લા કેટલાક દિવસોમાં રહેમાન માટેની એક વ્યક્તિગત દુર્ઘટના ઘટી. રહેમાનનો સાઉન્ડ એન્જિનિયર અને પ્રિય મિત્ર એચ. શ્રીધર, જેણે રહેમાનની સાથે પહેલી ફિલ્મ ‘રોજા’ માટે પણ સાથે કામ કર્યું હતું, તેનું નિધન થયું. શ્રીધરે ‘સ્લમડોગ મિલિયોનેર’ પર પણ કામ કર્યું – જોકે, કમનસીબે, તે ફિલ્મની વિશાળ સફળતા જોવા માટે જીવી શક્યો નહીં. શ્રીધરનું મૃત્યુ રહેમાન માટે એક મોટું નુકસાન હતું કારણ કે, તે ફક્ત તેના કામમાં જ સારો નહોતો, પરંતુ તે વ્યક્તિગત રીતે પણ રહેમાનની ખૂબ નજીક હતો.

‘ગજિની’ પર લગભગ 10 ટકા કામ બાકી હતું, પરંતુ રહેમાન પછી તે કરી શક્યો નહીં. તેના સહાયકોએ ફિલ્મનું સંગીત પૂર્ણ કર્યું. શ્રીધરને મરણોત્તર “જય હો” ગીત પરના તેમના કાર્ય માટે ગ્રેમી એવોર્ડ પ્રાપ્ત થયો અને તે હંમેશા માટે રહેમાનના હૃદયમાં વિશેષ સ્થાન મેળવી ગયો.

‘સ્લમડોગ મિલિયોનેર’ ફિલ્મ માટે, જ્યાં સુધી ભારતીયોની વાત છે, તે ફક્ત એક ફિલ્મ જ નથી, પરંતુ એક ગૌરવની વાત હતી. ભારત દેશના એક પ્રિય સંગીતકાર બનેલા ચેન્નઈના છોકરાએ હોલિવુડમાં ફિલ્મનું સંગીત આપ્યું એ વાત જ અદભૂત હતી. વિદેશીઓ માટે, તે રસપ્રદ, વિચિત્ર, નવલકથા હતી અને સંગીત અન્ય કોઈપણ ફિલ્મોથી તદ્દન અલગ હતું. રહેમાને એમ પણ કહેલું કે ‘સ્લમડોગ મિલિયોનેર’ ભારત અથવા ભારતીય સંસ્કૃતિ વિશે નથી. ફિલ્મની વાર્તા ક્યાંય પણ બની શકે છે: ચીન, બ્રાઝિલ, કે બીજા કોઈ પણ દેશમાં. જગતમાં કોઈ પણ કરોડપતિ બનવાની ઈચ્છા ધરાવી શકે છે.

‘સ્લમડોગ મિલિયોનેર’ ફિલ્મમાં ઘણા બધા ગીતો છે અને દરેક ગીત વિશિષ્ટતાઓને અનુરૂપ છે. તેમાંથી મોટા ભાગની ફિલ્મ માટેની મૂળ રચનાઓ હતી, પરંતુ ગીતોનો આ આલ્બમ અન્ય કલાકારોની મદદ દ્વારા બનાવવામાં આવ્યો હતો જેમ કે બ્રિટિશ ભારતીય રેકોર્ડિંગ કલાકાર એમ.આઇ.એ. (M.I.A.) દ્વારા “પેપર પ્લેન્સ” અને જૂની ફિલ્મોનાં ગીતોનો પણ ફિલ્મમાં ફરીથી ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમ કે 2006ની શાહરૂખ ખાનની ફિલ્મ ‘ડૉન’નાં ગીત “આજ કી રાત”!

“ગેંગસ્ટા બ્લૂઝ” અને “મિલિયોનેર” જેવા ગીતો કોઈ નાઈટક્લબના ગીતોની સૂચિમાં હોય તેવા હતા. “ગેંગસ્ટા બ્લૂઝ” એ લાંબા સમયથી રહેમાનના સહયોગી, ભારતીય રૅપર બ્લેઝ (Blaaze) અને ગાયક તન્વી શાહ વચ્ચેની રેપ-મેલોડી હતી. બીજી બાજુ અલ્કા યાજ્ઞિક અને ઇલા અરૂણ દ્વારા ગવાયેલા ‘રિંગા રિંગા’ ગીતમાં એક અલગ જ ઉત્સાહ અને આનંદદાયક  ઊર્જા હતી. તે એક ભારતીય-પર્સિયન સંસ્કરણ જેવું ગીત હતું. ‘ડ્રીમ્સ ઓન ફાયર” (Dreams on Fire) એક ધીમું ગીત છે જેના દરમિયાન પૃષ્ઠભૂમિમાં સતત ધીમુ સંગીત વાગતું રહે છે.

ફિલ્મનું પ્રારંભિક ગીત, “ઓ…સાયા” એ રહેમાન અને એમ.આઇ.એ. દ્વારા ગવાયેલું આફ્રિકન આદિજાતિના યુદ્ધ જેવું ગીત છે. એમ.આઇ.એ. (અસલ નામ માતંગી ‘માયા’ અરુલપ્રગસમ) શ્રીલંકા-તામિલ મૂળની ગાયિકા, ગીતકાર અને રેકોર્ડ નિર્માતા છે.

જાણે છેવટ માટે શ્રેષ્ઠ બચાવ્યું હોય તેમ, ફિલ્મના અંતમાં સાઉન્ડટ્રેક “જય હો” આવે છે. આ ગીત મુખ્યત્વે સુખવિંદર સિંઘે ગાયું હતું. તન્વી શાહે સ્પેનિશ શબ્દો ગાયેલા. ગીતના બેકગ્રાઉન્ડમાં વિજય પ્રકાશ અને મહાલક્ષ્મી અય્યરે પણ અવાજ આપેલો. રહેમાને, અલબત્ત, 81 મા એકેડેમી એવોર્ડ્સમાં રજૂ કરેલા આ ગીતનું સંસ્કરણ ગાયું છે.

“જય હો”  છેલ્લી મિનિટે ઉમેરવામાં આવેલું. ડાન્સરો સાથે સેટ પર “આજ કી રાત” ગીત પર શૂટિન્ગ થવાનું હતું પરંતુ રહેમાને નક્કી કર્યું છે કે આ આખા દ્રશ્ય પર બીજું એક ગીત વધુ સારી રીતે બંધ બેસશે અને એક નવું, અસલ ગીત “જય હો” બનાવવામાં આવ્યું. આ ગીત 5 મિનિટ 19 સેકંડ લાંબુ હતું. ફિલ્મની માંગ પ્રમાણે નવું ગીત વધુ ઉત્સાહપૂર્ણ, ઝડપી અને વધુ આકર્ષિત બનાવવામાં આવ્યું હતું. ગીત આમ તો ગીતકાર ગુલઝારે લખેલું પરંતુ ગીતમાં આવેલા સ્પેનિશ શબ્દો તન્વી શાહ દ્વારા લખાયેલ. તેના કારણે તે ગીતને લેટિન-અમેરિકન ફીલ મળી.

‘સ્લમડોગ મિલિયોનેર’ ફિલ્મનું સંગીત ભારત માટે ફક્ત બે શબ્દો દ્વારા વર્ણવી શકાય: “જય” અને “હો”! આ શબ્દોનો સંસ્કૃત અને હિન્દીમાં અર્થ વિજય અને જયજયકાર દર્શાવે છે. આ ગીતો અને ફિલ્મના સંગીતને કારણે ‘સ્લમડોગ મિલિયોનેર’ એક ઐતિહાસિક ફિલ્મ બનવાની કગાર પર હતી, જેની વાત આવતાં અઠવાડિયે!

આજનો વિડીયો

રહેમાને ગાયેલું “જય હો” ગીત:

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here